અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ખોવાણં રે સપનું

From Ekatra Wiki
Revision as of 14:57, 21 August 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


ખોવાણં રે સપનું

‘ગની' દહીંવાળા

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
                  મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
                  મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારાં શમણાંની એંધાણી,
તેજ તણો અંબાર ભર્યો છે, નામ નથી ઝાંખપનું,
                  મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી,
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
                  મારું તે દિવસનું સપનું.



‘ગની' દહીંવાળા • ખોવાણં રે સપનું • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: અમર ભટ્ટ