અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/થોડો એક તડકો
થોડો એક તડકો
ઉમાશંકર જોશી
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાંભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા.
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાંની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊ઼ડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો!
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮-૪૮૯)