અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/અંધારું

From Ekatra Wiki
Revision as of 19:48, 18 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


અંધારું

મણિલાલ દેસાઈ

અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.
અંધારું આંખોમાં આંજ્યું અંજાય
એને ઘૂમટામાં સાંત્યું સંતાય મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.

અંધારું ચમકે જો આંખ મહીં મધરાતે
અંધારું મલકે જે હોઠ મહીં મધરાતે
અંધારું કાળું ગુલાબ મારા બાલમા
અંધારું આપેલો કોલ મારા બાલમા.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.

અંધારું કોયલનું ટોળું નહીં બાલમા
અંધારું સોનાનો સુંવાળો સૂર
અંધારું કૂતરાનું ભસવું નહીં બાલમા
અંધારું મૌન તણું ધસમસતું પૂર.
અંધારું માગો તો આપ્યું અપાય
એને ભાંગો તો ભાંગ્યું ભંગાય મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું કાળું ગુલાબ મારા બાલમા.
લીમડામાં સૂસવતું ઝૂલે તે અંધારું
સુગરીના માળામાં લટકે તે અંધારું
અંધારું ફૂલોની છાબ મારા બાલમા
અંધારું પાળેલો બોલ મારા બાલમા.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.

અંધારું અટવાતું તારા આશ્લેષમાં
અંધારું ગૂંચવાતું છૂટેલા કેશમાં
અંધારું આપણો આ સંગ નહીં બાલમા
અંધારું વિરહવેરાન મારા બાલમા.
અંધારું! સૂરજ-શું ઊગે નહીં બાલમા
અંધારું લૂંટાયું ચેન મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.
(રાનેરી, ૧૯૬૮, પૃ. ૪૪-૪૫)



આસ્વાદ: અંધારું વિરહવેરાન – હરીન્દ્ર દવે

અંધકારનો મહિમા અનાદિકાળથી થતો આવ્યો છેઃ સૃષ્ટિમાં સૌ પ્રથમ અંધકાર હતોઃ એ પછી તેજ તો અંધકારના પરિણામ રૂપે જ આવ્યું. તેજનું પૂર્ણ રૂપ તો અંધકાર જ. એટલે જ સૂરજની વધુ નિકટ જનારની આંખો અંજાઈ જાય છે. એને અંધકાર જ દેખાય છે.

તેજ એટલે નરી આંખે દેખાય તે; અને આંખની શક્તિ મર્યાદિત છે. અંધકાર એટલે હૃદયથી અનુભવી શકાય તે; અને હૃદયની શક્તિ અપાર છે. તેજ વર્ણનીય છે, અંધકાર અવર્ણનીય છેઃ તેજ આવ્યું એથી અંધકાર વધારે ગહન બની ગયો.

તેજ એ કદાચ માંડૂક્યોપનિષદમાં વર્ણવાયેલ માયાનો હાથી છે જે પ્રતીતિ અને સમાચારથી હાથી એમ કહેવાય છે, વાસ્તવમાં નથી, તેજ વિશે જેટલી નિશ્ચિતતા પ્રવર્તે છે એટલી અંધકાર વિશે નથી હોતી.

એટલે કવિ અંધકાર માટે વિવિધ સંકેતો રચે છેઃ નથી નથીને રસ્તે છે ને પામે છેઃ અંધારું પીળું આકાશ નથી; એ તો મઝાનું રક્તવર્ણું ફૂલ છે. પીળું આકાશ—વળી બાવળનું ફૂલ બની જાય છેઃ અને ‘’લોલલાલ સુંવાળું ફૂલ’ ‘શમણાંની સુંવાળી શૂલ’ બની જાય છેઃ આંખોમાં તેજ ન આંજી શકાય — અંધકાર આંજી શકાયઃ પણ કવિ અભિવ્યક્તિને એથી યે વધારે સચોટ બનાવે છે. એને ઘૂમટામાં સાંતી શકાય, સંગોપી શકાય, કદાચ ઘૂમટામાં સાંતેલા અંધારાનું આ પ્રતિરૂપ ગુજરાતી કવિતાની સમૃદ્ધ અભિવ્યક્તિનું ઉદાહરણ છે.

આગળ જતાં કવિ એવું જ તાઝગીભર્યું પ્રતિરૂપ લઈ આવે છે. અંધારું કાળું ગુલાબ’—અંધકારની મહેકતી વાત પ્રજારામ પાસેથી સાંભળી હતી, પ્રહ્લાદે ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ કહી એ જ મહેકને કંઈક જુદા લહેકામાં ગાઈ હતીઃ અહીં અંધકારની મહેકની સાથે એનો આકાર પણ છેઃ અને આ આકારની સાથે જ એક અમૂર્ત કલ્પન આવે છેઃ ‘અંધારું આપેલો કોલ મારા બાલમા!’—ભવિષ્ય એટલે જ અંધકાર—‘કાલ’ મળશું એવો દિલાસો આપણે આપણી જાતને જ નહિ, કાળને પણ આપતા હોઈએ છીએઃ એટલે જ અપાયેલા કોલનું અનુસંધાન અંધકાર જોડે છે.

પણ અંધકારને તમે વર્ણથી ઓળખશો કે એની આંતરિક સંપત્તિથી? કોયલનાં ટોળાં જેવો ઘેરો ડિબાંગ અંધકાર તો સૌ કોઈ જોઈ શકે છે; સોનાના સુંવાળા સૂર જેવો અંધકાર કવિને જ સંભળાય છે. અંધકાર એટલે રાત્રે ક્ષિતિજ પર લય થતો જતો શ્વાનનો અવાજ નહીં પણ નીરવતાના ઊભરાતા અને ક્યારેક તો આપણા અસ્તિત્વને ભીંસી દેતા પ્રવાહો એ જ અંધકાર હોય છે!

આ અંધકારને તમે ભાંગી શકો છો—ઉમાશંકરે જ ક્યાંક કહ્યું છે ને

દીવો લઈ અંધકાર પ્રાસાદનો
શતખંડ કરતું આ કોણ ગયું?

અંધારું એટલે લીમડામાં થતો સૂસવાટો અથવા સુગરીના ચોખ્ખા માળામાં લટકતું શૂન્ય.

કવિ અંધકારની કેટકેટલી છબીઓ ઉપસાવે છે! પણ આખરે સમાપનમાં કહે છે. અંધકાર એટલે અજંપો; અંધકાર એટલે લૂંટાયેલું ચેન, કવિ ત્યાં સુધી જ કવિ રહે છે ત્યાં સુધી એને ચેન નથી પડતું. અજંપેની માધુરી પીનારાઓ જ કવિતાની કેડી પર સાબિત કદમ રહી શકે છેઃ

અંધારું આપણો આ સંગ નહીં,
અંધારું વિરહ — વેરાન.

(કવિ અને કવિતા)