અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/હળવા તે હાથે (કોમળ કોમળ)

From Ekatra Wiki
Revision as of 11:16, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હળવા તે હાથે (કોમળ કોમળ)|માધવ રામાનુજ}} <poem> હળવા તે હાથે ઉપાડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હળવા તે હાથે (કોમળ કોમળ)

માધવ રામાનુજ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;
ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ…

પહેર્યાં-ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ગુલાબી;
આંખમાં રાત્યું આંજતાં રે અમે ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગ્હેકાવજો રે અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો :
— ભવ ભવ આવાં આકરા રે અમને જીવતર મળજો!
— ભવ ભવ આવાં આકરા રે અમને જોબન ફળજો!
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!
(તમે, પૃ. ૧)