અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/હળવા તે હાથે (કોમળ કોમળ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હળવા તે હાથે (કોમળ કોમળ)

માધવ રામાનુજ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;
ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ…

પહેર્યાં-ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ગુલાબી;
આંખમાં રાત્યું આંજતાં રે અમે ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગ્હેકાવજો રે અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો :
— ભવ ભવ આવાં આકરા રે અમને જીવતર મળજો!
— ભવ ભવ આવાં આકરા રે અમને જોબન ફળજો!
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!
(તમે, પૃ. ૧)