અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયન હ. દેસાઈ/તમે જશો ને…

Revision as of 11:20, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમે જશો ને…|નયન હ. દેસાઈ}} <poem> સૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેડીય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તમે જશો ને…

નયન હ. દેસાઈ

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેડીયું ફરશે
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછીતે હોંકારાનો સૂરજ ઊગશે નહિ —
અને ઓશરીએ કલરવનાં પારેવાં ઊડશે નહિ
સમીસાંજના ધ્રુસ્કે ધ્રુસ્કે તુલસીક્યારો રડશે. — તમે જશો ને.

પીળચટ્ટા પાનેતર જેવું પછી કોઈ નહિ મલકે
પગલે પગલે ઓકળીઓના મોર પછી નહિ ટહુકે
તરફડતું એકાંત હશે ને ભણકારા ભાંભરશે. — તમે જશો ને.

ખળી, ઝાંપલી, વાડ, કૂવો, પગદંડી, ખેતર, શેઢા
બધાં તમારા સ્પર્શ વગરનાં પડી રહેશે રેઢાં
તમે ‘હતાં’–નું ઝાકળ પહેરી પડછાયાઓ ફરશે. — તમે જશો ને.
(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, ૧૯૭૯, પૃ. ૫૨)