અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર ગોહિલ/શકાશે?

Revision as of 05:37, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શકાશે?|મહેન્દ્ર ગોહિલ}} <poem> સમયને શું બીબામાં ઢાળી શકાશે? ને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શકાશે?

મહેન્દ્ર ગોહિલ

સમયને શું બીબામાં ઢાળી શકાશે?
ને સિક્કાની માફક ઉછાળી શકાશે?

સતત રાતભર વેરાતું જાય ઝાકળ,
ન સૂરજને તોયે પલાળી શકાશે.

સરી જાય રેતીની માફક હમેશાં,
શબદનાં હરણ કેમ પાળી શકાશે?

કે સૂરજ નથી આંખમાં ઊગવાનો,
તો અંધારને કેમ ભાળી શકાશે?

હથેળીમાં સંભવની રેખા સરે છે,
ક્ષણો કેમ સંભવતી ટાળી શકાશે?
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૧૦૦)