અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાપુભાઈ ગઢવી/પહેરણ ફકીરનું
Revision as of 06:08, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેરણ ફકીરનું|બાપુભાઈ ગઢવી}} <poem> મનનુંય શું કરું, હું કરું શ...")
પહેરણ ફકીરનું
બાપુભાઈ ગઢવી
મનનુંય શું કરું, હું કરું શું શરીરનું?
ક્યાં જઈ શકે ખસીને કશે વૃક્ષ તીરનું?
એવા જ ગુના મેંય કર્યા છે કબૂલ, હા,
મારુંય ભલે થાય, થયું જે કબીરનું!
ટીપેટીપું નિચોવીને તારી ગઝલ લખી,
આથી વધુ શું થાય બીજું કંઈ રુધિરનું?
આ વાત, વેણ, શબ્દનો શો અર્થ નીકળ્યો?
ગૂંગાનું ગાવણું અને સુણવું બધિરનું!
રહેવા દે બાપુભાઈ, તું સમજી નહીં શકે,
મેલું શું કામ હોય છે પહેરણ ફકીરનું?
(ગુજરાતી કવિતાસંચય : ૧૯૮૧, સંપા. હર્ષદ ત્રિવેદી, પૃ. ૪૨)