અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાપુભાઈ ગઢવી/પહેરણ ફકીરનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પહેરણ ફકીરનું

બાપુભાઈ ગઢવી

મનનુંય શું કરું, હું કરું શું શરીરનું?
ક્યાં જઈ શકે ખસીને કશે વૃક્ષ તીરનું?

એવા જ ગુના મેંય કર્યા છે કબૂલ, હા,
મારુંય ભલે થાય, થયું જે કબીરનું!

ટીપેટીપું નિચોવીને તારી ગઝલ લખી,
આથી વધુ શું થાય બીજું કંઈ રુધિરનું?

આ વાત, વેણ, શબ્દનો શો અર્થ નીકળ્યો?
ગૂંગાનું ગાવણું અને સુણવું બધિરનું!

રહેવા દે બાપુભાઈ, તું સમજી નહીં શકે,
મેલું શું કામ હોય છે પહેરણ ફકીરનું?
(ગુજરાતી કવિતાસંચય : ૧૯૮૧, સંપા. હર્ષદ ત્રિવેદી, પૃ. ૪૨)