અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અજિત ઠાકોર /મધરાતે

From Ekatra Wiki
Revision as of 00:21, 17 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


મધરાતે

અજિત ઠાકોર

એક ડોશી
રાતે અઢીક વાગે
હાથમાં ઝાંખું ફાનસ લઈ
ફળીમાંથી થાય છે પસાર.

એના જીંથરવીંથર ઊડતા વાળ સમારવા
એ જે ઘર સામે
મૂકે ફાનસ
સવારે
તે ઘરમાંથી ઓછું થાય એક ‘માણસ’.

સાંભળ્યું છે:
એને ઝાંપો ઠેકતી જોતાં
ગામ આખાનાં કૂતરાં રડી ઊઠે છે...
હું જાગી ગયો છું...

મારા પલંગ તળેથી ઉભરાતો
અંધકાર
કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં
પલટાઈ રહ્યો છે...

હું ચાદર ખેંચું છું
ફળીનો વાંસો પોલો જણાય...
સૂસવાતો લાગે...

પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું
ઘૂઘવે છે ફેનિલ દરિયો
પાંપણો પાછળ
તરે છે દૂ...ર
એક ઝાંખું ઝાંખું ફાનસ...
(અમદાવાદ, ૨૮ માર્ચ, ૧૯૮૫)



આસ્વાદ: માણસ–ફાનસ–મૃત્યુ – રાધેશ્યામ શર્મા

કાવ્યનું સત્ય, એના વાસ્તવનું કેવી કલ્પકતાથી આકલન થાય છે એના ઉપર પણ નિર્ભર છે. પ્રત્યેક પદે અને શબ્દ, વિરામે તથા પૂર્ણવિરામે વાસ્તવનો ભાવક સમક્ષ સાક્ષાત્કાર થતો આવે છે. વાસ્તવનાં અંતવર્તી તથ્યો, શબ્દની કળામાં જે રીતિવિધિએ કરી સ્વરૂપસ્થ બને છે અથવા તો પ્રત્યક્ષીકૃત થાય છે તે જોવું રસપ્રદ બને.

કૃતિમાં આવતાં વિધાનો ચિત્રકલ્પન યા ભાવકલ્પનની શૃંખલામાં પોતાની શુષ્કતાને ઓગાળી નાખતાં જોવા મળે છે. વિધાન યા વર્ણન, વર્ણન યા વિવરણ ખાતર ત્યાં નથી. આખી પ્રક્રિયા શરગતિએ પ્ર-ગતિ સાધે છે અને કૃતિની સમગ્ર અનુભૂતિને, સાર્થક અભિવ્યક્તિ દ્વારા એકતા અને અખંડતા અર્પે છે.

આ દૃષ્ટિએ ‘મધરાતે’ રચનાને પ્રથમ માણીએ અને પછી પ્રમાણીએ તો કાવ્યનાયકની આત્મલક્ષી અંગત અનુભવક્ષિતિજો, બાહ્ય જગતમાં મધરાતે પ્રવર્તતી એક–પાત્ર–કેન્દ્રની (ડોશી) ઘટના કેવું વિભીષણ (macabre) આયામ અર્ધી વિસ્તારે છે તે સંભાવના સાધારણીકૃત ઠરે.

રચનાનું મથાળું ‘મધરાતે’ વાંચ્યા બાદ ઉપાડ કો’ક (કથા–) પ્રસંગથી થાય છે. નાયક ‘હું જાગી ગયો છું’ જાહેર કરે છે ત્યાં સુધી ડોશીની fable(કથા)ની માંડણી અને પ્રતિષ્ઠા કરવામાં કરકસરપૂર્વક બાર પંક્તિઓ પ્રયોજાઈ છે. (જોકે ‘મધરાતે’ કહી દીધા બાદ ‘રાતે અઢીક વાગે’ ફરી કહી દેવાની જરૂર પડી છે.) ડોશી, ફાનસ અને એય ઝાંખું ફાનસ લઈ ક્યાંથી પસાર થાય છે? ફળીમાંથી ફાનસ છે, વીજદીવા નથી; વળી પોળ કે ગલી નહિ, પણ ફળી છે એટલે નગર કરતાં ગામડાગામની મધ્યરાત્રિની સૃષ્ટિ છે – જ્યાં મૃત્યુ સાથે જાતભાતની માન્યતાઓનું માયાવી જાળું લોકકલ્પનાએ ગૂંથેલું છે, ગૂંચવેલું છે.

બીજા શ્લોકમાં – ડોશી છે એટલે થાકે તે સ્વાભાવિક છે, અને એને મધરાતના આ પ્રહરે ‘જીંથરવીંથર’ વાળ સમારવા છે એટલે ફાનસ હેઠે મેલવું રહ્યું. અને જે ઘર આગળ તે મધરાતે ફાનસ મૂકે ત્યાં –

સવારે તે ઘરમાંથી ઓછું થાય એક ‘માણસ.’

કવિતામાં સૂચક રીતે અપનાવાયેલી આ કથનરીતિ (narrative technique), ‘ફાનસ’ની સંગાથે ‘માણસ’ને એવી રીતે સાંકળી લે છે કે ફાનસ–માણસની પ્રાસસભાનતાથી વાચક ઓચવાય પણ નહીં. ‘માણસ’ લખ્યા પછી મુગ્ધ ઉત્સાહી કવિતા લખનારો હોય તો આશ્ચર્યચિહ્ન ચીતર્યા વિના જંપે નહિ. અહીં તો નહિ, પણ સંપૂર્ણ રચનામાં ઉક્ત ચિહ્નનો અભાવ નોંધપાત્ર છે, સ્તુતિલાયક છે.

ત્રીજો શ્લોક ‘સાંભળ્યું છે’થી આરંભાય છે. મતલબ કે ડોશીની સુકલ્પિત દંતકથા દૃઢીભૂત બને. ડોશી કો’કનો ઝાંપો ઠોકતી ભળાય–સંભળાય તો ‘ગામ આખાનાં કૂતરાં રડી ઊઠે છે…’ ડાકણ–શી ડોશી, એનું ફાનસ અને ઝાંપો ઠોકવાની ચેષ્ટા – મોતના પયગામના સર્વસ્વીકૃત સામાન્ય સંકેતો તથા સાહચર્યો જાગ્રત કરી રહે છે. આ સંબંધમાં કવિ આર. એસ. થોમસની પંક્તિઓ જુઓ:

There are cries in the dark at night As owls answer the moon, And thick ambush of shadows Hushed at the fields’ corners.

આવી ભયાવહ સૃષ્ટિ અહીં પણ ઉપસ્થિત છે. કૂતરાંની ટહુવાડ પછી યોગ્ય રીતે જ ‘હું જાગી ગયો છું.’ એ પંક્તિ પ્રગટી છે.

ગામડામાં લોકો ખાટલા કે પલંગ નીચે ધીમી વાટ કરી ફાનસ મૂકતાં હોય છે. અહીં આવી સુપરિચિત વાસ્તવિકતાનો, કાવ્યના શબ્દગત સત્યની સ્થાપના અર્થે થયેલો વિનિયોગ એના દસ્તાવેજી મૂલ્ય કરતાં કળાના પદાર્થમાં પલટી નાખવાની ક્ષમતા દાખવે છે. પલંત તળેનું ફાનસ (કદાચ માની લઈએ કે) રાણું થઈ ગયું હશે પણ તે અંધારાનું રૂપ કેવુંક થઈ રહ્યું?

અંધકાર કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં પલટાઈ રહ્યો છે…

અહીં તર્ક કામ ના આપે, પણ કરવાનું મન થાય કે કવિએ ઓલવાયેલા ફાનસના અંધકારમાંથી આ ‘ઇમેજ’ સર્જી કે કેવળ અંધકારમાંથી જ ડોશીનું ફાનસ પેટાવ્યું?! જે હો તે, કાવ્યકળામાં આવી વસ્તુઓ વન–વે નહિ પણ ટુ–વે–ટ્રાફિક બની આવતી હોય છે. ક્યારેક તો મલ્ટી–વે!

બીકનો માર્યો નાયક ચાદર ખેંચે છે. (હવે ‘ચાદર તાણવી’, ‘ચાદર ખેંચવી’ એ નિદ્રા અને મરણ ઉભયને સંદર્ભાનુસાર લાગુ પડે)… ત્યાં નોંધો – નાયકને ડોશી ભળાતી નથી, અદૃશ્ય બની ચૂકી કે શું, પણ ડોશીનું સ્થાન હવે જાણે કે લઈ બેઠી હોય એવી ફળી જ વરતાય છે! ડોશી–ડાકણનો જ હોય એવો ફળીનો વાંસો પોલો જણાય છે, અને પોલો હોવાને લીધે ‘સૂસવતો લાગે…’ છે. પોલા વાંસાની પડછે ‘સૂસવતો’ લખીને કર્તાએ સૂનકારને મૂર્તિમંત કર્યો છે.

એલિઝાબેથ જેનિંગ્ઝની આ પંક્તિઓ મારા અંગત આસ્વાદને ઔર વળ આપે છે:

Ghosts do not haunt with any face That we have known; they only come With arrogance to thrust at us Our own omissions in a room.

ડાકણ ડોશી જ નહિ, અહીં તો મૃત્યુ શનેશર્નૈ સાક્ષાત્ થતું આવ્યું છે. પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું’ – આ પંક્તિ સમગ્ર રચનામાં એની નાજુક નકશીના કારણે પ્રિયતર બને એવી છે. બીજું, પાંપણ આગળ અટકાવાને બદલે પાંપણ પાછળ ‘ધૂધવે છે ફેનિલ દરિયો’ સૂચવીને નાયકના મનોમંથનની વ્યાપક સંકુલતા પણ પ્રત્યક્ષ કરાવાઈ છે. આ પંક્તિની પ્રયોજના તપાસો… તે ‘ધૂંધવે છે ફેનિલ દરિયો’ સ્વતંત્ર લીટી કે એકમ તરીકે પણ જોઈ શકો અને અનુવર્તી પંક્તિ ‘પાંપણો પાછળ’ વાંચતાં ઉપર્યુક્ત રીતે પણ લઈ શકો. છતાં સવિશેષ તો રચના આ રૂપે સ્વીકાર્ય બને:

પાંપણો પાછળ તરે છે દૂ…ર એક ઝાંખું ઝાંખું ફાનસ.

નાયક પોતે જ આ ઘરમાંથી ઓછો કે પાછો થવાનો છે–ની વિજ્ઞાપન કરતી ફાનસની ‘ઇમેજ’ ચિરસ્મરણીય બની જાય છે. ખાસ તો, ઉજાસના પ્રતીકરૂપ ફાનસ, અંધકાર અને પર્યવસાનનું પોત અને પરિમાણ કરે તે કીમિયો આ કૃતિમાં એકરસ થઈ વણાઈ ચૂક્યો છે. (રચનાને રસ્તે)