અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/ગયા મરણ વખતે

From Ekatra Wiki
Revision as of 10:10, 17 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


ગયા મરણ વખતે

બાબુ સુથાર

વૈતરણી ઓળંગતાં
ગાયના પૂંછડાને બદલે
પૂર્વજનું એક લાકડું પકડેલું
એ હાડકાનો આહાર
હજી યથાવત્ છે
મારી હથેળીમાં
મેં માને પૂછ્યુંઃ
શું કરવાનું
આ હાડકાના આકારને?
માએ કહ્યુંઃ
વટેમાર્ગુ જેમ રસ્તા પર પડતું
પોતાનું પગલું ભૂલી જાય
એમ તું પણ ભૂલી જા એને
હું ભૂલવા ગયો એ હાડકાને
તો એ મારી આંખમાં ઊગ્યું
મેં ફરી એક વાર માને પૂછ્યું:
હવે શું કરું આ હાડકાને?
માએ કહ્યુંઃ
જેને ભૂતકાળ ન હોય
જેને ભવિષ્યકાળ ન હોય
એમાં પધરાવી દે
એ કાગડાને
પછી મેં મારી સામેના દીવાની જ્યોતમાં
પધરાવી દીધું એ હાડકું
હું ત્યારનો જોયા કરું છું
દીવાની જ્યોતમાં
સળગ્યા કરતા
એક કાગડાને.



આસ્વાદ: પૂર્વજ–પરમ્પરાને હોમવાની કાવ્યવિધિ – રાધેશ્યામ શર્મા

જનમ એકાદશીની નહિ, ‘મરણએકાદશી’ની આ ૭મી રચના છે. કાવ્યારમ્ભે ગયા જન્મની નહિ, ગયા મરણ વખતની વાતથી પ્રસ્તુત થઈ છે.

‘ગરુડ પુરાણ’ જેવાં અન્ય પુરાણોમાં વૈતરણી નદી પાર ઊતરવા માટે ગાયનું પૂંછડું પકડવાના ઉલ્લેખનો અહીં વિપરીત રીતે વિનિયોગ થયો છે.

કાવ્યનાયક વૈતરણી ઊતરવા ગોપુચ્છને ઠેકાણે પૂર્વજનું એક હાડકું પકડે છે.

પૂર્વજનું એક હાડકું પરમ્પરા–ગ્રહણની એક વિધિનો અંશ છે. ગાયનું પૂંછડું પકડવાની ધાર્મિક ક્રિયાનો અનાદર કરી પોતાના પૂર્વજનું અસ્થિ ગત મૃત્યુકાળે ગ્રહણ કરવાનું ગમાડે છે. ઇટ ઇઝ હિઝ ચોઇસ.

પરમ્પરાનુંયે જડ હાડકું જ છે, પૂર્વજ તો જીવંત નથી એટલે હાડકું તો હાડકું પકડે છે, તે એવું મજબૂતીથી પકડે છે કે એની હથેળીમાં હાડકાના માપનો આહાર આ અવતારમાં પણ જડાયેલો જોઈ શક્યો છે તે.

આવી ધારણા જ નહોતી કે પૂર્વજનું હાડકું પકડી લઈ વૈતરણી ઊતરવા જતાં હથેળીમાં હાડકાના આકારની છાપ ચોંટી જશે!

– મિયાં મસ્જિદે નમાઝ પઢવા ગયા તો મસ્જિદ કોટે બાઝી, હથેળીમાંના હાડકાની જેમ!

હથેળીમાંય હાડકાંનાં હડેતા અંશો હોય છે. એની સંગાથે પૂર્વજના હાડકાએ મોંબત દોસ્તી કરી લીધી. નાયક ફસાઈ ગયો, મૂંઝાઈ ગયો.

ગત જન્મમરણની ઘટનાના અસ્થિમય ઓથારમાંથી ઊગરવા આ જન્મની માતા જ ઉગારી શકે એમ હતી તેથી તુરત પૂછી લીધું, શું કરવાનું આ હાડકાના આકારને?

અહીં ગદ્યકાવ્ય–નિર્માતાએ માતાના મુખે અનોખી તળપદ ઉપમા મૂકી છે: વટેમાર્ગુ જેમ રસ્તા પર પડતું પોતાનું પગલું ભૂલી જાય એમ, તું પણ ભૂલી જા એને.

માતા કદાચ જે કરીને ભૂતકાલીન વૈતરણી પાર કરી ઊતરી, એવો પરમ્પરાપરિત્યાગ ઇચ્છે તોય ભલો નાયક નથી કરી શકતો.

પરિણામે, જેવો ભૂલવા ગયો હાડકાના આકારને તો હાડકું સીધું હાથહથેળીમાંથી છટકી નાયકની આંખમાં ઊગ્યું!

ભૂલવા ગયો, હથેળીને મુક્ત કરવા વર્ત્યો તો પૂર્વજ પુષ્ટ પરમ્પરા દર્શનકેન્દ્ર આંખમાં ઊગી! નેત્રમાં ફોતરું ફૂદું કે કસ્તર પડે એ સહેવાતું નથી તો અહીં તો આંખમાં હાડકું ફૂલની પેઠે ઊગ્યું – જાણે સાલ્વેદોર ડાલીનું પેઇન્ટિંગ!

અમૂઝાયેલા નાયકનો ‘કોન્સેલિંગ રેફરન્સ પોઇન્ટ’ માત્ર એની મા છે એટલે ફરી પૂછે છે પૂર્વજના ઊગેલા અસ્થિફૂલને દર્શનમાંથી કઈ પેર ઊતરડવું? ઉખેડવું?

હવે રચના મધ્યે માતા સદા સાવધ ચેતના સ્વરૂપે ઉત્તરે છે: જેને ભૂતકાળ ન હોય, જેને ભવિષ્યકાળ ન હોય એમાં પધરાવી દે એ કાગડાને.

અત્રે કુશળ ગદ્યકર્તા માતામુખે હાડકાને ‘કાગડો’ બતાવી બનાવી એકબે ચમત્કાર સર્જે છે.

એક તો ભૂત–ભવિષ્યશૂન્ય કાળને તે હવનમાં પલટે છે અને એમાં હવ્ય બલિ રૂપે અસ્થિ–ક્રાકને હવનમાં પધરાવી વિગત ભવ અને ઇહભવમાંથી મુક્તિ મેળવવાનું સૂચવે છે.

આજ્ઞાંકિત નાયક માતૃ–આદેશને અનુસરી, ઝગમગતી કાલાતીત દીવાજ્યોતમાં મા જેને કાગડો માને છે પણ પોતે જેને ‘હવનમાં હાડકું’ તરીકે પીડાથી ભોગવે છે એને પધરાવી દે છે અને ત્યારનો નાયક જ્યોતમાં હોમાયેલા પૂર્વજ પ્રતિનિધિ કાગડાને સળગતો જોયા કરે છે.

કવિ બાબુ સુથારે ‘મરણ એકાદશી’માંની ગદ્યકૃતિમાં પ્રસ્તુત શબ્દવરણીમાં ઇકોનોમી સાધી એક વિશિષ્ટ શૈલી નિર્મી છે.

જાં કોકતો સાંભરે છે:

‘Style is a simple way of saying Complicated things.’ (રચનાને રસ્તે)