અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/આજ તો મને સોળમું બેઠું
Revision as of 10:15, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આજ તો મને સોળમું બેઠું|યોગેશ જોષી}} <poem> ::આજ તો મને સોળમું બે...")
આજ તો મને સોળમું બેઠું
યોગેશ જોષી
આજ તો મને સોળમું બેઠું...
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું!
હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ!
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું!
આજ તો મને સોળમું બેઠું...
આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ!
મેઘ-ધનુ આ પણછ ખેંચી; હૈયે પેઠું!
આજ તો મને સોળમું બેઠું...
લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ખબકારાયે મેઘની માફક
આજ તો વાગે!
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું?
આજ તો મને સોળમું બેઠું...
(ગુજરાત, દીપોત્સવી, ૨૦૬૦)