ઓખાહરણ/કડવું ૩
[બળપ્રાપ્તિ પછી બાણાસુરને યુધ્ધ-ઉન્માદ જાગે છે. ત્રણેય ભુવનમાં સમોવડિયો યોધ્ધો ન મળતાં ફરીથી શિવ પાસે ‘તમે વઢો કાં વઢનાર આપો’ - એવું વરદાન માંગતાં શિવજી ‘પુત્રી તારીનો વડસસરો તારા મદને હણશે’ એવો શાપ આપે છે.]
રાગ આશાવરી
વર આપી વળ્યા વિષધારી રે, સહસ્ર ભુજ પામ્યો અહંકારી રે,
ખૂંખારી ઘેર ચાલ્યો ખભો થાબડી રે, ગતિ તાપસની આવડી રે; ૧
અભિમાની બોલતો મુખે રે, ‘હું તો રાજ્ય કરું હવે સુખે રે,
હું તો અમર થયો એણી પેર રે,’ તપશ્ચર્યા કરી આવ્યો ઘેર રે. ૨
ઢાળ
પાયે લાગી પ્રજા પુરની, આવી મળ્યો પરધાન;
સહસ્ર ભુજ પામ્યો, અંબુજ - ફાલ્યાં - સરોવર સમાન. ૩
જાણે જુગ્મ વડની ડાળ ફૂટી, એમ હસ્ત રાજા તણા,
પોહોંચેપોહોંચા ઝગમગે, જાણે શેષનાગની ફણા. ૪
એક-એક હસ્તે સહસ્ર હસ્તીનું બળ, વસુધાતલ વશ કીધું.
નાગ વર્ગ ને સ્વર્ગ જીત્યું, રાજ્ય એક છત્રે લીધું. ૫
ચોસઠ દેશ ને ચાર દિશા, બાણે વર્તાવી આણ,
પગે પ્રથવી ધ્રૂજતી, મુખે ‘જુદ્ધ’ વદતો વાણ. ૬
મંત્રી સાથે વઢવું માગે, થાબડે બહુ નિજ અંગ;
માતંગ મારે, વળી પછાડે, પર્વતશૃંગ. ૭
ભરાવે બાથ ને હાથ ઝાટકે, મુખે ભાખે મેઘને સ્વર,
વઢનાર પાખે બાણને શરીર પ્રગટ્યો પરાક્રમ-જ્વર. ૮
ગણ-ગાંધર્વને અપ્સરા સાથે કૈલાસ ગયો રાજન,
જઈ બાણાસુરે શંકરને દ્વારે નૃત્ય માંડ્યું રાખી મન. ૯
થૈથૈેકાર ઘમકાર ઘુઘરડાં, અબળા પાગ માંડે ઠમઠમતા,
મંદિરથી મહાદેવ નીસર્યા, રામાની પેરે રમતા; ૧૦
અસુર, ઈશ્વર ને અપ્સરા નાચે, અમર ઇંદ્રાદિક જોય,
ચંગ, મૃદંગ, ઉપંગ ને વીણા, શબ્દ એકઠા હોય. ૧૧
મહાદેવ રસમગ્ન હુવા, રાજાને થયા તુષ્ટમાન,
બાણાસુરને કહે ઉમિયાવર, ‘માગ માગ વરદાન.’ ૧૨
રાય કહે, ‘સ્વામી! પ્રથમ મુને તમે સહસ્ર આપ્યા હસ્ત.
તે ભુજબળ મારું કોણે ન ભાંગ્યું, મેં જીત્યા લોક સમસ્ત. ૧૩
સ્વામી! બળ આપ્યું તો જોદ્ધો આપો, એટલું માગવું મારે,
તમે વઢો કાં વઢનાર આપો, જે ભુજનો ભાર ઉતારે.’ ૧૪
ત્યારે રીસ ચઢી ઈશ્વરને, ‘માગતાં ચૂક્યો મૂરખ;
જા, ભુજબળ તારું ભાંગશે ત્રિલોક-પૂજનિક પુરખઃ ૧૫
પુત્રી તારીનો વડસસરો તે તારા મદને હણશે,
થડ થકી તે કર તારાના કકડે કુકડા કરશે. ૧૬
ત્યારે બાણાસુરને શુદ્ધ આવી, ‘મેં માગ્યો શરાપ,
કકડા કરી કર કાપશે તે કેમ ખમાશે અદાપ?’ ૧૭
ભૂપ ભણે ‘સાંભળીએ, સ્વામી! તમ વચન થશે પ્રમાણ,
એટલું માગું : શત્રુ આવતાં આગળથી થાયે જાણ.’ ૧૮
શિવ કહે, ‘તારી ધર્મધજા આફણિયે ભાંગી પડશે,
તે વારે તું નિશ્ચે જાણજે, શત્રુ આવી ગડગડશે. ૧૯
વલણ
ગડગડશે શત્રુ મેઘની પેરે,’ નગર વળાવ્યો સોય રે,
બાણાસુર પછે અહરનિશ તે ધર્મધજા સામું જોય રે. ૨૧