સુદામાચરિત્ર/કડવું ૧

From Ekatra Wiki
Revision as of 07:34, 9 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|}} <poem> {{Color|Blue|[ મધ્યકાલીન આખ્યાનની પરંપરા મુજબ આરંભે ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું ૧

[ મધ્યકાલીન આખ્યાનની પરંપરા મુજબ આરંભે ગુરુ, ગણપતિ ને સરસ્વતીની વંદના કરતા કવિ ભક્તિરસ ચાખવા માટે જ સુદામાની કથા માંડી છે એમ કહે છે. કથાની આ પૂર્વભૂમિકા કવિએ ખૂબ ટૂંકમાં કરી છે. સ્તુતિની પહેલી બે કડીઓમાં પ્રાસ-લયની લીલા રસપ્રદ છે.]


રાગ આશાવરી
શ્રી ગુરુદેવ ને ગણપતિ; સમરું અંબા ને સરસ્વતી,
પ્રબળ ગતિ, વિમળ મતિ પામિયે રે. ૧

રમા-રમણ હૃદયમાં રાખું, ભગવદ-લીલા ભાખું,
ભક્તિરસ ચાખું, જે ચાખ્યો શુક-સ્વામીએ રે. ૨

ઢાળ
શુક સ્વામી કહે સાંભળ રાજા, પરિક્ષિત પુણ્યપિવત્ર;
દશમસ્કંધ અધ્યાય એંશીમેં, કહું સુદામાચરિત્ર. ૩

સાંદીપનિ ઋષિ સુરગુરુ સરખા, વિદ્યાવંત અનંત;
તેને મઠ ભણવાને આવ્યા, હળધર ને ભગવંત. ૪
તેની નિશાળે વડો વિદ્યાર્થી, ઋષિ સુદામો કહાવે;
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ, સુદામા પાસે આવે. ૫

સુદામો, શ્યામ, સંકર્ષણ, અન્નભિક્ષા માગી લાવે;
એકઠા બેસી અશન કરે તે, ભૂધરને મન ભાવે. ૬

સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય;
એક સાથરે શયન કરતા, મોરલીધર, બળ, મુન્ય.૭

ચોસઠ દહાડે ચૌદ વિદ્યા, શીખ્યા બેઉ ભાઈ;
ગુરુને ગુરુદક્ષિણા આપી, વિઠ્ઠલ થયા વિદાઈ.૮

કૃષ્ણ સુદામો ભેટી રોયા, બોલ્યા વિશ્વાધાર;
‘મા’નુભાવ! ફરીને મળજો. માગું છું એક વાર.’ ૯

ગદ્‌ગદ કંઠે કહે સુદામો, ‘માગું દેવ મુરારિ;
સદૈવ તમારાં ચરણ વિષે, મનસા રહેજો મારી.’ ૧૦

મથુરામાંથી કૃષ્ણ પધાર્યા, પુરી દ્વારિકા વાસી;
સુદામે ગૃહસ્થાશ્રમ માંડ્યો, મન જેનું સંન્યાસી. ૧૧

પતિવ્રતા પત્ની છે પાવન, પતિને પ્રભુ કરી પ્રીછે;
સ્વામીસેવાનું સુખ વાંછી, માયાસુખ નવ ઇચ્છે. ૧૨

દશ બાળક થયાં સુદામાને, દુઃખદરિદ્રે ભરિયાં;
શીતળાએ અમીછાંટો નાખ્યો, થોડે અન્ને ઊછરિયાં. ૧૩

અજાચક વ્રત પાળે સુદામો, હરિ વિના હાથ ન ઓડે;
આવી મળ્યું તો અશન કરે, નહિ તો ભૂખ્યાં સાથરે પોઢે. ૧૪

વલણ
પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઇચ્છે ઘરસૂત્રનું;
ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરું પાડે પતિપુત્રનું.૧૫