ઉમાશંકરનો વાગ્વૈભવ/લેખક-પરિચય

From Ekatra Wiki
Revision as of 19:40, 8 November 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


લેખક-પરિચય
ચંદ્રકાન્ત શેઠ

મૂળની સાથે મેળ છે તેવા, સત સાથે સુમેળ છે તેવા કવિ, ગદ્યકાર, વિવેચક ચંદ્રકાન્ત શેઠનો જન્મ તા. ૩-૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે થયો હતો. વતન ઠાસરા (જિ. ખેડા). માતા સરસ્વતીબહેન, પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરી (તા. હાલોલ), ધોરણ ૮થી ૧૧ પ્રોપ્રાઇટરી હાઇસ્કૂલ, અમદાવાદમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં સ્નાતક, ૧૯૬૦માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.; ‘ઉમાશંકર જોશીઃ સાહિત્યસર્જક અને વિવેચક’ વિષય લઈને ૧૯૭૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. થયા. એ પછી પણ ઉમાશંકર જોશી વિશે એમનો અભ્યાસ સતત ચાલ્યો. ૧૯૬૧-૬૨ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા, ૧૯૬૨-૬૩ કપડવંજ કૉલેજમાં અધ્યાપક, ૧૯૬૩-૬૬ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં વ્યાખ્યાતા, ૧૯૬૬-૭૨ ભક્ત વલ્લભ ધોળા કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક, ૧૯૭૨ ગૂજરાત વિદ્યાપીઠમાં રીડર, ૧૯૭૯-૮૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીઅન પર આવ્યા અને ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના નિયામક થયા. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન; ૧૯૯૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. ૧૯૯૮થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સહસંપાદક તરીકે તથા બાળવિશ્વકોશના સંપાદક તરીકે સેવાઓ આપે છે. ૧૯૮૦-૮૨ સહસંપાદક, ૧૯૮૨-૮૪ માનાર્હ સંપાદક, ગુજરાતી સાહિત્યકોશ, ગુ. સા. પરિષદ; ૧૯૮૯-૯૦માં રાષ્ટ્રીય પ્રાધ્યાપક. ચંદ્રકાન્તનાં બાહ્ય રૂપોનો ભુક્કો કરી, (‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’) અસલ ચંદ્રકાન્તને શોધવાની અને પામવાની તેમની સર્જન-પ્રક્રિયા કવિતામાં તેમજ ‘નંદ સામવેદી’ના નિબંધોમાં યે ચાલે છે. જાતને તળે-ઉપર કરવાની પ્રક્રિયા આ સર્જકમાં સતત ચાલતી રહી છે. જાતની વિડંબના કરતા જઈને આ કવિ શબ્દનું સત પેટાવતા રહે છે. આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ... બધાંમાં રસ છે. આથી એમની કવિતામાં અને ગદ્યમાં સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે. ચંદ્રકાન્ત શેઠ પાસેથી ચૌદેક કાવ્યસંગ્રહો, ચૌદેક નિબંધસંગ્રહો, સંસ્મરણ, એકાંકી, બાળકાવ્યો, બાળવાર્તાઓ, ટૂંકી વાર્તા, હાસ્યકથા, વિવેચન-સંશોધન, સંપાદન, અનુવાદ રૂપાન્તર જેવાં સાહિત્યના વિવિધ ક્ષેત્રોને આવરી લેતાં તેમનાં લગભગ ૧૨૫ પુસ્તકો પ્રગટ થયાં છે. ૧૯૬૪માં ‘કુમાર’ ચંદ્રક, ૧૯૮૩માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૬માં સાહિત્ય અકાદેમી દિલ્હીનો ઍવૉર્ડ, ૨૦૦૫માં નરસિંહ મહેતા ઍવૉર્ડ, ૨૦૦૬માં ગુજરાત સાહિત્ય અકાદેમીનો ગૌરવ પુરસ્કાર, ૨૦૧૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સચ્ચિદાનંદ સન્માન, ૨૦૧૫-૧૬માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૨૦૧૭માં ‘દર્શક ઍવૉર્ડ’, ૨૦૧૮માં બાળકિશોર સાહિત્ય માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો ઍવૉર્ડ વગેરેથી તેઓ સાહિત્યસેવા સન્માનિત થઈ છે. — યોગેશ જોષી