ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપક

From Ekatra Wiki
Revision as of 12:00, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


રૂપક(Metaphor) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આ સાદૃશ્યમૂલક અભેદપ્રધાન આરોપયુક્ત અર્થાલંકાર ગણાયો છે; જેમાં સાદૃશ્યના આધાર પર પ્રસ્તુતમાં અપ્રસ્તુતનો આરોપ કરીને અભેદની કે એકરૂપતાની સ્થાપના કરવામાં આવે છે. એટલેકે રૂપકઅલંકારમાં ઉપમેય-ઉપમાનનું રૂપ લે છે કે પછી ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવે છે. આમ રૂપનો આરોપ થતો હોવાથી આ રૂપકઅલંકાર છે. જેમકે ‘બાહુલતા’ યા ‘મુખચન્દ્ર’. ભામહે રૂપકની બે વિશેષતા નોંધી છે : ઉપમેય-ઉપમાની એકરૂપતા અને ગુણોની સમતા. દંડી ‘તાદાત્મ્ય પ્રતીતિ’ પર ભાર મૂકી ઉપમાન-ઉપમેયના પરસ્પરના તિરોધાનને પુરસ્કારે છે. વામન રૂપકને ઉપમાના પ્રપંચરૂપે જુએ છે, તો મમ્મટ ઉપમાન અને ઉપમેયના અભેદને રૂપક કહે છે. વિશ્વનાથે રૂપકમાં શાબ્દસાદૃશ્ય નહીં પણ આર્થ કે વ્યંગ્યસાદૃશ્ય ક્રિયાશીલ હોય છે એવો વિચાર આપ્યો છે. રુદ્રટે બતાવ્યું છે કે ઉપમેય અને ઉપમાનના ગુણસામ્યને કારણે અભેદની કલ્પના કરાય અને એમાં સામાન્ય ધર્મનો નિર્દેશ ન હોય તો રૂપક કહેવાય. રૂપકના અનેક પ્રભેદો ગણાવાયા છે. દંડીએ વીસેક જેટલા ભેદ આપ્યા છે. પણ મમ્મટ અને અપ્પયદીક્ષિતનું એમાં વિશેષ પ્રદાન છે. મમ્મટે ત્રણ પ્રધાન ભેદ કર્યા છે : અંગો સહિત ઉપમેયમાં ઉપમાનનો આરોપ થાય તે સાંગ (સાવયવ) રૂપક. એક ઉપમેયમાં એક ઉપમાનનો અંગરહિત આરોપ થાય તે નિરંગ (નિરવયવ) રૂપક; એક આરોપ બીજા આરોપોનું કારણ બને તે પરંપરિતરૂપક. રૂપકના આ ત્રણ મુખ્ય ભેદોના પેટા પ્રકારો છે. સાંગરૂપકના સમસ્તવસ્તુવિષય અને એકદેશવર્તી એમ બે ભેદ છે : સાંગરૂપક જો આરોપ્યમાણ અને આરોપ્યના સમસ્તવિષયનું પ્રગટ રૂપમાં કથન કરે તો સમસ્તવસ્તુવિષય રૂપક છે અને જો સાંગરૂપકમાં કેટલોક આરોપ શબ્દત : પ્રગટ રૂપમાં હોય અને કેટલોક આરોપ અર્થબલથી જ્ઞાત થતો હોય તો તે એકદેશવર્તીરૂપક છે. નિરંગરૂપકના શુદ્ધ અને માલા એમ બે ભેદ પડે છે. એક ઉપમેયમાં એક ઉપમાનનો આરોપ હોય તો શુદ્ધ નિરંગરૂપક અને જો એક ઉપમેયમાં અંગરહિત અનેક ઉપમાનોનો આરોપ હોય તો તે માલારૂપ નિરંગરૂપક છે. એ જ રીતે પરંપરિત રૂપકના પણ બે ભેદ છે : જો એક આરોપ બીજા આરોપનું કારણ હોય તો એકરૂપ પરંપરિતરૂપક અને જો એકાધિક આરોપોની શ્રેણી બને તો માલારૂપ પરંપરિતરૂપક છે. અપ્પયદીક્ષિતે રૂપકના અભેદરૂપક અને તદ્રૂપરૂપક એવા બે મુખ્ય ભેદ કર્યા છે. જ્યારે ઉપમાન અને ઉપમેય કોઈપણ નિષેધ વગર અભેદરૂપથી રજૂ થાય તો તે અભેદરૂપક કહેવાય છે. જેમકે મુખચન્દ્ર અને જ્યારે ઉપમાન ઉપમેયનું રૂપ ધારણ કરે પણ બંનેનું તાદાત્મ્ય કે બંનેની એકતા ન હોય તો તે તદ્રૂપરૂપક કહેવાય છે. જેમકે મુખ બીજો ચન્દ્ર. આ બંને મુખ્ય ભેદોના સમ, અધિક અને ન્યૂન એવા પેટાપ્રકાર પણ અપ્પયદીક્ષિતે સૂચવ્યા છે. પાશ્ચાત્ય વિવેચનમાં પણ એક વસ્તુને અન્યના સંદર્ભમાં વર્ણવવામાં આવે એવા સંક્રમણવિષયક રૂપકઅલંકારનું મહત્ત્વ છે. એટલેકે રૂપક એ ચોક્કસ પ્રકારના સાદૃશ્ય પર આધારિત અવેજી છે. અહીં પણ ‘એ ડુક્કર છે’ એમ કહેવામાં આવે તો રૂપક; ‘એ ડુક્કર જેવો છે’ એમ કહેવામાં આવે તો ઉપમા એવો ભેદ દર્શાવ્યો છે. આમ રૂપક શબ્દને એના રોજિંદા અને સાધારણ ઉપયોગમાંથી નવા અસાધારણ સંદર્ભમાં મૂકી આપે છે. કવિ રૂપક દ્વારા અર્થને બદલી કે મરડી શકે છે. બીજી રીતે કહીએ તો સંકેતની રૂઢ વ્યવસ્થા દ્વારા પ્રત્યાયન સાધવાની આવશ્યકતામાંથી રૂપક કવિને મુક્ત કરે છે. રૂપક ક્રિયારૂપે, વિશેષણરૂપે, ક્રિયાવિશેષણરૂપે એમ અનેક રીતે રચી શકાય છે. પૉલ રિકુરેં રૂપકરચનાની પ્રક્રિયાનાં ત્રણ અંગો રૂપે ચયન, અવેજી અને ભાષાસંઘટનાને ઓળખાવ્યાં છે. એરિસ્ટોટલે રૂપકના ચાર વર્ગ પાડ્યા છે : વિશેષથી સામાન્ય (ચકલી/પક્ષી); સામાન્યથી વિશેષ (વૃક્ષ/આંબો); વિશેષથી વિશેષ (ચકલી/કબૂતર); પ્રમાણપરક રૂપકો अ, ब, क, ड તરીકે. ક્વિન્ટિલ્યને રૂપક અંગે અન્ય વર્ણનવ્યવસ્થા સૂચવી છે; અને સજીવ નિર્જીવ વર્ગીકરણ બતાવ્યું છે; સજીવથી નિર્જીવ (ખુરશીનો પાયો); નિર્જીવથી સજીવ (પુસ્તકમિત્ર); સજીવથી સજીવ (રમા ગુલાબ છે); અને નિર્જીવથી નિર્જીવ (વાદળમંજૂષા). આજે નૃવંશશાસ્ત્રીય પ્રમાણોથી કેટલાક માને છે કે બધી ભાષા રૂપકાત્મક છે. તો ભાષામાં ‘જીવનપથ’ ‘કુલદીપક’ જેવા મૃતરૂપકો હાજર હોય છે એમ પણ બતાવાયું છે. ચં.ટો.