દોસ્તોએવ્સ્કી/1
૨ હું માંદો માણસ છું... હું ખારીલો માણસ છું. હું કોઈને આકર્ષી શકું એવો નથી. મારું કાળજું બગડ્યું હશે એવો મને અંદેશ છે. છતાં, મારા રોગ વિશે હું કશું જ જાણતો નથી, મને શું પીડી રહ્યું છે તે વિષે હું કશું જ નિશ્ચિતપણે કહી શકું નહીં. હું એ માટે દાક્તરની સલાહ લેતો નથી, ને આજ સુધીમાં કદી લીધી પણ નથી, જો કે મને દાક્તરો ને ચિકિત્સાશાસ્ત્રી માટે માન છે. વળી, હું ભારે વહેમીલો છું; એટલો બધો કે દાક્તરોમાં વિશ્વાસ રાખી શકું છું (હું એટલું શિક્ષણ પામ્યો છું કે મારામાં વહેમ ન રહે, ને છતાં હું વહેમીલો છું). હું ખાર રાખવા ખાતર જ દાક્તરની સલાહ લેતો નથી. તમને કદાચ આ વાત બરાબર સમજાશે નહીં. પણ મને તો બરાબર સમજાય છે. ખાર રાખીને હું કોને હાનિ કરી રહ્યો છું તેની મને, અલબત્ત, ખબર નથી. દાક્તરોની સલાહ નહીં લેવાથી હું રોગમાંથી છટકી જઈ શકવાનો નથી તે હું સારી પેઠે જાણું છું. આવું બધું કરવાથી હું કેવળ મને જ ચ્જા પહોંચાડી રહ્યો છું તેની મને બીજા કોઈ કરતાં વધારે ખબર છે. આમ છતાં જો હું દાક્તરની સલાહ લઉં તો તે મારી ઉપર ખાર લેવા ખાતર જ. મારું કાળજું ખરાબ છે, હવે તો ખૂબ જ ખરાબ થઈ ગયું છે. આવું તો ખૂબ લાંબા વખતથી ચાલ્યા કરે છે, છેલ્લાં વીસ વર્ષથી. મને ચાળીસ થયાં છે. હું પહેલાં સરકારી નોકરીમાં હતો, પણ હવે નથી. અમલદાર તરીકે પણ હું ખારીલો હતો. હું તોછડો હતો અને તોછડા બનવામાં મને મજા પડતી. હું લાંચ લેતો નહોતો, આથી એનું વળતર હું તોછડા બનવાથી મેળવી લેતો. (આ રમૂજ સાવ નાખી દેવા જેવી છે, પણ તેથી કાંઈ હું છેકી કાઢીશ નહીં, એ ભારે મર્માળી લાગશે એમ માનીને મેં લખી; પણ મારે જરા બડાશ મારવી હતી ને તેય ઘૃણાસ્પદ રીતે, આથી હું હવે એને છેકી કાઢવાનો નથી.) અરજદારો મારી પાસેથી માહિતી મેળવવા આવતા ત્યારે હું એમની સામે દાંતિયાં કરતો. ને કોઈને દુઃખી કરવામાં ઘણુંખરું સફળ નીવડતો. એમાંના મોટે ભાગે તો ભીહૃબ્ હતા, અલબત્ત એઓ અરજદાર જ હતા. પણ મારા ઉપરીઓમાંના એક અમલદાર પ્રત્યે તો મને ખાસ કરીને અણગમો હતો. નમ્રતાનો તો એનામાં છાંટો સરખો નહોતો, ને એ હંમેશાં ઘૃણાજનક રીતે એની તલવાર ખખડાવ્યા કરતો હતો. એ તલવારની બાબતમાં મારી અને એની વચ્ચે અઢાર મહિના સુધી ઝગડો ચાલતો રહ્યો. આખરે મેં એને પરાસ્ત કર્યો. એણે તલવાર ખખડાવવાનું છોડી દીધું. અલબત્ત, આ તો મારી જુવાનીના દિવસોમાં બન્યું. પણ સજ્જનો, મારા ખારનું મુખ્ય કારણ તમે જાણો છો ખરા? મને જે ખાસ ડંખતી હતી તે વાત તો એ કે હું બહુ ચીઢિયો બની ગયો હોઉં ત્યારેય મને અંદરથી તો પૂરેપૂરું ભાન રહેતું કે હું ખરેખર ખારીલો માણસ નથી, એટલું જ નહીં પણ મારામાં સહેજેય કડવાશ નથી. આની મને બહુ નામોશી લાગતી; હું તો માત્ર થોડાં ચકલાંને ગભરાવીને ઉરાડી મૂકી મનોરંજન કરતો હતો. આમ તો મારે મોઢે ક્રોધથી ફીણ વળી જતાં, પણ મારા હાથમાં ઢીંગલી મૂકો કે એકાદ કપ ચા મને આપો એટલે બધું ખતમ! કેટલીક વાર અરજદારોની અવદશા જોઈને મને ખરેેખર લાગી આવતું, જો કે પાછળથી આ બદલ હું મારી જાત પર જ ધૂંધવાઈને દાંતિયાદ્વ કરતો, ને એની નામોશીથી મહિનાઓ સુધી રાતે ઊંઘી શકતો નહીં. હું ખારીલો અમલદાર હતો એમ મેં કહ્યું તે સાચું નથી. હું જાણી કરીને દ્વેષનો માર્યો જ જૂઠું બોલતો હતો. હું તો આ અરજદારો ને પેલા અમલદારને માત્ર મારા મનોવિનોદનું સાધન બનાવતો હતો, ને વાસ્તવમાં હું ખારીલો બની શકું એમ છે જ નહિ. એની વિરુદ્ધનાં એવાં મારામાં વસતાં તદૃવોથી હું પ્રત્યેક પળે સભાન રહેતો હતો. આ વિરોધી તદૃવો મારામાં ઊભરાતાં હોય એવો મને અનુભવ થતો. આખી જિન્દગી એ તત્ત્વો મારામાં ઊભરાતાં જ રહ્યાં છે; મારી દ્વારા બહાર પ્રકટ થવાનો કશોક માર્ગ શોધતાં જ રહ્યાં છે તે હું સારી પેઠે જાણું છું; પણ મેં હેતુપૂર્વક એને બહાર પ્રકટ થવા દીધાં નથી. હું શરમાઈ જાઉં એટલી હદે એ તદૃવોએ મારા પર જુલમ ગુજાર્યો છે. એથી મને આંચકીઓ આવતી, હું માંદો થઈ જતો. આખરે એણે મને માંદો માણસ બનાવી દીધો. સજ્જનો, તમને એમ નથી લાગતું કે હું કશુંક કર્યા બદલ પસ્તાવો કરી રહ્યો છું, કે હુંં તમારી પાસે કશાકની માફી માગી રહ્યો છું? મને તો ખાતરી જ છે કે તમે એવું કલ્પતા હશો....!!...છતાં, એટલું નક્કી માનજો કે તમે એવું કશું કલ્પતા હો તોય મને એની કશી પડી નથી. હું ખારીલો બની શકતો નહોતો, પણ બીજું કશુંય શી રીતે બનવું તેની જ મને કશી ગતાગમ નહોતી. ખારીલા થવાનું કે માયાળુ થવાનું, ધૂર્ત થવાનું કે પ્રામાણિક થવાનું; પરાક્રમશાળી વીર કે જન્તુ થવાનું – કશું જ મને આવડતું નહોતું. હું મારી કોટડીમાં મારી જિન્દગી પૂરી કરું છું. બુદ્ધિશાળી માણસ ગંભીરપણે કશું બની શકે જ નહીં; મૂરખ જ આ દુનિયામાં કશુંક બની શકે છે – આવા દ્વેષભર્યા ને નિરર્થક આશ્વાસનથી હું મારી જાતને મહેણું માર્યા કરું છું. હા, ઓગણીસમી સદીના માનવીએ તો ખાસ કરીને, નૈતિક ફરજ લેખે પણ કશા લક્ષણરહિત બનવું જ જોઈએ. લક્ષણ-સહિતનો માનવી કંઈકનુંં કંઈક કાર્ય કરતો રહે છે ને આથી એ મર્યાદિત, અનિવાર્યતયા, બને જ છે. આ મારી, ચાળીસ વરસને અન્તે, થયેલી પ્રતીતિ છે. હમણાં હમણાં મને ચાળીસ થયાં છે; ને ચાળીસ વર્ષ એટલે તો આખી જિન્દગી; એ તો નરી વૃદ્ધાવસ્થા જ ગણાય. ચાળીસ વરસથી વધારે જીવવું એટલે શિષ્ટાચારનો ભંગ કરવો, ગ્રામ્ય બનવું, અનીતિમાન બનવું. ચાળીસથી વધારે કોણ જીવે છે? આનો સાચો જવાબ આપો, પ્રામાણિકતાથી ને નિષ્ઠાથી. ચાળીસથી વધારે કોણ જીવે છે ને તે હું કહું : મૂરખાઓ ને નક્કામા લોકો. હું તો આ વાત બધા માનપાત્ર વૃદ્ધોને, રૂપેરી વાળવાળા બધા પૂજ્ય મુરબ્બીઓને સીધી જ સંભળાવી દઉં છુ. મને એ કહેવાનો હક્ક છે, કારણ કે હું પોતેય સાઠને વટાવી જવાનો છું. સાઠ નહીં સિત્તેર, એંસી!... થંભો, મને સહેજ શ્વાસ ખાઈ લેવા દો. સજ્જનો, તમે કલ્પી જ લીધું હશે કે હું તમારું દિલ બહેલાવવા ઇચ્છું છું. તમારી એ બાબતમાં પણ ભૂલ થાય છે. તમે કલ્પો છો એવો હું ખુશમિજાજી આદમી નથી; આમ છતાં, મારા આ બબડાટથી ધૂંધવાઈને (ને મને લાગે છે કે તમે ધૂંધવાયા તો છો જ) પણ જો તમે મને પૂછો કે હું કોણ છું તો હું જવાબ આપીશ કે હું અસ્ક્યામતોની કિંમતની આંકણી કરનાર અમલદાર છું. કંઈક પેટ પૂરવાનું મળે એટલા પૂરતી નોકરી કરું છું (ને માત્ર એટલા પૂરતી જ). ગયે વર્ષે દૂરનું કોઈક સગું મને છ હજાર રૂબલનો વારસો આપી ગયું, એટલે મેં તો નોકરીનું રાજીનામું આપી દીધું ને હવે મારી ઘોલકીમાં ભરાઈને જિંદગી ગુજારું છું. આ પહેલાં હું અહીં જ રહેતો હતો, પણ હવે તો હું જાથુકનો રહેવાસી થઈ ગયો છું. મારી ઓરડી શહેરને નાકે આવેલી છે, એ એવી તો ભયંકર ને દળઙહૃી છે કે ન પૂછો વાત! એક બુઢ્ઢી ગામડિયણ મારે ત્યાં કપડાં-વાસણ કરે છે. બાઘાઈને કારણે એ કંકાસિયણ બની ગઈ છે; ને વળી એના શરીરમાંથી હંમેશાં કશીક બદબૂ આવ્યા કરતી હોય છે. પિટ્સબર્ગની હવા મને સદે એવી નથી એવુંં બધા કહે છે, ને પિટ્સબર્ગમાં રહેવું એ મારા જેવા સાધારણ સ્થિતિના માણસ માટે કપરું પણ છે. અનુભવી સલાહકારો ને મુરબ્બીઓનાં કરતાં હું આ વાત બહુ સારી રીતે જાણું છું... પણ હું પિટ્સબર્ગમાં જ રહેવાનો છું, પિટ્સ છોડીને જવાનો નથી, કારણ કે... કારણ કે પિટ્સબર્ગમાં હું રહું કે નહિ રહું તેથી કાંઈ દુનિયા ઊંધીચત્તી થઈ જવાની નથી. પણ તો પછી ભદ્ર માણસ આનન્દપૂર્વક શેને વિશે બોલે, કહો વારુ? ઉત્તર : પોતાને જ વિશે તો, હું હવે મારે વિશે વાત કરીશ. ૨ સજ્જનો, તમને સાંભળવાની પડી હોય કે ન પડી હોય તોય સાંભળો. હું જન્તુ સુધ્ધાં કેમ નહીં બની શક્યો તેની વાત માંડીને કહેવા ઇચ્છું છું. હું બહુ ગંભીરતાપૂર્વક કહું છું કે મેં ઘણીય વાર જન્તુ બનવાનો પ્રયત્ન કર્યો છે. પણ એટલુંય મારા ગજા બહારનું નીકળ્યું. વધારે પડતી ચેતના હોવી એ રોગ છે – ખરેખરનો જીવસટોસટનો રોગ છે. માણસની દરરોજની જરૂરિયાત માટે તો સામાન્ય માનવીમાં હોય છે તેટલી સંવેદનશીલતા પૂરતી થઈ પડે. આપણી હતભાગી ઓગણીસમી સદીના સંસ્કારી માણસનામાં, ને તેય વળી પિટ્સબર્ગ જેવા આખી પૃથ્વી પર નહીં હોય તેવા શહેરમાં રહેવાનું વિઘાતક દુર્ભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય તેવા માણસમાં હોય છે તેથી ચોથા ભાગની સંવેદનશીલતાથી એનુંં કામ ચાલી જાય. સીધા કાર્યમાં ઝંપલાવનારા ને કાર્યરત માણસોમાં હોય છે તેટલી સંવેદનશીલતા એમને માટે બસ છે. હું આ બધું જાણી જોઈને ઢોંગ કરીને લખું છું, કાર્યરત માનવીના ભોગે. હું ચબરાક બનવા મથી રહ્યો છું એવું તમને લાગવાનો સંભવ છે. એવી જ કશીક બનાવટ કરવાની દુર્વૃત્તિથી પ્રેરાઈને હું મારા પેલા ઓફિસરની જેમ જાણે તલવાર ખણખણાવી રહ્યો છું. પણ સજ્જનો, પોતાના વ્યાધિની કોણ અભિમાનથી વાત કરે? એની બડાશ સુધ્ધાં કોણ મારી શકે? – જો કે, આમ તો આખરે બધાં જ એવું નથી કરતાં હોતાં? લોકો પોતાના રોગની બડાશ મારે જ છે, પણ હું જરા વધારે મારતો હોઈશ, એટલું જ. પણ એ વિષે આપણે જીભાજોડી કરવી નથી. મારો મુદ્દો જ આમ તો વાહિયાત હતો. આમ છતાં મને તો દૃઢપણે લાગે જ છે કે વધારે પડતી ચેતના, દરેક પ્રકારની આખરે તો વ્યાધિ જ છે. હું મારા એ મુદ્દાને વળગી રહુંં છું. એને પણ ક્ષણભર આપણે પડતો મૂકીએ. તમે મને આટલું કથે : જ્યારે હું જે કાંઈ ‘મંગળ અને સુંદર’ કહેવાય છે તેને માણવાને અત્યંત સમર્થ છે એટલું જ નહીં પણ કુત્સિત કાર્ય (બધા કરતા હોય છે ને તેવા) પણ હું કરી નાંખું છું. એવું શા માટે બનતું હશે?... વારુ. પણ જે ઘડીએ એવાદ્વ કાર્યો ન કરવાદ્વ જોઈએ એનું મને ઉગ્ર ભાન હોય છે તે જ ઘડીએ એ મારાથી કેમ થઈ જતું હશે? જેમ જેમ હું શુભ અને સુન્દર વિશે વધારે સભાન થતો ગયો તેમ તેમ હું કાદવમાં વધુ ને વધુ ઊંડે ખૂંપતો ગયો ને આખરે તો હું એમાં લગભગ ડૂબી જ ગયો. પણ મુખ્ય મુદ્દો એ છે કે આ બધું મારામાં કાંઈ આકસ્મિક રૂપે રહ્યું હોતું નથી; પણ જાણે કે અનિવાર્યતયા બની આવે છે. કેમ જાણે એ મારો સ્વભાવ જ નહીં હોય! એ રોગ કે વિકૃતિ તો જાણે છે જ નહિ. આથી એનો પ્રતિકાર કરવાની મારી બધી શક્તિ ખાલી જાય છે. આ કદાચ મારો સ્વભાવ જ હશે એમ માનવા સાથે (કદાચ દૃઢપણે સ્વીકારી લેવા સાથે) આ પ્રતિકારનો અન્ત આવી ગયો. પણ શરૂઆતમાં આ મથામણમાં મેં કેટલી યાતના સહન કરી છે! બધાની જિંદગીમાં આવું બનતું હશે એમ હું માનતો નથી; ને મારે વિશેની આ વાત પણ મેં અત્યાર સુધી સંતાડી જ રાખી હતી. મને એ કહેવાની શરમ આવતી હતી (કદાચ, અત્યારે પણ મને એ કહેવાની શરમ જ આવે છે); કોઈ દિવસે કશું જુગુપ્સાજનક આચરણ કરી બેસતો ત્યારે મારી ઓરડીમાં પાછા વળતાં મને એનું ઉગ્ર ભાન રહેતું. જે કાંઈ થઈ ચૂક્યું હોય તેને ન થયું તો કરી શકાય નહીં. એથી મારા મનમાં ભારે કચવાટ થાય છે, ને હું અંદર છૂપોછૂપો બળ્યા કરું છું. આથી હું મને જ વીંખીપીંખી નાખું છું ને આખરે એ કડવાશમાંથી જ શરમભરેલી પણ કશીક મધુરતા ઉદ્ભવે છે; ને પછી તો હું એનો આનન્દ લૂંટતો થઈ જાઉં છું. હા, આનન્દ આનન્દ! હું આ વાત પર ખાસ ભાર મૂકું છું. હું આ વાત અહીં કરું છું એનું કારણ એ કે બીજાંઓને પણ આવું જ કશું થતું હોય છે કે નહીં તે મારે જાણવું હોય છે. હું મારો મુદ્દો સ્પષ્ટ કરું : આ આનન્દ પોતાની થયેલી અધોગતિના ઉગ્ર ભાનમાંથી ઉદ્ભવતો હોય છે. આપણે હવે છેલ્લા અન્તરાય સુધી પહોંચી ગયા છીએ તેના આપણને થતા અનુભવમાં એનો ઉદ્ગમ હોય છે, એ કશુંક ભયંકર હોય છે પણ એથી બીજું કશું સમ્ભવે પણ નહિ એનોય આપણને ખ્યાલ હોય જ છે; એમાંથી છૂટવાનો કશો આરો નથી; તમે હવે જે છો તે જ રહેવાના છો; એથી ભિન્ન કદી તમે બની શકવાના નથી, બદલાવા પૂરતાં સમય અને શ્રદ્ધા બચ્યાં હોય તોય તમને બદલાઈ જવાની વૃત્તિ જ થવાની નથી; ને એવી ઇચ્છા થાય તોય તમે એ વિશે કશું કરવાના નથી; કારણ કે વાસ્તવમાં તો બદલાઈને બીજું કશું બનવા જેવું તમારે માટે રહ્યું જ હોતું નથી. આ બધાનું મૂળ રૂપ ને સૌથી બદતર વાત તો એ કે આ બધું તમારી વધારે પડતી તીવ્ર ચેતનાના સામાન્ય ને પાયાના નિયમોને વશ વર્તીને જ બનતું હોય છે : તમારી જડતા આ નિયમોનું જ સીધું પરિણામ હોય છે ને પરિણામે તમારે માટે તમારી જાતને બદલવાનું શક્ય નથી હોતું. એટલું જ નહીં, તમે બીજું કશું જ કરી શકતા નથી. કોઈ ધૂર્ત બને તો તે પણ આ અતિ તીવ્ર ચેતનાને કારણે જ. પછી એનો દોષ શી રીતે કાઢી શકાય? દુષ્ટ બનનારને પોતે દુષ્ટ બન્યો છે એનું ભાન શું આશ્વાસનરૂપ નીવડવાનું છે? પણ બસ... હું ઘણો લવારો કરી ગયો; પણ હું કશું સ્પષ્ટ કહી શક્યો ખરો? આમાં હું આનન્દ લઈ રહ્યો છું એનો ખુલાસો શી રીતે આપી શકાય? પણ હું તમને એ સમજાવીશ. મારે એનો છેક ઊંડે જઈને તાગ કાઢવો જ છે. એથી તો મેં કલમ હાથમાં લીધી છે... મારામાં આત્મરતિની માત્રા કંઈક વિશેષ પ્રમાણમાં છે. કોઈ ખંધો કે ઠીંગુજી પોતાની વાત થતાં સહેજ સહેજમાં છેડાઈ પડે તેવી જ મારી પણ દશા છે. પણ મારા સમ ખાઈને કહું છું કે મારી જિન્દગીમાં એવી પણ ક્ષણો આવી છે જ્યારે મને કોઈએ તમાચો માર્યો હોત તો કદાચ મને એ બદલ ચોક્કસ આનન્દ જ થયો હોત. હું ગંભીરપણે કહું છું કે એમાંથીય કંઈક વિલક્ષણ પ્રકારનો આનન્દ જ જડ્યો હોત – અલબત્ત, હતાશાનો આનન્દ; પણ આવી હતાશામાં ઉત્કટ આનન્દ રહ્યો હોય છે. ખાસ કરીને જ્યારે આપણને આપણી અગતિકતાનું ઉગ્ર ભાન હોય છે ત્યારે અને કોઈક ગાલમાં તમાચો ચોઢી દે ત્યારે આપણને ગુંદીને કોઈ માવો બનાવી રહ્યું છે એવી લાગણીથી આપણે કેવા અભિભૂત થઈ જઈએ છીએ! સૌથી ખરાબ વાત તો એ છે કે ગમે તે દૃષ્ટિએ જોતાં આવી બધી પરિસ્થિતિમાં હું જ સૌથી વધુ દોષપાત્ર ઠરતો; અને સૌથી નામોશીભરી વાત એ કે એમાં મારો કશો દોષ હોય નહીં, આ બધું કેવળ પ્રકૃતિના નિયમોને વશ વર્તીને જ બનતું હોય. હું દોષપાત્ર ઠરું એનું પહેલું કારણ એ કે મારી આજુબાજુ જે લોકો છે તેમનાથી હું કંઈક વિશેષ ચતુર છું : (હું હંમેશાં મને મારી આજુબાજુના લોકો કરતાં ચતુર માનતો આવ્યો છું ને કદીક, તમે કદાચ નહીં માનો પણ, એની મને શરમ પણ આવી છે. ગમેતેમ પણ, આખી જિંદગી મેં આંખો માંડીને કોઈ સામે જોયું નથી, હું સીધી નજરે કોઈને જોઈ શકતો જ નથી.) મારામાં હૃદયની વિશાળતા છે, પણ એની નરી નિરર્થકતાને કારણે ઊલટાની મને યાતના જ થતી રહી છે. ને એ માટે પણ હું દોષપાત્ર ઠર્યો છું. મારા હૃદયની ઉદારતાને કારણે હું કદી કશું કરી શક્યો નથી – હું કોઈને ક્ષમા કરી શક્યો નથી, કારણ કે મારા પર પ્રહાર કરનારા કુદરતી નિયમને વશ વર્તીને એવું કરતા હોય તો એ નિયમોને કોઈ માફ કરી શકે? હું કશું દરગુજર પણ કરી શકતો નથી, કારણ કે આવું બધું કુદરતી નિયમને વશ વર્તીને થતું હોય તો એ અપમાનજનક તો હોય જ છે. અંતે મારે ઉદાર ન થવું હોત, એ સિવાય બીજું ગમે તે થવું હોત, મારા પર પ્રહાર કરનારાઓ પર વેર લેવાની મેં ઇચ્છા રાખી હોત તો હું કોઈના પર કશા કારણે વેર લઈ ન શક્યો હોત કારણ કે વેર લેવાની મારામાં શક્તિ હોત તોય, કશુંક કરવાનો નિશ્ચય જ મારાથી થઈ શક્યો ન હોત. હું શા માટે આવો નિશ્ચય ન કરી શક્યો હોત? ખાસ તો આ વિશે હું તમને બે શબ્દ કહેવા ધારું છું.
જે લોકો વેર વાળી જાણે છે ને સામાન્યત: પોતાનું પોતે સંભાળી લઈ શકે એવા હોય છે તેઓ શી રીતે કરી શકતા હશે? કેમ વળી? ધારો ને કે વેર વાળવાની વૃત્તિએ એમનો કબજો લીધો છે; તો એટલા સમય પૂરતી એ વૃત્તિ જ એમનાં અણુએ અણુમાં વ્યાપી જાય છે, એ સિવાય બીજું કશું હોતું જ નથી. એવો આદમી શીંગડાં ઉલાળીને ધસી જતા વિફરેલા આખલાની જેમ એના લક્ષ્ય તરફ ધસી જાય છે ને દીવાલ સિવાય બીજંુ કશું એને રોકી શકતું નથી. (વાત નીકળી છે ત્યારે આટલું ઉમેરું : આવા ‘તરત બુદ્ધિ તરકડો’ જેવા, ‘આ પાર કે પેલે પાર’માં માનનારા લોકોની દીવાલ જોઈને ખરેખર બોલતી બંધ થઈ જાય છે. એમને મન દીવાલ કોઈ છટકબારી નથી; આપણે તો વિચારે ચઢી જઈએ ને પરિણામે કશું કરી શકતા નથી; પણ એઓ દીવાલને પાછા વળી જવાના બહાના તરીકે જોતા નથી; આપણે તો હંમેશાં એવું બહાનું શોધવા રાજી જ હોઈએ છીએ, જો કે ઘણુંખરું આપણે પોતે જ એ બહાનું સાચું માનતા હોતા નથી. પણ સીધા ધસી જનારા લોકો તો દીવાલ જોઈને ખરેખર મૂઝાઈ જાય છે. દીવાલમાં એમને કશુંક શાન્ત પાડનારું, નૈતિક દૃષ્ટિએ શાતા આપનારું, કશુંક અન્તિમ – કશુંક રહસ્યપૂર્ણ પણ કદાચ – દેખાય છે... પણ એ વિશે આગળ ઉપર વધુ કહેવાનો પ્રસંગ આવશે.) તો, આવા સીધા ધસી જનારા આદમીને હું ખરેખરનો સાધારણ માનવી લેખું છું. કોમળ પ્રકૃતિ માતાએ પૃથ્વી પર એને રૂડી રીતે જન્મ દઈને જે રૂપે જોવા ઇચ્છ્યો હશે, એવું જ રૂપ એ ધરાવતો હોય છે. મને તો એને જોતાં જ એવી તો અદેખાઈ આવે છે કે હું લીલોકચ થઈ જાઉં છું. એ મૂરખ હોય છે. એ વિશે હું કશા વિવાદમાં ઊતરવા માગતો નથી, પણ કદાચ સાધારણ માનવી મૂરખ જ હોવો ઘટે, તમે આ વિશે શું કહી શકો? કદાચ વાસ્તવમાં તો એ સ્થિતિ ભારે આહ્લાદક હશે. મારો એવો વહેમ વધુ પાકો થતો જાય છે, (જો એને વહેમ કહીએ તો) ને એ પાકો થવાનું કારણ આવા સાધારણ માનવીને સામે છેડેનો માનવી એટલે કે અતિ તીવ્ર ચેતનાવાળો માનવી છે. એ કુદરતને ખોળેથી જ સીધો ઊતરી આવ્યો નથી, પણ એના પ્રતિવાદ રૂપે આવ્યો છે. (સજ્જનો, આપણે રહસ્યવાદની લગોલગ આવી પડ્યા એવું નથી લાગતું? પણ મને એ વિશે વહેમ છે!); આ પ્રતિવાદ રૂપે પ્રગટતો માનવી એની સામે છેડેના માનવીને જોઈને એવો તો અવાચક થઈ જાય છે કે એની ચેતનાની અતિમાત્રા છતાં એ પોતાને માનવીને બદલે સાચેસાચ મૂષક માનતો થઈ જાય છે. મૂષક તીવ્ર ચેતનાવાળો મૂષક હોય એમ બને કદાચ, પણ આખરે તો મૂષક જ; જ્યારે પેલો મૂરખ તો ય માનવી તો ખરો, આથી... વગેરે વગેરે. સૌથી બદતર વાત તો એ કે એ પોતે જ પોતાને મૂષક રૂપે જુએ છે; કોઈ એને એમ કરવાનું કહેતું નથી; ને આ મહત્ત્વનો મુદ્દો છે. હવે આ મૂષકને આપણે અહીં ક્રિયાશીલ અવસ્થામાં જોઈએ. એમ માનો ને કે કોઈએ એનું અપમાન કર્યું છે એવું એનેય લાગે છે (ને એને આવું તો ઘડી ઘડીમાં લાગ્યા જ કરે છે) ને એને વેર લેવાની સુધ્ધાં ઇચ્છા થાય છે. કુદરતને ખોળે રહેલા માનવી કરતાં એનામાં વધુ દ્વેષ સંચિત થતો હોય છે; ને એ દ્વેષને પ્રકટ કરવાની હીણી ને નઠારી લાગણી પણ એનામાં જ વધારે ચણચણ્યા કરતી હોય છે. પેલો સાધારણ આદમી તો એની સ્વભાવસહજ મૂર્ખાઈને કારણે વૈરવૃત્તિને સાદાસીધા ન્યાયના કાર્યરૂપે જોતો હોય છે, પણ આ મૂષક એની ચેતનાની તીવ્રતાને કારણે એમાં ન્યાય જેવું કશું જોઈ શકતો નથી. હવે વેરના કાર્યની જ વાત કરીએ. પાયાની એક અભદ્ર લાગણીની આજુબાજુ આ દુર્ભાગી મૂષક પ્રશ્નો ને શંકાઓને રૂપે બીજી કેટલીક અભદ્ર લાગણીઓનું જાળું ઊભું કરી દે છે; એ પ્રશ્નની સાથે બીજા કેટલાય વણઉકલ્યા પ્રશ્નો ઉમેરી દે છે ને આને પરિણામે, અનિવાર્યતયા, એ મૂળ લાગણીની આજુબાજુ કશોક પ્રાણઘાતક નીવડે એવો આથો ખદબદી ઊઠે છે. પેલા, કશો વિચાર કર્યા વિના સીધા ધસી જનારા આદમીઓ એને ઘેરી વળીને ગંભીરપણે જાણે લવાદી કે ન્યાય ચૂકવનારા હોય એમ એને જોઈ રહે છે, તિરસ્કારથી એના પર થૂંકે છે ને પાંસળી દુઃખવા આવે ત્યાં સુધી હસીહસીને બેવડ વળી જાય છે. આ શંકા, આ લાગણીવેડા ને આ તિરસ્કારને કારણે એ બધું કેવું તો ગંધાઈ ઊઠે છે! પોતાનો પંજો હલાવીને આ બધું જાણે છે જ નહીં એમ માની લેવા સિવાય એને માટે બીજો કશો રસ્તો નથી. તિરસ્કારવાનો ઢોંગ કરીને એ આ આખી વસ્તુને હસી કાઢે, પણ એને પોતાને જ આ વાત ગળે ઉતારવી અઘરી થઈ પડતી હોય તો! આથી એ અપમાનિત થઈને ફરી પોતાના દરમાં ભરાઈ જાય છે. એના ભૂગર્ભમાંના એ ગંદા, ગંધાતા દરમાં એ અપમાનિત, દલિત ને હાસ્યાસ્પદ બનેલો મૂષક ફરી ઉષ્માહીન, ખારીલી ને સનાતન એવી દ્વેષની લાગણીમાં ગરકાવ થઈ જશે, ચાળીસચાળીસ વરસ સુધી એ પોતાને થયેલા ઘાની નાનામાં નાની અપમાનજનક વિગતોને યાદ રાખશે ને યાદ કરતી વેળાએ વધુ અપમાનજનક વિગતોનો ઉમેરો કરીને પોતાના પર ખાર રાખીને પોતાની જ કલ્પનાથી પોતાને પજવ્યા કરશે ને યાતના ભોગવ્યા કરશે. પોતાની આ કલ્પનાઓ બદલ એને પોતાને જ શરમ આવશે ને છતાં આ બધું એ યાદ તો કરશે જ, બધી વિગતો ફરી ફરી સંભારી જશે, કદી ન સાંભળી હોય એવી વાતો પોતાની વિરદ્ધમાં શોધી કાઢશે ને એવી વાતો ખરેખર બનતી હોય એવો ઢોંગ સુધ્ધાં કરશે ને કશું માફ કરશે નહીં. કદાચ એ પોતાનું વેર લેવાનું શરૂ કરી દે એમ પણ બને, પણ તે તુચ્છ રીતે તૂટક તૂટક, ચૂલા પાછળ સંતાઈને ગુપ્ત વેશે, પોતાનો વેર લેવાનો અધિકાર છે કે વેર લેવામાં એ સફળ નીવડશે એવું કશું માન્યા વિના! વેર લેવાનો પ્રયત્ન કરવામાં એ જેના પર વેર લેવા ઇચ્છે છે તેનાથી સોગણી પીડા પોતાને જ કરી બેસશે ને પેલાને તો સહેજ સરખો ઉઝરડોય પડવાનો નથી એનીય આ મૂષકને ખબર હોય છે ને છતાં એ આ રીતે વર્તશે. એની મૃત્યુશય્યા પર આ બધું એ ફરીથી સંભારી જશે ને આ બધાં વર્ષો દરમિયાન ફરી ફરી સંભાર્યા કરવાને કારણે એમાં વધુ રસ ઉમેરાશે અને... પણ એ ઠંડીમાં, એ અર્ધી નિરાશા ને અર્ધી આસ્થાની ઘૃણાસ્પદ સ્થિતિમાં ચાળીસ વરસ સુધી જાણી કરીને ભૂગર્ભમાં યાતનાના માર્યા જીવતા દટાઈ જવું ને આમ તો પોતાની અવસ્થા વિશેનું તીવ્ર ભાન હોવા છતાં એમાં રહેલી નરી હતાશા વિશે વળી થોડાક શંકાશીલ રહેવું, અતૃપ્ત વાસનાઓના એ નરકમાં અન્તર્મુખ બનીને જીવવું, આમથી તેમ દોલાયમાન રહેવાની એ જ્વર જેવી સ્થિતિ ભોગવવી, કાયમને માટે નિશ્ચયો દૃઢ કરવા ને પછીની બીજી જ પળે એ બદલ પસ્તાવો કરવો – આ બધામાં, હું હમણાં જ જે આનંદની વાત કરી ગયો તે વિલક્ષણ પ્રકારના આનન્દનો સ્વાદ રહ્યો હોય છે. આ આનન્દ એવો તો સૂક્ષ્મ હોય છે, એનું પૃથક્કરણ કરવું એટલું તો અઘરું હોય છે કે સહેજ ન્યૂનતાવાળા માનવીઓ કે સબળ જ્ઞાનતંતુવાળા માનવીઓ સુધ્ધાં એને રજમાત્ર સમજી શકે એમ નથી. તમે સહેજ હસીને તમારા તરફથી ઉમેરશો : ‘કદાચ જેણે જિંદગીમાં એક તમાચો સરખો ખાધો નથી ને તેથી જ એ આનંદની જાણકારી ધરાવનારની જેમ હું એ વિશે વાત કરું છું. મને પાકી ખાતરી છે કે તમારા મનમાં આવો જ વિચાર આવ્યો હશે. હું શરત મારવા તૈયાર છું. પણ ધીરા પડો મારા સાહેબ, મેં હજી સુધી એક્કેય તમાચો ખાધો નથી; જો કે તમે એ વિશે શું માનો તે પરત્વે હું સાવ ઉદાસીન છું. મારી જિંદગીમાં મેં ખૂબ ઓછા તમાચા માર્યા છે તે બદલ મને અંગત રીતે તો પસ્તાવો જ થાય છે. પણ બસ... તમને જેમાં ભારે રસ છે એવા આ વિષય પરત્વે મારે હવે એક પણ શબ્દ ઉમેરવો નથી. હું વજ્રની છાતીવાળા લોકો વિશેની વાત કશાય ઉશ્કેરાટ વિના આગળ ચલાવીશ. એવા લોકોને આનન્દ માણવામાં રહેલી અમુક પ્રકારની સૂક્ષ્મતાની સહેજેય ખબર હોતી નથી. આવા માણસો અમુક સંજોગોમાં તો આખલાની જેમ ગરજે છે, ને અલબત્ત (માની લો ને કે) આમ કરવાથી એમને યશ પણ મળે છે; ને છતાં, હું આગળ કહી ગયો તેમ, જ્યારે અશક્યનો સામનો કરવાનો આવે છે ત્યારે એઓ એકાએક ગળિયા બળદની જેમ બેસી પડે છે. આ અશક્ય વસ્તુ તે પથ્થરની દીવાલ. આ પથ્થરની દીવાલ શેની? પ્રકૃતિના નિયમો, પ્રાકૃતિક વિજ્ઞાનનાં ને ગણિતનાં તારણોની સ્તો! તમે વાંદરામાંથી ઊતરી આવ્યા છો એવું એ લોકો પુરવાર કરે પછી ઘૂરકિયાં કરવાનો કશો અર્થ નથી, એમની વાત એક હકીકત રૂપે સ્વીકાર્યે જ છૂટકો. તમારા લોહીનું એક ટીપું તમારે તમારા હજારો બંધુઓથી વાસ્તવમાં વિશેષ વહાલું છે એવું એ લોકો પુરવાર કરે ને એથી કહેવાતા સદ્ગુણો, કર્તવ્યો ને એવા બધા તરંગો તથા પૂર્વગ્રહોનો આખરી ઉકેલ આવી ગયો છે એમ કહે તો પછી આપણું શું ચાલવાનું હતું? કારણ કે બે ને બે ચાર એ તો ગણિતનો નિયમ છે. એનો પ્રતિવાદ કરી તો જુઓ. એ લોકો ગરજી ઊઠીને કહેશે : ‘આ બાબતમાં વિરોધ કરવાનો કશો અર્થ નથી : બે ને બે ચાર જેવો આ મામલો છે! કુદરત કાંઈ તમારી અનુમતિ માગવા રહેતી નથી, તમારી શી ઇચ્છા છે તે જોડે એને કશી નિસ્બત નથી, ને તમને રુચે કે ન રુચે તોય કુદરતના કાનૂન તમારે કબૂલ રાખવા જ પડે છે, ને એને પરિણામે કુદરત જે કાંઈ કરે તે સ્વીકારી લેવાનું જ રહે છે. દીવાલ તો દીવાલ જ છે, સમજ્યા ને... વગેરે વગેરે.’ ભલા ભગવાન! પણ કુદરતના કાનૂન ને ગણિતના નિયમોની મને શી પડી છે? કારણ કે હું કશાક કારણસર એ કાનૂનોને તથા બે ને બે ચારવાળા નિયમને ગણકારતો નથી. અલબત્ત, દીવાલને તોડી પાડવાની મારામાં શક્તિ નહીં હોય તો એની સાથે માથું પછાડીને એની આરપાર જવાનો પ્રયત્ન કરવાનો કશો અર્થ નથી; પણ એ પથ્થરની દીવાલ છે ને મારામાં એને તોડવા જેટલી શક્તિ નથી તેથી કાંઈ હું એની જોડે સમાધાન કરી લેવાનો નથી. આવી દીવાલ બે ને બે ચાર જેટલી જ સાચી છે માટે એ ખરેખર આશ્વાસનરૂપ છે ને એની પાસે ખરેખર સમાધાનના બે ચાર શબ્દ છે એમ કેટલાક માને છે! ઓહ, આ તે કેવી બેહૂદી વાત! આનાં કરતાં તો આ બધું સમજવું, આ બધું ઓળખી લેવું – બધી જ અશક્યતાઓ ને પથ્થરની દીવાલોને પારખી લેવી એ વધારે રૂડું નહીં? આ પથ્થરની દીવાલો ને આ અશક્યતાઓથી જો ઘૃણા ઉપજતી હોય તો પછી એની જોડે શા સારુ સમાધાન કરવું? ને આખરે આ સનાતન સમસ્યા વિશે અનિવાર્યતયા તર્કસંગત રહીને એવા નિર્ણય પર આવવું કે એ પથ્થરની દીવાલ બદલ પણ તમારે તમને જ જવાબદાર ગણવાના છે, (જો કે એ તો દીવા જેવું ચોકખું છે કે એમાં તમારો સહેજેય વાંક નથી) આથી દાંત કચકચાવતા મૂગી લાચારીથી અકર્મણ્યતાના ઐશ્વર્યમાં ગરકાવ થઈને રહેવું, તમારી સામે તો જેના પર ખાર રાખી શકાય એવુંય કોઈ નથી; એવું કોઈ આજે તો તમારી સામે નથી પણ ભવિષ્યમાંય કદી એવું કોઈ હોવાનું નથી; આ બધું હાથચાલાકીનો ખેલ છે, જાદુ છે, જુગારીની કરામત છે, બધું નર્યો બ્રહ્મગોટાળો છે, કશાનું ‘ડમાથું હાથમાં આવે નહીં ને આ બધી અનિશ્ચિતતા છતાં તમને કશુંક દર્દ પીડે છે, ને જેમ તમારું અજ્ઞાન વધારે તેમ દર્દ પણ વિકટ.
તમે ખડખડ હસી પડીને કહેશો : ‘હા હા હા! તમને તો આ હિસાબે દાંત દુઃખે તેમાંય મઝા પડવા માંડશે, ખરું ને?’ ‘હાસ્તો, દાંતના દુઃખાવામાંય મજા તો પડે જ ને!’ હું જવાબ વાળું છું. મને એક મહિના સુધી દાંતનો દુઃખાવો રહ્યો હતો, તેથી જ તો એમાંય મજા છે તે હું જાણું છું. અલબત્ત, એવા કિસ્સામાં માણસ મૂગા મૂગા ખાર રાખતા નથી, કણસતા હોય છે, પણ આ કણસવું સાવ નિષ્કપટ નથી હોતું; એમાં ખાર રહ્યો હોય છે ને એ જ તો આપણો મુખ્ય મુદ્દો છે. દુઃખ સહન કરનારનો આનંદ આ કણસવાથી પ્રકટ થાય છે. જો એમાં એને આનંદ નહી પડતો હોય તો એ કણસે જ નહીં. આ એક સારું ઉદાહરણ છે ને સજ્જનો, હું જરા વિસ્તારથી તમને એ સમજાવવા ધારું છું. સૌ પ્રથમ તો આ કણસવું તમારા દર્દની નિરર્થકતાને જ પ્રકટ કરે છે ને એ તમારી ચેતનાની કેવી તો અવહેલના છે! કુદરતના કાનૂન પર તમે તિરસ્કારથી થૂંકો છો, પણ એને કારણે તમારે સહન તો કરવું જ પડે છે, જ્યારે કુદરતને તો કશું સહન કરવાનું રહેતું નથી. તમે જેને શિક્ષા કરી શકો એવો કોઈ દુશ્મન તમારી સામે નથી. પણ તમને દર્દ તો છે જ એનું એ ભાન કરાવે છે. તમારા અનેક પ્રકારના ઉધામા છતાં આખરે તો તમે તમારા દાંતના દાસ છો એનું પણ આથી ભાન થાય છે; કોઈ ઇચ્છે તો તમારા દાંત દુઃખતા બંધ થાય ને જો એ નહીં ઇચ્છે તો બીજા ત્રણ મહિના સુધી દાંત દુઃખ્યા જ કરે; અને છેલ્લે, આ બધું છતાં તમે જક્કી બનીને વિરોધ કરવાનું ચાલુ જ રાખો તો તમારે દીવાલ સામે બને તેટલા જોરથી મુક્કી મારીને સંતોષ માનવાનો રહે; બસ, આથી વધુ તમે કશુંય કરી શકો નહીં. આ પ્રાણઘાતક અપમાન, કોઈ અજાણ્યાને હાથે ઉડાવાતી ઠેકડી, આખરે તો આનન્દમાં પરિણમે છે ને એ આનન્દ એવી માત્રાએ પહોંચી જાય છે કે એ વિષયસુખ જેવો લગભગ લાગે છે. સજ્જનો, તમે કોઈક વાર ઓગણીસમી સદીનો માનવી દાંતના દુઃખાવાથી કણસતો હોય તે સાંભળજો તો ખરા, ને તેય દુઃખાવો ઊપડ્યા પછીના બીજા કે ત્રીજા દિવસે એ કણસવાનું શરૂ કરે તે સાંભળજો. એનું એ કણસવાનું કોઈ ગામડિયો ખેડૂત કણસે તેના જેવું હોતું નથી; પહેલા દિવસે એ દર્દનો માર્યો કણસતો હતો, પણ હવે એ આ દર્દને કારણે કણસતો નથી, પણ યુરોપની પ્રગતિ તથા સંસ્કૃતિની અસર નીચે આવેલા, આજકાલ કહે છે તેમ ‘પોતાની માતૃભૂમિ તથા રાષ્ટ્રીયતાથી વિમુખ બનેલા માનવી’ની જેમ કણસતો હોય છે. એનું આ કણસવું દિવસ ને રાત ચાલ્યા કરે છે ને એ વધુ ને વધુ અભદ્ર ને ઘૃણાજનક રીતે ખારભર્યું લાગે છે. અલબત્ત, એ પોતે તો જાણતો જ હોય છે કે આ કણસવાથી એ પોતે પોતાનું કશું ભલું કરતો નથી; એ રીતે એ પોતાને તથા સાથે સાથે બીજાને પણ રિબાવીને પીડી રહ્યો હોય છે એનું એને બીજા કોઈ કરતાં સ્પષ્ટ જ્ઞાન હોય છે; એનું કણસવું સાંભળનારાં એનાં કુટુંબીજનો ને અન્ય શ્રોતાઓ એ સાંભળીને કેવળ જુગુપ્સા જ અનુભવતાં હોય છે, એમને એનામાં રતિભાર પણ વિશ્વાસ હોતો નથી તેની એને ખબર હોય છે; એ અંદરથી સમજતો હોય છે કે એ કશા ઢોંગ કે આડંબર વિના, સાવ સરળ રીતે કણસી શકે, પણ એ કેવળ ખારને કારણે, દુભાઈને જ આવું આત્મરંજન કરતો હોય છે. આ બધું જાણવું, એ બદલ નામોશી અનુભવવી – એમાં જ પેલો વિષયસુખના જેવો ઉત્કટ આનન્દ રહ્યો હોય છે : ‘હું તમને ચિન્તા કરાવું છું, તમારા હૃદયને વિદારું છું, આખા ઘરને સૂવા દેતો નથી. ભલે, તો તમે જાગતાં રહો, મને દાંતનો દુઃખાવો છે તેનું ભાન તમનેય ક્ષણે ક્ષણે થતું રહો. હું તમારી નજરે હવે કોઈ પરાક્રમી પુરુષ નથી (એવા દેખાવાનો મેં પહેલાં પ્રયત્ન કર્યો હતો ખરો); હું હવે તમને નર્યો નઠારો લાગતો હોઈશ, હું તમને નર્યો ઢોંગી લાગતો હોઈશ. તો ભલે ને એવું લાગતું! તમે મારી આરપાર જોઈ શકો છો એથી મને ઘણી ખુશી થાય છે. મારું ઘૃણાસ્પદ કણસવું સાંભળ્યા કરવું એ તમનેય છાજતું નથી; છોને એવું થતું! હું એથીય વધુ ખરાબ કશુંક હમણાં એક ક્ષણમાં જ બતાવું છું...’ સજ્જનો, હજીય તમને સમજાતું નથી? ના, આપણો વિકાસ અને આપણી ચેતના હજી થોડાં ડગલાં આગળ ભરે તો જ કદાચ આ પ્રકારના આનંદની આંટીઘૂંટી સમજી શકાય. તમને હસવું આવે છે? તમને આનન્દ થયો. મારી રમૂજ, અલબત્ત, જરા હલકા પ્રકારની છે, ગૂંચભરી છે, આંચકાભરી છે, એમાં જોઈએ તેટલો આત્મવિશ્વાસ નથી તે કબૂલ. પણ એ તો મને મારે માટે જ કશું માન નથી તેથી. કોઈ સંવેદનશીલ માનવી પોતાને માટે માનની લાગણી ‘રાવી શકે ખરો?
તમેય શું, મારા સાહેબ, આટલું સમજતા નથી! પોતાને ઉતારી પાડવાની લાગણીમાંથી જ આનન્દ મેળવનાર આદમીમાં પોતાને માટે રજમાત્ર માન હોય ખરું? હું પસ્તાવો કરીને મારી હાંસી ઉડાવવા માટે આ નથી કહેતો. ‘બાપા, મને માફ કરો, હું ફરી કદી આવું નહીં કહું.’ એવું કહેવું તો મારાથી સહ્યું જાય જ નહીં; મારાથી એવું કહી જ શકાય નહીં એ કારણે નહીં, એથી ઊલટું, હું એવું ઝટ દઈને કહી દઈ શકું છું એટલા માટે જ (ને તેય કેવી રીતે?) મારો કશોય વાંક ન હોય તોય, જાણે યોજનાપૂર્વક, હું કેટલાય કિસ્સામાં મારી જાતને મુશ્કેલીમાં મૂકી દેતો! સૌથી નઠારી વાત આ જ છે. પણ સાથે સાથે મારું હૃદય દ્રવી જતું, મને પસ્તાવો થતો, હું આંસુ સારતો ને જો કે આમ કરીને હું આત્મપ્રવંચનામાં રાચતો હતો એવું નથી, એ વખતે મને કશુંક ઊબકા આવે એવું થતું ખરું... આ માટે કોઈ કુદરતના કાનૂનનો વાંક કાઢી શકે નહીં, જો કે આખી જિંદગીમાં મને આ કુદરતના કાનૂન પ્રત્યે જ સૌથી વિશેષ અણગમો સદા રહ્યો છે. આ બધું યાદ કરવાથીય મને તો જુગુપ્સા થાય છે. અલબત્ત, એની પછીની જ ઘડીએ આ બધું નર્યુ જૂઠાણું છે એનું મને ભાન થતું હોય છે, ને હું ધૂંધવાઈ જાઉં છું. આ જૂઠાણાથી મારું લોહી ઊકળી આવે છે; આ પસ્તાવો, આ આખી લાગણી, જાતને સુધારવાને માટેના નિશ્ચય – બધું જ મને ડોળઘાલુ લાગે છે. હું આવી બધી ઠઠ્ઠાખોરીની ઝંઝટમાં શા માટે પડું છું એવું તમે પૂછશો. મારો જવાબ : બે હાથ જોડીને બેસી રહેવું ભારે કંટાળાભર્યું લાગે છે માટે આવું અળવીતરું કરવાનું મન થાય છે. સાચી વાત આ જ છે. સજ્જનો, તમે તમારી જાતનું વધુ કાળજીપૂર્વક નિરીક્ષણ કરશો તો તમને પણ એવું જ લાગશે. થોડાંક સાહસ ઉપજાવી કાઢીને મેં મારી જિંદગી બનાવી છે, આથી હું કોઈ રીતેય જીવી રહ્યો છું એવું મને લાગે છે. કેટલીય વાર મને આવો અનુભવ થયો છે – જાણી કરીને, કશાય કારણ વિના અણગમો વહોરી લેવો; ને આપણને તો ખબર હોય છે જ કે નાખુશ થવાનું કશું કારણ નથી, એ ડોળ જ છે, પણ એમ કરતાં આખરે આપણને ખરેખર દુભાવા જેવું લાગે છે. મને તો આખી જિંદગી આવાં અળવીતરાં કરવાનું ગમ્યું છે, આથી આખરે મારા પર જ હું કાબૂ રાખી શકતો નથી. એક વાર (ખરું કહું તો બે વાર) મેં પ્રેમ કરવાનો ભારે પ્રયત્ન કર્યો હતો. મેં સારી પેઠે સહન કર્યું છે, સજ્જનો, મારા શબ્દ પર વિશ્વાસ રાખજો. મને પોતાને જ ઊંડે ઊંડેથી આ દર્દમાં કશો ઇતબાર નહોતો, હું કેવળ એનો હળવો ઉપહાસ કરતો હતો, આમ છતાં મને દર્દ તો થતું જ હતું ને તેય સો ટકા જૂનવાણી રીતરસમ મુજબનું; મને અદેખાઈ થતી, હું જાત પરનો કાબૂ ખોઈ બેસતો...ને સજ્જનો, આ બધું કેવળ વિરતિને કારણે, એ નર્યું વિરતિનું જ પરિણામ; એથી હું જડતાનો ભોગ બનતો. ચેતનાનું પ્રત્યક્ષ ને વ્યાજબી પરિણામ જડતા જ છે એ તમે જાણો છો ને? આ જડતા એટલે જાણી જોઈને હાથ જોડીને બેસી રહેવું તે. મેં આગળ આનો ઉલ્લેખ કર્યો જ છે. હું અહીં એનું પુનરાવર્તન કરું છું, ભારપૂર્વક એનું પુનરુચ્ચારણ કરું છું : સીધા ‘સી જનારા ‘કર્મયોગી’ લોકો કાર્યશીલ હોય છે કારણ કે એઓ મૂરખ અને ઊણા હોય છે. આ શી રીતે સમજાવવું? હું સમજાવું છું : એમનામાં રહેલી મર્યાદાને પરિણામે એઓ તરત નજરે ચઢતાં ને ગૌણ એવાં કારણોને મુખ્ય કારણો ગણી લે છે, ને એ રીતે બીજા લોકોનાં કરતાં પોતાને સહેલાઈથી મનાવી લઈ શકે છે કે એમને એમના કાર્યને માટેનો સધ્‘ર પાયો પ્રાપ્ત થઈ ચૂક્યો છે; આથી એમનાં મન નિશ્ચિત હોય છે, ને તમે જાણો છો કે આ જ વાત મહત્ત્વની છે. તમે કશું કાર્ય આરંભો તે પહેલાં તમારું મન પૂરેપુરું નિશ્ચિંત હોય, તમને રજમાત્ર શંકા નહીં હોય તે જરૂરી છે. હું શી રીતે, શા માટે મારા મનને નિશ્ચંતિ બનાવું? જેના પર હું મારા કાર્યની માંડણી કરી શકું તે મુખ્ય કારણ ક્યાં છે? ક્યાં છે મારા કાર્યનો પાયો? હું એને ક્યાંથી લાવું? આ રીતે હું એ વિશે શ્રમપૂર્વક ંચિંતન કરું છું ને એને પરિણામે દરેક મુખ્ય લાગતા કારણની પાછળ મને બીજુંું આદિ કારણ રહેલું દેખાતું જ જાય છે, આમ આગળ ને આગળ બીજાં કારણો દેખાયે જ જાય છે. ચૈતન્ય હોવું ને ચિંતન કરવું એનો સાર આટલો. આ વળી કુદરતના કાનૂન- વાળી જ વાત થઈ. આખરે આ બધાંનું પરિણામ શું આવે? એનું એ જ ને? હું હમણાં જ વૈેરવૃત્તિની વાત કહી ગયો તે યાદ છે ને? (તમે એ બરાબર નથી કળી શક્યા એની મને ખાતરી છે.) માણસ વેર લે છે કારણ કે એને એમ કરવામાં ન્યાય થતો લાગે છે એવું મેં કહ્યું હતું. આ રીતે એ એક આદિ કારણ શોધી કાઢે છે, ને તે છે આ ન્યાય ચૂકવવાની વાત. આથી એ બધી બાજુથી નિશ્ચંતિ બની જાય છે ને એને પરિણામે એ વેર લેવાનું કામ સ્વસ્થતાથી ને સફળતાથી પાર પાડે છે, કારણ કે એ પોતે ન્યાયપૂર્વકનું ને પ્રામાણિક કામ કરી રહ્યો છે એવું પોતાને એ મનાવી શકે છે. પણ મને એમાં ન્યાય ચૂકવવા જેવું કશું દેખાતું નથી કે નથી એમાં કશો ગુણ દેખાતો ને પરિણામે જો હું વેર લેવાનો પ્રયત્ન કરું તો તે કેવળ ખારને કારણે. અલબત્ત, ખારને કારણે પણ મારા બધા સંશયો શમી જાય ને એ જ આદિ કારણની અવેજીમાં કામ આવે એવું બને, ને તે એ એવું કારણ નથી એ માટે જ. પણ મારામાં આ ખાર જ નહીં હોય તો શું કરવું? (મેં એ વાતથી જ શરૂઆત કરી હતી, ખબર છે ને તમને?) ચેતનાના એ દુષ્ટ નિયમો અનુસાર મારો રોષ પણ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈને કણ કણ થઈને વિખેરાઈ જાય છે, તમે કશાક પર નજર ઠેરવો છો, એ પદાર્થ હવામાં ઊડી જાય છે. તમારી બુદ્ધિ બાષ્પ બનીને અદૃશ્ય થાય છે, અપરાધીનો પત્તો મળતો નથી, જે અનિષ્ટ છે તે અનિષ્ટનું રૂપ ધારણ કરતું નથી, આભાસમાત્ર બની રહે છે, દાંતના દુઃખાવા જેવું, એને માટે કોઈનો દોષ કાઢી શકાય નહીં, આથી આમાંથી ઊગરવાનો એક જ આરો રહે છે – દીવાલને બને તેટલા જોરથી મુક્કી મારવી. આથી તમે તિરસ્કારથી હાથ વીંઝીને આખી વાત પડતી મૂકો છો, કારણ કે એનું આદિ કારણ તમને હાથ લાગ્યું નથી, અને કાંઈ નહિ તો ઘડીભર ચેતનાને અળગી રાખીને કશા આદિકારણની ઝંઝટમાં પડ્યા વિના, કશા વિચારને ચકરાવે ચઢ્યા વિના, આં‘ળા બનીને તમે તમારી જાતને લાગણીના વેગમાં તણાઈ જવા દો છો. ક્યાં તો તિરસ્કારો ક્યાં તો ચાહો, પણ બે હાથ જોડીને બેસી રહેવાનું ટાળો. એક દિવસ માંડ વીતશે ને તરત જ જાણી કરીને પોતાને છેતર્યા બદલ તમે તમને પોતાને જ તિરસ્કારવા લાગશો. પરિણામ : સાબુના પાણીનો પરપોટો ને જડતા. સજ્જનો, તમને ખબર છે હું શા માટે મને બુદ્ધિશાળી લેખું છું? આખી જિંદગીમાં હું કશું કામ આરંભી શક્યો નથી કે કશું કામ પૂરું કરી શક્યો નથી એટલા માટે જ કદાચ. હું જરા વાચાળ છું તે કબૂલ, નિરુપદ્રવી પણ કંટાળો ચઢે એવો વાતોડિયો છું તે કબૂલ, પણ આપણે બધા એવા જ છીએ. દરેક બુદ્ધિશાળી માણસનો સીધો એક માત્ર વ્યવસાય વાચાળતા હોય, જાણી કરીને ચાળણીમાંથી પાણી રેડવાનો હોય તો કરવું શું?
કેવળ પ્રમાદને કારણે મેં કશું કર્યું જ ન હોત તો કેવું સારું! તો તો મને મારે પોતાને માટે જ કેટલું બધું માન હોત, કાંઈ નહીં તો આળસુ થવાનું તો મારાથી બની શક્યું હોત, એટલા ખાતર મેં મને માનભરી દૃષ્ટિએ જોયો હોત; મારામાં મને શ્રદ્ધા બેસે એવો એકાદ ગુણ તો હોત! પ્રશ્ન : કોણ છે એ? ઉત્તર : આળસુ. પોતાને વિશે આવું સાંભળવું એમાં કેટલો બધો આનંદ રહ્યો છે! મારી ચોક્કસ વ્યાખ્યા બાંધી શકાય છે, મારે વિશે કશુંક કહી શકાય એમ છે એટલો તો એનો અર્થ ખરો ને! ‘આળસુ’ – એ પણ એક વ્યવસાય છે, કારકિર્દી છે. મારી વાત હસી કાઢશો નહીં, હું સાચું જ કહું છું. આળસુ બની શકું તો અ(િ((કારપૂર્વક સારામાં સારી ક્લબનો મેમ્બર થઈ શકું; મારી પ્રત્યે સદા માનની નજરે જોવું એ જ મારો વ્યવસાય બની રહે. લાફિત્તેના રસગ્રાહી જાણકાર તરીકે ગૌરવપૂર્વક આખી જિંદગી ગાળનાર એક સજ્જનને હું ઓળખું છું. આને એઓ પોતાનો એક વિશિષ્ટ ગુણ લેખતા હતા, ને એ વિશે એમને પોતાને કદી શંકા થઈ જ નહોતી. એએા માત્ર શાન્તિપૂર્વક નહીં પણ વિજયપૂર્વક મૃત્યુને ભેટ્યા, ને એમની વાત સહેજેય ખોટી નહોતી. મારેય આવી કશીક કારકિર્દી પસંદ કરવી જોઈતી હતી, આળસુ કે ખાઉધરો એવું કશુંક થવું જોઈતું હતું, ને તેય સાવ સીધોસાદો નહીં પણ જે કાંઈ સારું છે, સુન્દર છે તે બધાં પ્રત્યે સહાનુભૂતિ ‘રાવનાર. બોલો, તમને કેવી લાગે છે મારી વાત? આની મને કેટલા લાંબા ગાળાથી ઝાંખી થયા કરી છે. ચાળીસનો થયો છું ત્યારેય આ સત્યમ્ શિવમ્ સુન્દરમ્નો ભાર મારા મન પર તોળાઈ રહ્યો છે. પણ એ તો ચાળીસનો થયો ત્યારની વાત છે; ત્યારે, આહ, ત્યારે વાત કંઈક જુદી જ હોત! ત્યારે મેં મારા સ્વભાવને અનુકૂળ પ્રવૃત્તિ શોધી કાઢી હોત, ટૂંકમાં કહું તો જે કાંઈ સુંદર ને સારું છે તેને મેં બિરદાવ્યું હોત. મારી પ્યાલીમાં આંસુ પાડીને એને આ સુંદર અને શુભના માનમાં ગટગટાવી જવાની એક પણ તક મેં ખોઈ ન હોત. ત્યારે મેં બધું જ શુભ અને સુંદરમાં પલટાવી નાંખ્યું હોત. સાવ ગંદી અને તુચ્છ વસ્તુમાંથી મેં શુભ અને સુંદર શોધી કાઢ્યું હોત. ભીની વાદળીની જેમ મેં આસું સાર્યાં હોત. દાખલા તરીકે કોઈ ચિત્રકાર ‘ઉલ્લાસ’નું ચિત્ર આંકે છે; તરત જ હું એના માનમાં એ ‘ઉલ્લાસ’ને છાજે એ રીતે એક પ્યાલી ગટગટાવી જાઉં છું, કારણ કે મને જે કાંઈ શુભ અને સુંદર છે તેને માટે આદર છે. કોઈ લેખક ‘જેવી આપની ઇચ્છા’ લખે છે ને હું એના માનમાં ‘આપને જે ગમે તે’ કહીને પ્યાલી ગટગટાવી જાઉં છું કારણ કે મને ‘શુભ અને સુંદર’ને માટે આદર છે. આમ કર્યા બદલ લોકો મને માનની નજરે જુએ એમ હું ઇચ્છું. જે મને માન નહીં આપે તેને હું હેરાનપરેશાન કરી નાખીશ. એશઆરામથી જીવવું, ગૌરવપૂર્વક મરવું – કેવું સરસ! ફંદ ખાસ્સી ગોળમટોળ થાય, એક દાઢીની નીચે બીજી બે દાઢી ઝૂલવા લાગે ને નાકનું ટેરવું તો જાણે રાતું માણેક, મને જોઈને બધાં તરત જ બોલી ઊઠે : ‘આ સંઘરી રાખવા જેવું રતન છે! સો ટકા સાચું ને સંગીન!’ ને તમે તમારે જે કહેવું હોય તે કહો, આ ઉધાર જમાનામાં પોતાને વિશે આવું કહેવાનું હોય તો તે ઘણું ઘણું ગમે.
પણ આ તો બધાં સોનેરી સ્વપ્નો છે. માણસ નઠારાં કામ કરે છે તે પોતાનો સ્વાર્થ શો છે તે નથી જાણતો તેથી જ એવું કોણે પહેલવહેલું જાહેર કર્યું તે મને કહેશો? જો એને પૂરતો બોધ આપવામાં આવે, જો એવું સાચું ને સહજ હિત જોવા માટે એની આંખો ખોલવામાં આવે તો માણસ આપોઆપ નઠારાં કામ કરતો અટકી જાય, તો એ ભલો ને ઉમદા બની જાય કારણ કે એને જ્ઞાન થવાથી, એનામાં સમજણ આવવાથી, પોતાના સાચા લાભને એ એાળખે છે ને આથી એ સારાં કામમાં જ પોતાનો લાભ જોતો થાય છે, એ સિવાય બીજા કશામાં નહીં. આપણે સૌ જાણીએ છીએ કે એક પણ માણસ જાણી કરીને પોતાના હિતની વિરુદ્ધનું આચરણ કરે નહીં. આને પરિણામે, અનિવાર્યતયા, એ સારાં જ કામો કરશે – આમ માની શકાશે? કેવું બાલિશ! નરી અબુધ બાલિશતા! પહેલી વાત તો એ પૂછવાની કે આ હજારો વર્ષો દરમિયાન એક્કેય વાર એવું બન્યું છે ખરું કે જ્યારે માણસ કેવળ પોતાના સ્વાર્થને વશ બનીને જ વર્ત્યો હોય? માણસો સભાનપણે, એટલે કે પોતાનો સ્વાર્થ શેમાં રહ્યો છે તે પૂરેપૂરું જાણવા છતાં, એ સ્વાર્થને બાજુએ હડસેલી દઈને જોખમ અને ભયથી ભરેલે બીજે જ રસ્તે દોડી ગયા છે, ને તેય કોઈએ ફ્રજ પાડી હોય એવા કશા કારણે નહીં, પણ જાણે એક ને એક રેઢિયાળ ચીલે ચાલવાનો કંટાળો આવ્યો હોય ને તેથી જાણી કરીને, હઠપૂર્વક, બીજો કઠિન ને બેહૂદો રસ્તો લે, એ રસ્તો જાણે લગભગ અંધારામાં ફંફં મારીને શોધી કાઢે, આના લાખ્ખો દાખલા આ વાતની સાક્ષી પૂરે છે તેનું શું? આ હઠ ને આ વિકૃતિ જ કદાચ બીજા કોઈ લાભ કરતાં એમને વધુ આનંદદાયક લાગ્યાં હશે... લાભ! આ લાભ તે શી બલા છે? માણસનો લાભ શેમાં રહ્યો હોય છે તે પૂરી ચોકસાઈથી તમે આંકી બતાવવાનું માથે લેશો ખરા? ને જો કેટલીક વાર માણસનો લાભ જે પોતાને માટે ખતરનાક ને ગેરલાભકારક હોય તે ઇચ્છવામાં જ અનિવાર્યતયા રહ્યો હોય તો તેનું શું ? ને જો એવું હોય તો તમારી વાત ‘રમૂળથી જ ભાંગી પડે છે. તમને શું લાગે છે? આવા કિસ્સા હોય છે ખરા ને? તમે હસો છો; ભલે ને, મારી વાત હસી કાઢો, છતાં મને જવાબ આપો : માણસના લાભનો ચોક્કસ હિસાબ કોઈ પૂરી નિશ્ચિતતાથી કરી શક્યું છે ખરું ? જેનો આ હિસાબમાં સમાવેશ થયો નથી, એટલું જ નહીં, જેનો આવાં કશાં કોષ્ટકમાં સમાવેશ થઈ શકે એમ જ નથી એવુંય નથી હોતું? સજ્જનો, હું સમજું છું ત્યાં સુધી તમે માનવીના લાભનાં કોષ્ટક આંકડાશાસ્ત્રીઓ, રાજકારણમાં પડેલાઓ ને અર્થશાસ્ત્રીઓએ ઉપજાવેલાં સૂત્રોને આધારે કાઢેલા સરેરાશ અંદાજને આધારે તૈયાર કર્યાં હોય છે. તમારે મન લાભ એટલે સમૃદ્ધિ, ‘ન, સ્વતંત્રતા, શાન્તિ વગેરે. જે માણસ જાણી કરીને ખુલ્લંખુલ્લા આ બધાંથી વિરુદ્ધ દિશામાં જાય તે તમારી દૃષ્ટિએ (ને અલબત્ત, મારી દૃષ્ટિએ પણ) નર્યો પાગલ કે વિદ્યાશત્રુ જ લાગે, ખરું ને? પણ તમે જાણો છો ને, આ જરા અચરજ થાય એવું છે : આ બધા આંકડાશાસ્ત્રીઓ, સાધુપુરુષો અને માનવતાના મજનૂએા માનવીના લાભની યાદી બનાવવા બેસે છે ત્યારે એક વસ્તુની શા માટે બાદબાકી કરી નાખે છે? જે રીતે એની નોંધ લેવાવી જોઈએ તે રીતે નોંધ સરખી લેતા નથી, ને આખા હિસાબનો આધાર એના પર રહે છે. આમાં કાંઈ ખાસ ધાડ મારવાની નથી, આ લાભની નોંધ લઈને એનો એમની યાદીમાં સમાવેશ માત્ર કરવાનો છે. પણ આફતની વાત એ છે એમનાં વર્ગીકરણનાં કોઈ ખાનામાં આ વિગતને ગોઠવી શકાતી નથી, આથી એને એમાં ક્યાંય સ્થાન પ્રાપ્ત થતું નથી. એક દાખલો આપું, મારો એક દોસ્ત છે,... અરે, પણ સજ્જનો, એ તમારોય દોસ્ત છે, ને એવું કોઈ નથી જેનો એ દોસ્ત નહીં હોય. આવા સજ્જન કશુંક પણ કામ હાથ પર લે ત્યારે બુદ્ધિ અને સત્યના નિયમોને વશ વર્તીને એમણે કેવી રીતે આગળ વ‘વા ધાર્યું છે તે વિશે તરત જ ભારે ચોકસાઈથી એમની લાક્ષણિક છટા સાથે તમને બધું સ્પષ્ટપણે સમજાવી દેશે, ને વધારામાં, એઓ માણસના સાચા અને સર્વસામાન્ય હિત વિશે ભારે ઉત્તેજનાથી અભિનિવેશપૂર્વક વાતો કરશે; એએા ટૂંકી દૃષ્ટિવાળા, પોતાનું જ હિત નહીં સમજનારા ને સદ્દ્ગુણનો ખરો અર્થ નહીં જાણી શકનારા મૂરખાઓને વ્યંગપૂર્વક ભાંડશે; ને પા કલાકમાં જ, બહારની કશી ઉશ્કેરણી વિના, પોતાનાં બધાં હિત કરતાં બલવત્તર એવાં કશાંકને કારણે એઓ સાવ જુદે જ માર્ગે દોડી જશે, અત્યાર સુધી પોતે જે પોતા વિશે કહી રહ્યા હતા તેની સાવ વિરુદ્વમાં જઈને જ વર્તશે, બુદ્ધિના નિયમોને નેવે મૂકશે; પોતાના લાભને પણ વિસારે પાડશે. ટૂંકમાં પોતે કહી ગયા તેનાથી સાવ ઊલટું જ વર્તન કરશે... હું તમને પહેલેથી ચેતવી રાખું છું : આપણા આ મિત્ર ભારે સંકુલ ચરિત્રવાળા છે, ને તેથી જ તો એક વ્યકિત લેખે એમનો દોષ કાઢવો મુશ્કેલ છે. સજ્જનો, હકીકત એ છે કે લગભગ દરેક માણસને પોતાના મોટામાં મોટા લાભથી વધુ વહાલું એવું કશુંક હોવું જ જોઈએ, અથવા તો (તર્કસંગત વાત કરવી હોય તો) સૌથી વધુ લાભદાયક એવો કશોક લાભ હોય છે, (જે બાકાત રાખવામાં આવ્યો હોય છે, જેની હમણાં જ હું વાત કરી ગયો) જે વધુ મહત્ત્વનો હોય છે, જે બીજા સૌ લાભ કરતાં વધુ લાભદાયક હોય છે, ને જેને ખાતર, જરૂર પડે તો, માણસ બધા જ નિયમોની વિરુદ્ધ જઈને વર્તવા તૈયાર થઈ જાય છે; એટલે કે બુદ્ધિ, માનઆબરૂ, શાન્તિ, સમૃદ્ધિ – વાસ્તવમાં સર્વોત્તમ અને ઉપકારક એવાં સર્વ કાંઈથી ઊફરો જઈને એ વર્તે છે જો એથી પેલો પાયાનો, સૌ લાભથી વધુ લાભદાયક ને સૌથી વધુ વહાલો એવો લાભ થવાનો હોય તો. ‘હા, પણ આખરે એય લાભ છે એમ તો તમે કહો જ છો ને!’ તમે વળતો જવાબ આપશો. માફ કરજો, હું આ મુદ્દો સહેજ સ્પષ્ટ કરીને કહું, ને આ કાંઈ નરી શબ્દરમત નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે આ લાભ નોં‘પાત્ર છે તે એ કારણે કે એ આપણાં બધાં જ કોષ્ટકો તોડીફોડી નાખે છે; માનવતાના મજનૂઓએ માનવતાના લાભ ખાતર રચેલી બધી વ્યવસ્થાને એ સદા ભાંગ્યા જ કરે છે. એ ટૂંકમાં, બધું જ અવળુંસવળું કરી નાખે છે. આ લાભનું નામ પાડું તે પહેલાં હું એક બાબત પરત્વે અંગત રીતે એક સમજૂતી પ્રકટ કરવા ઇચ્છું છું ને તેથી હું પ્રગલ્ભપણે એલાન કરું છું કે આ બધી રૂડી વ્યવસ્થા, માનવજાતને એનું સાચું હિત શેમાં રહ્યું છે તે સમજાવવાના આ બધા લાંબાચોડા દીબાચાઓ (જે જાણીને માનવીઓ અનિવાર્યતયા એ હેતુ સિદ્ધ કરવાને મંડી પડે ને તરત સારા ને ઉમદા બની રહે!) – મારા મતે, હજી સુધી તો, નરી તર્કની આટાપાટાની રમતમાત્ર લાગે છે! હા, નરી તર્કની આટાપાટાની રમત. પોતાના હિતની સિદ્ધિ માટેનો પુરુષાર્થ કરવાથી માનવી નવો જન્મ પામશે એમ માનવું તે મારે મતે, સંસ્કૃતિથી માનવી કૂણો બને છે ને એને પરિણામે ઓછો લોહીતરસ્યો બને છે, ને એથી એ યુદ્ધ કરવાને ઓછો લાયક બને છે એવા બકલના સિદ્ધાંતને સ્વીકારી લેવા બરાબર છે. એની દલીલમાંથી આવું નિષ્પન્ન થાય તે તર્કસંગત લાગે તેમ છે. પણ માણસને આવી વિચારપદ્ધતિઓ તથા તારવી લીધેલાં ગૃહીતો માટે પહેલેથી જ એવો તો પક્ષપાત છે કે એ હેતુપૂર્વક સત્યને મચડવાને તૈયાર થઈ જાય છે, પોતાની ઇન્દ્રિયે રજૂ કરેલા પ્રમાણને નકારવા તૈયાર થઈ જાય છે ને આ બધું કેવળ તર્કપદ્ધતિને વ્યાજબી ઠરાવવા. હું આ ઉદાહરણ લઉં છું એનું કારણ એ છે કે એ ઊડીને આંખે વળગે એવું છે. તમારી આજુબાજુ જ એક નજર નાખો ને : લોહીની નદીઓ રેલાઈ રહી છે, ને તેય ભારે આનંદથી, કેમ જાણે એ શેમ્પઈન નહીં હોય! બકલ જે સદીમાં જીવી ગયો તે આખી ઓગણીસમી સદી જ લો ને. નેપોલિયનની વાત લો – મહાન પુરુષ, ને વળી આપણી નજીકનો. ઉત્તર અમેરિકાની વાત લો – સદાકાળનું સંયુક્ત રાજ્ય. શ્લેસ્વીગ-હોલ્સ્ટેઇનનું ફારસ લો... સંસ્કૃતિ આપણામાંની કઈ વસ્તુને કૂણી બનાવે છે?- ઇન્દ્રિયસુખના વૈવિધ્યને માણવાની શક્તિના વધારા સિવાય માનવીને સંસ્કૃતિથી બીજો કયો મોટો લાભ થયો છે? – એથી બીજું કશું માનવીને પ્રાપ્ત થયું નથી. આ બહુમુખી વૃત્તિના વિકસવાથી જ આખરે માણસ લોહી રેડવામાં સુુખ જોતો થઈ જાય છે. ખરું કહુંં તો, આવું બની જ ચૂક્યું છેે. સૌથી વધુ સંસ્કારી સજ્જનો જ સૌથી ચતુર હત્યારાઓ હોય છે એ તમે નોંધ્યું છે ખરું? એઓ ભારે સૂક્ષ્મ રીતે હત્યા કરતા હોય છેે. એટ્ટિલા ને સ્ટેન્કા રાઝિન તો આ સજ્જનો આગળ શી વિસાતમાં? એટ્ટિલા ને સ્ટેન્કા રાઝિનની જેમ એઓ ખુલ્લંખુલ્લા નજરે ચઢતા નથી એનું કારણ એ છે કે એઓ ઘણું ખરું તો આપણને સામે ભટકાતા જ હોય છે, એઓ કશી અસાધારણતાથી આપણું ધ્યાન ખેંચતા નથી, એઓ આપણને એટલા બધા પરિચિત થઈ ગયા છે. સંસ્કૃતિએ માણસને વધુ લોહીતરસ્યો નહીં બનાવ્યો હોય તોય વધુ દુષ્ટ રીતે, વધુ જુગુપ્સાજનક રીતે લોહીતરસ્યો બનાવ્યો છે એટલું તો નક્કી. જૂના જમાનામાં લોહી રેડીને એ ન્યાય ચૂકવે છે એમ માનતો : અંતરાત્માને જરાય ક્ષુબ્ધ કર્યા વિના એ ઠંડે કલેજે જેનો નિકાલ લાવવા જેવો હોય તેનો નિકાલ લાવી નાખતો. આજે લોહી રેડવું આપણને અ‘મ કૃત્ય તો લાગે જ છે ને છતાં આપણે એ અ‘મ કૃત્ય આચરીએ છીએ ને તેય પહેલાંના કરતાં વધારે સામર્થ્યથી. તો વધુ ખરાબ કોને કહેશો તમે જાતે જ નક્કી કરી લો ને! કહેવાય છે કે કલીઓપાત્રા (રોમના ઇતિહાસમાંથી દાખલો ટાંકું છું તે બદલ દરગુજર કરશો) પોતાની દાસીઓનાં સ્તનમાં સોનાની ટાંકણી ઘોંચીને મનોવિનોદ કરતી ને એ દાસીઓ વેદનાથી કણસતી ને અમળાઈ જતી તે જોઈને ખૂબ રાજી થતી. તમે કહેશો કે એ તો લગભગ બર્બરતાના જમાનામાં બનેલી ઘટના કહેવાય; આપણો જમાનો પણ બર્બરયુગ જ છે કારણ કે એક રીતે કહીએ તો આજેય આવી ટાંકણીઓ ઘોંચવાનો પ્રયોગ ચાલુ જ છે; પુરાણા બર્બરયુગના માનવીઓ કરતાં આજે માનવી વધુ સ્પષ્ટ રીતે જોતાં શીખ્યો છે તેમ છતાં એની બુદ્ધિ તથા વિજ્ઞાન એને સુઝાડે એ રીતે વર્તવાનું એનાથી હજી બની શકતું નથી, આમ છતાં તમને તો ખાતરી છે જ કે માનવી એની અમુક પુરાણી ખરાબ ટેવોને છોડી દેશે કે તરત આ પ્રમાણે વર્તવાનું એને આવડી જશે; કોઠાસૂઝ અને વિજ્ઞાન માનવસ્વભાવને ફરીથી પલોટી નાખશે ને એને વિકૃતિની દિશામાંથી પાછો વાળીને સાચી દિશા તરફ અગ્રસર કરશે. ત્યારે માનવી જાણી કરીને ખોટું આચરણ કરતો અટકી જશે ને પોતાનાં સાચાં હિતની વિરુદ્ધમાં પોતાની ઇચ્છાશક્તિને ખડી કરવાની અનિવાર્યતામાંથી બચી જશે એવો તમને વિશ્વાસ છે. પણ આટલું પૂરતું નથી; તમે આગળ વધીને કહેશો કે વિજ્ઞાન પોતે જ માનવીને શીખવશે (જો કે મારે મન તો એ મિથ્યા વિલાસ જ છે) કે એને કદી પોતાના તરંગ કે ઇચ્છાશક્તિ જેવું કશું હતું જ નહીં; એ વાંસળીના છિદ્ર જેવો કે પિયાનોની ચાવી જેવો જ છે; આ ઉપરાંત જેને કુદરતના કાનૂન કહી શકાય એવું પણ કશુંક છે. આથી એ જે કાંઈ કરે છે તે એની ઇચ્છાશક્તિના જોરે નથી થતું, કુદરતના કાનૂનને કારણે આપમેળે બની આવે છે. આને પરિણામે, કુદરતી કાનૂનો શોધી કાઢીએ એટલે બસ, પછી માનવીને એનાં કાર્યો બદલ જવાબ આપવાનો નહીં રહે, પછી એને માટે જિંદગી સાવ સરળ બની રહેશે. પછી માનવીનાં બધાં જ કાર્યો, આ કાનૂન મુજબ ગણિતના કોષ્ટકમાં ૧,૦૮,૦૦૦ સુધીના ઘાતાંકમાં વહેંચી નાખવામાં આવશે ને એની સૂચિ બનાવી દેવામાં આવશે; અથવા એથી આગળ જઈને જ્ઞાનવર્ધક વિશ્વજ્ઞાનકોશ બહાર પાડવામાં આવશે જેમાં બધું જ સ્પષ્ટ ગણતરી કરીને ઓળખાવવામાં આવશે. પછીથી કશું નવું બનશે નહીં, દુનિયામાં સાહસ જેવું કશું રહેશે નહીં. પછી – તમારું કહેવું આટલું જ છે. નવા આથિર્ક સંબંધો બંધાશે, બધું જ તૈયાર ને ગાણિતિક ચોકસાઈથી નક્કી કરેલું હશે; આથી તમે કોઈ પ્રશ્ન પૂછો તો આંખના પલકારામાં એનો જવાબ મળી રહેશે. પછી... સુખશાંતિના દિવસો આવશે. અલબત્ત (આ મારી ટિપ્પણી છે), ત્યારે બધું ભયંકર કંટાળાભર્યું બની નહીં જાય એમ નિશ્ચિતપણે કહી શકાય નહીં. (બધું જ ખાનાં પાડીને કોષ્ટકોમાં વહેંચી નાખ્યું હોય પછી બીજું કરવાનું રહે શું?) પણ બીજી રીતે જોઈએ તો બધું અસાધારણ રીતે બુદ્ધિસંગત બની જશે. અલબત્ત, કંટાળાને કારણે તમે ગમે તે હદે જઈને ગમે તે કરી નાખો તે વાત જુદી. આવા કંટાળાને કારણે જ કલીઓપાત્રા દાસીના સ્તનમાં સોનાની ટાંકણી ઘોંચતી હતી, પણ પછી એનો કશો વાંધો નહિ રહે. અનિષ્ટ તો એ (વળી હું મારી ટિપ્પણી ઉમેરું છું) કે પછી દાસીઓ આ સોનાની ટાંકણી ઘોંચ્યા બદલ આભાર માનતી થઈ જશે. માણસ મૂરખ છે, ગજબનો મૂરખ છે એ તો તમે ક્યાં નથી જાણતા? અથવા તો એમ કહો ને કે એ જરાય મૂરખ નથી, પણ એ એવો તો કૃતઘ્ન છે કે આખી ભગવાનની સૃષ્ટિમાં એનો જોટો જડે નહીં. બધે સમૃદ્ધિ છલકાતી હોય ને બધી છોળ વચ્ચે રહ્યો છતાં કોઈ સજ્જન કશાં જ કારણ વિના, વ્યંગભરી મુખમુદ્રા કરીને ઊભો થઈ કેડે હાથ દઈને બધાંને સંબોધીને કહી દે : ‘સજ્જનો, આ તમાશાને લાત મારીને બુદ્ધિવાદને રામ રામ કહી દઈએ તો કેવું? તમારા ઘાતાંક ને કોષ્ટકો જાય જહાન્નમમાં, ચાલો ને આપણે પહેલાંની જેમ મૂર્ખાઈભરી પણ મનમોજી જિંદગી જીવીએ.’ આવું કોઈ કહે તો મને જરાય નવાઈ લાગે નહીં. એનોય કશો વાંધો નહીં, પણ આમ કહેનારને અનુયાયીઓ જરૂર મળી રહેવાના! તમે જ કહો, પછી આપણે ધૂંધવાઈ જ ઊઠીએ ને? ત્યારે આવો છે માનવીનો સ્વભાવ : ને આ બધું કેવળ મૂર્ખાઈભરી વાત માટે, એનો તો ઉલ્લેખ સરખો કરવો કોઈને યોગ્ય લાગે નહીં એવી મૂર્ખાઈભરી વાત! એ વાત તે આ : માનવીએ સર્વત્ર ને સદાકાળ (એ પોતે ગમે તે હોય) પોતાને ફાવે એ રીતે વર્તવાનું પસંદ કર્યું છે, પોતાની બુદ્ધિ અને પોતાના લાભને અનુસરીને નહીં. પોતાના હિતની વિરુદ્ધનું પણ કોઈ પસંદ કરી શકે, ને કેટલીક વાર તો માણસે સો ટકા એવું જ કરવું ઘટે (મારું તો એવું માનવું છે.) પોતાની મુક્ત અબાધિત પસંદગી, પોતાનો તરંગ, પછી ભલેને એ ગમે તેટલો સ્વચ્છંદી લાગે, ઘેલછા ગણાય એવી હદનો તરંગ એ ‘સૌથી લાભદાયક લાભ’ બની રહે છે, જે આપણી નજરે ઘણી વાર પડતો નથી. એને કશા કોષ્ટકના ખાનામાં પૂરી શકાતો નથી; એની સામે અથડાઈને બધાં સિદ્ધાંતો નેે પદ્ધતિઓના ચૂરેચૂરા થઈ જાય છે. આ દોઢડાહ્યાઓ શેને આધારે એમ કહે છે કે માનવી નીતિસંમત ને સાધારણ એવી જ પસંદગી કરવા ઇચ્છે છે? બુદ્ધિની ગણતરીએ લાભદાયક લાગે એવી જ પસંદગી માનવી કરવા ઇચ્છે છે એવો ખ્યાલ એમણે શા આધારે બાંધ્યો? માનવી સ્વતંત્રપણે પસંદ કરવા ઇચ્છે છે એટલી જ વાત સાચી. આ સ્વતંત્રતાને ખાતર એને ભલે ને ગમે તે ભોગ આપવો પડે ને એથી ભલેને એનું જે થવાનું હોય તે થાય. ને આ પસંદગી – સેતાન સિવાય કોને ખબર છે આ પસંદગીની!
‘હા હા હા! વાસ્તવમાં પસંદગી જેવું કશું હોતું નથી, તમારે જે કહેવું હોય તે કહો.’ તમે હસી પડીને મને વચ્ચેથી બોલતો અટકાવીને કહો છો. ‘વિજ્ઞાન માનવીનું પૃથક્કરણ કરવામાં એટલી હદે સફળ નીવડ્યું છે કે આ પસંદગી ને તમે જેને સ્વતંત્રતા કહો છો કે તે આખરે શું છે તેની આપણને ખબર છે. એ -’ સહેજ થંભી જાઓ, સજ્જનો! મારે ત્યાંથી જ શરૂઆત કરવી હતી. હું કબૂલ કરું છું કે હું સહેજ ગભરાઈ ગયો હતો. ‘પસંદગીનો આધાર શેના પર છે તેની કોને ખબર છે.’ એવું જ કશું કહેવા જતો હતો, ને એ સાચું જ છે, પણ મને વિજ્ઞાને સંપડાવેલી માહિતીની વાત યાદ આવી......ને મેં મારી જાતને વારી લીધી. ત્યાં તમે વળી એ જ શરૂ કરી બેઠા! આપણી બધી ઇચ્છાવાસના ને આપણા તરંગોને ઓળખવાનું સૂત્ર જો કોઈ રીતે આપણને હાથ લાગી જાય – એટલે કે, એ બધાંનો શેના પર આધાર છે, કયા નિયમને વશ થઈને એ બધું આપણામાં ઉદ્ભવે છે, એ બધું આપણામાં કેવી રીતે વિકસે છે, એ બધાંનું જુદે જુદે વખતે લક્ષ્ય શું હોય છે વગેરે જાણવાનું કોઈ ગાણિતિક સૂત્ર હાથ લાગી જાય – તો કદાચ ઘણુંખરું તો માનવી ઇચ્છાવાસના અનુભવતો જ બંધ થઈ જાય. કારણ કે નિયમના પર આધાર રાખીને પસંદગી કરવાનું કોને ગમે? વળી એમ કરવા જતાં જ એ માનવી મટીને વાજાંની ચાવી કે એવું જ કશું બની રહે; કારણ કે ઇચ્છા, સ્વતંત્ર સંકલ્પશક્તિ અને પસંદગીના અ(િ((કાર વિનાનો માનવી વાજાંની ચાવી નહીં તો બીજું શું હોઈ શકે? બોલો, તમને શું લાગે છે? આપણે શક્યતાઓ ગણી જોઈએ – આવી વસ્તુ બની શકે કે નહિ? ‘હં......’ તમે નિશ્ચય પર આવીને કહો છો. ‘આપણા લાભ વિશેના ખોટા દૃષ્ટિબિંદુને કારણે આપણી પસંદગી પરત્વે આપણને ખોટો ખ્યાલ હોય છે. આપણે ઘણી વાર નરી બેહૂદી વસ્તુ પસંદ કરીએ છીએ, કારણ કે મૂર્ખાઈમાં ને મૂર્ખાઈમાં એ બેહૂદી વસ્તુ દ્વારા આપણે જેને લાભ માની બેઠા છીએ તેને સાવ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાશે એમ ધારતા હોઈએ છીએ. પણ એ બીજાં વિશે સ્પષ્ટ સમજ આપવામાં આવે ને એનું લેખું કાગળ ઉપર માંડી આપવામાં આવે (ને એમ કરવું સર્વથા સમ્ભવિત છે, કારણ કે કુદરતના અમુક કાનૂનો માનવી કદી સમજી શકશે નહીં એમ માનવું તે માનવીનો તિરસ્કાર કરવા બરાબર છે, ને એ વાત અર્થ વગરની છે) તો એ ઇચ્છાવાસનાઓ રહેશે નહીં. કારણ કે આપણી કોઈ વાસના અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ થાય તો આપણે બુદ્ધિને સ્વીકારીશું, વાસનાને નહીં, કારણ કે બુદ્ધિને જાળવી રાખીને વાસના પરત્વે બુદ્ધિહીન બનવાનું અશક્ય જ છે, ને એ રીતે જાણી કરીને બુદ્ધિ વિરુદ્ધ થઈને વર્તવું ને આપણી જાતને જ ઇજા કરવાની ઇચ્છા કરવી એ બને નહીં. વળી બધી પસંદગીઓને વિચારના ખરેખર લેખાં માંડી શકાતાં હોય છે – કારણ કે એક દિવસ આપણે જેને સ્વતંત્ર ઇચ્છાશક્તિ કહીએ છીએ તેના કાયદા પણ શોધાશે – આથી, મજાક બાજુ પર રાખો, કોઈ દિવસ એનું પણ કોષ્ટક તૈયાર કરી શકાશે જેથી કરીને એ કોષ્ટકની મદદથી ને એ મુજબ આપણે પસંદગી કરી શકીશું. દાખલા તરીકે જો એ લોકો ગણતરી કરીને પુરવાર કરી આપે કે ફલાણાને જોઈને મેં નાકનું ટેરવું ચઢાવ્યું કારણ કે એ રીતે નાકનું ટેરવું ચઢાવવું મારે માટે અનિવાર્ય જ હતું તો એમાં મારી સ્વતંત્રતા ક્યાં રહી? ને તેમાં ખાસ કરીને હું ભણેલોગણેલો હોઉં ને ક્યાંકથી બે ચાર ડીગ્રી પણ મેં મેળવી હોય તો? પહેલેથી હું મારી ત્રીસ વરસ સુધીની ભવિષ્યની જિંદગીનું લેખું માંડી શકું. ટૂંકમાં જો આવી વ્યવસ્થા થઈ શકે તો પછી આપણે કશું કરવાનું રહેશે નહીં. ગમે તેમ તોયે આટલું તો આપણે સમજી લેવું રહ્યું. વાસ્તવમાં આપણે આપણી જાત આગળ થાક્યા વિના રટ્યા કરવું જોઈએ કે અમુક સમયે ને અમુક સંજોગોમાં કુદરત આપણને પૂછીને કશું કરવાની નથી. એ જેવી છે તેવી સ્વીકાર્યે જ છૂટકો. એને આપણા તરંગ મુજબ ઘડી શકાય નહીં, ને જો આપણે ખરેખર સૂત્રો રચવાની ને નિયમોનાં કોષ્ટક બનાવવાની અભિલાષા રાખતા હોઈએ, ને વળી.... તો આ બધું સ્વીકારી લીધે જ છૂટકો, નહીં તો આપણી સંમતિ પૂછવા કોઈ રહેવાનું નથી, આપણે પરાણે સ્વીકારવાનું રહેશે જ....’ હા, પણ અહીં હું અટકું છું! સજ્જનો, મેં વધારે પડતી ફિલસૂફી ડહોળી એવું લાગે તો મને માફ કરજો. ચાલીસ વરસ સુધી હું ભોંયતળિયે રહ્યો છું તેનું એ પરિણામ છે! મને મારા તરંગને બહેલાવવા દો, સજ્જનો, તમે સમજ્યા ને, બુદ્ધિ ઉત્તમ વસ્તુ છે એ વિશે કશી દલીલને અવકાશ નથી તે કબૂલ, પણ આખરે બુદ્ધિ તે નરી બુદ્ધિ છે ને એ માનવીના સ્વભાવના બૌદ્ધિક અંશને જ સન્તોષી શકે છે, ત્યારે ઇચ્છાશક્તિ માનવીની સમગ્રતાનો આવિષ્કાર છે, એટલે કે માનવીની બુદ્ધિ તથા વૃત્તિઓનો આવિષ્કાર છે. એના આ પ્રકારના આવિષ્કારમાં આપણી જિંદગી ઘણુંખરું તો તુચ્છ જ બની રહે છે, છતાં એ જિંદગી છે, કશાકનું કાઢેલું વર્ગમૂળ માત્ર નથી. ઉદાહરણ લેખે મારી જ વાત કરું : હું સાવ સહજ રીતે જીવવા ઇચ્છું છું ને એ રીતે મારી જીવવાને માટેની બધી શક્તિઓને તૃપ્ત કરવા ઇચ્છું છું, કેવળ મારી બુદ્ધિશક્તિને તૃપ્ત કરવા નથી ઇચ્છતો, એટલે કે મારી જીવનની શક્તિના કેવળ વીસમા ભાગને સન્તોષવા નથી ઇચ્છતો. બુદ્ધિ જાણીજાણીને તે શું જાણે છે વારુ? પોતે જેને વિશે માહિતી મેળવવામાં સફળ નીવડે છે તેટલું જ એ જાણે છે (કેટલીક વાત તો એ કદી જાણી શકશે જ નહીં; આમ કહેવું સુખકર નીવડે એમ નથી, છતાં નિખાલસ બનીને શા માટે કહી નહીં દઈએ?), ને માનવી વર્તે છે તે સમગ્ર માનવી લેખે; એનામાં જે કાંઈ છે તે સમસ્ત સહિત, જાણીને કે અજાણતાં, ને જો એમાં એ ખોટો પડે તોય એ જીવ્યે જાય છે. મને એવો વહેમ જાય છે, સજ્જનો, કે તમે મને કંઈક કરુણાભરી દૃષ્ટિએ જોઈ રહ્યા છો. તમે મને ફરીથી કહેશો કે શિક્ષિત ને સુવિકસિત માનવી (ટૂંકમાં, ભવિષ્યનો માનવી) સભાનપણે, જાણી કરીને, પોતાને ગેરલાભ કરે એવું કશું ઇચ્છી શકે નહીં, ને આ ગણિતની રીતે પુરવાર થઈ શકે એવું છે. આ બાબતમાં હું તમારી સાથે પૂરેપૂરો સમ્મત છું; હા, ગણિતની રીતે તમે એ જરૂર પુરવાર કરી શકો. પણ હું ફરી, એકસો એક વાર ફરી કહું છું કે એક કિસ્સામાં, માત્ર એક કિસ્સામાં માનવી જાણી કરીને, હેતુપૂર્વક પોતાને ઇજા કરે એવું કરવાની ઇચ્છા ‘રાવશે, પછી એ ભલે ને મૂર્ખાઈભર્યું હોય, ભારે મૂર્ખાઈભર્યું હોય ને તે કેવળ એવું મૂર્ખાઈભરેલું પોતાને માટે ઇચ્છવાનો એને અ(િ((કાર છે, ને પોતે કેવળ બુદ્ધિપુરસ્સરનું જ ઇચ્છવા બંધાયેલો નથી એટલું પુરવાર કરવા. અલબત્ત, આ ભારે મૂર્ખાઈ ભરેલી વસ્તુ, આ તરંગ અમુક કિસ્સામાં પૃથ્વી પરની કોઈ વસ્તુ કરતાં એને માટે વધુ લાભદાયક હોય એમ બને. દેખીતી રીતે એ નુકસાન કરે એવું લાગે તે છતાં એ બીજા કોઈ લાભ કરતાં વધુ લાભદાયક લાગે તે આપણી બુદ્ધિને શું લાભદાયક ને શું નહીં તે વિશેના બધા નિર્ણયોને એ નેવે મૂકી દે. કેટલાક તો એમ પણ માને છે કે આ જ માનવીને માટે સૌથી વિશેષ મૂલ્યવાન વસ્તુ છે. પસંદગી પણ, જો એમ કરવાનું પસંદ કરે તો, બુદ્ધિસંગત બની શકે; ને એને પણ જો મર્યાદામાં રાખી હોય ને એનો દુરુપયોગ નહીં કરવામાં આવ્યો હોય તો એ લાભદાયક ને ઘણી વાર શ્લાઘનીય પણ નીવડે. પણ ઘણુંખરું આપણી પસંદગી બુદ્ધિ સામે હઠ કરીને વિરોધ કરે છે... અને...અને તમે જાણો છો, એ પણ લાભદાયક હોય છે, ને કેટલીક વાર તો શ્લાઘનીય પણ હોય છે. સજ્જનો, માની લો ને કે માનવી મૂર્ખ નથી. (એક દૃષ્ટિએ જોઈએ તો આવું હોય તો પછી ડાહ્યું કોણ?) પણ જો એ મૂરખ નથી તો ભારે કૃતઘ્ન છે, ગજબનો કૃતઘ્ન! વાસ્તવમાં મને તો લાગે છે કે માનવીની સારામાં સારી વ્યાખ્યા જ આ છે : બેપગું કૃતધ્ન પ્રાણી. પણ એટલેથી વાત પૂરી થતી નથી; એ જ કાંઈ એની સૌથી બદતર ખામી નથી; એની સૌથી બદતર ખામી તો છે એની હમેશની નૈતિક અવળચંડાઈ, સદાની, પ્રલયનાં પૂર આદિ કાળમાં આવ્યાં હતાં ત્યારથી માંડીને તે સ્લેશ્વિગ હોલ્સ્ટેઇનના જમાના સુધીની. નૈતિક અવળચંડાઈ ને એના પરિણામરૂપ સદ્ભાવનાનો અભાવ; કારણ કે સદ્ભાવનાનો અભાવ આ નૈતિક અવળચંડાઈનો અભાવ છે એ તો ક્યારનુંય સ્વીકારાઈ ચૂક્યું છે... તમે એને કસોટીએ ચઢાવી જુઓ ને પછી માનવજાતિના ઇતિહાસ તરફ નજર નાખો. તમને શું નજરે પડશે? ભવ્ય દૃશ્ય? ભવ્ય કહેવું હોય તો કહી શકો. ર્હોડ્સના કોલોસસની જ વાત લો ને. એ કાંઈ નાંખી દેવા જેવી વાત નથી. યોગ્ય કારણસર મિ.એનિયેવ્સ્કી એ કૃતિ માનવીના હાથનું સર્જન છે એ વાતનું સમર્થન કરે છે, જ્યારે બીજા કેટલાક એમ માને છે કે એનું સર્જન કુદરતે પોતાને હાથે જ કર્યું છે. એ અનેકરંગી છે? એવુંય સંભવી શકે. અનેક પ્રજાના અનેક યુગોના લશ્કરી અને મુફતી ગણવેશની જ વાત લો ને, એય કાંઈ જેવી તેવી વાત નથી... કોઈ ઇતિહાસકારનું ગજું નથી કે એની ગણતરી કરી શકે. એ કંટાળાભર્યું છે? હા, એ કંટાળાભર્યું પણ હોઈ શકે; આખો વખત લડાઈ ને લડાઈ; અત્યારેય લડાઈ ચાલે છે, પહેલાંય લડતા હતા ને લડ્યા જ કરવાના – આ ભારે કંટાળાભર્યું જ નીવડે એ તો તમારેય કબૂલ કરવું જ પડશે. ટૂંકામાં દુનિયાના ઇતિહાસ વિશે જેને જે કહેવું હોય તે કહી શકે – સાવ બેફામ કલ્પના કરીને જે કહેવું હોય તે કહી શકે. એક જ વાત એને વિશે કહી શકાય એમ નથી, ને તેે આ : એ બુદ્ધિસંગત નથી. આ શબ્દો બોલીએ ને જ ગળે ચોંટી જાય છે; ને આ વિચિત્ર વસ્તુ જ હંમેશા બનતી આવી છે : દુનિયામાં હંમેશાં થોડે થોડે સમયે નીતિમાન ને બુદ્ધિશાળી વ્યક્તિઓ, સાધુપુરુષો ને માનવતાના મજનૂઓ જનમ લેતા રહે છે. એઓ પોતાનું જીવન બને તેટલું નીતિમય ને બુદ્ધિસંગત ગાળવાનું લક્ષ્ય દૃષ્ટિ સમક્ષ રાખીને જીવે છે. પોતાનું જીવન બીજાને માટે પથપ્રદર્શક બની રહે, આ દુનિયામાં નીતિમય ને બુદ્ધિસંગત જીવન જીવવાનું શક્ય છે એમ પડોશીઓને લાગે એ રીતે એઓ જીવતા હોય છે. આમ છતાં આપણે સૌ જાણીએ છીએ કે એના એ જ લોકો વહેલામોડા પોતાની જાતને ખોટી પાડે છે, કશુંક વિચિત્ર કરી બેસે છે, કેટલીક વાર તો કશુંક સાવ અણછાજતું કરી બેસે છે. હવે હું તમને પૂછું છું : માણસનામાં આવા વિલક્ષણ ગુણ હોય તો એની પાસેથી શી આશા રાખી શકાય? પૃથ્વી પર જે કાંઈ સુખ હોય તેની એના પર વૃષ્ટિ કરો, એને સુખના સાગરમાં ડુબાડી દો જેથી તુષ્ટિના પરપોટા સિવાય બીજું કશું જ સપાટી પર દેખાય નહીં. ધનથી એને સમૃદ્ધ કરો જેથી એને કશું કરવાનું ન રહે, મિષ્ટાન્ન ન આરોગવું, સો મણની તળાઈમાં સૂઈ રહેવું ને પ્રજોત્પત્તિ કરવી – બસ; આમ છતાં નરી કૃતઘ્નતાથી, નર્યા ખારથી એ કશુંક અણધાર્યું કરી બેસીને આખરે છેતરી જવાનો! એને ધાનનાં વખાં પડે તો ભલે, એ જાણી કરીને કશુંક તુચ્છ, નર્યું બેહૂદું કરવા ઇચ્છશે ને તેય એની સદ્બુદ્ધિમાં પૂળો મૂકવાને! આ એના નર્યા હવાઈ તરંગો, અનાડીવેડા, નેે મૂર્ખામી એ જાળવી રાખવા મથશે, કેવળ પોતાની આગળ એટલું પુરવાર કરવાને – ને કેમ જાણે એ સાવ જરૂરી ન હોય તેમ – કે આદમી તે આદમી છે, વાજાંની ચાવી નથી; કુદરતના કાનૂનો એનું એવું તો નિયંત્રણ કરવાની ‘મકી આપી રહ્યા છે કે ભવિષ્યમાં પંચાંગ ખરીદવા સિવાય માણસને બીજી કશી ઇચ્છાવાસના રહેશે નહીં. ને વાત આટલેથી અટકતી નથી : માણસમાત્ર વાજાંની ચાવી ન હોય, પ્રાકૃતિક વિજ્ઞાન તથા ગણિત એવું પુરવાર કરી શકતાં હોય તોય એ બુદ્ધિમાનની જેમ નહીં જીવે, પણ ખાસ કરીને, કૃતઘ્ન બનીને એ કશુંક અળવીતરું કરશે જેથી કેવળ પોતાનો કક્કો એ ખરો કરી શકે. જો આમ કરવાનાં સા‘ન એને નહીં સાંપડે તો એ વિનાશ અને અરાજકતા પણ વહોરી લેશે, અનેક પ્રકારની યાતના સહી લેશે ને આ બધું પોતાનો મુદ્દો પુરવાર કરવાને! એ દુુુુુનિયાના પર શાપ ઉતારશે, ને માનવી જે રીતે શાપ આપી શકે તે રીતે (એ તો માનવીનો વિશિષ્ટ અધિકાર છે, એની ને બીજાં પ્રાણીઓની વચ્ચેની ભેદરેખા છે.). કદાચ એ પોતાના શાપ વડે જ જે સિદ્ધ કરવા મથતો હોય છે તે સિદ્ધ કરી શકે – એટલે કે પોતે માનવી છે ને વાજાંની કળ નથી એની પોતાને પ્રતીતિ કરાવી શકે. જો તમે એમ કહેતા હો કે આ બધાંની ગણતરી કરી શકાય, એને પણ કોષ્ટક બનાવી શકાય – આ અરાજકતા, અધિકાર અને શાપને પણ કોષ્ટકના ખાનામાં પૂરી દઈ શકાય જેથી કરીને એનો પહેલેથી અંદાજ કાઢી શકવાની સંભવિતતાને કારણે જ એ બધું જાણે અટકાવી દઈ શકાય ને વળી બુદ્ધિ માથું ઊંચકી શકે – તો માનવી જાણી જોઈને પાગલ બનવાનું પસંદ કરશે કે જેથી એ બુદ્ધિના સકંજામાંથી છૂટી શકે ને પોતાનો કક્કો ખરો કરી શકે! હું આમાં માનું છું ને હું એનો જવાબ પણ દઈ શકું તેમ છું કારણ કે માનવીનું સમસ્ત કાર્ય આખરે તો પોતેય માનવી છે ને વાજાંની કળ નથી એ પુરવાર કરવાનું જ છે! આ એને પોતાના જીવના જોખમે પણ કરવું પડે માનવભક્ષી બનીનેય કરવું પડે; અને પરિસ્થિતિ આવી હોવાથી બુદ્ધિ અને ગણિતનું રાજ હજી સ્થાપી શકાયું નથી તેથી કોઈ રાજી થયા વિના રહી શકે ખરું? આપણને જે અગોચર છે તેના પર જ આપણી ઇચ્છાવાસનાનો આધાર રહ્યો છે એની ના પાડી શકાશે? તમે મારી સામે બરાડી ઊઠશો(તો તમે મને લેખામાં ગણતાં હો તો જ અલબત્ત!) ને કહેશો : ‘તમારી ઇચ્છાશક્તિની આડે કોઈ અવરોધ ઊભો કરતું નથી. મારી ઇચ્છાશક્તિ આપમેળે જ મારા સાધારણ હિત જોડે પોતાનો મેળ બેસાડે, ગણિતના અને કુદરતના કાનૂન સાથે વિરોધ ઊભો ન કરે એટલાંની જ અમને તો પડી છે. સજ્જનો, ગણિત તથા કોષ્ટકો હોય ત્યાં ઇચ્છાશક્તિ જેવું રહે શું? પછી તો બે ને બે ચારમાં જ બધું સમાઈ જશે. બે ને બે ચાર મારી ઇચ્છાશક્તિને પૂછીને થતા નથી. સ્વતંત્ર ઇચ્છાશક્તિનો કેમ જાણે આવો જ અર્થ ન થતો હોય!
સજ્જનો, હું તો મજાક કરું છું ને મને પોતાનેય ખબર છે કે મારી મજાકમાં કુશાગ્ર બુદ્ધિનો પરિચય થતો નથી, પણ તમે તો જાણો છો કે બધું જ કાંઈ મજાક કહીને ઉડાવી દઈ શકાય નહીં. હું કદાચ મારા સ્વભાવની વિરુદ્ધ જઈને મજાક કરી રહ્યો છું. સજ્જનો, કેટલાક પ્રશ્નો મને સતાવે છે; તમે મારે ખાતર એનો જવાબ આપો. તમે (ઉદાહરણ તરીકે) મનુષ્યોને એની જૂની ટેવોમાંથી મુક્ત કરીને સુધારવા ઇચ્છો છો. એની ઇચ્છાશક્તિ વિજ્ઞાન અને સદ્બુદ્ધિને વશ વર્તે એમ ઇચ્છો છે ને માનવીને એ રીતે સુધારવો તે ઇચ્છનીય છે એ તમે શી રીતે જાણ્યું? માણસનાં લક્ષણો સુધારવાની જરૂર છે એવા નિર્ણય પર તમે શી રીતે આવ્યા? ટૂંકામાં કહું તો આવો સુધારો માનવીને લાભદાયક નીવડશે એ તમે શી રીતે જાણ્યું? ને જો આ વાતની જડ સુધી જઈએ તો એના સાચાં, સાધારણ હિત(બુદ્ધિ અને ગણિતે તારવી આપેલાં હિત)ની વિરુદ્ધ જઈને ન વર્તવું તે જ માનવીને માટે સદા લાભદાયક છે ને માનવજાતિએ એને સદાના નિયમ લેખે સ્વીકારવું ઘટે એની તમને આટલી નક્કર પ્રતીતિ શી રીતે થઈ છે વારુ? એને માત્ર તમારું અનુમાન કહી શકાય એની તમને ખબર છે. એ તર્કનો કાયદો ભલે હોય, માનવતાનો કાયદો નથી, સજ્જનો, તમને કદાચ એવું થતું હશે કે આદમી પાગલ તો નથી? મારો બચાવ કરવાની મને રજા આપો. માનવી મુખ્યત્વે સર્જનશીલ પ્રાણી છે તે હું સ્વીકારું છું. એ સભાનપણે કશુંક સિદ્ધ કરવા જ નિર્માયો છે. એને ઇજનેરીમાં રસ છે. એટલે કે એ અવિરત નવા રસ્તાઓ બનાવ્યા કરે છે, પછી એ રસ્તાઓ ભલે ને ગમે ત્યાં લઈ જતા હોય. પણ એ કદીક શા માટે ઊફરો ચાલ્યો જવા ઇચ્છે છે એનું કારણ કદાચ એ હોઈ શકે કે એ રસ્તાઓ કરવા નિર્માયો છે, ને કદાચ એમ પણ ખરું કે સીધોસાદો વહેવારુ માણસ ભલે ને ગમે તેવો મૂરખ હોય, પણ એને કદીક તો એવો વિચાર આવવાનો જ કે આ રસ્તો ઘણું ખરું ક્યાંક પહોંચાડે તો છે જ, ને જ્યાં એ પહોંચાડે છે તે સ્થાન રસ્તો બનાવવાની પ્રક્રિયાને મુકાબલે ઝાઝું મહત્ત્વનું નથી. સારી પેઠે ઊછરેલા બાળકને ઇજનેરી તરફ તિરસ્કાર ન ઊપજે તે જોવું તે મુખ્ય વાત છે, નહીં તો એ ખતરનાક રીતે આળસુ બની જશે, ને આળસ જ બધા દુર્ગુણોનું ઉદ્ભવસ્થાન છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ. માણસને રસ્તા બનાવવા ગમે છે ને સર્જન કરવું ગમે છે એટલું તો નિવિર્વાદ છે. પણ એને અરાજકતા અને વિધ્વંસ માટે પણ શા માટે આટલી બધી ઉગ્ર આસક્તિ છે? એ કહો જોઉં! પણ આ મુદ્દા વિશે હું પોતે થોડા શબ્દો કહેવા ઇચ્છું છું. એને વિધ્વંસ અને અરાજકતા ગમે છે (એને એ કદીક ગમે છે એ તો નિવિર્વાદ છે) એનું કારણ કદાચ એ ન હોય કે પોતાનું લક્ષ્ય સિદ્ધ ન થાય એવી એને ઊંડે ઊંડે ભીતિ રહી હોય છે? પોતે ચણવા ધારેલી ઇમારત એ પૂરી ચણી શકે એવું એને લાગતું હોય છે. કોને ખબર, કદાચ એ ઇમારત એને દૂરથી જ ગમતી હશે, ને નજીકથી કદાચ એને એ સહેજે ગમતી નહીં હોય! કદાચ એ ઇમારત ચણવામાં જ એને રસ છે, એમાં રહેવું એને ગમતું હોતું નથી. એ ચણાઈ રહે છે પછી એને એ બીજા માટે છોડી દે છે. પછી માણસ સાથે વસવા ટેવાયેલાં ઘેટાં, કીડી વગેરે એમાં રહેવા લાગે છે. પણ કીડીઓની રુચિ સાવ જુદી જ હોય છે. એ ભાતની એમની તો અદ્ભુત ઇમારત હોય છે ને તે સદાકાળ ટકી રહે છે – એ છે કીડીનો રાફડો. રાફડાથી જ કીડીની આદરપાત્ર જાતિનો ઉદય થયો ને કદાચ રાફડાથી જ એનો અંત આવશે. એમની સૂઝ ને ખંત માટે ખરેખર આપણને આદર ઊપજે છે. પણ માણસ જરા ઉછાંછળું ને અસંગતિથી ભરેલું પ્રાણી છે; ને કદાચ શેતરંજના ખેલાડીની જેમ એને રમતની પ્રક્રિયામાં રસ છે, એના પરિણામમાં નહીં. અને કોને ખબર છે, (આવી બાબતમાં કશું ખાતરીથી કહી શકાય નહીં) કદાચ માનવી જે લક્ષ્યને માટે સતત આ પૃથ્વી પર મથી રહ્યો છે તે કદાચ પામવાને માટેની આ અવિરત પ્રક્રિયામાં જ રહેલું છે – બીજા શબ્દોમાં કહીએ તો એ લક્ષ્ય જીવનમાં જ રહેલું છે, પામવાની વસ્તુમાં નહીં. એ વસ્તુ તો બે ને બે ચારની જેમ હમેશાં સૂત્રમાં જ વર્ણવાની રહે છે, ને જિંદગી કાંઈ એટલે બધી નિશ્ચિત વસ્તુ નથી. સજ્જનો, એ તો મૃત્યુનો આરંભ છેે. ગમે તેમ પણ માનવી હંમેશાં આ ગાણિતિક નિશ્ચિતતાથી ગભરાતો રહ્યો છેે, ને મને હમણાં એની જ બીક લાગે છે. માણસ એ ગાણિતિક નિશ્ચિતતા સિવાય બીજું કશું શોભતો નથી તે કબૂલ. એને ખાતર એ સમુદ્રો ખેડે છે ને એની શો‘માં જિંદગી હોમી દે છે, પણ એમાં સફળતા મળે, એ સાચેસાચ પ્રાપ્ત થઈ જાય એની તેને બીક લાગે છે, એટલું તમે નક્કી માનજો. એ જડી જાય પછી એને માટે કશું શો‘વાનું રહેશે નહીં એવું એને લાગે છે. મજૂરો કામ પૂરું કર્યા પછી કાંઈ નહીં તો મજૂરી તો મેળવે છે.પછી એઓ પીઠામાં જાય ને એમાંથી આખરે એને થાણે પણ જવું પડે. આમ એમ અઠવાડિયા પૂરતું તો કંઈક ને કંઈક મન રોકવાનું મળી રહે છે. પણ માણસ ક્યાં જાય? આવાં લક્ષ્યો સિદ્ધ કર્યા પછી એનામાં કશુંક કઢંગાપણું દેખાવા લાગે છે. એની પ્રાપ્તિને માટેના પ્રયત્નોમાં એને રસ છે, પણ એ પ્રાપ્ત થઈ જાય તે એને ખાસ ગમતું નથી, ને અલબત્ત, આ બેહૂદું છે. ખરું કહીએ તો માણસ રમૂજી પ્રાણી છે; આ બધાંમાં કશુંક હાસ્યાસ્પદ રહ્યું હોય છે. આમ છતાં, ગાણિતિક નિશ્ચિતતા તો ખરેખર અસહ્ય જ છે. બે ને બે ચાર એ તો મને નરી ઉદ્ધતાઈનું પ્રદર્શન લાગે છે. બે ને બે ચાર મને તો કેડે હાથ દઈને તમારો રસ્તો રોકી તોછડાઈથી થૂંકનાર ફૂલણજી જેવું લાગે છે. બે ને બે ચાર એ એક અદ્ભુત વસ્તુ છે તે કબૂલ, પણ બે ને બે પાંચ કેટલીકવાર વધારે આકર્ષક લાગે છે એમ પણ એને ન્યાય કરવા ખાતર કબૂલવું રહ્યું. જે સાધારણ છે, જે વિધેયાત્મક છે – બીજી રીતે કહીએ તો જે કલ્યાણને પોષક ને ઉપકારક છે – તેમાં જ માનવીનો લાભ રહ્યો છે એમ તમે આટલી દૃઢતાથી, વિજેતાની અદાથી, પ્રતીતિપૂર્વક શી રીતે કહી શકો છો? પોતાનાં સુખસગવડ સિવાય માનવીને શું બીજું કશું વહાલું જ નથી? કદાચ દુઃખ સહેવાનું પણ એને એટલું જ વહાલું હોય છે, એવું નથી? કદાચ દુઃખ સહેવાથી એનું એટલું જ ભલું થાય છે. માનવી કેટલીક વાર અસાધારણ રીતે, ભારે ઉત્કટતાથી દુઃખને ચાહતો હોય છે, ને આ એક હકીકત છે. એ પુરવાર કરવા માટે વિશ્વનો ઇતિહાસ ઉથલાવવાની જરૂર નથી; તમારી જાતને જ પૂછી જુઓ ને (જો તમે માનવી હો ને જો સહેજ-સરખું જીવી જાણ્યું હોય તો)! તમે જો મારો અભિપ્રાય પૂછતા હો તો હું તો એમ જ કહું કે નર્યાં સુખસગવડ શો‘વાં ને એની જ તમા રાખવી તે મને તો સો ટકા ખરાબ ઉછેરનું પરિણામ લાગે છે. એને સારું કહેવાય કે ખરાબ તે તો કોણ જાણે, પણ કદીક વસ્તુઓને ભાંગવાતોડવામાં ભારે મજા આવે છે. હું દુઃખ કે સુખસગવડ – બેમાંથી એક્કેયની વકીલાત કરતો નથી. હું તો મારા તરંગને વધાવી લઉં છું, ને જ્યારે જરૂર પડે ત્યારે એને માણી શકું એટલું જ ઇચ્છું છું. દુઃખની વાત ખેલ તમાશામાં કરવી નકામી છે. ‘સ્ફટિક મહેલ’માં પણ દુઃખની વાત હોય નહીં; દુઃખ એટલે સંશય, નિષે‘. ‘સ્ફટિક મહેલ’ને વિશે સંશય હોય તો પછી એનો અર્થ શો? અને છતાં, મને લાગે છે કે માનવી કદી સાચાં દુઃખનો ત્યાગ કરી શકવાનો નથી – એટલે કે અરાજકતા અને વિધ્વંસની માયા છોડી શકવાનો નથી. એટલું જ શા માટે, દુઃખ જ ચેતનાનો ઉદ્ગમસ્થાન છે, એમ કહેવું જોઈએ. મેં શરૂઆતમાં જ કહ્યું છે ખરું કે ચેતના જ માનવીના દુર્ભાગ્યનું સૌથી મોટું કારણ છે, છતાં હું જાણું છું કે માનવી એની મોટી કિંમત આંકે છે, ને બીજો કશો સંતોષ મેળવવા ખાતર માનવી એને છોડી દેવા તૈયાર નથી. દાખલા તરીકે ચેતના બે ને બે ચારના કરતાં તો ઘણી મોટી વસ્તુ છે. એક વાર ગાણિતિક નિશ્ચિતતા આવી જાય પછી તમારે કશું કરવાનું કે સમજવાનું રહેતું નથી. તમારી પાંચેય ઇન્દ્રિયોને પૂરી દઈને ધ્યાન ‘રવા બેસી જવા સિવાય પછી કશું કરવાનું રહેતું નથી. પણ તમે જો ચેતનાને વળગી રહો તો ભલે ને પરિણામ એનું એ આવે, તમે કદીક તમારી જાતને ફટકારી શકો ને તેથી ગમે તેમ તોય તમારામાં સ્ફૂતિર્ તો જરૂર આવે. શારીરિક શિક્ષા ભલે તમને પ્રતિક્રિયાત્મક લાગે, પણ એ સાવ કાઢી નાખવા જેવી વાત નથી.
એવો એક સ્ફટિકનો મહેલ છે જેને કદી તોડીપાડી શકાય નહીં, એની સામે જીભ કાઢી શકાય નહીં, એને અંગૂઠો બતાવીને ડીંગો કહી શકાય નહીં – આવું તમે માનો છો. મને કદાચ આ જ કારણે એવા મહેલની બીક લાગે છે : એક તો એ સ્ફટિકનો છે, ને બીજું એ કે એને કદી તોડીપાડી શકાય નહીં, ચોરીછૂપીથી પણ એની સામે જીભ કાઢી શકાય નહીં કે અંગૂઠો બતાવીને ડીંગો કહી શકાય નહીં. એ મહેલ નહીં હોત ને મરઘીઘર હોત તો પલળતાં બચવાને હું એમાં આશ્રય લઈ શક્યો હોત; ને છતાં મને પલળતો બચાવ્યા બદલ ઉપકારવશ થઈ ને એ મરઘીઘરને મેં મહેલ કહીને નવાજ્યું ન હોત. તમે હસીને કહેશો કે આવા સંજોગોમાં તે મરઘીઘર મહેલના જેવો જ થઈ પડે. હા, જો વરસાદથી બચવા પૂરતું જ જો કોઈ જીવતું હોય તો. પણ જો એ જ માત્ર જંદિંગીનું લક્ષ્ય નથી એવું મારા મગજમાં ભૂસું ભરાયું હોય તો શું કરવું? જો જીવવું હોય તો પછી બહેતર છે કે મહેલમાં જીવવું એવું જો હું માનતો હોૅઉં તો? મારી પસંદગી આ સ્વરૂપની છે, ને હું એવું ઇચ્છું તો? મારી પસંદગીમાં તમે પરિવર્તન લાવી શકો તો જ એ ઇચ્છાને ભૂંસી નાખી શકો. એવું પરિવર્તન લાવવું હોય તો મને બીજાં કશાંકથી લલચાવો. મને બીજો કશોક આદર્શ બતાવો. પણ એ દરમિયાન હું મહેલને સ્થાને મરઘીઘરને સ્વીકારી લઈશ નહીં. સ્ફટિકનો મહેલ ભલે ને ઠાલું શમણું હોય, સંભવ છે કે કુદરતના કાનૂન સાથે એ અસંગત છે ને મેં મારી મૂર્ખાઈને વશ વર્તીને જ એને ઉપજાવી કાઢ્યો છે, મારી પેઢીના માનવીઓને સહજ એવી જૂનવાણી બુદ્ધિથી ઊફરા જવાની ટેવ જ એને માટે જવાબદાર છે. પણ એ અસંગત હોય તેથી મારે શું? એથી કશો ફેર પડતો નથી, કારણ કે એનું અસ્તિત્વ મારી વાસનામાં છે, અથવા તો એમ કહું કે જ્યાં સુધી મારી વાસના રહેશે ત્યાં સુધી સ્ફટિકનો મહેલ પણ રહેવાનો. તમે કદાચ આ સાંભળીને ફરી હસવા લાગ્યા છો, ખરું ને? હસાય તેટલું હસો. મારી હાંસી ઉડાવશો તો સહી લઈશ, પણ ભૂખ્યો હોવા છતાં સંતુષ્ટ જ છું એવો દમ્ભ કરવો મને નહીં પરવડે. કશાંક સસ્તાં સમાધાનથી હું ફોસલાઈ જવાનો નથી એની મને પાકી ખાતરી છે. ફરી ફરી આવ્યા કરતુંં શૂન્ય કુદરતી કાનૂન જોડે સંગત હોય ને એનું અસ્તિત્વ વાસ્તવિક હોય તેટલા પૂરતું જ હું એને સ્વીકારી લઈ શકું નહીં. હજાર વરસને પટે ભાડે આપેલી જમીન પર બાંધેલી ગરીબ લોકોને રહેવા માટેની ચાલ(એમાં વળી એકાદ દાંતના દાક્તરના નામનું પાટિયું ઝૂલતું હોય) ને હું મારી ઇચ્છાની તૃપ્તિની પરાકાષ્ઠા માની લઈ શકું નહીં. મારી વાસનાઓને નેસ્તનાબૂદ કરો, મારા આદર્શોને ભૂંસી નાખો, મને એથી વધુ સારું કંઈક બતાવો તો હું તમને અનુસરીશ. તમે કદાચ એમ કહેશો કે એવી જફામાં પડવાની કશી જરૂર નથી, પણ તો તો હું પણ તમને એવો જ જવાબ દઈ શકું. આપણે ગંભીરતાપૂર્વક કેટલીક બાબતો ચર્ચી રહ્યા છીએ; પણ જો તમે મારી વાત પર ધ્યાન આપવાની તમારી દાનત નહીં હોય તો હું તમારી સાથેનો સંબંધ પડતો મૂકીશ. હું ફરી મારા ભોંયતળિયેના દરમાં ચાલ્યો જઈ શકું છું. પણ હું જ્યાં સુધી જીવતો છું ને મારામાં ઇચ્છાવાસના છે ત્યાં સુધી હું તો એમ જ કહીશ કે એવા મકાનને ચણવા માટેની ઈંટ ઉપાડવા કરતાં મારો હાથ ખરી જાય તે સારું. સ્ફટિકના મહેલની સામે જીભ કાઢી શકાતી નથી એટલા માટે જ મેં એને નકાર્યો એ વાતની મને ફરીથી યાદ આપશો નહીં. મારી જીભ કાઢવાનું મને બહુ ગમે છે એટલા ખાતર મેં એવું નથી કહ્યું. મને એની પ્રત્યે અણગમો છે એનું કારણ તો આ : તમારી ઇમારતોમાં એક્કેય ઇમારત એવી નથી જેની સામે જીભ કાઢવાનું મન નહીં થાય. જો બધું એવી રીતે રચાતું હોય કે જેથી મને જીભ કાઢવાની ઇચ્છા જ નહીં થાય તો હું એ બદલ ઉપકારવશ બનીને, ઊલટાનો મારી જીભ કાપી નાખવા પણ તૈયાર છું. એવી રચના થઈ શકતી નથી એ કાંઈ મારો વાંક નથી, આવી ચાલથી જ સંતોષ માનવાનો રહે છે એમાંય કાંઈ મારો દોષ છે? તો પછી આવી ઇચ્છા સાથે જ મેં શા માટે જનમ લીધો છે? મને શું એવી રીતે ઘડ્યો છે કે જેથી હું એવા નિર્ણય પર આવી શકું કે આ બધું ઘડવું એ જ છેતરપીંડી છે? મારી જિંદગીનું આ જ એકમાત્ર લક્ષ્ય છે? હું એમ નથી માનતો. પણ તમને ખબર છે? મને તો ખાતરી થઈ ચૂકી છે કે અમને ભોંયતળિયાવાસીઓને તો અંકુશમાં રાખેલા જ સારા. અમે ચાલીસ વરસ સુધી ભોંયતળિયે એક હરફ સરખો બોલ્યા વગર પુરાઈ રહીશું, પણ અમે જેવા દિવસના પ્રકાશમાં બહાર આવ્યા કે તરત વાતો વાતો વાતો વાતો કરવા મંડી પડીશું...
સજ્જનો, આખી વાતનો સાર આટલો કે કશું ન કરવું તે જ સારું! સભાનપણે કેળવેલી જડતા સારી! ભોંયતળિયાનો જય હો! મને સામાન્ય માનવીની ભારે અદેખાઈ થાય છે, છતાં આજે એ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં મારી જાતને મૂકવાની મારી ઇચ્છા નથી (જો કે, હું એની અદેખાઈ તો કર્યા જ કરવાનો). ના, ના; ગમે તેમ પણ ભોંયતળિયાની જિંદગી વધારે લાભકારક છે. ત્યાં, ગમે તેમ તોય, આપણે.... ઓહ, પણ અત્યારે ય હું જૂઠું જ બોલી રહ્યો છું! હું જૂઠું બોલું છું, કારણ કે હું જાણું છું કે ભોંયતળિયાની જિંદગી સારી નથી, હું કશાક બીજાંને ઝંખું છું, પણ તે હું શોધી શકતો નથી. ભોંયતળિયું જાય જહાન્નમમાં! એથી વધુ સારું શું તે હું તમને કહીશ, એટલે કે, જો હું પોતે જ જે અત્યાર સુધીમાં કહી ગયો તેમાં માનતો હોઉં તો કહીશ તમારા સમ, સજ્જનો, હું જે કહી ગયો છું તેમાંની એક પણ વાત કે એક પણ શબ્દ હું ખરેખર માનતો નથી. એટલે કે આમ તો હું માનું છું, પણ સાથે સાથે મને એવું લાગે છે ને શંકા પડે છે કે હું સાવ જૂઠું બોલું છું. ‘તો પછી આ બધું લખ્યું શા માટે?’ તમે મને કહેશો. ‘તમને ચાલીસ વરસ સુધી ભોંયરામાં પૂરી રાખવા જોઈએ જ્યાં કશું જ કરવાનું હોય નહીં પછી તમારી શી દશા થાય તે ભોંયરામાં આવીને જોવું જોઈએ! ચાલીસ વરસ સુધી માણસ કશું કર્યા વિના રહી શી રીતે શકે?’ ‘આ શરમભર્યું નથી? પોતાની જાતને નીચી પાડવા જેવું નથી?’ તિરસ્કારથી માથું ધુણાવીને તમે કહેશો. ‘જીવનની તમને ઝંખના છે ને જીવનની સમસ્યાઓ તમે તર્કની આંટીઘૂંટીથી ઉકેલવા ઇચ્છો છો; ને આ તમારા બખાળા કેવા તો ઉદ્ધતાઈ ભરેલા છે, ને તમે તો બખાળા કાઢવામાં એક સરખા મંડ્યા જ રહો છો; આમ છતાં તમે પોતે જ કેવા ફફડી ઊઠ્યા છો! તમે સાવ બેહૂદી વાતો કરો છો ને વળી એમાં રાચો છો; તમે ઉદ્દંડ બનીને વાતો કરો છો ને સતત ભયમાં હો તેમ ‘્રૂજ્યા કરીને વળી આ બધાં બદલ ક્ષમા યાચો છો. તમે જાહેર કરતા ફરો છો કે તમને કશાંનો ભય નથી ને સાથે સાથે વળી અમારી નજરે કૃતઘ્ન ઠરો એવી રીતે વર્તો છો. તમે દાંત કચકચાવીને બોલો છો એવું બતાવો છો ને વળી સાથે સાથે રમૂજ કરીને અમને રીઝવવા મથો છો. તમને ખબર છે કે આ તમારી રમૂજોમાં કશું હસાવે એવું હોતું નથી, પણ એની સાહિત્યિક મૂલ્યવત્તાથી તમે પોતે સંતુષ્ટ છો. તમે કદાચ ખરેખર સહન કર્યું હશે, પણ તમને તમારા દુઃખનું ગૌરવ કરતાં આવડતું નથી. તમારામાં સન્નિષ્ઠા હશે, પણ નમ્રતા તો નથી જ; સાવ ક્ષુદ્રતાભર્યા મિથ્યાભિમાનથી તમે તમારી સન્નિષ્ઠાને પ્રચારવેડામાં વેડફી મારો છો ને એ રીતે એની તમારે હાથે જ ફજેતી ઉડાવો છો. તમે બેલાશક, કશુંક કહેવા તો ઇચ્છો છો પણ તમારો છેલ્લો શબ્દ ભયના માર્યા સંતાડી દો છો, કારણ કે એ બોલી નાખવાની તમારામાં કૃતનિશ્ચયતા નથી; તમારામાં છે કેવળ કાયરતાભરી ઉદ્ધતાઈ. તમારામાં તેમના હોવાના તમે બણગાં ફૂંકો છો, પણ તમારા આધાર વિશે તમે બેખબર છો. કારણ કે તમારું મન ક્રિયાશીલ છે, પણ તમારું હૃદય મલિન અને ભ્રષ્ટ થઈ ચૂકેલું છે; ને પવિત્ર હૃદય વિના પૂર્ણ, સાચી ચેતના પામી શકાય નહીં, તમે કેવા ગળેપડુ છો, તમે કેવા દુરાગ્રહી છો, તમે કેવા દાંતિયાં કરો છો! જુઠ્ઠાણાં, નર્યાં જુઠ્ઠાણાં!’ તમારા મુખમાં મેં જ, અલબત્ત, આ શબ્દો મૂક્યા છે. એ પણ ભોંયતળિયામાં રહીને જ. ફરસબંધીની તરડમાંથી હું તમને છેલ્લાં ચાળીસ વરસથી સાંભળતો રહ્યો છું. આ બધું મેં જ ઉપજાવી કાઢ્યું છે, આ સિવાય બીજું કશું હું ઉપજાવી કાઢી શકું એમ હતું નહીં. આ બધું મને જીભને ટેરવે છે ને મેં એને સાહિત્યિક સ્વરૂપે રજૂ કર્યું છે તેથી આ કારણે અચરજ પામવાની જરૂર નથી..... આ બધું હું છપાવીશ ને વળી તમને વાંચવા સુધ્ધાં આપીશ એવું માનવા જેટલા ભોળા તમે ખરેખર બની શકો છો? વળી બીજી સમસ્યા આ છે : હું તમને ‘સજ્જનો’ શા માટે કહું છું? તમે મારા વાચકો હો એવી રીતે હું તમને શા સારું સંબોધું છું? જે જાતનું આત્મનિવેદન હું કરવા ધારું છું તે છાપવામાં આવતું નથી કે લોકોને વાંચવા માટે અપાતું પણ નથી. એ ગમે તે હોય, હું બહુ કઠણ મનનો નથી કે ધાર્યું કરી શકું, ને મારે એવા શા સારું થવું જોઈએ તે પણ હું કહી શકતો નથી. પણ મને કશોક તુક્કો સૂઝ્યો છે એવું તમને લાગે છે ને મારે ગમે તે ભોગે એેનો છેડો લાવવો જ છે. પણ મને આ મુદ્દો જરા સ્પષ્ટ કરીને સમજાવવા દો. દરેક માણસને પોતાનાં સંસ્મરણો હોય છે. જેને ને તેને એ કહેવાનાં હોતાં નથી; એની વાત મિત્રોને જ કરી શકાય. એના મનમાં એવું કશુંક પણ હોય છે જે એના મિત્રોને પણ નહીં કહી શકાય. એ એકલો જ માત્ર એ જાણે, ને તેય ખાનગીમાં. પણ એવીય કેટલીક વાત હોય છે જે માણસ પોતાને કહેતાં પણ ભય પામે છે, ને દરેક ભદ્ર ગણાતા માનવીની પાસે, એના મનમાં ઊંડેઊંડે ‘રબી રાખેલી, આવી ઘણી વાતો હોય જ છે. એ જેમ વધારે ભદ્ર તેમ આવી વાતોની સંખ્યા વધારે. એ તો જે હોય તે, મારા કેટલાંક પહેલાંનાં પરાક્રમોને મેં હમણાં હમણાં જ સંભારવાનો નિશ્ચય કર્યો છે. અત્યાર સુધી તો હું એને ટાળતો જ આવ્યો છું, કેટલીક વાર તો અમુક રીતે અસ્વસ્થ બનીને પણ. હવે જ્યારે હું એ બધું માત્ર સંભારતો જ નથી, પણ એનો અહેવાલ લખવાનું પણ મેં નક્કી કરી લીધું છે ત્યારે આપણે આપણી જાત સાથે પૂરેપૂરા ખુલ્લા દિલથી વાત કરી શકીએ કે કેમ, પૂર્ણ સત્યને જોઈને ગભરાઈ તો નહીં ઊઠીએ ને? આનો મારે પ્રયોગ કરી જોવો છે. અહીં એક આડવાત કરી લઉં : હ્રાઇન કહે છે કે સાચું આત્મવૃત્તાન્ત એ લગભગ અશક્ય વસ્તુ છે, માનવી પોતાને વિશે જૂઠું બોલ્યા વિના રહી શકતો જ નથી. એ તો માને છે કે રૂસોએ એના આત્મવૃત્તાન્તમાં પોતાને વિશે ઘણું જૂઠું કહ્યું છે, ને તેય ફૂલણજીવેડાથી જાણી કરીને. હ્રાઇનની વાત સાચી છે એની મને ખાતરી છે; કેટલીક વાર આપણે નર્યા ફૂલણજી બનીને સાચા ગુનાઓ કર્યાનો દાવો કરી બેસીએ છીએ; એવા મિથ્યાભિમાનને હું સમજી શકું છું. લોકો આગળ આત્મવૃત્તાન્ત રજૂ કરનારાઓને વિશે હ્રાઇને આવો ચૂકાદો આપ્યો. હું તો આ મારે માટે જ લખું છું ને હું તો હંમેશને માટે કહી દેવા ઇચ્છું છું કે આ વાચકોને સંબોધીને કહેતો હોઉં એવું લાગે છે એનું કારણ એ છે કે એ રીતે લખવાનું મને સહેલું પડે છે. એ તો માત્ર કહેવાની રીત છે, રીત માત્ર છે, મારે કોઈ વાચકો હોવાના જ નથી...