ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/પીંછું
Jump to navigation
Jump to search
પીંછું
<poem> જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી ઝીણી પાતળી તેજપિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે, ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે; ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા એકાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા— ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, ર્હે માત્ર હૈયે છવી. એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી, જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી; એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું, કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું. કૈં અસ્પર્શ્ય ન એવી પાછળ સ્મૃતિ રાખી જવાને રૂડી પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું. ના ગીત મૂકી ગયું : પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.
{{Right|૪-૧-૧૯૩૩""
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૯)