પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૩.

From Ekatra Wiki
Revision as of 06:28, 1 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ભાષણ |ગુજરાતી સાહિત્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ભાષણ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન
તેરમું અધિવેશન: કરાંચી
ડીસેમ્બર–જાન્યુઆરી: ૧૯૩૭-૩૮

શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી
[[[ઈ.સ. ૧૮૮૭]]]

પરિષદનું સંમેલન બૃહદ્ ગુજરાતના એક સ્થાન સમા કરાંચીમાં મળ્યું હતું. એ સંમેલનનું પ્રમુખપદ શ્રીયુત મુનશીને વર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદને બંધારણના ઝઘડામાંથી મુક્ત કરી સુસ્થિર બનાવવામાં અને એની જડતાને ખંખેરી નાખી એને સચેત અને કાર્યશીલ બનાવવામાં શ્રીયુત મુનશીએ જે જહેમત ઉઠાવી છે તે પરિષદના અહેવાલોનાં પાનામાં મોજૂદ જ છે. જ્યારથી એમણે પરિષદમાં પ્રવેશ કર્યો ત્યારથી એમના સ્વત્વની છાપ પરિષદ ઉપર પડી, એમના પ્રતાપથી પરિષદ તેજસ્વી બની. પરિષદને મહાગુજરાતમાંથી બૃહદ્ગુજરાતમાં એમણે સંક્રમણ કરાવ્યું. અને સમસ્ત હિન્દને સ્પર્શતા એક રાષ્ટ્રભાષા અને એક રાષ્ટ્રલિપિના જેવા પ્રશ્નોની વિચારણામાં પરિષદનો અધિકાર સ્વીકારાયો. શ્રીયુત મુનશીની સાહિત્યસેવામાં વૈવિધ્ય છે, વિશાળતા છે અને સમૃદ્ધિ પણ છે. એ ગુજરાતના સર્વશ્રેષ્ઠ નવલકથાકાર છે એ તો સિદ્ધ સત્ય જ છે. પણ તે ઉપરાંત વિવેચન અને સંશોધનના ક્ષેત્રમાં પણ એમણે રસપૂર્વક પ્રવેશ કર્યો છે અને ‘થોડાંક રસદર્શનો’, ‘નરસૈયોઃ ભક્ત હરિનો’, ‘ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર’, વગેરે ગુજરાતને આપ્યાં છે. ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતાના એ પરમ ભક્તે ગુજરાતી સાહિત્ય પરિષદને વધારે વ્યાપક અને વધારે વિપુલ બનાવી. અખંડ ગુજરાતના આદ્યદ્રષ્ટા હેમચંદ્રાચાર્યનો એમણે પરિષદ સાથે યોગ સાધ્યો અને એમની પ્રેરણાથી પરિષદે પાટણની ભૂમિમાં હૈમ સારસ્વત સત્ર ઊજવ્યું. પરિષદ સાથે અને પરિષદની સમગ્ર પ્રવૃત્તિઓ સાથે તદ્રૂપતાની સાધના એ શ્રીયુત મુનસીનું ખાસ લક્ષણ છે; અને આજે પણ એમના માર્ગદર્શન પ્રમાણે પરિષદ નિર્ભયતાથી પોતાનું કાર્ય આગળ ધપાવતી જાય છે. નર્મદ અને કલાપી જેવા સંસ્મરણીય સાહિત્યકારોનાં સ્મારકોની એમણે પ્રેરણા આપી અને પરિષદે એ પ્રેરણાને કાર્યસ્વરૂપ આપ્યું. શ્રીયુત મુનશી એટલે કાર્યવેગ અને પ્રગતિ. અને એમના પ્રમુખપદના કામ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદે ખરે જ પ્રગતિ સિદ્ધ કરી પોતાના અસ્તિત્વનું અને પોતાનું મહત્ત્વનું ભાન સમસ્ત ગુજરાતને અને ગુજરાતીઓને કરાવ્યું છે.

સત્કારમંડલના અધ્યક્ષ, સન્નારીઓ ને સદ્ગૃહસ્થો, આજે આ સ્થાન સ્વીકારતાં હું સંકોચ અનુભવું છું. આ તો સાક્ષર શ્રી. ગોવર્ધનરામથી માંડી મહાત્મા ગાંધીજી સુધીના ગુજરાતી સાહિત્ય અને જીવનના ચક્રવર્તીઓનું સ્થાન છે, એટલે અહીં બેસતાં હું આજે અણઅનુભવ્યો ક્ષોભ અનુભવું છું. મને મારી અશક્તિઓનું તીવ્ર ભાન થાય છે. પણ જે સ્નેહ અને વિશ્વાસથી તમે મને સર્વાનુમતે આ સ્થાન સારુ પસંદ કર્યો, તે જ માત્ર મારામાં આત્મશ્રદ્ધાનો સંચાર કરાવે છે અને તેના વડે જ તમે મને સોંપેલા વિકટ અધિકારને ન્યાય આપી શકવાની કૈંક આશા હું સેવું છું. અને તેને યોગ્ય નીવડું એ સિવાય મારા અંતરની બીજી ઇચ્છા નથી. છેલ્લા પંદરેક વર્ષથી હું સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલો રહ્યો છું. ઈ.સ. ૧૯૨૨થી સ્વ. સર રમણભાઈ, સ્વ. મટુભાઈ કાંટાવાળા અને ભાઈ હીરાલાલ પારેખના કહેવાથી મેં એમાં રસ લીધો છે અને લેવડાવ્યો છે. પણ મારી સેવાનું ક્ષેત્ર સારી રીતે બદલાયેલું હોઈ, ગયા જુલાઈમાં જ એ ભાર અન્યને સોંપવા મેં પરિષદનું ઉપપ્રમુખપદ છોડ્યું. પણ તમને, કરાંચીના ગુજરાતીઓને, જાણે એ ન રુચ્યું, અને આજે બે વર્ષને માટે તમે મને એની સાથે ફરી બાંધી દીધો છે. કરાંચી મહાગુજરાતનું ગર્વભર્યું કેન્દ્ર છે. અહીં ગુજરાતના સીમાડાની બહાર વસ્યા છતાં તમારા હૃદયમાં ગુજરાત માટે માન છે, તેના સાહિત્ય માટે આદર છે, તેની વિશિષ્ટતા માટે પ્રેમ અને ગૌરવ છે. અહીં રહ્યાં રહ્યાં પણ તમારી નજર ગિરિરાજ ગિરનાર પર, સાબરમતીના પુણ્ય તટ પર, ભૃગુકચ્છના ભૂત ગૌરવ પર, નષ્ટ અણહિલવાડની અદ્ભુતરંગી મહત્તા પર, મુંબઈની વર્તમાન ભવ્યતા પર ઠરે છે; અને તમારા હૈયામાં પ્રચંડ ધ્વનિ ઉઠે છેઃ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!” અને એ દૃષ્ટિથી અને આ ધ્વનિના ગુંજનથી પ્રમુખ શોધતાં ‘ગુજરાતની અસ્મિતા’ના નશામાં તમને એ શબ્દોનો યોજક તો નથી જડી ગયોને? એ કે ગમે તે કારણ હોય, પણ મને દીધેલા આ અધિકાર માટે હું તમારો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. બારમા પરિષદ સંમેલન પછી થયેલા મુ. નરસિંહરાવભાઈના અવસાનની હું સખેદ નોંધ લઉં છું. નાટક ને નવલકથા સિવાયના ઘણાંખરાં સાહિત્યના ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો શુદ્ધિ અને સત્યશોધનની પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રુજતા હતા. ઘણી વાર તો જાણે અચલ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા. આજે એ ખર્યા, અને આપણું આભ સૂનું ને નિસ્તેજ લાગે છે. તમારા બધાના તરફથી, અને મારા પોતાના – એમનો ને મારો સંબંધ તો નિકટનો હતો – તરફથી હું એમને સ્મરણાંજલિ આપું છું. આજે તેત્રીસ વર્ષે પહેલી જ વાર સાહિત્ય સંમેલન મહાગુજરાતમાં ભરાય છે. જ્યારે પરિષદે અહીં આવવાનો સંકલ્પ કર્યો ત્યારે એણે ગુજરાતની સીમાઓને વિસ્તૃત કરી નાખી અને હું આશા રાખું છું કે પરિષદ ભવિષ્યમાં વખત મળે ત્યારે મહાગુજરાતના મોટાં મથકોમાં જરૂર સંમેલન ભરશે. ગુજરાતીઓને સદાય મહાગુજરાત રચતાં આવડ્યું છે. ઇતિહાસકાળની ઉષામાં પણ ગુજરાતીઓએ મીસર ને સિંહલ, જાવા ને ચીન ખેડ્યાની કથા કોણે નથી સાંભળી? મધ્યકાલમાં ચોર્યાશી બંદર પર વાવટો ફરકાવતા ગુજરાતની કીર્તિ પણ કોણે નથી સાંભળી? અને આજે ગુજરાતી ક્યાં નથી? કરાંચી ને કલકત્તા, દિલ્લી અને મદ્રાસનો ગુજરાતીસમૂહ એ તો હિંદી મહાગુજરાતનાં ચોદિશનાં સીમાચિન્હો છે; પણ ગુજરાતીઓ ક્યાં નથી? ટોકીઓમાં ક્યાં નથી? પેરીસમાં ક્યાં નથી? ન્યુયોર્કમાં ક્યાં નથી? ત્યાં બધે પાદેપાદ રસાળ ગુર્જરગિરા બોલાય છે, ત્યાં ગરબે રમવાને ગુર્જર ગોરીઓ નીસરે છે, ત્યાં બધે જ ગુજરાતીઓ વસે છે – પૈસાની શોધમાં અને જીવનના શોખમાં મશગુલ; પોતાની ‘નાની શી નાર ને નાકે રે મોતી’ને લડાવતા ને ધર્મને કાજે અર્થ વહેવડાવવામાં તત્પર તેમને માટે તેલંગણના કવિ વેંકટધ્વરીએ સત્તરમી સદીમાં જે કહેલું તે આજે હું પણ કહી શકું તેમ છું. “આ ગુર્જર દેશ જો, ને અાંખ ઠાર. સર્વ સંપત્તિથી ભરપૂર આ તો જાણે સ્વર્ગલોક. કપૂર અને મીઠી સોપારીથી મઘમઘતા પાનથી એના યુવાનોનાં મુખ શોભે છે. વિવિધ દિવ્યાંબરો તે ધારે છે ને પ્રશંસાને પાત્ર બને છે. ચમકતાં રત્નોનાં આભૂષણ તે પહેરે છે. ચંદનથી તેમનાં શરીરો મઘમઘે છે. અને તે રતિ સમી યુવતીઓ સાથે મહાલે છે. અને અહીંઆની સ્ત્રીઓનું સૌન્દર્ય પણ અનુપમ છે. તપ્ત સુવર્ણનો એમનો રંગ છે; લાલ ને મૃદુ એમના ઓઠ છે; નવપ્રવાલસમાં એમનાં હાથ છે; એમની વાણી અમૃતસમી મીઠી છે; એમનું મુખ છે કમલસમ, ને આંખોમાં છે નીલ કમલનાં તેજો. ગુર્જર યુવતીઓની મોહિનીથી યુવાનો મુગ્ધ બને એમાં શી નવાઈ? વળી આ લોકો દેશ દેશ ભમે છે, ત્યાંના કૌતુકો જુએ છે, અને અમિત દ્રવ્ય મેળવે છે. ત્યાંથી તે પાછા આવે છે, અને લાંબા વખતથી વિરહોત્કંઠ એવી એમની સતીઓને પાછા મળે છે. આ પ્રમાણે આ ધન્ય લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ કયું સુખ નથી ભોગવતા? [1]

  1. स एष सर्वसंपदामास्पदतया त्रिदशालयस्यादेश इव गुर्ज्जरदेशश्चक्षुषोः सुखाकरोति। अत्र हि- सकूर्परस्वादुक्रमुकनववीटीरसलसन्- मुखाः सर्वश्लाधापदविविधदिव्यांवरघराः । क द्रन्ताकल्पा घुमघुमितदेहाश्च घुसृणै- र्युवानो मोदन्ते युवतिभिरभी तुल्यरतिभिः ।। अत्र वधूनामप्यन्यादृशं सौंदर्यम् । तप्तस्वर्णसवर्णमंगकमिदं ताम्रो मृदुश्चाघरः पाणिप्राप्तनवप्रवालसरणी वाणी सुघाघो णी । वक्त्रं वारिजमित्रमुत्पलदलश्रीसूचने लोचने के वा गुर्जरसुभ्रुवामवयवा यूनां न मोहावहा ।। देशे देशे किमपि कुतुकादद्मुतं लोकमानाः संपाद्यौव द्रविणमतितं सद्य भुयोप्यवाप्य । संयुज्यन्ते सुचिरविरहोत्कंठिताभिः सतीभिः सौख्यं धन्याः किमपि दघते सर्वसंपत्समृद्धाः ।।