અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ચંદારાણા/સોના વેલણ ને રૂપા પાટલી
હર્ષદ ચંદારાણા
સોના વેલણ ને રૂપા પાટલી રે
દનડાં વણતાં રે ગોરાંદે;
વ્હાલા, દરિયો વળોટી વ્હેલા આવજો.
સોના બાજઠ ને રૂપા વીંઝણો રે
રાત્યું વીંઝતાં રે ગોરાંદે;
વ્હાલા, વગડો વળોટી વ્હેલા આવજો.
સોના થાળી ને રૂપા વાટકી રે
ઠાલાં ઠાલાં રે ગોરાંદે;
વ્હાલા, ડુંગર વળોટી વ્હેલા આવજો.
સોના લેખણ ને રૂપા કાગળ રે
ટપકે અંધારાં રે ગોરાંદે;
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.
ભાષા બહુ ઠરડાઈ ગયેલું માધ્યમ છે. વપરાશ કરી કરીને આપણે તેને એટલું તો ચપ્પટ બનાવી દીધું છે કે તેના સૌંદર્યમંડિત આકારો અને સહજ સ્વાભાવિકતા ઘણા છેટે રહી ગયા છે. કાવ્યમાં પ્રયોજાતી ભાષા પણ અનેક પ્રકારની પ્રતિબદ્ધતાઓનો બોજ ઊંચકીને જાણે માંદલી ચાલે ચાલી હોય તેવું ઘણીવાર લાગે છે. ભાવ અને ભાષા પરસ્પર ઓગળી ગયાં હોય અને તેમાંથી કશુંક નવું જ, દીપ્તિમંત ઋત સાંપડે તેવું બહુ ઓછું બનતું હોય છે. એવી શક્યતાઓ ગીતના કાવ્યસ્વરૂપમાં સૌથી વધુ હોય છે, કારણ કે ગીત ક્યારેક કોઈ પ્રતિબદ્ધતા કે ઘોષણાને ખમી શકતું નથી. તે નિતાન્ત ઊર્મિપ્રણીત રચના હોય છે અને તેથી જ સહજ હોય છે. હર્ષદ ચંદારાણાનું આ ગીત એવી જ સહજ પ્રતીતિ કરાવે છે. તેમાં વ્યક્ત થયેલો ભાવ પ્રેમનો છે અને તેની અહીં આલેખાયેલી મુદ્રા કંઈ નવી નથી. તેમ છતાં અહીં ભાવ અને ભાષા જાણે એકરસ થઈ ગયાં છે. અહીં વાત ભલે ભાષામાં થતી હોય પણ આખું કાવ્ય વાંચી લઈએ પછી ભાષાનો નાનો શો હિસ્સો વણ વિખૂટો પડીને બહાર રહી જતો નથી. એ ભાવમાં ભળી જઈ ઊર્મિની અખિલાઈમાં ઓગળી જાય છે. એક સાંગોપાંગ ગીતમાં બનવું જોઈતું બધું જ આ ગીતમાં થયું છે તેમ કહી શકાશે. જેનો પિયુ પરદેશ ગયો છે તેવી પ્રોષિતભર્તૃકા પ્રતીક્ષામાં બ્હાવરી બની ગઈ હોય ત્યારે તેની મનઃસ્થિતિ કેવી હોય તેનું ચિત્રણ આ કાવ્યમાં છે. અગાઉ કહ્યું કેમ આ વિષય કંઈ નવો નથી. આપણી ભાષાની લોકકવિતામાં આવી વિરહિણી નાયિકાના અનેક પ્રકારના ભાવાવેગો આલેખાયેલા જોવા મળે છે. ‘વનમાં ચાંદલિયો ઊગ્યો ને મારે મન સૂરજ થઈ લાગ્યો’ એમ કહેતી લોકનારીની વિરહ પીડા કેવી તીવ્ર હશે તે સમજાય તેવું છે. આ કાવ્યમાં વિરહનો એ જ ભાવ પ્રતીક્ષા અને આરતનો પુટ આપીને કવિએ બહુ સહજપણે આલેખ્યો છે. કાવ્યની પહેલી પંક્તિથી જ જાણે કોઈ લોકકવિતાનો સ્પર્શ અનુભવાય છે. કવિએ પરંપરાનો સવિવેક આશ્રય લઈને તરત જ પોતાનો સર્જક આવિષ્કાર થવા દીધો અને પંક્તિ આવીઃ ‘દનડા વણતાં ગોરાંદે...’ સોના વેલણ ને રૂપા પાટલી હોય નહીં તે સમજાય તેવી વાત છે પણ આ ઘટના, પાટલી અને વેલણ સાથે જોડાયેલી ઘટના કશુંક વણવાની છે. અને અહીં શું વણાય છે તેનું નામ પડે કે તરત આખી વાત બદલાઈ જાય છે. પાટલી અને વેલણ સાથે જોડાયેલી રોટલી વણવાની સ્થૂળ વાત એકાએક ઊંચકાઈ જઈને પ્રિયની પ્રતીક્ષામાં જાણે દિવસોને વણીવણીને, વણે છે એટલે ચોડવતી પણ હશે, તેને દાઝ પણ પડતી હશે તે સ્થિતિમાં; તેની થપ્પી કરતી યૌવનામાં જઈને સ્થિર થઈ જાય છે. એક પછી એક પસાર થતા દિવસોનો ખાલીપો, અને સોના-રૂપા જેવી મહિમાવંતી સ્મરણોની ક્ષણોથી ભરી દેવા જેવો લાગે છે. વણવું એ ઘાટ આપવાની પ્રક્રિયા છે. પણ ઘાટ ઘડ્યાનો આનંદ લીધા પછી તેને ચૂલે ચડવાની નિયતિનો સ્વીકાર પણ કરવો પડે છે, તે આકરું સત્ય અહીં પહેલી પંક્તિમાં જ વ્યંજિત થાય છે. વ્હાલાને દરિયો વળોટવો કદાચ સહેલો છે. પણ કાવ્યનાયિકાને દનડાં વણતાં રહેવાનું એટલું સહેલું નથી. સમયને પીસવો અને તેમાંથી આકાર પણ નીપજાવવો એની બેવડી જવાબદારી એને માથે છે. હવે કૅમેરા બીજી સ્થિતિને તાકે છે. એક તસવીર ઝડપી લીધી છે. હવે આ બીજી તે પણ એવી જ વૈભવી છાકવાળી છે.
‘સોના બાજઠ ને રૂપા વીંઝણો રે રાત્યું વીંઝતાં રે ગોરાંદે વ્હાલા, વગડો વળોટી વ્હેલા આવજો.’
‘બાજઠ’ શબ્દ જ નવલા દામ્પત્યનો સંકેત આપી દે છે. હજી તો હમણાં જ પ્રભુતામાં પગલાં માંડ્યાં અને માણીગર પરદેશ સિધાવ્યો. જેના સંગમાં રાત્રિઓ ઉત્સવ બનનાર હતી તેની ગેરહાજરીમાં રાત તો પડે છે, પણ વીંઝણાના હેલ્લારે એને પોતાનાથી દૂર હડસેલી દેતી નાયિકા જાણે આ રીતે પોતાનો રોષ વ્યક્ત કરે છે. વીંઝણો હવાને બદલે રાત્રિઓને ધકેલે છે જાણે રાત પડવી જ ન જોઈએ. રાત પડે છે અને વિરહની યાતના ઘેરી વળે છે. રાતોને બદલે ‘રાત્યું’ શબ્દ પ્રયોજી કવિએ અભિવ્યક્તિને અત્યંત સહજ બનાવી દીધી છે. ‘રાત્યું’ વીંઝવાની વાત જ સહજ એવા સંદર્ભને એટલો તો ઊર્ધ્વીકૃત કરે છે કે આખીયે વાત કોઈ અજબ પ્રકારની મોહિની રચી દે છે. વિરાટ એવી અનેક રાત્રિઓની આવનજાવન અહીં ગીતની ભાષામાં અત્યંત સ્વાભાવિક બનીને ઊતરી આવી છે. ભાષાનો બોજ ન લાગે તે રીતે આવડી મોટી વાત કરવામાં ચડિયાતું કવિકર્મ જોઈએ, જે અહીં સિદ્ધ થયું છે. પહેલાં દરિયો વળોટીને આવવાની વાત કરી, હવે વગડો વળોટવાનું કહેવાયું. એક મુકામ પાર થયાના અણસાર મળ્યા. હવે આ બીજો મુકામ. દિવસો પણ વ્યર્થ, રાતો પણ વ્યર્થ, સોના-થાળી અને રૂપા-વાટકીમાં ભોજન પિરસાય અને એનો સ્વાદ ચાખવા મળે તો બત્રીસે કોઠે દીવા થાય પણ એ બધું તો ત્યારે શક્ય બને, જ્યારે પિયુનો સંગ હોય. એના વિના તો આ પાત્રો સોનારૂપાનાં હોય છતાં ઠાલાં ને ઠાલાં જ.. ગોરાંદે પણ ઠાલાં જ. સભર ખાલીપાનો આ અનુભવ નાયિકાને એવી તો વિરહવ્યાકુળ બનાવી મૂકે છે કે પોતાની અને પોતાના પિયુની વચ્ચે જાણે કોઈ ડુંગર ખડકાઈ ગયો હોય તેવી પ્રતીતિ કરવા લાગે છે. અવરોધનું નિરાકરણ પણ વ્હાલાના હાથમાં જ છે. નાયિકા તો બિચારી છે, ત્યાંથી ખસી શકે તેમ જ નથી. દિવસ ઊગ્યો અને સોના-રૂપાના પાટલી-વેલણે શરૂ થયો ત્યારથી માંડી એકીટશે પ્રીતમનો માર્ગ વિલોકી રહેલી નાયિકાની આંખો હવે સાંજ પડતાં અંધારઘેરી બની ગઈ. પણ આ અંધારું કંઈ સૂરજ આથમવાને કારણે સર્જાયેલું અંધારું નથી. આ તો પિયુવિરહને કોઈ પણ રીતે ખાળવા મથતી નાયિકાએ સોના-લેખણ અને રૂપા-કાગળ લઈ પત્ર લખવાનો પ્રારંભ કર્યો અને આંખેથી દડદડ આંસુડાં સરી પડ્યાં તે કારણે દૃશ્યો ઓઝલ થઈ ગયાં અને અંધારાએ એનું પોત પ્રકાશ્યું. કવિએ બહુ ખૂબીપૂર્વક અહીં ‘ટપકે અંધારાં’ કહી કાગળ પર સ્થિર થયેલી આંખોમાંથી વેદનાનાં આંસુ ટપકવાની લાક્ષણિક અભિવ્યક્તિ કરી છે. એમ પણ કહી શકાય કે કાગળ પર જે કંઈ અક્ષર રૂપે ટપકે છે તે સઘળું જાણે અંધારું બનીને જ અવતરે છે! હવે તો વ્હાલાએ દરિયો, વગડો અને ડુંગર વટાવ્યા પછી રણ વટોળવાનું બાકી છે અને એ પણ વટોળી જઈને હેમખેમ પોતાની પાસે પહોંચી જાય એ એકમાત્ર અભિલાષા બચી છે. લોકભાષાના અત્યંત પ્રચલિત શબ્દોને ભાવોની વ્યંજનામાં ડુબાડી દઈ પરિશુદ્ધ કરવાનો કીમિયો કવિ આ રચનામાં એવો તો સરસ રીતે દાખવે છે કે આપણી વિભોરતાનો કોઈ પાર ન રહે. સોના અને રૂપા જેવા શબ્દોના પ્રવર્તનથી આખીયે રચનામાં છલકાતી વૈભવી વાસ્તવિકતા અને તેની પછવાડે સંભળાતું વિરહની યાતનાનું ઝુરણ આપણને અંદરબહાર બેઉ રીતથી હલબલાવી નાખે તેવું છે. દરેકે- દરેક પંક્તિ ઉત્તમોત્તમ ભાવોન્મેષ દર્શાવવા જાણે સ્પર્ધા કરતી હોય એ રીતે અહીં ઊતરે છે. જાણે ફરી ફરીને વાંચ્યા જ કરીએ. એમ પણ કહી શકાય કે: જાણે ગાયાં જ કરીએ... ફરી ફરીને...