સ્વાધ્યાયલોક—૮/મારી પોતાની કવિતા અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા

From Ekatra Wiki
Revision as of 19:33, 24 April 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારી પોતાની કવિતા અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા —...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારી પોતાની કવિતા અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા — અંગત દૃષ્ટિએ

‘મારી પોતાની કવિતા અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા — અંગત દૃષ્ટિએ.’ કવિતા કરવી એમાં જ કંઈક ધૃષ્ટતા છે. પણ પોતાની કવિતા પર આમ બોલવું એમાં તો નરી ધૃષ્ટતા છે. તો પછી જેમ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને અંગત દૃષ્ટિએ જોઈ શકાય તેમ પોતાની કવિતાને અન્યની દૃષ્ટિએ ન જોઈ શકાય? પણ એમાં તો ઓર ધૃષ્ટતા હોય. કારણ કે એમાં ધૃષ્ટતાની ઉપર નમ્રતાનું મહોરું હોય. તો પછી એક જ વિકલ્પ છે : ન બોલવું. કવિતા કરવી અને પછી કવિતા પર બોલવાનું થાય ત્યારે ન બોલવું એમાં કાયરતા છે. હવે અંતે કાયરતા અને ધૃષ્ટતા વચ્ચે પસંદગી કરવાની છે. તો ભલે ધૃષ્ટતા પસંદ કરું. જોકે કોઈ અણસમજ કે ગેરસમજ ન થાય એ માટે મારે અહીં આરંભમાં સત્વર આ ક્ષણે જ કહેવું જોઈએ કે આ વિષયની પસંદગી મારી નથી, આ પરિસંવાદના યોજકની છે, ભાઈ રઘુવીરની છે. પરિસંવાદમાં મારે બોલવું અને આ વિષય પર બોલવું એવો એમનો આગ્રહ હતો — બલકે આદેશ હતો. એ આદેશનો હું અસ્વીકાર કરી શક્યો હોત. એમાં પણ, હમણાં જ કહ્યું તેમ, કાયરતા જ હોત. એમાં કાયરતા અને સ્વીકાર વચ્ચે પસંદગી કરવાની હતી. એથી અંતે થયું કે એ આદેશનો સ્વીકાર કરું. ભાઈ રઘુવીરના આ આદેશમાં ગુજરાતી કવિતાના ઇતિહાસકારોએ દલપત-નર્મદ, સુન્દરમ્‌-ઉમાશંકર, રાજેન્દ્ર-નિરંજન આદિ નામયુગ્મોને ‘યુગ’ જેવા મોટા શબ્દ સાથે યોજીને જે વ્યૂહરચના કરી છે એની પ્રેરણા છે એવો મને વહેમ છે. પણ તો ભાઈ રઘુવીર આ આદેશ રાજેન્દ્રને આપી શક્યા હોત! તો આ ક્ષણે અહીં આ સ્થાને રાજેન્દ્ર હોત અને હું તમારી વચ્ચે ક્યાંક કોઈક સ્થાને હોત! અને તો અહીં મારાથી વધુ રાજી કોણ થયો હોત! ભલે જે થયું તે થયું! એનો પણ સ્વીકાર કરું. આ વક્તવ્યમાં મારી પોતાની કવિતા પર અનેક રીતે બોલી શકું. પણ અન્યની કવિતા સાથે એની તુલના, એનો ઉચ્ચાવચતાક્રમ આદિ દ્વારા એનું મૂલ્યાંકન તો ન જ કરી શકું. કવિતા કરવાનો કોઈને પણ અધિકાર હોય પણ પછી એ કવિતાનું મૂલ્યાંકન કરવાનો એને અધિકાર ન હોય, એ અધિકાર ભાવકોને, વિવેચકોને હોય. આ વક્તવ્યમાં એવી અનધિકાર ચેષ્ટા નહિ કરું. વળી, આ વક્તવ્યના ઉત્તરાર્ધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને એટલે કે સ્વાતંત્ર્યપ્રાપ્તિથી આજ લગીની, છેલ્લા ત્રણ દાયકાની કવિતાને અનેક દૃષ્ટિએ જોઈ શકું. પણ અહીં એને અંગત દૃષ્ટિએ જોવાની છે. એથી આ સમયમાં જે અનેક પ્રકારની કવિતાનું સર્જન થયું હોય એમાંથી કોઈ એક પ્રકારની કવિતાને, અંગત દૃષ્ટિએ જે આધુનિક (modern) અને અદ્યતન (modernist) હોય એ પ્રકારની કવિતાને જોઈ શકું. ગુજરાતી કવિતાના ઇતિહાસકારોની પૂર્વોક્ત વ્યૂહરચનાના અનુસંધાનમાં બે નામયુગ્મોને ‘યુગ’ જેવા મોટા શબ્દ સાથે યોજી શકું. આ વક્તવ્યમાં મારો એવો પ્રયત્ન છે. વળી એ પ્રકારની કવિતાનું, અન્ય પ્રકારની કવિતા સાથે એની તુલના, એનો ઉચ્ચાવચતાક્રમ આદિ દ્વારા મૂલ્યાંકન પણ અલબત્ત કરી શકું. પણ આ વક્તવ્યમાં મારો એવો પ્રયત્ન નથી. આ વક્તવ્યમાં, હમણાં જ કહ્યું તેમ, પોતાની કવિતા પર અનેક રીતે બોલી શકું. એમાંની એક રીત છે મારી પોતાની કવિતાની ભૂમિકા એટલે કે એમાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ છે એની ભૂમિકા પર બોલું તે. અહીં એ રીતે બોલીશ. હું નગરનું સંતાન છું. એટલું જ નહિ પણ હું એક ઔદ્યોગિક નગરનું સંતાન છું. મારો જન્મ અમદાવાદમાં. અમદાવાદ મધ્યયુગની ઇસ્લામની મુસ્લિમ સરજત છે. એના કોટ-કિલ્લા અને મસ્જિદ-મિનારા એ સાંપ્રદાયિક ધાર્મિક સંસ્કૃતિના અવશેષો છે. મારો જન્મ થયો ત્યારે એની ચારેકોર દરવાજાઓ સાથેનો કોટ હતો. અમદાવાદ એક નિબદ્ધ નગર હતું. પણ એ કોટની પેલી પાર ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં પાછલાં પચાસ-પંચોતેર વરસોમાં નાનીમોટી પચાસ-પંચોતેર મિલોની સ્થાપના કરવામાં આવી હતી. એની ચીમનીઓમાંથી રોજ રોજ ધૂણીનો પુંજ આકાશને આચ્છાદી રહ્યો હતો. આ મિલો એ આધુનિક યુગની પશ્ચિમની અંગ્રેજી સરજત છે. આ મિલો એ બિન-સાંપ્રદાયિક ઔદ્યોગિક સંસ્કૃતિનું પ્રતીક છે. મારો જન્મ ૧૯૨૬માં. ત્યારે કોટની પેલી પાર જ નહિ પણ સાબરમતી નદીની પણ પેલી પાર પશ્ચિમમાં દસેક વરસથી ગાંધીજીએ એમનો આશ્રમ સ્થાપ્યો હતો. એમના રેંટિયામાંથી રોજ રોજ પ્રેમનો મંત્ર ગુંજી રહ્યો હતો. આ રેંટિયો એ ભાવિ યુગના અમદાવાદને જ માત્ર નહિ પણ ભારતને અને જગતને એક મહાત્માની મહાન અને ભવ્ય ભેટ છે. આ રેંટિયો એ સત્ય અને અહિંસાની નૂતન સંસ્કૃતિનું પ્રતીક છે. આમ, ત્યારે અમદાવાદ એ ભૂત, વર્તમાન અને ભાવિનું સંગમસ્થાન હતું. એમાં યંત્ર અને મંત્રનો સંઘર્ષ હતો અને એની પર અને પાર કોઈ એક અભૂતપૂર્વ અને અદ્ભુત તંત્ર — અર્થતંત્ર અને રાજ્યતંત્ર — દ્વારા એ બન્નેના સંવાદ-સમન્વયનું આહ્વાન હતું. નાનપણમાં મેં આ કોટનું ઉત્ખનન થતું જોયું છે. અમદાવાદની શેરીઓના રસ્તાઓ પર ધૂળ અને માટીને સ્થાને પથ્થર અને ડામર, એના રાજમાર્ગોની સડકો પર ઘોડાગાડીઓને સ્થાને બસમોટરો, ઘરોમાં દિવેલનાં કોડિયાં અને પોળોમાં થાંભલા પર કેરોસીનનાં કાચનાં ફાનસોને સ્થાને વીજળીના દીવા — ક્રમે ક્રમે આ પરિવર્તન થતું જોયું છે, અને એલિસ પુલ પાસેથી ગાંધીજીની દાંડીકૂચનું દૃશ્ય પણ જોયું છે. આ સંઘર્ષ અને સમન્વય એ મારા શૈશવનો અને મારી આજ લગીની અને હવે પછીની કવિતાનો, એના કટાક્ષ અને કારુણ્યનો, એની વક્રતા અને વેદનાનો, એક જ શબ્દમાં મારી સંવેદનાનો સંદર્ભ છે. મારો જન્મ અમદાવાદમાં પણ એના બરોબર વચ્ચોવચ્ચ મધ્યભાગમાં હૃદય સમા ખાડિયામાં લાખા પટેલની પોળમાં દેવની શેરીમાં મોસાળમાં. આજુબાજુના વિસ્તારમાં નરસિંહરાવ-આનંદશંકર-કેશવલાલ આદિનાં વિદ્વત્તા અને વ્યવસ્થા માટે પ્રસિદ્ધ એવાં નાગર કુટુંબોનું વાતાવરણ. માતામહ વિદ્યમાન હતા. એ અમદાવાદના સો અગ્રણી કુટુંબોમાંના એક શરાફી કુટુંબના નબીરા, વિચક્ષણ બુદ્ધિના ચતુર વ્યાપારી. એમને સાહિત્ય-સર્જનમાં પણ રસ. બાપદાદાનું ઘર કાલુપુરમાં દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં. આજુબાજુના વિસ્તારમાં વાણિજ્ય અને વ્યવહાર માટે પ્રસિદ્ધ એવા જૈન કુટુંબોનું વાતાવરણ. પાસેના ખાંચામાં અમદાવાદનું સૌથી મોટું વૈષ્ણવ મંદિર. એટલે સાથે-સાથે ભક્તિનું પણ વાતાવરણ. આ ઘર અને મોસાળ વચ્ચે પાંચ મિનિટનું અંતર. એથી મારો ઉછેર આ વિવિધ વાતાવરણમાં થયો હતો. પિતામહ તજ-લવિંગના વ્યાપારી. એથી એમની અટક ગાંધી હતી. પણ ઉત્તરજીવનમાં એ જમાલપુરમાં ટોકરશાની પોળમાં મગન ભગતની ભજનમંડળીમાં જોડાયા હતા એથી ‘ભગત’નું લાડકું નામ પામ્યા હતા. પરિણામે સંતાનો-પ્રસંતાનોને ભગત અટકનો વારસો પ્રાપ્ત થયો હતો. નાનપણમાં આ વૈષ્ણવ મંદિરમાં રોજરોજ રમવાનું અને જમવાનું. રોજરોજ મંગળા, ભોગ, ઉથાપન અને શેનનાં દર્શન, વસંતમાં અબીલગુલાલ અને વર્ષામાં હિંડોળા, જન્માષ્ટમીએ જાગરણ — આંખમાં હજુ પણ એનાં દૃશ્યો છે. રોજરોજ ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી’ના જયઘોષ અને હવેલીનું કીર્તનસંગીત — કાનમાં હજુ પણ એના સ્વરો છે. રોજરોજ ઠોર અને ખાસાપુરી — મોંમાં હજુ પણ એનો સ્વાદ છે, નાકમાં હજુ પણ એની સોડમ છે. નાનપણમાં પુષ્ટમાર્ગી વૈષ્ણવધર્મનો આ ઇન્દ્રિયરાગી અનુભવ હતો. જન્મ પૂર્વે પિતામહ સદ્ગત હતા. પણ ઘરમાં એક પટારાંમાં એમનાં મંજિરા, કરતાલ અને કાંસીજોડાની સામગ્રી હતી. સ્વહસ્તે એનો પ્રયોગ-ઉપયોગ કર્યો હતો. કાનમાં હજુ એના પણ સ્વરો છે. દાદીમા ખોળામાં સુવાડીને બોડાણા આખ્યાન આદિ આખ્યાનો ગાય ત્યારે ‘ધનધન ગંગાબાઈની વાળી, સવા વાલ થયા વનમાળી’ આદિ પ્રભુલીલાના વર્ણનની પંક્તિઓ સાથે નિદ્રાલોકમાં સરી જવાનું થાય. કાનમાં હજુ એના સ્વરો પણ છે. નાનપણમાં વિલાયતી રમકડાંની સાથે-સાથે લાલજીની એક મૂર્તિ પણ હતી. લાલજી નિર્વસ્ત્ર હતા. એથી સામે કાકાના ઘરમાંથી એમના મંદિરના કબાટમાંથી એમના ભગવાનના વાઘા ચોરી લાવ્યો હતો અને પછી પકડાયો હતો. આમ, જીવનમાં એક વાર ભગવાનને ખાતર ચોરીનો અપરાધ કર્યો હતો, ભગવાનની આબરૂ ઢાંકવા ગયો ને ઉઘાડો પડ્યો હતો, પણ પછીથી એનું કાવ્ય રચીને પ્રાયશ્ચિત્ત કર્યું હતું કે ‘મારા ભગવાન નાગા, તે મેં ચોર્યા વાઘા.’ પચીસેક વરસ પૂર્વે એક વાર વડોદરા રેડિયો પરથી કાવ્યવાચનનો કાર્યક્રમ હતો. અનેક મુરબ્બી પ્રસિદ્ધ કવિઓની સાથે પ્રિયકાન્ત અને હું પણ એ કાર્યક્રમમાં હતા. પ્રમુખને અમે બન્ને તદ્દન અપરિચિત. એમણે અમારાં નામ અને પરિચય વિશે મને પૂછ્યું ત્યારે મેં નામ આપીને પછી ઉત્તરમાં કહ્યું હતું કે પ્રિયકાન્તની અટક સાચી છે, મારી અટક જુઠ્ઠી છે. અટક ભગત છે. છતાં ઘરમાં પૂજા-પાઠ કરતો નથી, મંદિરમાં જતો નથી, ભગવાન સાથેનો સંબંધ ખાનગીમાં વિચાર રૂપે કે જાહેરમાં વાણી અને વર્તન રૂપે વ્યક્ત કરતો નથી. કાકા અંગ્રેજી સાહિત્યના તેજસ્વી બુદ્ધિના વિદ્યાર્થી. કસ્તુરભાઈ લાલભાઈ એમના પરમ મિત્ર. આ મિત્રના કુટુંબમાં કુટુંબીજન તરીકેનું એમનું સ્થાન. વિલાયત ગયા હતા અને બૅરિસ્ટર થયા હતા. એમનું અવસાન પણ આ મિત્રના શાહીબાગના ઘરમાં થયું હતું. મારા જન્મ પૂર્વે કાકા સદ્ગત હતા. કસ્તુરભાઈ સાથેની મૈત્રીને કારણે અને વિલાયતની યાત્રાને કારણે એમણે જે અનેક કીમતી અને વિલાયતી — કપડાંથી માંડીને ક્રૉકરી લગીની — ચીજવસ્તુઓ ઘરમાં વસાવી હતી એનો નાનપણમાં ઉપયોગ-ઉપભોગ કર્યો હતો. એમાં એક વિલાયતના પટારામાં અંગ્રેજી સાહિત્યના અનેક ગ્રંથો હતા — એમાંથી એક પણ ગ્રંથ ત્યારે ખોલ્યો ન હતો. પછીથી મોટપણમાં એકેએક ગ્રંથ ખોલ્યો હતો. પણ એમાં સાથે લંડન નગરનો એક મોટો પુસ્તિકાકાર નકશો હતો. તે વારંવાર ખોલ્યો હતો. એ જ્યારે-જ્યારે ખોલ્યો હતો ત્યારે-ત્યારે લંડન નગરના રાજમાર્ગો પર ફરી રહ્યો છું એવું સ્વપ્ન સેવ્યું હતું. ચાર ધોરણ સુધીનો અભ્યાસ હાજા પટેલની પોળમાં મ્યુનિસિપલ શાળામાં કર્યો હતો. પિતાજી વારંવાર મુંબઈ, આબુ વગેરે સ્થળે જાય. જ્યારે-જ્યારે જાય ત્યારે જે કંઈ પાઈ-પૈસો-રૂપિયો બે રૂપિયા આપે એમાંથી તરત જ શાળાની સામેની પુસ્તકોની દુકાનમાંથી પુસ્તક ખરીદ્યું જ હોય. આમ ખાસ્સો સો-બસો પુસ્તકોનો સંગ્રહ કર્યો હતો. ‘બિલોરી પહાડ’ આદિ પુસ્તકોમાંનાં વર્ણનોનાં ચિત્રો હજુ પણ આંખમાં ચમકી જાય છે. કીમતી કપડાં અને વિલાયતી પુસ્તકોનો હજુ પણ ભારે શોખ છે. ભારે ખર્ચનું એ એકમાત્ર સાધન છે. અને લંડન નગરના રાજમાર્ગો પર ફરવાનું સ્વપ્ન હજુ પણ આંખમાંથી ઊડી ગયું નથી. મારી દસ વરસની વયે પિતાજીએ ગૃહત્યાગ કર્યો એથી જીવનમાં પ્રથમવાર ભારે પરિવર્તન થયું. ત્યારે એક રૂપિયાની પણ આવક ન હતી અને રોકડ મિલકત પણ ન હતી. માતા અમને ત્રણ સંતાનોને લઈને પિયરમાં હવે એલિસબ્રિજમાં એલિસ પુલના નાકે ‘ચંદનભવન’માં આવીને વસ્યાં હતાં. નગરની બહાર સાબરમતી નદીની પેલી પાર એના તટ પર જ આવીને વસ્યો પણ લોખંડના પુલથી અલગ એવું નદીનું દર્શન કદી કર્યું ન હતું. પછીથી પાસે જ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય થયું અને એની પડખે ન્હાનાલાલ કવિનું ઘર તો હતું જ. એવો પણ સમય હતો જ્યારે પુસ્તકાલયમાંથી રોજ એક પુસ્તકનું વાચન કર્યું હતું. કોઈ કોઈ સાંજે નદી લગી ફરવા આવ્યા હોય તો ન્હાનાલાલ કવિનું દર્શન કર્યું હતું. આમ, ગુજરાતી કવિઓમાંથી પ્રથમ ન્હાનાલાલ કવિનું દર્શન કર્યું હતું. પછીથી કોઈ કોઈ સાંજે જ્યોતિસંઘ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી ઘરે પાછા ફરી રહ્યા હોય ત્યારે સુન્દરમ્‌ અને ઉમાશંકરનું દર્શન કર્યું હતું. શાળામાં ગુજરાતીના શિક્ષક ગૂજરાત વિદ્યાપીઠમાં પાઠકસાહેબના શિષ્ય અને સુન્દરમ્‌ના સહાધ્યાયી. કવિતા કરે, પણ એથી યે વિશેષ તો વિદ્યાર્થીઓને કવિતા લખતા કરે. વર્ગમાં એમણે સમગ્ર ‘પૂર્વાલાપ’નું પઠન કર્યું હતું. આ હતો ગુજરાતી કવિતાનો મારો સૌ પ્રથમ સંસ્કાર. ત્યારે ‘ક્લાન્ત કવિ’નું પ્રથમ પ્રકાશન થયું હતું. સમગ્ર ‘ક્લાન્ત કવિ’નું સ્વપ્રયત્નથી પઠન કર્યું હતું. શાળાના અન્ય એક શિક્ષકે ‘બારી બહાર’ની ભેટ આપી હતી. ‘બારી બહાર’નું પણ સ્વપ્રયત્નથી પઠન કર્યું હતું. ’૪૨ના દિવસોમાં ‘યુગવંદના’નું આવડે એવું ગાન કર્યું હતું. ‘કડવી વાણી’, ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’, ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’ અને ‘નિશીથ’નું એકેએક કાવ્ય સમજું ન સમજું છતાં — બલકે એથી જ અમોઘ આકર્ષણરૂપ અને આહ્વાનરૂપ હતું. અભ્યાસમાં બીજી ભાષા ફ્રૅન્ચ હતી. ૧૯મી સદીના પૂર્વાર્ધના ફ્રૅન્ચ રોમૅન્ટિક કવિઓનાં કાવ્યો–સવિશેષ લામાર્તિનનું ‘લ લાક’ અને મ્યુસેનું ‘લે કાત્ર નુઈ’નું એવું જ આકર્ષણ હતું. ત્યારે પૅરિસ નગરનું પણ એવું જ આકર્ષણ હતું. લંડન નગરની જેમ જ પૅરિસ નગરના રાજમાર્ગો પર ફરી રહ્યો છું એવું સ્વપ્ન પણ સેવ્યું હતું. અંગ્રેજી કવિઓમાંથી કોઈ કવિનું નામ ચિત્તમાં અંકિત થયું ન હતું. આ બધું હોવા છતાં કવિતા કરવાનું કે ક્યારેય કવિતા કરવાનું થશે એ વિશે ભય કે શંકા કરવાનું કોઈ કારણ ન હતું. એ કારણ થયું એક મધુર અકસ્માત રૂપે. એ કારણ હતું રવીન્દ્રનાથની અંગ્રેજી ‘ગીતાંજલિ’. ૧૯૪૧માં રવીન્દ્રનાથનું અવસાન થયું પછી એનું વાચન કર્યું. આ અનુભવ અનિર્વચનીય હતો. કોણ જાણે કેમ પણ થયું અંગ્રેજીમાં આવાં સો ગદ્યકાવ્યો રચું. પંદરસોળ વરસના એ પરમજ્ઞાનીને કોઈ ભવ્ય ક્ષણે એવું પણ થયું કે તો નોબેલ પ્રાઇઝ પણ પ્રાપ્ત થાય! જોતજોતામાં, વાતવાતમાં અંગ્રેજીમાં સો ગદ્યકાવ્યો રચ્યાં. એમાંથી પાંચ કાવ્યો ‘ત્રિવેણી’ ત્રૈમાસિકના તંત્રી પર બૅંગલોર મોકલી આપ્યાં. એમાંથી એક કાવ્ય એમણે પ્રોત્સાહન રૂપે પ્રગટ કર્યું. એમણે પત્રમાં અભિનંદન પાઠવ્યાં — પણ તે સુન્દર અક્ષરો માટે, કાવ્યો માટે નહિ. કાવ્યો વિશે આટલું જ કહ્યું : અનુકરણ ન કરવું. રવીન્દ્રનાથનું પણ નહિ; પરમેશ્વરને રવીન્દ્રનાથનાં કાવ્યોમાં નહિ પણ પોતાની આસપાસનાં જગતમાં અને મનુષ્યમાં પામવાનો પ્રયત્ન કરવો. ભૂતકાળનો પેલો ભક્તિરસ આ સો કાવ્યોમાં નિ:શેષપણે અદૃશ્ય થયો. એટલું જ નહિ પણ અંગ્રેજીમાં કાવ્યો, નોબેલ પ્રાઇઝ આદિનો ભવિષ્યરસ પણ અદૃશ્ય થયો. પછી રવીન્દ્રનાથનાં મૂળ બંગાળી કાવ્યો અંગ્રેજી અનુવાદોથી અનંતગણા મધુરસુન્દર છે એવું ક્યાંક વાંચ્યું અને એ કાવ્યોનું વાચન કરવું હતું એથી સ્વશિક્ષણથી બંગાળીનો અભ્યાસ કર્યો હતો. તરત બે કાવ્યો બંગાળીમાં રચવાનું બીજું સાહસ કર્યું — બલકે થયું. પણ વચમાં સરોજિનીનાં અંગ્રેજી કાવ્યોનું વાચન કર્યું ત્યારે ક્યાંક એ પણ વાંચ્યું હતું કે પરભાષામાં કવિતા ન કરવી. એથી ભલે બંગાળી રવીન્દ્રનાથની માતૃભાષા પણ મારે માટે તો પરભાષા, એમાં કવિતા કરવી એ નર્યું દુ:સાહસ એ તરત સૂઝ્યું. આ પછી જ ગુજરાતીમાં કવિતા કરવાનું થયું હતું. શાળાનું છેલ્લું વરસ હતું. ‘રંગમંડળ’ને ’૪૨ની ક્રાંતિમાં જે ભાઈબહેનો જેલમાં હતાં એમને માટે રાહતફંડ કરવું હતું. શાળામાં જે બે પરમ મિત્રો હતા એ બન્નેના પિતાજી કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર નેતાઓ હતા. આ મૈત્રીને કારણે બે વરસથી રેંટિયો કાંતતો હતો, ખાદી પહેરતો હતો. ૧૯૪૧ની કૉંગ્રેસ કારોબારી સમયે બારડોલી આશ્રમમાં ત્રણ દિવસ આ મિત્રો સાથે રહ્યો હતો. અહીં ગાંધીજી અને નેહરુનું પ્રથમ વાર નિકટથી દર્શન કર્યું હતું. ત્રણે દિવસ ગાંધીજીની પ્રાર્થનામાં ગયો હતો. ’૪૨ના ઑગસ્ટની ૯મીના સરઘસમાં લૉ કૉલેજથી મોખરે જોડાયો હતો અને ગુજરાત કૉલેજ પાસે લાઠીમારમાં હાથનું હાડકું ભાંગીને જીવતો ઘરે પાછો આવ્યો હતો. જેલમાં જવા માટે કૌટુંબિક પરિસ્થિતિ અનુકૂળ ન હતી. એથી ગાંધીજીની આત્મકથામાં જે ભારતવાસીને સંસ્કૃતનું જ્ઞાન ન હોય એની સંસ્કારિતા અપૂર્ણ છે એ વચનનું સ્મરણ થયું અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય કાર્ય રૂપે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. અને ૧૯૪૩માં ‘રંગમંડળ’ને જ્યારે રાહતફંડ માટે સંગીતનૃત્યનાટક ‘ચાલીસ કરોડ’ ભજવવું હતું ત્યારે એમાં પદ્ય રચ્યું હતું. આ પ્રસંગે રાજેન્દ્ર અને પિનાકિનનો પરિચય થયો હતો. પરિણામે પછીથી જયંતિ દલાલનો પરિચય થયો હતો. એથી નિયમિત બુધવારે રાતે ‘કુમાર’ કાર્યાલયની કવિસભામાં અને રોજ સાંજે ‘રેખા’ કાર્યાલયમાં હાજરી આપતો થયો હતો. કૉલેજનાં બે વરસ પાઠકસાહેબ પાસે ગુજરાતી સાહિત્યનો, સવિશેષ તો ‘આપણી કવિતા સમૃદ્ધિ’નો, અભ્યાસ કર્યો હતો. મૅટ્રિકમાં છેલ્લી ઘડીએ ફ્રૅન્ચને બદલે સંસ્કૃતના વિષયની પરીક્ષા આપી હતી. એથી કૉલેજમાં બે વરસ સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરવાનું શક્ય થયું હતું. બન્ને વરસ ગુજરાતી, સંસ્કૃત અને અલબત્ત અંગ્રેજીના વર્ગો ઉપરાંત કૉલેજ કૅન્ટીનમાં જ વધુ હાજરી આપી હતી. આ ત્રણ વર્ગોમાં વિદ્વાન અધ્યાપકોનાં વ્યાખ્યાનો, કૉલેજની કૅન્ટીનમાં મિત્રો સાથે કલાકો સુધીના સંવાદો, ‘રેખા’ કાર્યાલયમાં ખૂણાની એક પાટલી ઉપરથી ચૂપચાપ જેનું શ્રવણ કર્યું હતું તે અમદાવાદના ત્યારના અગ્રણી બૌદ્ધિકોના સંવાદો અને ‘બુધસભા’માં કવિમિત્રો સાથેના સંવાદો આ મારું લગભગ સમગ્ર ઉચ્ચ શિક્ષણ હતું. વધુ ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદથી મુંબઈ ગયો. એથી જીવનમાં બીજી વાર ભારે પરિવર્તન થયું. આમ, એક ઔદ્યોગિક નગરમાંથી વધુ મોટા ઔદ્યોગિક નગરમાં — બલકે મહાનગરમાં ગયો. અહીં બે વરસ સતત અભ્યાસ કર્યો. પછી અમદાવાદ પાછો આવ્યો. કૉલેજમાં અધ્યાપક થયો. એથી વરસો લગી ઉનાળા અને શિયાળાની લાંબી અને ટૂંકી બન્ને રજાઓ મુંબઈમાં ગાળવાનું શક્ય થયું હતું. આમ, એકાદ દાયકા લગી વરસમાં છ માસ અમદાવાદમાં અને છ માસ મુંબઈમાં વસ્યો હતો. મધ્યાહ્ન અને મધ્યરાત્રિએ, સવારે અને સાંજે, રાજમાર્ગોમાં અને શેરીઓમાં મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોનો અનુભવ કર્યો હતો. મુંબઈમાં મારે ચાર સાહિત્યિક મિત્રો — રાજેન્દ્ર, મડિયા, હરિશ્ચન્દ્ર અને પછીથી બલ્લુકાકા. મડિયાને લગભગ રોજ સાંજે, રાજેન્દ્રને લગભગ રોજ રાતે અને હરિશ્ચન્દ્રને અવારનવાર મળવાનું થતું હતું. મડિયાની સાથે કોલાબાથી દાદર લગીનાં અનેક નાનાંમોટાં રેસ્ટોરાંમાં એમને હિસાબે ને મારે જોખમે જમવાનું અને મિત્રોને ઘરે અથવા દરિયાકિનારે હરવાફરવાનું, રાજેન્દ્રની સાથે પરસ્પરનાં કાવ્યોનું વાચનવિવેચન કરવાનું, ક્યારેક એમાં સુધારાવધારા કરવાનું અને હરિશ્ચન્દ્ર સાથે વિશ્વકવિતાનો આસ્વાદ અને અભ્યાસ કરવાનું થતું હતું. હરિશ્ચન્દ્ર હોય નહિ અને વિશ્વકવિતાનો પરિચય થાય નહિ. એમાં સૌથી વધુ પ્રભાવ હતો રિલ્કે અને બૉદલેરનો. મડિયા હોય નહિ ને યુસિસની લાઇબ્રેરીમાં અમેરિકન કવિતાનો પરિચય થાય નહિ. એમાં સૌથી વધુ પ્રભાવ હતો પાઉન્ડ અને એલિયટનો. કૉલેજમાં સતત બે વરસ લગી અભ્યાસનો એકમાત્ર વિષય હતો અંગ્રેજી સાહિત્ય. એમાં સૌથી વધુ પ્રભાવ હતો ભૂતકાળના કવિઓમાંથી ડન અને બ્લેઇકનો અને વર્તમાનના કવિઓમાંથી યૅટ્સ અને ઓડનનો. પછીથી બલ્લુકાકાની મૈત્રી અને એમની સાથેના સંવાદો દ્વારા જે પામ્યો એ તો અનિર્વચનીય છે. એ અંગે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય પ્રસંગે નોંધ્યું છે. બલ્લુકાકા હોય નહિ ને ‘પૂર્વાલાપ’ને સ્થાને ‘ભણકાર’ની સ્થાપના દ્વારા ‘પ્રવાલદ્વીપ’ની મુખ્ય કવિતાનું સર્જન થાય નહિ. કોઈ વાદ, શાસ્ત્ર કે વિજ્ઞાનને નામે કવિતા જેવી સર્જકકલામાંથી એના સર્જકની એટલે કે મનુષ્યની, વ્યક્તિની, વ્યક્તિવિશેષની એટલે કે માનવમૂલ્યની બાદબાકી શક્ય નથી. અરે, સ્વયં વિજ્ઞાનમાંથી — તટસ્થ, પરલક્ષી અને બિન-અંગત એવા વિજ્ઞાનમાંથી પણ આ બાદબાકી શક્ય નથી. અને જો મનુષ્યની બાદબાકી થાય તો કલા અને વિજ્ઞાન બન્ને અમાનુષી બની જાય, એમની નરી વિકૃતિ અને વિડંબના થાય. કલા અને વિજ્ઞાન એ માત્ર સ્થૂલ ટૅક્નિક નથી, સવિશેષ તો એ સાંસ્કૃતિક મૂલ્ય છે; એ માત્ર ભૌતિક સત્ય નથી, સવિશેષ તો એ માનવીય મૂલ્ય છે. એથી જ મારી પોતાની કવિતા પર બોલવાનું હતું ત્યારે આમ મારી પોતાની પર બોલવાનું થયું છે. એ કોઈ આત્મરતિ કે આત્મશ્લાઘા, આત્મપ્રતારણા કે આત્મપ્રદર્શનના દુષ્ટ હેતુથી થયું નથી. પણ એક મનુષ્ય તરીકે મેં આ બધું કર્યું ન હોત, મને આ બધું થયું ન હોત, આ ભૂમિકા ન હોત તો મારે માટે કવિતા કરવાનું જ શક્ય થયું ન હોત; અથવા તો જે પ્રકારની કવિતા, જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપની કવિતા કરવાનું થયું તે પ્રકારની કવિતા કરવાનું શક્ય થયું ન હોત. મારી પોતાની કવિતા એટલે સમયના સંદર્ભમાં ૧૯૪૩થી ૧૯૫૮ લગીની દોઢ દાયકાની કવિતા. એમાં ૧૯૪૩થી ૧૯૪૮ લગીના અરધા દાયકાની કવિતા એ રોમૅન્ટિક કવિતા છે. અને ૧૯૪૮થી ૧૯૫૮ના એક દાયકાની કવિતા એ આધુનિક કવિતા છે. ‘સંસ્મૃતિ’ કાવ્યમાં આ બે પ્રકારની કવિતાની સીમારેખા છે. ‘છંદોલય’ અને ‘કિન્નરી’નાં કાવ્યોનો કાવ્યનાયક મુખ્યત્વે રોમૅન્ટિક પ્રેમીજન છે. એનામાં આરંભમાં મુગ્ધતા અને ભાવમયતા છે, આદર્શમયતા અને ભાવનામયતા છે. એનામાં ઉદ્રેક અને ઉગ્રતા છે, ઉત્સાહ અને ઉન્માદ છે. એથી એને તરતના પૂર્વકાલીનો સુન્દરમ્‌-ઉમાશંકર કે બલવન્તરાય-ન્હાનાલાલની પ્રવાહી પદ્ય કે ડોલનની પરંપરામાં નહિ પણ એમની પૂર્વેના મણિશંકર અને બાલાશંકરની પરંપરામાં મુખ્યત્વે અનાવૃત સંધિના અક્ષરમેળ છંદોમાં પ્રાસયુક્ત અને શ્લોકયુક્ત સ્વરૂપમાં, કાવ્યમય પદાવલિમાં, ભદ્રિક ભાષા અને નાગરિક શૈલીમાં, ક્લાસિકલ પિંગળમાં પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પછીથી વાસ્તવિકતા અને વસ્તુલક્ષિતાને કારણે મુખ્યત્વે પ્રેમના અનુભવમાં ક્રમે ક્રમે એનામાં વિકલતા અને વિફલતા, ઉત્તરોત્તર એનામાં વિષાદ અને વેદના પ્રગટ થાય છે. ત્યારે એનામાં એકસાથે તીવ્રતા અને તીક્ષ્ણતા તથા ઉપેક્ષા અને ઉદાસીનતા છે. એથી એને આવૃત સંધિના માત્રામેળ — મુખ્યત્વે ઝૂલણા અને હરિગીત — છંદોમાં પ્રાસયુક્ત પણ પરંપરિત સ્વરૂપમાં, બોલચાલની બાનીમાં અને રોમૅન્ટિક પિંગળમાં પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગીતમાં ગુજરાતી પરંપરાના ગીતનું નહિ પણ રવીન્દ્રનાથના ગીતનું સ્થાપત્ય અને સંવિધાન રચવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યોમાં આ અથવા તે, હા અથવા ના એવો સ્પષ્ટ અને સરળ અનુભવ નથી; પણ આ અને તે, હા અને ના એવો ક્લિષ્ટ અને સંકુલ અનુભવ છે. એમાં વસ્તુને ઉલટાવી-ઉથલાવીને એની બીજી બાજુ જોવા- જાણવાનો, બે વિભિન્ન વિરોધી વસ્તુઓને સાથે-સાથે જોડી-ગોઠવીને જોવા-જાણવાનો અનુભવ છે. એમાં બે પરસ્પર વિરોધી ભાવ કે વિચારનો સંઘર્ષ હોય છે. અથવા એ સંઘર્ષ દ્વારા કોઈ સંવાદ-સમન્વયનું સૂચન હોય છે. એથી એમાં — એક વિચિત્ર સંવેદના, સૌંદર્યાનુભૂતિ અને સહાનુભૂતિ હોય છે. એથી એમાં — ગીતો સુધ્ધાંમાં — ઊર્મિપ્રધાન કવિતા નથી, ઊર્મિવત્ કવિતા અવશ્ય છે, પણ એમાં મુખ્યત્વે વિચારપ્રધાન કવિતા metaphysical poetry છે. એમાં પરસ્મૈપદી અનુભવ છે. એથી એમાં વક્રતા છે. એક પ્રકારની મેટાફિઝિક્લ બુદ્ધિ (wit) છે. જે કોટિ (conceit), કલ્પન કે પ્રતીક દ્વારા પ્રગટ થાય છે. ‘સંસ્મૃતિ’માં આ કવિતાની પરાકાષ્ઠા છે. આ કાવ્યનો કાવ્યનાયક હવે સ્વમાં સીમિત એવો માત્ર રોમૅન્ટિક પ્રેમીજન નથી પણ સમાજ, સંસ્કૃતિ, સમસ્ત યુગ સાથેના સંઘર્ષને કારણે વ્યાપક એવો આધુનિક મનુષ્ય છે. ‘અલ્પવિરામ’નાં કાવ્યો એ ‘પ્રવાલદ્વીપ’નાં કેટલાંક કાવ્યોનાં સમકાલીન કાવ્યો છે. એમાં, શીર્ષકમાં સ્પષ્ટ સૂચન છે તેમ, જાણે કે મુખ્ય કાવ્યોની પૂર્વતૈયારી છે. પછી ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં સ્થળ વિશેનાં ત્રણ કાવ્યો બલવન્તરાયના ‘ભણકાર’ની પરંપરામાં આધુનિક નગરની યાંત્રિકતાને અનુરૂપ અને આધુનિક મનુષ્યની એકલતાને અનુકૂળ એવા પ્રાસયુક્ત પરંપરિત ગુલબંકી છંદમાં છે. કાળ વિશેનું કાવ્ય ન્હાનાલાલની ‘પિતૃતર્પણ’ની પરંપરામાં પ્રાસયુક્ત અનુષ્ટુપ છંદમાં છે. પાત્રો વિશેનું કાવ્ય સુન્દરમ્‌-ઉમાશંકરની પરંપરામાં ‘પ્રવાલદ્વીપ’નું સૌથી વધુ નાટ્યાત્મક કાવ્ય છે. ‘પ્રવાલદ્વીપ’ની સમગ્ર કવિતા ‘આત્માનાં ખંડેર’ દ્વારા ‘હુન્નરખાનની ચડાઈ’ અને ‘નર્મટેકરી’ની પરંપરામાં છે. ‘પાત્રો’ની સ્વગતોક્તિઓ અને ‘ગાયત્રી’ની પ્રાર્થનામાં એની પરાકાષ્ઠા છે. આ બે કાવ્યો પછી કટાક્ષની સાથે-સાથે કારુણ્યનો એક નવો ભાવ હૃદયમાં પ્રગટ થયો હતો. એ બન્નેનાં સંવાદ-સમન્વયની કવિતા કરવાનો ‘૩૩ કાવ્યો’માં અર્ધસફળ-અસફળ પ્રયત્ન કર્યો છે. પણ ‘પાત્રો’ કે ‘ગાયત્રી’ના અનુસંધાનમાં એને સમકક્ષ એવી કવિતા કરવાનું ન થાય ત્યાં લગી મૌન ધારણ કરવાનું અનિવાર્ય છે. એ મૌન સ્વયં કવિતા છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં સ્વાતંત્ર્યના એક દાયકા દરમિયાનની કવિતામાં પ્રિયકાન્ત અને હસમુખની કવિતા એ આધુનિક કવિતા છે. સ્વાતંત્ર્યનો જે સમય તે જ ‘પ્રવાલદ્વીપ’ની કવિતાના આરંભનો સમય છે. આ સમયે ભારતે ઔદ્યોગિક યુગમાં પ્રવેશ કર્યો. અને ભારતમાં ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિનો આરંભ થયો, ઔદ્યોગિક મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો. ‘પ્રવાલદ્વીપ’માં એની કવિતાનો આરંભ છે. એનું અનુસંધાન ‘અશબ્દ રાત્રિ’ અને ‘નમેલી સાંજ’ની કવિતામાં છે. આ કવિતામાં અવાજ, ભાષા, લય, છંદ, કલ્પન, પ્રતીક બધું જ ‘પ્રવાલદ્વીપ’ની કવિતામાં છે એથી વિશેષ આધુનિક છે. ‘પ્રવાલદ્વીપ’ની પૂર્ણાહુતિ સમયે જ અને હજુ પ્રિયકાન્ત અને હસમુખની આધુનિક કવિતાનું સર્જન થતું હતું ત્યાં જ ઉમાશંકરે ૧૯૫૬માં ‘છિન્નભિન્ન છું’ અને ૧૯૫૯માં ‘શોધ’ રચ્યું. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં આ સૌથી મોટી ઘટના છે. એક અર્થમાં ઉમાશંકરે આ બન્ને કાવ્યો જાણે ‘આત્માનાં ખંડેર’ના અનુસંધાનમાં ન રચ્યાં હોય! આ કાવ્યોમાં ચોથા દાયકાના કવિ ઉમાશંકર છઠ્ઠા દાયકાના અનુકાલીન આધુનિક કવિઓને અતિક્રમી ગયા છે. આ કાવ્યોમાં આધુનિક કવિતા અને અદ્યતન કવિતાની સીમારેખા છે. એમાં ગુજરાતી પિંગળના ચારે પ્રકારના છંદોનું મિશ્રણ છે અને વચમાં-વચમાં ક્યાંક ગદ્યખંડો છે. એથી આ બે કાવ્યોમાં પ્રિયકાન્ત અને હસમુખની આધુનિક કવિતામાં ન હતી એવી ગુજરાતી ભાષાની પ્રથમ અદ્યતન કવિતા છે. એનું અનુસંધાન લાભશંકર અને સિતાંશુની કવિતામાં છે. છેલ્લા બે દાયકા દરમિયાનની કવિતામાં લાભશંકર અને સિતાંશુની કવિતા સર્વાંગસંપૂર્ણપણે અદ્યતન કવિતા છે. લાભશંકરની કવિતામાં ‘શોધ’ની કવિતાનું અનુસંધાન છે અને સિતાંશુની કવિતામાં ‘છિન્નભિન્ન છું’ની કવિતાનું અનુસંધાન છે. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં મનુષ્યનો અને મનુષ્યનાં મૂલ્યોનો, વ્યક્તિત્વનો, ગૌરવનો તથા સમાજનો અને સંસ્કૃતિનો હ્રાસ-ઉપહાસ થયો છે. આ સૌનું અસ્તિત્વ સુધ્ધાં ભયમાં છે. મનુષ્ય પરમેશ્વર કે અન્ય મનુષ્યોથી જ નહિ પણ સ્વયં પોતાથી પણ છૂટો-વિખૂટો થયો છે, હવે એની દ્વિગુણ એકલતા છે. એ શીર્ણવિશીર્ણ થયો છે, છિન્નભિન્ન થયો છે. એની કવિતા ‘છિન્નભિન્ન છું’માં અને સિતાંશુનાં કાવ્યોમાં છે. કવિનું મનુષ્ય તરીકે અન્ય મનુષ્યો સાથે અવગમન અશક્ય થયું છે. કારણ કે અન્ય મનુષ્યોએ સૌ શબ્દોને ભ્રષ્ટ કર્યા છે. દેશમાં અને દુનિયામાં સત્તાલોલુપ અને સેવાલોલુપ મનુષ્યોએ સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, લોકશાહી, સમાજવાદ — કેટકેટલા ભવ્ય શબ્દોને ભ્રષ્ટ કર્યા છે, પવિત્ર શબ્દોને અપવિત્ર કર્યાં છે, અમૂલ્ય શબ્દોનું અવમૂલ્યન કર્યું છે. કવિ શબ્દ શોધે છે, અભ્રષ્ટ એવો શબ્દ શોધે છે. કવિ જ્યારે એવો શબ્દ શોધે છે ત્યારે એ પોતાનું અને મનુષ્ય માત્રનું મૂલ્ય, વ્યક્તિત્વ, ગૌરવ અને સ્વયં અસ્તિત્વ શોધે છે, સર્વસ્વ શોધે છે. એથી કવિ અસંખ્ય શબ્દો પર અસંખ્ય પ્રકારે આઘાત પર આઘાત કરે છે. કારણ કે કવિ જે સ્વયં સત્ય હોય તે શબ્દ શોધે છે. એની કવિતા ‘શોધ’માં અને લાભશંકરનાં કાવ્યોમાં છે. જેમાં મનુષ્ય અન્ય મનુષ્યોથી છૂટો-વિખૂટો હોય અને જેમાં કવિ શબ્દ દ્વારા કંઈક શોધે, જેમાં કવિ કરુણ યુગનાટકનો પ્રેક્ષક હોય તે આધુનિક કવિતા. પણ જેમાં મનુષ્ય સ્વયં પોતાથી પણ છૂટો-વિખૂટો હોય, જેમાં કવિ શબ્દમાં કંઈક શોધે, જેમાં કવિ કરુણ યુગનાટકમાં પાત્ર હોય તે અદ્યતન કવિતા. આ અર્થમાં લાભશંકર અને સિતાંશુની કવિતા એ અદ્યતન કવિતા છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં આ પ્રકારની કવિતાને કારણે મને શ્રદ્ધા છે કે ગુજરાતી ભાષાના કવિનું કાળજું ઠેકાણે છે અને એની કવિતાનું ભાવિ ઊજળું છે.

(‘નક્ષત્ર ટ્રસ્ટ’, અમદાવાદના ઉદ્ઘાટન પ્રસંગે કવિતા વિશેના પરિસંવાદમાં વક્તવ્ય. ૯ ઑક્ટોબર ૧૯૭૭.)

*