ચૂંદડી ભાગ 1/6.એક તે રાજ દ્વારમાં રમતાં (પ્રભાતિયું)
અંતરનો સંકલ્પ હવે તો પ્રગટ થયો. રોજ રોજ રાતીમાતી થઈને રમનારી હસમુખી દીકરીના અંગ ઉપર આજે પિતાએ દુર્બલતા દીઠી, આંખમાં આંસુ દીઠાં, પૂછપરછ થઈ. કન્યાએ ઉદાસીનું કારણ કહ્યું. હજુ સ્પષ્ટ નિર્દેશ કરીને નથી કહેતી કે પોતે કયો સ્વામી નક્કી કરી લીધો છે. એટલું મોઘમ જ કહે છે કે વરની પસંદગી કરવામાં, ઓ પિતા, આટલી વાતો ભૂલશો મા! બધી વાતે મધ્યમ કોટિનો જ પુરુષ મારે માટે ગોતી લેજો. શા માટે ઉત્કૃષ્ટ નહિ? કેમ કે એ તો કદાચ મારાથી સંતોષ ન પામે. એને તો પોતાની ઉચ્ચતાનું મિથ્યાભિમાન રહે.
એક તે રાજ દ્વારમાં રમતાં,
બેનીબા દાદે તે હસીને બોલાવિયાં;
કાં કાં રે દીકરી તમારી દેહ જ દૂબળી!
આખંડલી રે જળે ભરી!
નથી નથી રે દાદા મારી દેહ જ દૂબળી,
નથી રે આંખડલી જળે ભરી!
એક ઊંચો તે વર નો જોશો રે દાદા,
ઊંચો તે નત્ય નેવાં2 ભાંગશે!
એક નીચો તે વર નો જોશો રે દાદા,
નીચો તે નત્ય ઠેબે3 આવશે!
એક ધોળો તે વર નો જોશો રે દાદા,
ધોળો તે આપ4 વખાણશે!
એક કાળો તે વર નો જોશો રે દાદા,
કાળો તે કટંબ લજાવશે!
એક કડ્ય રે પાતળિયો ને મુખ રે શામળિયો
તે મારી સૈયરે વખાણિયો.
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો,
ભલો રે વખાણ્યો મારી ભાભીએ.