સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૪

From Ekatra Wiki
Revision as of 18:11, 20 May 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૪ : જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર | }} {{Poem2Open}} અર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રકરણ ૧૪ : જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર

અર્થદાસ મણિમુદ્રા લઈ પલાયન થઈ ગયો ને દિવસ પૂરો થતાં રાત્રિ આવી પહોંચી. કંઈક પ્રકાશ અને કંઈક અંધકાર એ બેની મેળવણી શૂન્ય અરણ્યમાં એકલા માનવીનું હૃદય કંપાવે એવી હતી. ઝાંખી દૂબળી ચંદ્રલેખા પણ વિશાળ આકાશના એક ખૂણામાં ઊગી. તે વેળા સરસ્વતીચંદ્ર મૂર્છામાંથી જાગી ઊઠ્યો. પળ વાર પવનથી ખડખડતા ચારે પાસના જંગલ ભણી નજર ફેરવવા લાગ્યો. જંગલના ઊંડા ઊંડાણમાં પડતી ભયંકર પ્રાણીઓની ચીસો સાંભળી ચમક્યો અને પળ વાર આ નવા અચિંત્યા સ્વપ્નથી હૃદયસ્તંભ પામી, છાતી પર હાથ મૂકી ચારે પાસ દૃષ્ટિ ફેરવવા લાગ્યો. ‘હા! જે મહારાત્રિનાં દર્શન કરવાનો અભિલાષ હતો તે આ જ! કુમુદ! હવે હું તેને ભૂલું છું! તું દિવસમાં રહી – હું રાત્રિમાં આવ્યો!' જે ક્ષણે સરસ્વતીચંદ્ર જડ જેવો, મૂર્ખ જેવો, શબ જેવો, સ્વપ્નસ્થ જેવો, સમાધિસ્થ જેવો, આ પ્રમાણે ઊભો હતો તે પ્રસંગે રાત્રિ પણ એના જેવી નિરંકુશ બની. ચારે પાસ અંધકાર વ્યાપી ગયો. ઘર છોડ્યું, લક્ષ્મી છોડી, પિતા છોડ્યા, મિત્ર છોડ્યો, કુમુદ છોડી અને સ્નેહ પણ છૂટી ગયો. એ સર્વ પટ સરી જતાં, સરસ્વતીચંદ્ર અત્યારે જંગલ વચ્ચે, અંધકાર વચ્ચે, ઊભો રહ્યો અને ઊંડા વિચારમાં વિચારશૂન્ય જેવો બની ગયો. આખા દિવસની ભૂખ અને તરસ હવે સામટું આક્રમણ કરવા લાગી. અને સરસ્વતીચંદ્ર મૂર્છા ખાઈ ફરી પૃથ્વી પર ઢળી પડ્યો. અંધકારની સેના ચારે પાસથી જોરથી ધસારો કરતી હતી. મોટા બાણાવાળી ઉગ્રબળથી બાણ ફેંકતા હોય અને તેના સુસવાટ ચારે પાસ મચી રહ્યા હોય તેમ પવન સુસવાટા નાખી રહ્યો હતો. આખા જંગલમાં શિકારી અને શિકારની દોડાદોડ મચી રહી હતી અને સિંહવાઘના પંજા અને નખ ધબ લઈને ગરીબ પ્રાણીઓના કોમળ માંસમાં ખૂંચી જતા હતા. શૂરા સવારો પેઠે વાઘ, નાનાં ઝાડ અને ઘાસ ઉપર ફાળ ભરતા વેગથી ચાલ્યા જતા હતા અને ચોમાસાના પૂર પેઠે ઠેકાણે ઠેકાણે ઘૂઘવાટ કરતા હતા. મૃગપતિ સિંહ-મોટું વાદળું ગાજતું હોય – તોપ ઘડૂકતી હોય – તેમ મહાગર્જના કરી રહ્યો હતો. હાથીઓ અને પાડાઓ બરાડા પાડતા પાડતા નાસાનાસ કરી મૂકતા હતા. ઝાડ ઉપર સૂતેલાં પક્ષીઓ જાગી ઊઠતાં હતાં. આખા જંગલમાં અને આઘેના સુંદરગિરિનાં કોતરમાં વિકરાળ પડઘા પડી રહ્યા હતા. કાળજું કહ્યું ન કરે એવે સ્થળે તે સમયે સરસ્વતીચંદ્ર ત્રિભેટા આગળ વચ્ચોવચ એકલો પડ્યો પડ્યો મૂર્છાસમાધિ સાધતો હતો. સરસ્વતીચંદ્રની મૂર્છા વળી, તોપણ ઊઠવાની કે બોલવાની તેનામાં શક્તિ રહી ન હતી. ઊઠવાની જ શક્તિ નહીં તો નાસવાની ક્યાંથી હોય? મરણકાળ પાસે આવતો લાગ્યો તેની સાથે ભૂતકાળ ખડો થયો. પિતા, કુમુદસુંદરી, અને પ્રિય ચંદ્રકાંતનાં દીન મુખ નેત્ર આગળ આવી ઊભાં. બ્રહ્મહત્યા જેવી સ્નેહહત્યા ફરીફરી સાંભરી આવી. એવામાં રસ્તાની એક બાજુ પરની ઝાડીમાં કાંઈક ખખડાટ થયો અને થોડી વારમાં એક મહાન અજગર-કાળો નાગ ફૂંફાડા મારતો ઝાડીમાં રસ્તા ઉપર દાખલ થયો અને ફુવારાના પાણી પેઠે ઊછળતો ઊછળતો, સમુદ્રના મોજાં પેઠે, સરસ્વતીચંદ્ર પડ્યો હતો તે તરફ આવ્યો. સર્વ સંસારનો હવે અંત આવે છે એમ સમજી, ક્ષોભ તજી સરસ્વતીચંદ્ર શાંત થઈ ગયો, શ્વાસ રૂંધી હાલતો – ચાલતો બંધ થઈ ગયો. સર્પ આડોઅવળો વાંકો થતો, એની પાસે આવ્યો, ચારે પાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો. પોતાની પહોળી મોટાં પાંદડા જેવી અગ્રફણા ઊંચી કરી કંપાવવા માંડી. સરસ્વતીચંદ્રની છાતી પર નાગરાજ ડોલવા અને ભયાનક ડાકલી વગાડવા લાગ્યો. સરસ્વતીચંદ્રના ધૈર્યની સીમા આવી ગઈ અને સાપ કરડ્યો હોય એવી જ વૃત્તિ આ દેખાવ જોઈ થઈ ગઈ. શરીરના અવયવ મરી ગયા જેવા થયા. અંતે એકદમ પૂછડું જોરથી સરસ્વતીચંદ્રના મોં પર ઝાપટી, સાપ સામે રસ્તે ચાલ્યો ગયો. તે પળે ‘ઓ કરડ્યો!’ એવી વેદના સરસ્વતીચંદ્રમાં વિષ પેઠે વ્યાપી ગઈ. જંગલ પાછું હતું તેવું થઈ ગયું. સરસ્વતીચંદ્રના હૃદયના ધબકારા પણ બંધ થઈ ગયા. એને ધારણ કરનારી રાત્રિચિતામાં અંધકાર ભડભડ લાગવા માંડ્યો. ચારે પાસનું જંગલ, પૃથ્વી, આકાશ અને સર્વ દિશાઓ આ પુરુષના પ્રાણને વાસ્તે પોકારતી હતી અને ‘ઓ સરસ્વતીચંદ્ર! સરસ્વતીચંદ્ર! સરસ્વતીચંદ્ર! ઓ ઓ!' એવી લંબાતી કારમી ચીસ જાણે આખા અરણ્યમાંથી તાડનાં વચાળમાં થઈને નીકળતી હતી, તે ઠેઠ મનોહરપુરીમાં ચંદ્રકાંતના હૃદયને ચીરતી હતી અને સુવર્ણપુરમાં કુમુદસુંદરીની આંખોમાંથી ઊંઘને હાંકી કાઢી પ્રમાદધનનું રંગભવન સ્મશાન જેવું કરી દેતી હતી. માનવીનો પગસંચાર આ અરણ્યમાં થવો અસંભવિત હતો. તેવે આ પ્રહરે જે રસ્તે સરસ્વતીચંદ્ર શબવત્ પડ્યો હતો ત્યાં કેટલેક છેટે પૂર્વ દિશામાં ભૂતાવળી જેવું એક ટોળું આવતું હતું. ત્યારે રાત્રિના અગિયાર વાગ્યા હતા અને રાત્રિ વધી તેમ તેમ ભયંકર થતી ગઈ. ભયંકર પશુઓની ચીસ વધતી ગઈ. ઘુવડ ઠેકાણે ઠેકાણે ઘૂઘવવા લાગ્યાં ક્વચિત્ એકાદ રડીખડી કાળાશ પાડતી નાની વાદળી સિવાય જ્યાં જુઓ ત્યાં તારા જ તારા અને વચ્ચે ભયંકર કાળું આકાશ, ઝાકળ પણ પડવા માંડતું હતું અને પરસેવા પેઠે એકઠું થઈ સર્વને ઠંડાગાર કરી નાખી કંપાવતું હતું. આ ટોળાની આસપાસ કેટલાક જણ વાંસના ભારા બાંધી તેને મશાલો પેઠે સળગાવી ચાલતા હતા. તેના રાતાપીળા ભડકા ઝાડો અને તાડોની વચ્ચે અંધકારના શિખર-કળશ જેવા લાગતા હતા. આ ટોળાંમાં સર્વેને માથે શિવના ગણની પેઠે મોટી જટાઓ ઊંચી બાંધી હતી. કાળા વાળની ઊભી ગડો અજવાળામાં મોટા સાપની પેઠે ચળકતી હતી અને જટાઓ ઊભા રાફડાઓ જેવી લાગતી હતી. આ ટોળું બાવાઓનું હતું. નાગ ગયો અને થોડી વાર થઈ હશે એટલામાં તો બાવાઓનું ટોળું સરસ્વતીચંદ્રનું શરીર પડ્યું હતું તે જગા આગળ આવ્યું. આશરે ત્રીશ બાવાઓનું ઝૂંડ હતું અને સૌની વચ્ચે એક રથ હતો. તેને બળદ ન જોડતાં બાવાઓ જ ખેંચતા હતા. બાકીના બાવાઓમાંથી કેટલાક કરતાળ, ડફ, કાંશીઓ, વગેરે લઈ વગાડતા હતા. કેટલાક પાસે માત્ર મશાલો હતી. કેટલાકની પાસે લાંબી ઉઘાડી તલવારો હતી. એક જણની પાસે ભગવા રંગનો ઊંચો ઝંડો હતો, તે રાત્રે પણ ઉનાળાના પવનના સપાટાથી ફરફરતો હતો. રાખથી ભરેલી જટાઓ, ભસ્મથી ભરેલાં માળાઓના ભારથી લચી પડતાં અર્ધાં ઉઘાડાં ને અર્ધાં ભગવે લૂગડે ઢંકાયેલાં કાળાં પ્રૌઢ બળવાન શરીર, સિંહવાઘને પણ ડરાવતી આખા વનમાં પડઘા ભરતી જાડી ફાટી ભજનની નિર્ભય બૂમો, અને એકાંત ભયંકર જંગલમાં ભજનની લહેમાં ઉન્મત્ત પડતા પગના ધબકારા – આ સર્વથી આ અલમસ્ત જોગીઓનું ટોળું આખા જંગલને, ચડાઈ કરી, સર કરતું લાગતું હતું. ફાળો ભરતા ભરતા, ત્રાડો નાખતા નાખતા, મશાલોની ગુફાઓમાંથી ઉછાળા મારતા હોય તેમ ધસતા ધપતા બિહામણા બાવાઓ સરસ્વતીચંદ્રના શરીર પાસે આવી પહોંચ્યા. મહારુદ્રની આસપાસ વીંટળાઈ વળતા ભયંકર ગણોના ટોળાં પેઠે આ ટોળું સરસ્વતીચંદ્રના શરીર પાસે આવી પહોંચ્યું. એ ચગદાઈ જાય તે પહેલાં મશાલોનું અજવાળું એની પર પડવાથી સૌની આગળ ચાલતો બાવો ચમક્યો, ખચક્યો. સર્વ ટોળું ઊભું રહ્યું. ગાડીમાંથી જોગીશ્વરે બૂમ પાડી : ‘મોહનપુરી, શું છે?' મોહનપુરી બોલ્યો : ‘ગુરુજી, માણસનું શરીર શબવત્ પડેલું છે. આજ્ઞા હોય તો જોઉં કે જીવે છે કે શબ છે.' ગુરુજીએ ધ્યાન ધરી આજ્ઞા કરી : ‘બચ્ચા, એ પુરુષને ઊંચકી લે, શ્રીજગદીશની ઇચ્છા છે કે સુંદરગિરિના મઠનો આ પુરુષ ઉત્કર્ષ કરશે અને ત્યાંના સાધુગોંસાઈઓ જતે દિવસે એના આશ્રિત થઈ રહેશે. બચ્ચા, એને જીવની પેઠે જાળવજે. એ મહાપુરુષ થશે ને સાધુસંત એના ચરણારવિંદની સેવા કરશે.’ ત્રિકાળજ્ઞાની ગણાતા જોગીશ્વરનું આ વચન સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ પોતાને ખભે નાખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્યા. જોગીઓનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં, લીન થઈ ગયું. સરસ્વતીચંદ્રનાં લોચન, તાપને બળે ઊઘડ્યાં હોય તેમ પળવાર ઊઘડી આ ચિત્રસ્વપ્નને જોઈ પાછાં મીંચાઈ ગયાં. અને એ પણ આખરે અદૃશ્ય થઈ ગયાં.