સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૨

From Ekatra Wiki
Revision as of 21:22, 30 May 2022 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


પ્રકરણ ૨૨ : સરસ્વતીચંદ્રની અશ્રુધારા

સરસ્વતીચંદ્રે વિરક્તિ[1]ના રંગનો રાગી થઈ, વિષ્ણુદાસ બાવાને પૂર્ણ પ્રસન્ન કરવા આખા શરીરે ભગવો વેષ – ધોતિયું, અંચળો અને માથે ફેટો – એમ ભગવાં ધર્યાં તે કાળે બાવાના મઠોમાં અને ત્યાંથી આખા યદુશૃંગ ઉપર અલખની ગર્જના જાગી રહી. એ દિવસ સર્વ જટાધરોએ અનધ્યાય[2] અને અભિક્ષાનો પાળ્યો અને સર્વ પોતાને મનગમતે સ્થાને ફરવા નીકળી પડ્યા. સરસ્વતીચંદ્રને લઈ વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતનાં શૃંગો દેખાડવા નીકળી પડ્યા. ‘પૂર્વ દિશામાં સામે જળ જળ થઈ રહેલું આ શું દેખાય છે?' ‘આપણે ઊંચામાં ઊંચા શૃંગ પર છીએ અને રત્નનગરી વચ્ચે નીચામાં નીચું રેતીનું મેદાન છે. તેમાં આ જળ નથી પણ મૃગજળનો સાગર છે.’ સરસ્વતીચંદ્ર વિહારપુરીનો હાથ ઝાલી અટક્યો... ‘મૃગજળ કહે છે તે આ જ?' ઓઠ ઉપર આંગળી મૂકી ફરી બોલ્યો : ‘અહો કાંઠે ભરાઈ ગયેલા રમણીય જળના સરોવર જેવું આ સર્વ મિથ્યા જળ?' ‘હા જી, એ સર્વ મિથ્યા જળ જ! એની પાછળ સેંકડો મૃગો ભમે છે અને તરસે મરે છે.’ સૌ પથરાઓ પર બેઠા. સરસ્વતીચંદ્રનાં નેત્ર મૃગજળ ઉપર ખેંચાઈ જતાં હતા અને એના ચિત્તમાં વિચાર ઊઠતા હતા. ‘મૃગજળ જેવી લક્ષ્મી! તને મેં તજી! આ મૃગજળ જેવી રમણીય અને એના જેવી જ મારે મન થયેલી કુમુદ! તને પણ તજી – પણ – પણ, તું કયાં? હું ક્યાં? કુમુદ! ચંદ્રકાંત! એક જીવ અનેક જીવોનાં સુખદુ:ખનું સાધન થાય છે – મરનાર પોતાની પાછળ જીવનારાઓને દુ:ખ દે છે તેમ. મરનારને માથે એ દુ:ખ દેવાનું પાપ નથી, આપઘાત કરનારને માથે છે. મેં પણ એક જાતનો આપઘાત આત્મઘાત જ કરેલો છે!'... એટલામાં ઊડતો ઊડતો એક કાગળનો કડકો એના પગ આગળ આવ્યો. અક્ષર જોઈ એ ચમક્યો. ચંદ્રકાંત ઉપર લખેલા પત્રનું પરબીડિયું અને બુલ્વરસાહેબના અક્ષર! વિહારપુરી અને રાધેદાસને પૂછતાં રાધેદાસ બોલ્યો : ‘નવીનચંદ્રજી! બેચાર દિવસ ઉપર આપણું મંડળ અલખ જગવવા ગયું હતું, ત્યારે રત્નનગરીથી ભદ્રેશ્વર જવાના માર્ગ ઉપરથી એક કાગળોનું પોટલું જડી આવેલું : તે તેમણે ગુરુજીના આશ્રમમાં આણેલું છે. તેમાંથી આ પત્ર પડી અહીં ઊડી આવ્યો હશે.’ પોતાના પ્રિય મિત્ર ચંદ્રકાંતનું જ એ પોટકું છે એમ જણાવી સરસ્વતીચંદ્રે તે જોવા માગ્યું. ચંદ્રકાંત વિદ્યાચતુરનો અતિથિ હોઈ. સરસ્વતીચંદ્ર કેટલીક ગુપ્ત સંજ્ઞાઓ સુંદરગિરિના ગોંસાઈને આપી. જે જાણતાંની સાથે જ તેના મોકલનાર સરસ્વતીચંદ્રને ઓળખી કાઢી ચંદ્રકાંત સુંદરગિરિ પર આવવા પ્રેરાય.

અત્યારે પાછલા પહોરના ચાર વાગ્યા હતા. સૂર્ય પર્વત ઉપરનાં ઝાડ પાછળ અદૃશ્ય થયો હતો. એક પાસ મૃગજળ, આસપાસ વનની ઘટા, વચ્ચે વચ્ચે રસ્તાઓની રેખાઓ, તળાવોનાં કૂંડાળાં, સ્થળે ઉઘાડી, સ્થળે ઢંકાયેલી નદીઓ. એ સર્વ ચિત્રોથી ભરેલા પટ ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રની આંખ ચમકી. દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવીને જાણે વારાફરતી બોલતી હોય એમ સ્વર નીકળવા લાગ્યો. આ સ્વરો વચ્ચે ગૂંચવાતો સરસ્વતીચંદ્ર આશ્રમ ભણી ચાલવા લાગ્યો, થોડી વારમાં કુમુદસુંદરીની પ્રતિમા તેની પાસે આવી ઊપડતે પગલે ગાવા લાગી :

‘લીધો ભગવો વહાલે ભેખ, સુંદર થયો જોગી રે.
મને વ્હાલો લાગે એનો વેશ, થયો બ્રહ્મભોગી રે.’

વિષ્ણુદાસ પોતાના મંડળ સાથે અલખ જગાવવા પર્વત ઉપરથી ઊતરી નીચે ગયા હતા. તેમની ગુફામાં સરસ્વતીચંદ્ર એકલો પડ્યો ને વિહારપુરી તથા રાધેદાસે આણેલા પત્રોનું પોટલું ઉઘાડી તેમાં ડૂબી ગયો. બહારવટિયાઓએ ચંદ્રકાંતને લૂંટી એના સામાનમાંથી હાથ આવેલા સર્વ કાગળો ફેંકી દીધા હતા તે બાવાઓએ ઉપાડી લઈ આણ્યા હતા. ચંદ્રકાંત સરસ્વતીચંદ્રનો પરમ મિત્ર હોવા છતાં મિત્રના સુખસરોવરમાં દુઃખનું ખારું પાણી ન ભેળવવા ઇચ્છનાર રંક મિત્રે પોતાની નિર્ધનતા અને કુટુંબક્લેશની કૂચલી સરસ્વતીચંદ્ર પાસે કદી કરી ન હતી. પોતાનો પ્રિય મિત્ર ને તેની પત્ની કટુંબક્લેશથી કેવાંક પિડાઈ રહ્યાં છે ને છતાં કેટલી ધીરજ ને હિંમત રાખી રહ્યાં છે, તેની સરસ્વતીચંદ્રને ચંદ્રકાંત પરના ગંગાભાભીના અને તેના મિત્રો તથા કુટુંબીજનોના પત્રો પરથી આજ જ ખબર પડી ને દુ:ખી સરસ્વતીચંદ્ર વધુ દુ:ખી થયો. ‘મારી આ નિરાધાર અવસ્થામાંયે મારા કરતાં ચંદ્રકાંત ઘણો વધુ દુઃખી છે; અરેરે, મને તેની કદી કલ્પનાયે ન આવી.’ – એ વિચારે એનાં નેત્રમાં અશ્રુધારા ચાલી રહી. ગંગાએ ચંદ્રકાંતને પત્રમાં સરસ્વતીચંદ્ર વિશે લખ્યું હતું : ‘હાથમાં આવેલા મિત્ર પાછા નાસવાનું કરે તો આ કાગળ વંચાવી દાખલો દેજો કે ગંગાના જેવી બાયડીઓ ઘેર ઘેર વેઠે છે ને પહોંચી વળે છે, તેનાથી હજારમા ભાગ જેટલી તમને તો કોઈએ ચૂંટી પણ ભરી નથી; ને એવા સુકોમળ તમે થયા તેમ સૌ ભાયડાઓ થશે તો બ્રહ્માએ ઘડેલી બધી બાયડીઓ કુમારી રહેશે. પણ બાપના વાંક માટે બાયડીને રોવડાવે એવો ન્યાય બારિસ્ટરે કર્યો, તેવો ન્યાય તમારું જોઈ વકીલ કરી બેસશે તો બિચારાં કુમુદસુંદરી તો ગરદન માર્યાં મૂવાં, પણ ગંગાભાભી તો તમારી કોટે વળગશે.’ પત્ર વાંચી આ ગંભીર અને તીવ્ર આવેશને કાળે સરસ્વતીચંદ્ર સર્વ ભૂલી ઊભો થયો ને એકલો એકલો ખડખડ હસી પડ્યો. ‘ગંગાભાભી! તમે સૌથી જોરાવર!' વળી શાન્ત પડ્યો ને ચંદ્રકાંતનો કુટુંબક્લેશ, ગંગાભાભીની દશા વગેરે યાદ આવતાં શોકની છાયા મુખ પર આવી. વિચારગ્રસ્ત બની શિલાઓની એક ભીંતથી બીજી ભીંત ભણી સરસ્વતીચંદ્ર હેરાફેરા કરવા લાગ્યો. ચંદ્રકાંત ને ગંગાભાભી જેવાં તો દેશમાં અનેક શક્તિશાળી છતાં દુ:ખી સ્ત્રીપુરુષો છે, ગુપચુપ પોતાનાં સુખદુ:ખોને સહ્યે જાય છે, ઊંકારો સરખો કરતાં નથી, એ ખ્યાલ આવતાં સરસ્વતીચંદ્રથી નિઃશ્વાસ નીકળી ગયો. પોતાના મિત્ર ઉદ્ધતલાલ, તરંગશંકર ને ચંદ્રકાંત – તેમની સૌની કૌટુંબિક સ્થિતિ યાદ આવતા સરસ્વતીચંદ્રનું ચિત્ત વધુ ને વધુ મંથન પામ્યું. પિતાનો સ્નેહ, તરછોડાયેલી કુમુદનો સ્નેહ યાદ આવ્યો ને આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ઊઠી, આંખો લોહી વિચારમાં પડી સરસ્વતીચંદ્ર બોલી ઊઠ્યો : ‘પ્રિય કુમુદ! એક ચંદ્રકાંતના દુ:ખમાં અનેક નરરત્નનાં દુઃખ અને એક રંક કુમુદના દુ:ખમાં અનેક સ્ત્રીરત્નનાં દુઃખ દેખું છું. નક્કી મારા ભાગ્યહીન દેશમાં –

‘નર-રત્ન કંઈ કંઈ ગુપ્તપણે
બહુ આધિ વ્યાધિ ઉપાધિ સહે,
જન રંકની ત્યાં કરવી શી કથા?
ધનરાશિ નિરર્થક મુજ પડ્યા!'

આ ભાવ જેમ જેમ ઘેરો થતો ગયો તેમ તેમ સ્વદેશ-સેવાનો સરસ્વતીચંદ્રનો સંકલ્પ વધુને વધુ દૃઢ થતો ગયો ને તે બોલી ઊઠ્યો :

‘જનપશુજગના કલ્યાણયજ્ઞ પર હોમું અંગ સૌ મારાં.’

એવામાં, કુમુદસુંદરીની છાયા આવી ને અદૃશ્ય થતી દેખાઈ; તે અદૃશ્ય થઈ ત્યાં ભીંતોના શિખર પર ઊગેલા વૃક્ષની શાખાનાં પાંદડાંમાં સરસ્વતીચંદ્રે પોતાની માતા ચંદ્રલક્ષ્મીની આકૃતિ જોઈ. પોતે સ્તબ્ધ બની શું બોલવું, શું પૂછવું, વિચારે છે ત્યાં જ માતૃછાયાના ઓઠ કૂંપળો પેઠે ઊઘડવા લાગ્યા. ‘ઓ મારા પુત્ર! એક વાર-ફક્ત એક વાર તો તું ઘેર જા! તારા પિતાના દુઃખી મોં સામું તો જો! હું અહીં ઉપર રહી રહી એમની આંસુધારા જોઉં છું હાં! ભાઈ! તારી માનું આટલું કહ્યું ન કરે?' એમાં વારંવાર વીનવતી માતૃમૂર્તિ સરસ્વતીચંદ્રને ઊંડે ઊંડે સ્પર્શી ગઈ. ઉદ્ધતલાલ, તરંગશંકર, ચંદ્રકાંત વગેરેના પત્રો પરથી તેમનાં સર્વનાં દુ:ખ, દીન અવસ્થા, ગંગાભાભી જેવાંની દુર્દશા – બધું ફરી પાછું યાદ આવ્યું. હવે પાછા ઘર તરફ વળી દેશબંધુઓનો ઉદ્ધાર કરવાની ઇચ્છા જાગી. એટલામાં એનો ભગવો અંચળો શરીરની આસપાસ વેરાઈ ગયો તેની ઉપર દૃષ્ટિ પડતાં જ એ ચમક્યો ને બોલવા લાગ્યો : ‘સરસ્વતીચંદ્ર! એ સર્વ અભિલાષ આ દેશને અનુચિત છે! જે મૂર્ખતાએ ઘર છોડાવી અહીં આણ્યો તે જ મૂર્ખતાએ આજ આ દશદશાનું દર્શન કરાવ્યું. તો હવે ત્યજેલું ગૃહ પાછું સ્વીકારવું. ધનભાઈને અર્પેલું ધન પાછું લેવા ઇચ્છવું, અને આ લીધેલો વેશ ત્યજવો – એ તે હવે મૂર્ખતા કે શાણપણ? અધર્મ કે ધર્મ? એ કલ્યાણનાં સાધન હતાં ને ગયાં તે ઈશ્વરની ઇચ્છા! છોડેલાં શસ્ત્ર પાછાં લેવાં નથી. કુમુદ! તારે માટે કરેલી પ્રતિજ્ઞા તૂટશે નહીં! તને દુ:ખકુંડમાં નાખી દીધાનું પ્રાયશ્ચિત્ત કરવા જે જ્વાળામુખ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી હતી તેને યોગ્ય વેશ આ જ છે. શું જગતમાં એક પણ પદાર્થ એવો છે કે જેથી ઘેર જવાની વાસના મારામાં પ્રકટે? શું પરમાર્થ અથવા દયાને નામે મેં કરેલું પાપ ધોવાશે અને લીધેલી પ્રતિજ્ઞા છૂટશે? કુમુદસુંદરી! તમારો ત્યાગ કરી તમને જે દુ:ખમાં મારી સ્વચ્છંદતાએ નાખેલાં છે તેનું પ્રાયશ્ચિત્ત મારી પ્રતિજ્ઞા પ્રમાણે જ કરીશ! બુદ્ધની પેઠે આ જ વસ્ત્રો પહેરી તમારી ક્ષમા એક દિવસ માગીશ. મારી અલ્પશક્તિ પ્રમાણે આ જ વેશે લોકહિતનો પ્રયત્ન કરીશ. ‘ચંદ્રકાંત! ક્ષમા કરજે. કુમુદની ક્ષમા મળતાં સુધી આ પ્રીતિના તપથી તપોમય સંન્યાસ છે, ક્ષમા મળવા પછી શાંત સંન્યાસ છે. એ સંન્યાસની શાંતિને કાળે તને અને મારા-તારા દેશને સ્મરીશ અને વગર દ્રવ્યે તેમનું હિત કેમ કરવું એ વિચારીશ.’



  1. વૈરાગ્ય. (સં.)
  2. અભ્યાસમાંથી નિવૃત્તિ... રજા. (સં.)