કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૫.ધબકવા ન દે...
Revision as of 11:35, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫.ધબકવા ન દે...|}} <poem> ધબકવા ન દે, શાંત પડવા ન દે, ઉઘાડે કમાડો, ન...")
૩૫.ધબકવા ન દે...
ધબકવા ન દે, શાંત પડવા ન દે,
ઉઘાડે કમાડો, નીકળવા ન દે.
હલેસાં લગાવે નિરંતર અને,
તસુભર મને એ સરકવા ન દે.
ઘણી વાર વરસાદ એવો પડે,
ચિતા પર ચઢો ને સળગવા ન દે.
જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
વિવશ, ખિન્ન છે મોગરાની કળી,
ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે.
પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે.
ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)