કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૫.ધબકવા ન દે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૫.ધબકવા ન દે...

ચિનુ મોદી

ધબકવા ન દે, શાંત પડવા ન દે,
ઉઘાડે કમાડો, નીકળવા ન દે.

હલેસાં લગાવે નિરંતર અને,
તસુભર મને એ સરકવા ન દે.

ઘણી વાર વરસાદ એવો પડે,
ચિતા પર ચઢો ને સળગવા ન દે.

જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.

વિવશ, ખિન્ન છે મોગરાની કળી,
ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે.

પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)