કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૦.લાગણીના નામ પર...

Revision as of 07:44, 14 June 2022 by MeghaBhavsar (talk | contribs)


૩૦.લાગણીના નામ પર...

લાગણીના નામ પર કે ધારણાના નામ પર ,
હું વસાયો દર વખત બસ બારણાંના નામ પર.

હીરની દોરી હશે ને હાથ રેશમના હશે,
ઝૂલનારા ઝૂલવાના પારણાંના નામ પર.

એમ પોંખ્યો એક ઇચ્છાએ સમયના દ્વાર પર,
વારી વારી જાઉં છું ઓવારણાના નામ પર.

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ–
કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર ?

મોત પણ મારી નથી શકતું હવે ‘ઇર્શાદ’ને;
એ જીવી શકતો હવે સંભારણાના નામ પર.
(ઇર્શાદગઢ, પૃ.૬૭)