કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૭. અહાલેક
પ્રભો ! તુજ દ્વારમાં ઊભી જગાવ્યો મ્હેં અહાલેક:
જગતના ચોકની વચ્ચે જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !
નથી લીધી પ્રભો ! દીક્ષા, નથી ઓઢી કફની:
નમી તુજ પાય છું ત્હેવો જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !
કમંડલ માહરું ખાલી ભર્યું તુજ અક્ષય પાત્ર :
દીઠી ભંડારમાં ભિક્ષા, જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !
ઘટા ઘેરી પડી નભની, ન મુજ નયનો ભેદે :
શ્રવણ તે ભેદશે ત્હારાં ? જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !
વિરાજે છે તું દિલદરિયાવ, અયિ અદ્ ભુત યજમાન !
અણુ શું તો અમીકણ દે, જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !
ઘડાવી પાવડી જગનાથ ! પ્રવૃત્તિ કેરી :
ચ્હડી તે પર જીવન ધપતા જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !
નહીં કાંઈ મળે ત્હોયે મળ્યું દર્શનનું દાન :
મળી સળગી મીટે મીટ, ને જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !
ઊંડી ઝોળી રહી અધૂરી, જરી તલ ભીંજાયું :
જડ્યું જીવનું જીવન મ્હારું, જગાવ્યો મ્હેં અહાલેક :
જગતના ચોકની વચ્ચે જગાવ્યો મ્હેં અહાલેક :
પ્રભો ! તુજ દ્વારમાં ઊભી જગાવ્યો મ્હેં અહાલેક.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૧૧૨)