કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૫. હરિ! આવો ને

From Ekatra Wiki
Revision as of 11:12, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૩૫. હરિ! આવો ને


         આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;
આ ધરતીએ ધરિયા સોહાગ; હવે તો હરિ ! આવો ને.
         આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;
આવી વાંચો અમારાં સૌભાગ્ય; હવે તો હરિ ! આવો ને.

આ ચંદરવો કરે ચંદની, હરિ ! આવો ને;
વેર્યાં તારલિયાનાં ફૂલ, હવે તો હરિ ! આવો ને.
પ્રભુ ! પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ ! આવો ને.
આ જળમાં ઊઘડે પોયણાં, હરિ ! આવો ને;
એવા ઊઘડે હૈયાના ભાવ; હવે તો હરિ ! આવો ને.
આ માથે મયંકનો મણિ તપે, હરિ ! આવો ને;
એવા આવો, જીવનમણિ માવ ! હવે તો હરિ ! આવો ને.
આ ચંદની ભરી છે તલાવડી, હરિ ! આવો ને;
ફૂલડિયે બાંધી પાજ; હવે તો હરિ ! આવો ને.
આ આસોપાલવને છાંયડે હરિ ! આવો ને;
મનમહેરામણ મહારાજ ! હવે તો હરિ ! આવો ને.
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં હરિ ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ, હવે તો હરિ ! આવો ને.

(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)