કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૬. પરમ ધન
Jump to navigation
Jump to search
૩૬. પરમ ધન
ન્હાનાલાલ
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
નહીં સૂરજ, નહીં ચંદ્ર,
હો અબધૂત ! નહીં વીજળચમકાર,
હો અબધૂત ! નહીં વીજળચમકાર;
અગમનિગમની યે પાર, અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
દૂર થકી પણ દૂર,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાં યે
એ ધન છે અવિનાશ :
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)