અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/આવો!
મકરન્દ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
(ગોરજ, ૧૯૫૭, પૃ. ૧૪૮)
મકરન્દ દવે • અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: અજીત શેઠ
ઈશ્વરનેય એકલા એકલા ગમ્યું નહિ માટે મનને રમાડવાને, એણે સૃષ્ટિને સરજી, ને ઈશ્વરના અંશરૂપ માનવી પણ આ વિસ્તારની – સહચારની ઝંખના લઈને જન્મ્યો. એ મૈત્રી બાંધશે, દુશ્મનાવટ બાંધશે, પ્રેમ કરવા નહિ તો લડવાય કોઈનો સાથ શોધશે; પણ ગમે તે ભોગે પોતાના એકાકીપણાને એ ટાળશે. આ સમ્બન્ધની મનુષ્યે કેવી અટપટી જાળ ગૂંથી છે! એ અટપટી જાળમાં બંધાવું, છૂટવું એ એની રમત થઈ પડી છે.
આ સમ્બન્ધોની એક વિચિત્રતા જુઓ: એક મટીને બે થવા ઇચ્છનાર, આખરે બીજાને પામીને, તેની સાથે અભિન્ન થઈ જઈને વળી એકતા જ સિદ્ધ કરવા ઇચ્છે છે. એટલે બંને અન્તિમે તો આ એકતા જ રહી છે. પણ એમાં ભેદ રહ્યો છે ખરો. શરૂઆતની એકતામાં એકલવાયાપણું છે, પોતાને જ પૂરેપૂરા નહીં પામ્યાની અસન્તુષ્ટતા છે. પણ બે થયા પછી સિદ્ધ થતી એકતામાં સભરતા છે, એકલવાયાપણું નથી પણ આ સભરતા જો આપમેળે સિદ્ધ થયેલી, તૈયાર મળેલી વસ્તુ હોત તો એનું કશું મૂલ્ય જ ન હોત; તો આપણા આ સંસારમાં આરત, ઝંખના, વિરહ, વેદના – કશું ન હોત; તો તો કદાચ એકતાના એકતારા પર એક જ સૂર અટવાયા કરતો હોત. ઝૂરવાના, તલસવાના ને આખરે પામીને કૃતાર્થ થવાનાં દુ:ખસુખની મિશ્ર રાગિણી આપણને સંભળાઈ જ ન હોત.
આમ આ વાત તો સૃષ્ટિ સરજાઈ ત્યારની આપણા લોહીને પરિચિત છે. પણ તેથી જ તો કવિઓને એ હંમેશાં આકર્ષતી રહી છે. યુગે યુગે કવિઓએ એને ગાઈ છે. તત્ત્વજ્ઞાનની પોથીઓમાં દ્વૈતઅદ્વૈતની મીમાંસા ચાલે છે. કેટલાકોએ આ હૃદયના ભાવને પણ ગણિતના ચોકઠામાં મૂકીને એના નવ ભાગ પાડ્યા છે, એની અવસ્થાઓ નોખી પાડીને આંગળી મૂકીને ગણાવી છે. હૃદયની વાત પર માણસ કદાચ એકદમ વિશ્વાસ મૂકી શકતો નથી કારણ કે હૃદયનું ભલું પૂછવું! એ મનુષ્યને મનુષ્ય હોવાની સ્થિતિમાંથી બહાર કાઢીને ક્યાંનો ક્યાં રઝળાવે! આથી માણસ શાસ્ત્રનો ખૂંટો રોપે, હૈયું બાંધે ત્યારે જંપે, પણ એમ હૈયું કાંઈ થોડું જ ગાંઠે! એ એનો પડાવ તરત ઉઠાવીને વળી દૂર દોડી જાય છે. આમ વ્યક્તિથી શરૂ કરેલો પ્રેમ સમષ્ટિ સુધી પહોંચે, ને સમ્બન્ધના વ્યાસને એ એટલો વિસ્તારે કે એની બહાર કશું ન રહે ત્યારે જ એ જંપે!
આ હૃદયની લીલા, પોતાનું અનુસન્ધાન સમસ્ત સાથે કરવાની એની અદમ્ય ઇચ્છા તે આ કાવ્યનો વિષય છે – વિષય તો જૂનો ને જાણીતો; માટે જ અહીં કવિની કસોટી છે. કાંઈ કહેવા જાઓ કે તરત કેટલાય પડઘા કાને અથડાય – મીરાંના, કબીરના! તો જુઓ, આપણા કવિએ શું શું કર્યું છે. એક થવાની, તાદાત્મ્ય સાધવાની વાત એમને કહેવી છે પણ તે કવિતામાં કહેવી છે. વળી બધા કહી ગયા હોય તે રીતે નહીં પણ એ ભાવને પોતે નવેસરથી પોતાનો કર્યો છે એવી પ્રતીતિ ઊપજે એવી રીતે કહેવી છે તો કરવું શું?
આમ કરવું હોય ત્યારે કવિને ભાષામાં કાંઈક નવીનતા ઉપજાવવી રહે. રહસ્યભર્યો અગમનિગમનો આ ભાવ કવિ ઘરગથ્થુ ઉપાદાનની મદદથી, તળપદી શૈલીમાં વ્યક્ત કરે છે, ને તેમ કરવાથી વિષયના ગૌરવને હીણું કરતા નથી પણ એને ઊલટા સચોટ બનાવે છે.
કવિતાના વિશ્વમાં કશું અકિંચિત્કર નથી. આપણે આંખ માંડીને જોઈએ, આપણી આંખ ઠરે એટલે વસ્તુનું રૂપ બદલાઈ જાય. રસથી તરબતર કરી દઈને એક અને અભિન્ન બનાવી દે એવા મિલનની ઝંખનાને કવિએ ત્રણ દૃષ્ટાન્તો દ્વારા આકાર આપ્યો. એમાં જ કવિની શક્તિ છે. અસાધારણને અસાધારણથી પ્રકટ ન કરતાં સાધારણ દ્વારા જ એની અસાધારણતા પ્રકટ કરવી એ જરા કપરું છે.
લૂખુંસૂકું રૂ તો આપણે બધાંએ જોયું છે. હજુ દાદીમા સાંજને વખતે બેઠાં બેઠાં એની દિવેટ વણે છે. પણ એ રૂના તન્તુએ તન્તુમાં રસને, પ્રવાહીને ગ્રહી લેવાની કેટલી ઉત્કટ શક્તિ છે! વિજ્ઞાન તમને એ શક્તિનું નામ પણ પાડી આપશે, પણ કવિને એનો ખપ નથી. અત્તરને અણુએ અણુમાં શોષી લઈને તરબતર થવાનો રૂનો સ્વભાવ આબાદ પકડાય એમ આપણને લાગે છે. પણ આમાં કેવળ સુખ નથી, દુ:ખ પણ છે ને તે ય ભારે દુ:ખ – વીંધાવાનું દુ:ખ. કણેકણ વીંધાય ત્યારે જ કણેકણમાં મિલન રચાય ને સાચી એકતા અનુભવાય. જે વીંધાયું નહિ તે એક થયું નહીં!
વારુ. હવે બીજું દૃષ્ટાન્ત. સૂનું ઘર અને એની જાળી. સૂનું ઘર હંમેશાં કોઈની પ્રતીક્ષા કરતું લાગે છે, પણ જાળીમાં થઈને તેજ સિવાય કોણ પ્રવેશી શકે? ને તેજના જેવી વ્યાપ્તિ પણ કોની? માટે જાળીના જેવા અન્તરાયને પણ નહિવત્ કરનાર, એવા ભીડેલા ભોગળઆગળાને નહીં ગાંઠનાર ‘અદીઠા અંબાર’ને કવિ અહીં બોલાવે છે. પ્રકાશ બધું પ્રકટ કરે છે, પોતે પ્રકટ થતો નથી એમ કહો, અથવા ‘અદીઠ’ એટલે સામાન્ય તથા અગોચર એવી ગેબી વસ્તુ ગણો – જે રુચે તે સ્વીકારો, કવિને તકરાર નથી.
છેલ્લે ત્રીજા દૃષ્ટાન્તની મહોર મારીને કવિ વાત પાકી કરી લે છે. ઇંધણ તો સાવ તુચ્છ છે, નકામું છે, ઊધઈ ખાધેલું છે. કાંઈ કેટલી વાસનાની ઊધઈ આપણને કોર્યા જ કરતી હોય છે. પણ અગ્નિનો સ્પર્શ થયો કે ખલાસ! અગ્નિના આલિંગનમાં એવો ગુણ છે કે જેને એ આલિંગે તેને પોતાથી અભિન્ન કરી દે, એને અગ્નિતુલ્ય નહીં પણ અગ્નિમય કરી દે. માનવના હૃદયની આરત, અભીપ્સા – એનાથી ઉજ્જ્વળ બીજો કોઈ અગ્નિ નથી. જેના હૃદયમાંથી એ અગ્નિ ઓલવાયો તેનું અંધારું કોઈ ટાળી શકે નહીં. માટે જ કવિએ કહ્યું કે આવી આરત, પોતાની સીમાને ઉલ્લંઘવાના અરમાન – એ અગ્નિનો શણગાર, તે જ માનવનો સૌથી મોટો શણગાર. એ છેલ્લો શણગાર ધારણ કરીને જ આપણે પૃથ્વી પરથી જઈએ છીએ ને!
ને આ બધું કહ્યું છે જીવણને! ‘જીવણ’ શબ્દની તળપદી મીઠાશ કવિએ ખપમાં લીધી છે. એને અણસારો કરીને ‘આવો આમના’ કહીને નિકટ બોલાવવામાં રહેલી સાહજિક આત્મીયતા આ પરમ રહસ્યમય ભાવને સરળતાથી નિરૂપવા છતાં એની રહસ્યમયતા કે ઉત્કટતાને અળપાઈ જવા દેતી નથી એ કવિકર્મનો વિશેષ છે. (ગુજરાતી કવિતાનો આસ્વાદ)