સાહિત્યચર્યા/કવિતા આલોકિત કરે!

From Ekatra Wiki
Revision as of 08:39, 18 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિતા આલોકિત કરે!|}} {{Poem2Open}} મારી ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિતા આલોકિત કરે!

મારી ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાના નામથી અંકિત એવો ૨૦૦૧નો નરસિંહ મહેતા ઍવોર્ડ મને અર્પણ કરવા માટે ‘આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ’નો હૃદયથી આભાર માનું છું અને એનો સ્વીકાર કરવામાં ગૌરવ અનુભવું છું. હું નગરનું સંતાન છું. મારો જન્મ અમદાવાદમાં ૧૯૨૬માં. ૧૪૧૧માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું. ૧૯મી સદીના પૂર્વાર્ધ લગી મુસ્લિમોના અમલમાં અમદાવાદ પ્રાગ્-ઔદ્યોગિક નગર હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજોના અમલમાં અમદાવાદ આધુનિક ઔદ્યોગિક નગર થયું હતું. મારા જન્મ સમયે સાબરમતીના વામ તટ પર ૬૬ મિલો હતી અને દક્ષિણ તટ પર ગાંધીજીનો આશ્રમ હતો. વળી, જીવનના આરંભથી જ મેં લોખંડના એલિસબ્રિજથી એટલે કે સંસ્કૃતિથી અલગ એવું સાબરમતીનું એટલે કે પ્રકૃતિનું દર્શન કર્યું ન હતું. એમાં યંત્ર અને મંત્ર વચ્ચેના, સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેના વાદ-વિવાદનું, ભૌતિકતા અને નૈતિકતા વચ્ચેના સંઘર્ષનું પ્રતીક છે. તો સાથે સાથે એમાં તંત્ર દ્વારા આ વાદ-વિવાદમાં સંવાદ સાધવાનું, આ સંઘર્ષનું સમાધાન શોધવાનું આહ્વાન પણ છે. આ મારા શિશુજીવનનો જ નહિ પણ મારા સમગ્ર જીવનનો અને મારી ઉત્તરાર્ધની કવિતાનો સમાજસંદર્ભ, સંસ્કૃતિસંદર્ભ અને યુગસંદર્ભ છે. ૧૯૩૬માં મારું ૧૦ વર્ષનું વય હતું ત્યારે મારા પિતાએ ગૃહત્યાગ કર્યો હતો. આ મારા જીવનની કરુણમાં કરુણ ઘટના છે. ત્યારથી મારા શૈશવનું લીલુંલીલું સ્વર્ગ અચાનક સદાયને માટે લુપ્ત થયું છે. ત્યારથી હું સતત એકાંતની સંવેદના અને એકલતાની સભાનતા સાથે જીવું છું, જીવનમાં હું પિતા શોધું છું અને કવિતામાં હું મારું લુપ્ત શૈશવ શોધું છું. ૧૯૪૩થી ૧૯૫૩ લગીમાં, એક દાયકામાં, યુવાન વયમાં ત્રણ કાવ્યસંગ્રહોમાં મેં પ્રેમ, પ્રકૃતિ અને પ્રજાજીવનના કેટલાક પ્રશ્નો વિશે કાવ્યો રચ્યાં હતાં. એ દ્વારા મેં મારી એકાંતની સંવેદના અને મારી એકલતાની સભાનતાને અતિક્રમી જવાનો પ્રયત્ન કર્યો હતો. પણ મેં જોયું કે એમાં હું સફળ થયો ન હતો. પછી ૧૯૪૬થી ૧૯૫૬ લગીમાં, એક દાયકામાં ‘પ્રવાલદ્વીપ’માં મેં મુંબઈ જેવા મહાનગર વિશે કાવ્યો રચ્યાં હતાં. એ દ્વારા એક વ્યાપક સંદર્ભમાં, એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં મેં મારી એકાંતની સંવેદના અને મારી એકલતાની સભાનતાને અતિક્રમી જવાનો એક વધુ પ્રયત્ન કર્યો હતો. પણ મેં જોયું કે એમાં પણ હું સફળ થયો ન હતો. ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોના કેંદ્રમાં યંત્ર અને મંત્ર વચ્ચેનો, સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેનો વાદ-વિવાદ તથા ભૌતિકતા અને નૈતિકતા વચ્ચેનો સંઘર્ષ હતો. પછી ૧૯૫૬થી ૧૯૫૮ લગીમાં, બે વર્ષ લગીમાં ‘૩૩ કાવ્યો’નાં કાવ્યોમાં એ વાદ-વિવાદમાં સંવાદ સાધવાનો અને એ સંઘર્ષનું સમાધાન શોધવાનો તથા સાથે સાથે મારી એકાંતની સંવેદના અને મારી એકલતાની સભાનતાને અતિક્રમી જવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પણ એ કાવ્યોમાં ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો – સવિશેષ તો ‘પાત્રો’ અને ‘ગાયત્રી’ – માં જે કવિતા હતી એની સમકક્ષ અથવા એને અતિક્રમી જાય એવી કવિતાની સિદ્ધિ ન હતી. એથી ત્યાર પછી કવિતા રચવાનું અનાયાસ જ બંધ થયું હતું. ત્યારથી આજ લગી ચારેક દાયકાના સતત મૌન દરમિયાન અપવાદ રૂપે અંગત મૈત્રીનાં ચારેક પ્રાસંગિક કાવ્યો રચ્યાં છે. આ મૌનનો ભંગ થશે? થશે તો ક્યારે થશે અને કેવી રીતે થશે? આ પ્રશ્ન આજ લગી અનુત્તર રહ્યો છે. જોકે એ મૌનનો ભંગ થાય એ ધન્ય ક્ષણની સતત પ્રતીક્ષા કરી રહ્યો છું. ૧૯૮૫માં હું પ્રથમ વાર અમેરિકા ગયો હતો. ત્યારે ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેઇડ સેન્ટરના એક ટાવરની ટોચ પર ગયો હતો. ત્યાંથી બ્રૂકલીન બ્રિજ અને સમગ્ર ન્યુયોર્કનું વિહંગાવલોકન કર્યું હતું. ત્યારે ન્યુયોર્ક મને પંખી જેવું લાગ્યું હતું અને વર્લ્ડ ટ્રેઇડ સેન્ટરના બે ટાવરો એની બે અધખૂલી પાંખ જેવા લાગ્યા હતા. ન્યુયોર્ક જાણે અવકાશમાં ઊડી જવાની પ્રતીક્ષા કરી રહ્યું હતું. એથી ત્યારે મેં ચાર પંક્તિઓ રચી હતી : ન્યુયોર્ક નામે પંખી! અધખૂલી બે પાંખે, નભનીરખતી આંખે રહ્યું અગમને ઝંખી! (પછીથી જ્યારે વ્હીટમેનનું ન્યુયોર્ક વિશેનું ‘મેનહેટ્ટા’ કાવ્ય વાંચ્યું ત્યારે જાણ્યું કે કાવ્યની અંતિમ પંક્તિ – ‘city nested in the bays! my city!’ – માં વ્હીટમેનને પણ ન્યુયોર્ક પંખી જેવું લાગ્યું હતું.) પછી ૧૯૮૯માં બીજી વાર અમેરિકા ગયો ત્યારે એકાદ માસ ન્યુયોર્કમાં જ રહ્યો હતો. ત્યારે સવારથી સાંજ બ્રૉડવે તથા એના બારે બાર એવન્યૂઝ અને એમની બન્ને બાજુની અનેક સ્ટ્રીટ્સમાં ફર્યો હતો, ક્યારેક ‘પ્રવાલદ્વીપ’ના અનુસંધાનમાં એના સહોદર કાવ્યગુચ્છ રૂપે ‘પક્ષીદ્વીપ’ કાવ્યગુચ્છ રચીશ એ આશાએ તથા, હમણાં જ જોઈશું તે કારણે, ન્યુયોર્ક જેવા વિરાટનગરના વ્યાપકતર સંદર્ભમાં, વિશાલતર પરિપ્રેક્ષ્યમાં એકસાથે મારી એકાંતની સંવેદના અને મારી એકલતાની સભાનતાને અતિક્રમી જવાનો તથા યંત્ર અને મંત્ર વચ્ચેના, સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેના વાદ-વિવાદમાં સંવાદ સાધવાનો અને ભૌતિકતા અને નૈતિકતા વચ્ચેના સંઘર્ષનું સમાધાન શોધવાનો અંતિમ પ્રયત્ન કરવાની અને એમાં સફળ થવાની આશાએ. ૧૯૮૫માં જે ચાર પંક્તિઓ રચી હતી એના અનુસંધાનમાં અન્ય છ પંક્તિઓની પૂર્તિ સાથે હમણાં જ ૧૧મી સપ્ટેમ્બર પછી દસ પંક્તિઓનું એક કાવ્ય રચ્યું છે : ન્યુયોર્ક નામે પંખી! અધખૂલી બે પાંખે, નભનીરખતી આંખે રહ્યું અગમને ઝંખી!

નસ નસમાં શું ઘેન! ઘડી ન એને ચેન! ગયું હશે શું ડંખી?

જુઓ, જગ જ્યાં બૂડ્યું, ઓ ઊડ્યું, ઓ ઊડ્યું ન્યુયોર્ક નામે પંખી! મુંબઈ પરવાળાંનો ટાપુ છે. સાત નાનાનાના ટાપુઓમાંથી સમુદ્રમાંથી ભૂમિના ઉદ્ધારણ દ્વારા મુંબઈનો એક ટાપુ રચવામાં આવ્યો છે. મુંબઈ માનવસર્જિત ટાપુ છે, ન્યુયોર્ક પ્રકૃતિસર્જિત ટાપુ છે. ન્યુયોર્કનું અસલ નામ છે મેનહેટ્ટા, એટલે કે ‘ટેકરીઓનો ટાપુ’. ન્યુયોર્ક અમેરિકામાં છે, પણ એ માત્ર અમેરિકાનું કે અમેરિકનોનું જ નગર નથી. ન્યુયોર્કમાં ચુંબકત્વ છે. એના આકર્ષણથી જગતનાં સૌ રાષ્ટ્રોની પ્રજાઓ હોંસે હોંસે સ્વેચ્છાએ ન્યુયોર્કમાં આવીને વસી છે અને ન્યૂ યોર્કે હોંસે હોંસે સ્વેચ્છાએ એ પ્રજાઓનું સ્વાગત કર્યું છે. The Statue of Liberty – સ્વાતંત્ર્યની પ્રતિમા એનું પ્રતીક છે. ન્યુયોર્ક નગરોનું નગર છે. મુંબઈ મહાનગર (metropolis) છે, ન્યુયોર્ક વિરાટનગર (megalopolis) છે. ન્યુયોર્ક રાષ્ટ્રોનું રાષ્ટ્ર છે, રાષ્ટ્રસમૂહ છે. ન્યુયોર્કમાં United Nations – રાષ્ટ્રસમૂહની ઈમારત છે, એ તો માત્ર એક ઇમારત જ છે, સાચો રાષ્ટ્રસમૂહ, સાચું United Nations તો ન્યુયોર્ક નગર જ છે. ન્યુયોર્ક જાણે કે જગતની સંક્ષિપ્ત આવૃત્તિ – microcosm of the world – છે. જે કોઈ ન્યુયોર્કમાં ફરે છે એને લાગે છે કે એ જાણે જગતમાં ફરી રહ્યું છે. ભવિષ્યમાં વૈશ્વિકનગર (ecumenopolis) અસ્તિત્વમાં આવશે ત્યારે પણ ન્યુયોર્ક તો અનન્ય જ હશે. આ પૃથ્વી પર ન્યુયોર્ક જેવું અન્ય કોઈ નગર હોય તો તે ન્યુયોર્ક જ છે. ન્યુયોર્ક એકમેવઅદ્વિતીયમ્ એવું નગર છે. જીવનનો આરંભ જલમાં થયો હતો. જીવન જલની સીમાને અતિક્રમીને પૃથ્વી પર વિચર્યું. પછી ઉત્ક્રાંતિમાં એ મનુષ્ય રૂપે વિકસ્યું. હવે મનુષ્ય પૃથ્વીની ભ્રમણકક્ષાને ભેદીને અવકાશમાં ઉડ્ડયન કરી ગયો છે. ન્યુયોર્કમાં ગગનભેદી ઇમારતો – skyscrapers – છે, ન્યુયોર્ક ઊર્ધ્વરેખ નગર છે. એ અવકાશોન્મુખ અને ભવિષ્યોન્મુખ નગર છે. એની દૃષ્ટિ અવકાશ પર છે, ભવિષ્ય પર છે. એ આસપાસ, આજુબાજુ જોતું નથી, એ ભૂતકાળમાં જતું નથી. એ ક્યારે ઊડી જશે એ કોઈ જાણતું નથી. ત્યારે નકશા પરનું ન્યુયોર્ક, પૃથ્વી પરનું ન્યુયોર્ક તો નકશા પર અને પૃથ્વી પર જ હશે, પણ એનું ચૈતન્ય અવકાશમાં હશે; એનો નાશ થવાનો હશેને તોપણ એનું ચૈતન્ય તો અવકાશમાં જ હશે. ઉત્ક્રાંતિમાં ચતુષ્પાદ પ્રાણીનું અરણ્યમાં વૃક્ષ પરથી અવતરણ થયું અને એનું દ્વિપાદ મનુષ્યમાં રૂપાંતર થયું પછી મનુષ્ય ગુફામાં વસ્યો. દસેક હજાર વર્ષ પૂર્વે કૃષિની શોધ પછી એણે ગુફાનો ત્યાગ કર્યો અને એ ગ્રામપ્રદેશમાં વસ્યો. પછી પાંચેક હજાર વર્ષ પૂર્વે એણે નગર રચ્યું અને એણે એની નગરયાત્રાનો આરંભ કર્યો. આજે મનુષ્યની આ નગરયાત્રાની ચરમ સીમા, પરાકાષ્ઠા છે ન્યુયોર્ક. ન્યુયોર્ક મનુષ્યની નગરયાત્રાનું અંતિમ વિરામસ્થાન છે. ન્યુયોર્ક મુક્ત નગર છે, ખુલ્લું નગર છે. ઑડને એમના એક કાવ્યમાં ન્યુયોર્કને ‘city without walls – ‘દીવાલો વગરનું નગર’ કહ્યું છે. હવે મનુષ્યે એથી વધુ મુક્ત નગર, વધુ ખુલ્લું નગર રચવું હશે તો તે એણે અવકાશમાં રચવાનું રહેશે. આમ, ગુફામાંથી જ દસ હજાર વર્ષ પછી ન્યુયોર્ક નગર ઉદ્ભવ્યું છે, ઉત્ક્રાંત થયું છે. એથી ગુફા અને નગર વચ્ચે દસ હજાર માઈલનું પણ અંતર નથી. ગુફામાં જ નગર હતું અને નગરમાં જ ગુફા છે. દસેક હજાર વર્ષ પૂર્વે મનુષ્ય ગુફામાં વસ્યો હતો ત્યારે મનુષ્યમાં નગર રચવાની પ્રચ્છન્ન શક્તિ હતી, સુષુપ્ત ક્ષમતા હતી. અને પાંચેક હજાર વર્ષથી મનુષ્ય નગરમાં વસ્યો છે પણ એ ગુફામાંથી જ આવ્યો છે અને નગરમાં વસ્યો છે, પણ એ નગરમાં ગુફાને સાથે લાવ્યો છે. ગુફામાં નગર હતું જ અને નગરમાં ગુફા છે જ. ગુફા અને નગર એવું દ્વૈત નથી. ગુફામાં નગર અને નગરમાં ગુફા એવું અદ્વૈત છે. ગુફા અને નગર એ કોઈ બે ભિન્ન ભિન્ન સત્ત્વો નથી. ગુફા અને નગર અનિવાર્યપણે અભિન્ન સત્ત્વો છે. એથી જ ન્યુયોર્કમાં મનુષ્યજાતિનાં ઉત્તમોત્તમ અને અધમાધમ તત્ત્વો છે, એક સાથે સંસ્કારિતા અને બર્બરતા છે. કારણ કે ગુફામાં ન્યુયોર્ક હતું જ અને ન્યુયોર્કમાં ગુફા છે જ. અગ્નિ અને ગુલાબ, મરુભૂમિ અને ઉપવન એ દ્વૈતદર્શન તો મિથ્યા, માયાવી દર્શન છે. અગ્નિમાં ગુલાબ અને ગુલાબમાં અગ્નિ, મરુભૂમિમાં ઉપવન અને ઉપવનમાં મરુભૂમિ એ અદ્વૈતદર્શન જ સત્યદર્શન છે. એલિયટની કવિતામાં ‘the fire and the rose are one’, ‘the desert in the garden, the garden in the desert’નું અદ્વૈતદર્શન, સત્યદર્શન છે. નરસિંહ મહેતાની કવિતામાં પણ અદ્વૈતદર્શન છે, સત્યદર્શન છે : ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ નરસિંહ જાગીને જુએ છે તો જગત દીસે નહિ. આપણે જાગીને જોઈએ છીએ તો જગત જ દીસે છે. કારણ કે આપણે જાગીએ છીએ ત્યારે પણ ઊંઘીએ છીએ અને એ ઊંઘમાં આપણને અટપટા ભેદ ભાસે છે. નરસિંહને માટે તો ચિત્ત અને ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે એથી બ્રહ્મ જ બ્રહ્મ પાસે લટકાં કરે છે. નરસિંહને માટે તો ઘાટ ઘડ્યા છે માટે જ નામરૂપ જૂજવાં છે, બાકી કનક અને કુંડળ વિશે કોઈ ભેદ નથી. અંતે તો એ બન્નેમાં હેમનું હેમ જ હોય છે. આમ, નરસિંહની દૃષ્ટિમાં બ્રહ્મ અને જગત એવું દ્વૈતદર્શન નથી, પણ બ્રહ્મમાં જગત અને જગતમાં બ્રહ્મ, બ્રહ્મ એ જ જગત અને જગત એ જ બ્રહ્મ એવું અદ્વૈતદર્શન છે. આજના યુગમાં જ્યારે ગુફા અને નગર, નગર અને ગુફા એવું દ્વૈતદર્શન જેમને એકની પ્રત્યે પક્ષપાત અને અન્યની પ્રત્યે પૂર્વગ્રહ છે એવા પક્ષકારો અને પ્રચારકોની દૃષ્ટિમાં પ્રચલિત છે ત્યારે કવિતા શું કરી શકે? કવિતા બધું તો ન કરી શકે, બધું તો સમગ્ર મનુષ્યજાતિએ કરવાનું છે. પણ કવિતા કશું જ ન કરી શકે એવું પણ નથી. કવિતા કશુંક તો કરી જ શકે. કવિતા પક્ષપાત અને પૂર્વગ્રહથી પર એવી કવિદૃષ્ટિથી ગુફામાં નગર અને નગરમાં ગુફા, ગુફા એ જ નગર અને નગર એ જ ગુફા એવા અદ્વૈતદર્શનને આલોકિત અવશ્ય કરી શકે. આ નરસિંહની દૃષ્ટિ અને નરસિંહનું દર્શન એ જ કવિ માટે તો એક માત્ર નરસિંહ મહેતા ઍવોર્ડ છે. એથી નરસિંહની દૃષ્ટિ અને નરસિંહનું દર્શન સૌ કવિઓને પ્રાપ્ત થજો એવી પ્રાર્થના સાથે વિરમું છું. (અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં ૨૦૦૧ના ‘નરસિંહ મહેતા ઍવોર્ડ’ના અર્પણવિધિ પ્રસંગે પ્રતિભાવ. ૧ નવેમ્બર ૨૦૦૧)