સ્થળ : કાશ્મીરનો રાજમહેલ : અંત :પુર. રેવતી અને ચંદ્રસેન.
રેવતી :
|
જવા દો એને, પ્રભુ! એમાં બેઠા બેઠા વિચાર શું કરો છો? ભલે જાય યુદ્ધમાં; ત્યાર પછી ઈશ્વર કરશે તો પાછો જ નહીં આવે.
|
ચંદ્રસેન :
|
ધીરે, રાણી, ધીરે બોલો.
|
રેવતી :
|
આજ લગી તો ભૂખ્યો બિલાડો ટાંપીને બેઠો હતો; અને આજ લાગ આવ્યો તોય કાં ન સળવળે?
|
ચંદ્રસેન :
|
કોણ? કોણ બેઠું હતું, રાણી? કોને ટાંપીને?
|
રેવતી :
|
રાખો, રાખો, વળી છળ આદર્યું? મારીયે ચોરી? બોલો, શા વિચારથી આજ લગી કુમારના વિવાહ અટકાવ્યા? ત્રિચૂડ રાજ્યની અનાર્ય પ્રથાને શા માટે અનુમતિ આપી? પાંચ-પાંચ વરસ થયાં શું કન્યાની ઓળખાણ ચાલે છે? વાહ રે!
|
ચંદ્રસેન :
|
ધિક્! ચુપ કરો, રાણી, કોઈના વિચારોની બીજાંને શી ખબર પડે?
|
રેવતી :
|
તો પછી બરાબર સમજી જાવ. કામ કરવું હોય તે જોઈ સાંભળીને કરો. પોતાનો ઇરાદો પોતાનાથી ખાનગી ન રાખો. જે નિશાન પાડવું હોય તે નજરે ચોખ્ખું જોઈ લ્યો. ઈશ્વર આવીને કાંઈ તમારા આંધળુકિયા તીરને નિશાન ઉપર નહીં પહોંચાડી દે. અવસર સમજીને પોતાને હાથે જ ઉપાય કરો. એક તો વાસનાનાં પાપ એકઠાં થઈ રહ્યાં છે, તેમાંય પાછો આવો ઉત્પાત કે ‘કામ બનતું નથી, બનતું નથી!’ કહું છું કે મોકલો કુમારને યુદ્ધમાં.
|
ચંદ્રસેન :
|
કાશ્મીરની બધી બલા બહાર પડી પડી પરાયાં રાજ્યોમાં પોતાના દાંતનું ઝેર ખાલી કરી રહી છે, એને શું પાછી કાશ્મીરમાં પેસાડવી છે, રાણી?
રેવતી : એની વાત પછી ઘણો વખત રહેશે. અત્યારે તો આ એકને પતાવી નાખો. યુવરાજને ગાદીએ બેસાડવા પ્રજા તલપી રહી છે, એને તો થોડા દિવસ થોભાવ. એટલા વખતમાં શું બનશે તેનો વિચાર પછી કરજો.
|
[કુમાર પ્રવેશ કરે છે.]
રેવતી :
|
[કુમાર પ્રત્યે] યુદ્ધમાં જા, તારા કાકાનો હુકમ છે. વાર ન લગાડ. વિવાહ કાંઈ ભાગી નહીં જાય. ઘેર બેસી આળસના ઉત્સવ કરી કરીને તાજી જુવાનીનું તેજ ન ગુમાવ.
|
કુમારસેન :
|
જય થજો, માતા, જય થજો તમારો! અહો, કેવી આનંદની વાત! કાકાબાપુ, હવે આપ પણ રાજીખુશીથી સ્વમુખે આજ્ઞા સંભળાવો!
|
ચંદ્રસેન :
|
ભલે, જા ત્યારે; પણ જોજે હો બેટા, સાવધાન રહેજે! અભિમાનમાં ઉતાવળ કરી આફતની અંદર જાણીબૂજીને ન ઝંપલાવીશ. મારા આશીર્વાદ છે, દીકરા, કે વિજય કરીને સાજે શરીરે પિતાના સિંહાસને બેસવા વહેલો પાછો આવજે.
|
કુમાર :
|
માજી, આપની આશિષ માગું છું.
|
રેવતી :
|
ઠાલી આશિષથી શું વળવાનું હતું? પોતાની રક્ષા તો પોતાની ભુજા જ કરશે.
|