રાજા-રાણી/ચોથો પ્રવેશ2
Jump to navigation
Jump to search
ચોથો પ્રવેશ
ત્રીજો અંક
સ્થળ : કાશ્મીરનો રાજમહેલ : અંત :પુર. રેવતી અને ચંદ્રસેન.
રેવતી : | જવા દો એને, પ્રભુ! એમાં બેઠા બેઠા વિચાર શું કરો છો? ભલે જાય યુદ્ધમાં; ત્યાર પછી ઈશ્વર કરશે તો પાછો જ નહીં આવે. |
ચંદ્રસેન : | ધીરે, રાણી, ધીરે બોલો. |
રેવતી : | આજ લગી તો ભૂખ્યો બિલાડો ટાંપીને બેઠો હતો; અને આજ લાગ આવ્યો તોય કાં ન સળવળે? |
ચંદ્રસેન : | કોણ? કોણ બેઠું હતું, રાણી? કોને ટાંપીને? |
રેવતી : | રાખો, રાખો, વળી છળ આદર્યું? મારીયે ચોરી? બોલો, શા વિચારથી આજ લગી કુમારના વિવાહ અટકાવ્યા? ત્રિચૂડ રાજ્યની અનાર્ય પ્રથાને શા માટે અનુમતિ આપી? પાંચ-પાંચ વરસ થયાં શું કન્યાની ઓળખાણ ચાલે છે? વાહ રે! |
ચંદ્રસેન : | ધિક્! ચુપ કરો, રાણી, કોઈના વિચારોની બીજાંને શી ખબર પડે? |
રેવતી : | તો પછી બરાબર સમજી જાવ. કામ કરવું હોય તે જોઈ સાંભળીને કરો. પોતાનો ઇરાદો પોતાનાથી ખાનગી ન રાખો. જે નિશાન પાડવું હોય તે નજરે ચોખ્ખું જોઈ લ્યો. ઈશ્વર આવીને કાંઈ તમારા આંધળુકિયા તીરને નિશાન ઉપર નહીં પહોંચાડી દે. અવસર સમજીને પોતાને હાથે જ ઉપાય કરો. એક તો વાસનાનાં પાપ એકઠાં થઈ રહ્યાં છે, તેમાંય પાછો આવો ઉત્પાત કે ‘કામ બનતું નથી, બનતું નથી!’ કહું છું કે મોકલો કુમારને યુદ્ધમાં. |
ચંદ્રસેન : | કાશ્મીરની બધી બલા બહાર પડી પડી પરાયાં રાજ્યોમાં પોતાના દાંતનું ઝેર ખાલી કરી રહી છે, એને શું પાછી કાશ્મીરમાં પેસાડવી છે, રાણી?
રેવતી : એની વાત પછી ઘણો વખત રહેશે. અત્યારે તો આ એકને પતાવી નાખો. યુવરાજને ગાદીએ બેસાડવા પ્રજા તલપી રહી છે, એને તો થોડા દિવસ થોભાવ. એટલા વખતમાં શું બનશે તેનો વિચાર પછી કરજો. |
[કુમાર પ્રવેશ કરે છે.]
રેવતી : | [કુમાર પ્રત્યે] યુદ્ધમાં જા, તારા કાકાનો હુકમ છે. વાર ન લગાડ. વિવાહ કાંઈ ભાગી નહીં જાય. ઘેર બેસી આળસના ઉત્સવ કરી કરીને તાજી જુવાનીનું તેજ ન ગુમાવ. |
કુમારસેન : | જય થજો, માતા, જય થજો તમારો! અહો, કેવી આનંદની વાત! કાકાબાપુ, હવે આપ પણ રાજીખુશીથી સ્વમુખે આજ્ઞા સંભળાવો! |
ચંદ્રસેન : | ભલે, જા ત્યારે; પણ જોજે હો બેટા, સાવધાન રહેજે! અભિમાનમાં ઉતાવળ કરી આફતની અંદર જાણીબૂજીને ન ઝંપલાવીશ. મારા આશીર્વાદ છે, દીકરા, કે વિજય કરીને સાજે શરીરે પિતાના સિંહાસને બેસવા વહેલો પાછો આવજે. |
કુમાર : | માજી, આપની આશિષ માગું છું. |
રેવતી : | ઠાલી આશિષથી શું વળવાનું હતું? પોતાની રક્ષા તો પોતાની ભુજા જ કરશે. |