અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /વધામણી
Revision as of 08:11, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> વ્હાલા મારા, નિશદિન હવે થાય ઝંખા તમારી, આવો આપો પરિચિત પ્રતીતિ બ...")
વ્હાલા મારા, નિશદિન હવે થાય ઝંખા તમારી,
આવો આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્તહારી
દૈવે જાણે જલ ગહનમાં ખેંચી લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મને છૉળઠેલે;
ને આવી તોપણ નવ લહું ક્યાં ગઈ કેમ આવી,
જીવાદોરી ત્રુટી ન ગઈ તેથી રહું શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા.
જાણું સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા :
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠી સ્પર્શો, પ્રણયી નયનો, અમ્રતાલાપ લાવો.
બીજું, વ્હાલા; શિર ધરી જિહાં ‘ભાર લાગે શું?’ કહેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરું ચૂસે સતત ચુચુષે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઊચરો લોચને કોણ જેવો?
(ભણકાર, પૃ. ૨૦૨-૨૦૩)