વસુધા/સ્મિતનો જય
Revision as of 11:07, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મિતનો જય|}} <poem> નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા. શક્યો ના ફાવી તે વળીવળી મળે તે ય, મદદે લઈ આવ્યો આંસુ, પણ વિફલક અંતે અવગણ્યું પડેલું ખૂ...")
સ્મિતનો જય
નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા.
શક્યો ના ફાવી તે વળીવળી મળે તે ય, મદદે
લઈ આવ્યો આંસુ, પણ વિફલક અંતે અવગણ્યું
પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું
કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો
નિસાસો, ને પેલું સ્મિત અધરખૂણેથી જ્યહીં રે
નહીં ડોક્યું ડોક્યું, ત્યહીં જ પછડાઈ પિયુ પડ્યો!