અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

From Ekatra Wiki
Revision as of 09:26, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

હરીન્દ્ર દવે

                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
                  બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
                           આંગળીથી માખણમાં આંક્યા,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
                           ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

                  એના હોઠ બે બિડાયા હજી તોરે,
                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
                           હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
                           કાનકુંવર શું ઓછા હતા કાળા?

                  બંધ છોડે જશોદાને ક્‌હો રે,
                  કોઈ જઈને જશોદાને ક્‌હો રે,
                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૭-૧૨૮)