યાત્રા/જાગે મોરી
Revision as of 11:40, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાગે મોરી|}} <poem> {{space}}જાગે મોરી આછી આછી મધરાત, {{space}} જાગે એક એકલ અંતર વાટ. ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ. {{space}}{{space}}{{space}}...")
જાગે મોરી
જાગે મોરી આછી આછી મધરાત,
જાગે એક એકલ અંતર વાટ.
ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન,
સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ.
જાગેo
આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ,
ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ.
જાગેo
લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર,
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર.
જાગેo
જૂન, ૧૯૪પ