ટોળાં અવાજ ઘોઘાટ/૫ -બીજું કશુ નહિ

Revision as of 07:49, 11 November 2022 by MeghaBhavsar (talk | contribs)
૫-બીજું કશું નહિ

એકધારો અવિરત ઘેરો ઘૂમ અવાજ (દીવાલ સિવાય બીજું કશું નહીં.) એક ચળકતી અલ્પ કાળાશ (આ બધું કેવળ પ્રકૃતિના નિયમોને વશવર્તીને) સડસડાટ આગળ વધે છે ફર્શ પર ઉનાળાની એક બપોરે બરાબર અમુક હદે પહોંચ્યા પછી જોરદાર ઝપાટા સામે ઝઝૂમે છે સમગ્ર કાળાશ તંતો... તંત એકાદ બે સેકંડ અને પછી ઊછળીને એકાદ ફૂટ દૂર ધક્કેલાય છે (આવી સ્થિતિમાં કશાનું કશું મહત્વ નથી.) ફરી એક ચળકતી અલ્પ કાળાશ (કેવળ હોવું, જીવવું એનો જ વિસ્મય) સડસડાટ આગળ વધે છે ઉનાળાની એક બપોરે બરાબર અમુક હદે પહોંચ્યા પછી જોરદાર ઝપાટા સામે તં તો તં ત...... ઊછળીને બે ફૂટ દૂર.... (આવી સ્થિતિમાં કશાનું કશું મહત્વ નથી.) એકધારો અવિરત ઘેરો ઘૂમ અવાજ (દીવાલ સિવાય બીજું કશું નહીં) સડસડાટ આગળ વધે છે..... કાચના કબાટમાં દૃઢ આસનબદ્ધ દવાની બાટલીઓ (નાભિમાં કમળ ધારણ કરનારને નમસ્કાર) ટેબલ પર જરાક જરાક ફફડતો વર્તમાન (લલ્લુ જોગી જાતે હાજર થવાની શકયતા) બાજુમાં ટેબલ પર સંવનનમૂક માટીનું કપોતયુગ્મ (તેં તારા ઘડપણથી ઘેરાયેલા પતિને ઠગ્યા છે.) ઊછળીને બે ફૂટ દૂર (આવી સ્થિતિમાં કશાનું કશું મહત્વ નથી.) એકધારો અવિરત ઘેરો ઘૂમ અવાજ (દીવાલ સિવાય બીજું કશું નહીં.) છત પર મંત્રમૂક મચ્છરો (સિદ્ધિ અને નિષ્ફળતામાં મનને સમાન રાખવું.) એક ચળકતી અલ્પ કાળાશ... (ઓ બધું કેવળ પ્રકૃતિના નિયમોને વશવર્તીને) અને પછી ઊછળીને... (આવી સ્થિતિમાં કશાનું કશું મહત્વ નથી.) એકધારો અવિરત ઘેરો ઘૂમ અવાજ (દીવાલ સિવાય બીજું કશું નહીં.) (નવેમ્બર : ૧૯૭૪)