દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨. ઊંટ કહે

From Ekatra Wiki
Revision as of 10:19, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


૨. ઊંટ કહે

મનહર છંદ


ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુંડા,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.