વસુધા/નર્મદ–પ્રાણવંતા પૂર્વજને

From Ekatra Wiki
Revision as of 05:57, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નર્મદ–પ્રાણવંતા પૂર્વજને|}} <poem> તેં તો ત્યારે કહ્યું 'તુંઃ ‘નહિ નહિ કરશે શાક મારો, રસીલાં!' તારા શી જિન્દગીને જગમહિં કરશે કોણ રે શોક, બન્ધુ? જે આખી જિન્દગાની દરદ દિલ ભરી શેકની સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નર્મદ–પ્રાણવંતા પૂર્વજને

તેં તો ત્યારે કહ્યું 'તુંઃ ‘નહિ નહિ કરશે શાક મારો, રસીલાં!'
તારા શી જિન્દગીને જગમહિં કરશે કોણ રે શોક, બન્ધુ?
જે આખી જિન્દગાની દરદ દિલ ભરી શેકની સંગ ઝુઝી,
તેને અંતે બચ્યો શું કંઈ અમ અરથે શોક સ્હેવો જ બાકી?

ના, ના, એ જિન્દગીએ ગજબ જખમ જે અંતરે નિત્ય ઝીલ્યા,
એ અંધારે હિલેાળા દ્યુતિ પ્રગટવવા એકલાં જેહ ખાધા,
‘શું શું નાખું કરી હું? પ્રતિપળ જપતાં જે ઉધામા ઉઠાવ્યા,
એવાને કાજ આજે નયનજળતણી અર્ચના શું જ માત્ર?

ના, તારે કાજ ઓછાં ગગન અથવતાં કીર્તિનાં મંદિરો યે!
ઓછાં સૌ સ્મારકો છે નયન રિઝવતાં ગ્રંથનાં ને શિલાનાં,
રે, તારી જિન્દગીની રસ-અળ-દરદે નીત૨તી કથા શું
જાતે ઓછી જ? એ તે પ્રતિજન ઉર અંકાયેલું બાવલું છે!

સિદ્ધિ એ જિન્દગીની સકળ ગુણમયી સૃષ્ટિ શી શારદાની
જાતે છે ભવ્ય ઊભી અવિચળ અહિંયાં માનપૂજાધિકારી,
એના એ આદિ યત્ને ચરણ ટકવતા આલયો સૌ અમારા,
૨ે, એ શું ભાગ્ય ઓછું ધરખમ બનવું આદિ ધર્તા ધરાના?

છૂંદી, કૂટી, પિસીને રજ રજ સુખડાં જિન્દગી મોંઘી કેરાં
ભાવિનાં આલયોની અવિચળ બનવું ભૂમિકા ને રચાયાં
પોતાકેરે ખભે આ નવલ વિલસતાં શારદાધામ જોવાં,
એ ભાગ્યાર્થે સહ્યાં તેં સુફલિત સઘળાં સંકટ થૈ ગયાં છે!

તારા એ જન્મ કેડે શત શત શરદે સૌમ્ય ને રુદ્ર વીતી,
તારાં નાહેલ તાપીજળ પણ નવલાં ને જુનાં યે થયાં કૈં,
તારી સીંચેલ જે જે નિશદિન નિચવી આત્મનાં શક્તિભક્તિ,
ક્યારીઓ ગુર્જરીની ઉપવન સરખી આજ ફાલીફુલી છે.

ગાઢી એ શૂન્યતાની જડજડ અટવીમાં અપંથે પડ્યો તું
જ્યાં જ્યાં, ત્યાં આજ તો હા ધસમસ ધસતા ધોરી રસ્તા થયા છે!
તારી એ તોતડી શી કલમજિભથકી વાક જે ઉચ્ચરાઈ,
પ્રૌઢા ને પુખ્ત તે પ્રતિજન ઉરમાં આસનારૂઢ થૈ છે!

હે આશાવંત આત્મા! તિમિરભર મહા ઘોર તે કાળમાં તું,
બેઠો ત્યાં મેજ પાસે લઘુશિખ બળતું એક ફાનસ્ લઈને,
ને આત્માના ઉછાળે કલમ ચલવતો, આઘુંપાછું ન જોતો,
વ્હેવાડી તેજધારા, પુલકિત કરિયું વ્યોમ શું ધૂમકેતુ!

કાવ્યે ને કાવ્યશાસ્ત્રે પ્રયતન નવલા સાહસી આદર્યા તેં,
ગદ્યાત્મા ગુર્જરીને પ્રથમ પ્રખર રૂપે જ આવિષ્કર્યો તેં,
રાજ્યોના રંગ રંગ્યા, મનન મનતણાં શૌર્ય ને પ્રેમઘેલાં,
કોશે, ધર્મી વિચારે ગહન મથનથી લેખની તેં ચલાવી.

ક્યાંથી ત્યારે ઉઠી રે તવ ઉર ધખના શારદા સેવનાની,
આંખે આંસુ ભરી તે કલમ ચરણમાં શીશ મેલ્યું, હુતાત્મા!
ને આખી જિન્દગીનાં અવિરત ઘસતાં પ્રાણ ને શક્તિ મોંઘાં
બેમૂલા લેપથી એ સુરભિત અરચ્યું ભાલ તે ગુર્જરીનું.

તારી એ ભેખઝોળી, કલમ કસભરી, ભાવના તુંગગામી,
તારી કંથાકથા ને સતત ઝરત એ શક્તિ-સ્રોતસ્વિની-ના
સર્વવ્યાપી પ્રવાહે પ્રબળ ઉભરિયો જીવને ધોધ જેવો
રેલાયો ઠામઠામે, મલ અમલ કર્યા એકલે હાથ વીર!

રે, હાથે એકલે તે શબદ જગતના કેશને ભવ્ય ખોલ્યો,
રે, હાથે એકલે તું અડગ ઝગડિયો જૂઠ તેં જે પ્રમાણ્યું,
ખુલ્લાબોલા, ન કોને ચરણ ડર ભર્યો તું પડ્યો, સત્યભક્ત!
પ્રાણે, પ્રેમ, શહૂરે પ્રતિ કદમ પળ્યો જિન્દગીમાં શુરીલો.

પ્રેમાનંદે ધરેલી પુનઃ ધરી જ તે શારદાર્થે શહીદી,
તારામાં લોહી સાચું નસનસ ઉછળ્યું શુદ્ધ આ ભૂમિકેરું,
તેં ન્હોતા ભેદ રાખ્યા તવ હૃદયપટે કાર્યનાં ક્ષેત્રકેરા,
જ્યાં જ્યાં તેં હ્રાસ જોયો તહિં તહિં ધસિયો જીવનોત્કર્ષ કાજે.

ના, ના, શોભે તને રે કવિજન કથ, સાક્ષરે યે ન તું રે,
પ્રત્નાભ્યાસી ન તું યે નવલરચક કે શાસ્ત્રનો સિદ્ધ જ્ઞાતા,
એથી ચે ભવ્ય ઊંચું બિરદ તવ લલાટે જ જાતે લખ્યું તે–
ને આજે સૌ દઈએ છલછલ ઉરથીઃ ‘વીર તું, શૂર, પ્રેમી!’

તારો એ આત્મ-જોસ્સો, અજબ દમ અને લેખનીનો ધ્રુજારો,
એ આત્માની મહેચ્છા, જનગણ અરથે ફીટવાની તમન્ના,
એ પુણ્યાર્થે ફકીરી લઈ રળઝળવા આજ થોડા જ એવા,
એ તો તું એક પાક્યો પ્રથમ શિશ સમો ગુર્જરીનો ગુણાત્મા!

રે આત્માના ઉજાસે જગત જગવતા પૂર્વજ પ્રાણવંતા
તારા એ કાળથી સૌ પ્રગતિક બનિયું, તેજે ને છાંયડાની
ઓળા મોટા થયા છે, હૃદયતણી વધી વ્યગ્રતા શકતતા ને,
આત્મા તારો પિછાને જયજય કરવા ગુર્જરીના પ્રયત્નો.

ને તેં ત્યારે કહ્યું જે, ‘નહિ નહિ કરશે શોક!' સાચું જ, શાને
તારા જેવાતણો રે? હૃદય ઉછળવાં જોઈએ ગર્વથી તો,
રે, તો યે શોક કેરાં નિબિડ નિબિડ આ વાદળાં હૈયું દાબે,
તારે કાજે? અરે રે, નહિ નહિ અમનાં દર્દ નિઃસીમ કાજે!