રચનાવલી/૧૬૩
એલિસ વૉકરની નવલકથા ‘ધ કલર પર્પલ'ને ૧૯૮૩માં પુલિત્ઝર પારિતોષિક મળ્યું. નવલકથા અંગે પારિતોષિક મેળવનાર આ પહેલી આફ્રિકી- અમેરિકી નવલકથાકાર છે. આ નવલકથાએ એલિસ વૉકરને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. એમાં કોઈ શક નથી કે એનો અમેરિકી સાહિત્યના ઇતિહાસ પર અમીટ પ્રભાવ પાડ્યો છે. અશ્વેત લોકઅંગ્રેજીની સમૃદ્ધિ અને શક્તિનો પરિચય આપ્યો છે. આ નવલકથાએ પુરવાર કર્યું છે કે આફ્રિકી-અમેરિકી સ્ત્રીલેખકોનું સાહિત્ય એ અમેરિકી સાહિત્યનો મહત્ત્વનો હિસ્સો છે. આ નવલકથા અંગે વિવાદ પણ ખાસ્સો જાગ્યો છે. નવલકથા પ્રકાશિત થતાં જ એના પર વિવાદ છેડાયો. પછી આ નવલકથાને પુલિત્ઝર પારિતોષિક મળ્યું ત્યારે પણ વિવાદ ઊઠ્યો અને આ નવલકથા પરથી વોર્નર બ્રધર્સ પ્રોડક્શન તરફથી ૧૯૮૫માં જ્યારે ચલચિત્ર રજૂ થયું ત્યારે પણ એ ચલચિત્ર વિવાદના ઘેરામાં સપડાયેલું રહ્યું. આમ છતાં અશ્વેત નારીઓના શોષણની, એમની ઘેલછાની, એમની વફાદારીની, એમના વિજયની કથા તરીકે એ જુદી તરી આવે છે. એમાં શ્વેતો દ્વારા અશ્વેતોનું શોષણ બતાવવા કરતાં અશ્વેતો દ્વારા અશ્વેતોનું થતું શોષણ કેન્દ્રમાં છે. અશ્વેત નારીને હાથે લખાયેલી અશ્વેત નારીઓની આ કથા છે. અહીં નારીઓ ઝઘડે છે, એકબીજાને સહારો આપે છે, એકબીજાને ચાહે છે અને એકબીજાને શાતા પહોચાડે છે. પરમ દુ:ખ અને યાતનાથી શરૂ થતી આ નવલકથા પરમ ઉલ્લાસ આગળ પૂરી થાય છે. એક ગુલામ સ્ત્રીએ અનેક જુલ્મો અને અત્યાચારો વેઠતાં વેઠતાં કઈ રીતે પોતાની સ્વતંત્રતા પાછી મેળવી, કઈ રીતે પોતાનું આત્મગૌરવ પાછું મેળવ્યું એની આ કથા છે આમ જોઈએ તો બે દૂર પડી ગયેલી, બહેનોની આ કથા છે, જેમાંથી એક આફ્રિકામાં દાયકાઓ વિતાવી પોતાને વતન અમેરિકા પાછી કરે છે. નવલકથા પત્રોની હારમાળારૂપે લખાયેલી છે. નાયિકા સેલીએ પ્રભુ પર લખેલા પત્રો, નાની બહેન નેટીએ મોટીબહેન સેલી પર લખેલા પત્રો અને સેલિએ નેટી પર લખેલા પત્રો - એમ કુલ ૯૦ પત્રોમાં આ નવલકથા વિકસી છે. પત્રો પર તારીખ નથી કે પત્રોનો ક્રમ પણ નથી. પણ એલિસ વૉકર કહે છે તેમ અશ્વેત નારીની રજાઈની કલામાં જેમ જૂના કપડાંના ટુકડાઓ સીવાઈને એક ભાત ઊભી કરે તેમ આ પત્રો દ્વારા નવલકથાની ભાત ઊભી થાય છે. વળી એલિસ વૉકરે અહીં અશ્વેત નારીવાદ (બ્લેક ફેમિનિઝમ)થી છૂટા પડીને સ્ત્રીવાદ (વુમનિઝમ)નો અભિગમ લીધો છે. એટલે કે નારીની નારીકેન્દ્રી છબીને, સ્ત્રીની સાહસિક બહાદુર છબીને, ઘરકામની વચ્ચે ઊભી થતી એની બાહોશ છબીને એણે પસંદ કરી છે. આથી જ આ નવલકથા સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધને સ્ત્રી-પુરુષના સંબંધ અને પ્રભુ પ્રકૃતિના સંબંધ વચ્ચે મૂકીને તપાસે છે. અમેરિકાના દક્ષિણ ભાગના જ્યોર્જિયામાં રહેતી ગરીબ અને અભણ સેલિ પોતાના સાવકા બાપ દ્વારા અત્યાચારનો ભોગ બની બે બાળકોની માતા બને છે અને છેવટે સાવકા બાપ સેલિને એક વિધુર આલ્બર્ટને પરણાવી દે છે. આલ્બર્ટના આગલા ઘરના ચાર બાળકોની સાર-સંભાળ લેતી સેલિ આલ્બર્ટની મારઝૂડનો અને એની ગુલામીનો ભોગ બને છે. પોતાને કદરૂપી અને નકામી કહેવામાં આવે છે તો એનો પણ એ સામનો કર્યા વિના સ્વીકાર કરી લે છે. એને ટકી રહેવાનાં બે જ કારણો છે : એક પ્રભુ અને એની નાની બહેન નેટી, પણ આલ્બર્ટની નજર નેટી પર બગડતા સેલિ નેટીને નાસી જવામાં મદદ કરે છે. નેટી ચાલી જતાં સેલિ આધારહીન બની જાય છે. નેટી ભણીગણીને મિશનરી તરીકે આફ્રિકા પહોંચે છે. નેટીના આફ્રિકાથી લખેલા સેલી પરના બધા જ પત્રો આલ્બર્ટ સેલિને પહોંચવા દેતો નથી અને છુપાવી દે છે. આલ્બર્ટ એની મિત્ર શુગ આવેરીને માંદી હોવાથી ઘેર લઈ આવે છે. શુગ આવેરી ગાયિકા છે. આલ્બર્ટ પોતાના પિતાના ધાકને કારણે શુગને પરણી નહોતો શક્યો અને એને બીજી કોઈ સ્ત્રી સાથે પરણવું પડ્યું હતું તેથી એનો કઠોર વ્યવહાર સેલિ સુધી ચાલુ રહ્યો હતો. શરૂમાં તો ઈર્ષ્યાને કારણે શુગ પણ સેલિને અપમાનિત કરે છે, પણ સેલિ અને શુગ સમય જતા ગાઢ મિત્રો બની જાય છે, અને એકબીજાને અત્યંત ચાહવા લાગે છે. શુગના વચ્ચે પડવાથી આલ્બર્ટનો સેલિ તરફનો વ્યવહાર બદલાય છે. એ હવે એને મારતો ઝુડતો નથી. છેવટે શુગની મદદથી સેલિને ખબર પડી જાય છે કે વર્ષો સુધી પોતાની નાની બહેન નેટીના આવતા કાગળોને આલ્બર્ટે દબાવી રાખ્યા છે. સેલિ આલ્બર્ટના આ કૃત્ય માટે આલ્બર્ટને માફ કરી શકતી નથી અને શુગના બળને કારણે બળવો કરીને શુગ સાથે એના ઘેર પહોંચી જાય છે; ને ત્યાં તૈયાર કપડાનો ધંધો શરૂ કરી સ્વતંત્રજીવનની શરૂઆત કરે છે, વળી સાવકો બાપ મરી જતા મૂળ પિતાની મિલ્કત સેલિ અને નેટીને પાછી મળે છે. આ બાજુ નેટી પણ આફ્રિકામાં મિશનરી કાર્યમાં સફળતા-નિષ્ફળતા મેળવતી રહે છે અને જાતજાતના આફ્રિકાના અનુભવોમાંથી પસાર થાય છે. તેની સાથે અકસ્માતે સેલિના સાવકા પિતાર્થી થયેલાં બાળકો ઊછરતાં આવે છે. આફ્રિકાની પરિસ્થિતિ દિનબદિન વણસતી જતી હોવાથી નેટી પોતાના પતિ સેમ્યુઅલ સાથે અમેરિકા પાછા ફરવાનો નિર્ધાર કરે છે. અંતે બંને બહેન ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે મળવા પામે છે. આ નવલકથામાં શુગના પાત્ર દ્વારા સેલિ જે પોતાના સૌંદર્ય તરફ અને પોતાની જાત તરફ પાછી વળે છે, જે રીતે દેહના આકર્ષણને પહેલીવાર સમજી શકે છે,જે રીતે આત્મગૌરવ મેળવી સ્વતંત્ર બને છે, એની વિકાસકથા રોમાંચક છે. એમાં જાતિવાદના રંગદ્વેષના અને સ્ત્રી-પુરુષ ભેદના પ્રશ્નો પણ એક યા બીજી રીતે કથાને અર્થપૂર્ણ કરે છે. અબલત્ત, સેલિ અને ફુગ વચ્ચેના સ્ત્રી-સ્ત્રી વચ્ચેના પ્રેમને કારણે આ નવલકથાની થોડી વગોવણી થઈ છે, તો અશ્વેત લેખકોએ અશ્વેત પુરુષોના ચિત્રણ માટે પણ વાંધો ઉઠાવ્યો છે. ઉપરાંત, આ નવલકથામાં કરકસર નથી, કથાનકની ગૂંથણી બરાબર ચુસ્ત નથી એવી ટીકા પણ થઈ છે. છતાં એકંદરે એની લેખિકા એલિસ વૉકરની એક વાત સાથે સંમત થવું પડશે. વૉકર કહે છે કે કલ્પના જો સઘન રૂપમાં આવે તો કવિતા રચાય છે, જો કલ્પના લાંબો સમય ચાલે તો ટૂંકી વાર્તા રચાય છે અને જો કલ્પના જો જવાનું નામ જ ન લે તો નવી નવલકથા રચાય છે. આ નવલકથા, જવાનું નામ જ ન લે એવી કલ્પના પર રચાયેલી છે એમાં કોઈ બેમત નથી.