ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/નિત્યક્રમ

From Ekatra Wiki
Revision as of 05:29, 28 September 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
નિત્યક્રમ

પન્ના નાયક

એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મૅનહેટન બૅગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો.

કામ પતાવી પાછા આવો ત્યારે ‘મેનહેટન બૅગલ કાફે’ પાસે તમારા પગ અટકે છે. તમને થાય છે પ્રેરણા એની કોઈ બહેનપણી સાથે આવી હશે. તમે અંદર જવાનું મન રોકી શકતા નથી. જાઓ છો. ‘બૅગલ વિથ ક્રીમ ચીઝ ઍન્ડ કૉફી ટુ ગો’નો ઑર્ડર આપો છો. હાથમાં બ્રાઉન બૅગ લઈ આજુબાજુ નજર કરો છો. પ્રેરણા રસ્તા પર પડતા ટેબલ પર બેઠી છે. તમારી આંખો મળે છે. એ સ્મિત આપે છે. તમે એની પાસે જાઓ છો. ઊભા રહો છો. સામેની ખુરશી ખાલી છે.

‘હું…’ તમે તમારું નામ બોલતાં થોથવાઓ છો.

‘હું પ્રેરણા. આપણે સુધીર અને વિશાખાને ત્યાં મળ્યાં હતાં. ઉતાવળ ન હોય તો બેસો ને!’

પ્રેરણાએ પહેરેલી ચાંદીની ઘૂઘરીવાળી લાંબી બુટ્ટી લોલક જેમ આમતેમ હલે છે. એ કોઈ જાડી ચોપડી વાંચતી હોય છે તે બંધ કરે છે. તમને ચોપડીનું શીર્ષક દેખાતું નથી. તમે બેસો છો. તમને લાગે છે જાણે તમારા જીવનમાં નવો વળાંક આવી રહ્યો છે. પ્રેરણાના ટૂંકી બાંયના કુરતાવાળા હાથ પર રુવાંટી નથી. એના હાથની આંગળીઓ લાંબી અને પાતળી છે. એક આંગળી પર એક હીરાની વીંટી છે. એણે ‘બેસો ને’ કહ્યું ત્યારે તમે એના હોઠનો વળાંક જોઈ લીધો હતો. સુધીર અને વિશાખાને ત્યાં આમ નજીકથી જોઈ નહોતી.

તમે તમારી પત્ની જયશ્રી અને ચાર વરસના નિશીથ વિશે વાત કરો છો. તમે જામનગર પાસેના નાના ગામમાં ઊછર્યા છો. તમને હંમેશ મોટા શહેરનું આકર્ષણ હતું. બાપાએ મુંબઈ ભણવા મોકલ્યા. ત્યાં તમે પહેલી વાર અમેરિકન મૂવી જોઈ હતી. અમેરિકાથી ખૂબ અંજાઈ ગયેલા. તમારા એક મિત્રે તમને અમેરિકા બોલાવ્યા. તમે ઇન્સ્યોરન્સ સેલ્સમૅન છો. સાંજે કમ્પ્યૂટર કોર્સ ભણાવો છો. તમને થાય છે તમે ઘણું બોલો છો. કદાચ એને તમે મૂરખ લાગતા હશો. અને છતાંય બોલવાનું ચાલુ રાખો છો. તમે કહો છો કે અમેરિકા આવ્યા ત્યારે તમારી પાસે પૈસા નહોતા. લોન લઈને ભણ્યા અને જાતમહેનતે આગળ આવ્યા છો. બૉસ તમારા પર ખુશ છે. પત્ની સરળ સ્વભાવની છે.

પ્રેરણા અરુણ વિશે વાત કરે છે. અરુણ ડાયમંડ મરચન્ટ છે. એને અવારનવાર ઍન્ટવર્પ જવું પડે છે. દીકરી અનુજા કૉલેજમાં છે. અરુણ લાંબો સમય ઍન્ટવર્પ રહેવાનો હોય ત્યારે એ મુંબઈ જઈ આવે છે. બાકીના સમયમાં ચિત્રો દોરે છે.

‘શહેરમાં અવારનવાર આવો છો?’ તમે પૂછો છો.

‘હા, દર બુધવારે મેટિને-શૉમાં મૂવી જોવા.’

‘એકલાં જ?’

‘હા, કેમ નવાઈ લાગે છે?’

તમને સાચે જ નવાઈ લાગે છે પણ કબૂલી શકતા નથી. પ્રેરણા દેખાવડી છે. એના દેખાવ વિશે એ પોતે સભાન છે એવું તમને તેની આંખોમાં, તેના હાવભાવમાં, કપડાંમાં, વર્તનમાં દેખાય છે. તમારે જવું પડશે કહીને તમે છૂટા પડો છો. ઑફિસમાં પાછા જાઓ છો. તમારું ચિત્ત ચોંટતું નથી. તમને ઑફિસ છોડી પ્રેરણા સાથે મૂવી જોવા જવાનું મન થાય છે. તમારામાં હિંમત નથી. તમારા બૉસ પાસે તમે માંદા છો એવું ખોટું બોલી શકતા નથી. તમારી પત્ની જયશ્રી પાસે પણ ઢાંકપિછોડાવાળી વાત કરી શકતા નથી. બૉસ કે જયશ્રીને બનાવવાની આવડત તમારામાં નથી. કોઈ બહાના વિના ચાલુ દિવસે મૂવી જોવા ન જઈ શકાય એની તમને પ્રતીતિ થાય છે.

તમે બુધવારની રાહ જોવાનું શરૂ કરો છો. બેએક બુધવાર પ્રેરણા દેખાતી નથી. તમે બૅગલ અને કૉફી લઈ બહાર નીકળી જાઓ છો. પછીના બુધવારે તમે બહાર નીકળો છો ત્યારે પ્રેરણા બારણામાં મળે છે. તમે પાછા અંદર જાઓ છો. પ્રેરણા માટે કૉફીનો ઑર્ડર આપો છો. વાતો કરો છો. પ્રેરણા કહે છે કે એમની વેડિંગ ઍનિવર્સરી પર અરુણે એને કમ્પ્યૂટર ભેટ આપ્યું છે જે એના કરતાં વધારે અનુજા વાપરે છે. પ્રેરણાએ શીખવા માટે ઇવનિંગ સ્કૂલ જોઇન કરેલી. પ્રેરણા તમને પૂછે છે કે તમે રિફ્રેશર કોર્સ આપી શકો કે કેમ. તમારે એમ કહેવું છે કે ભવિષ્યમાં જ્યારે તમે અને જયશ્રી એમને ત્યાં જશો ત્યારે થોડી જ વારમાં શીખવી શકશો, પણ એને બદલે તમારાથી હા પડાઈ જાય છે. પ્રેરણાના નિમંત્રણને તમે નકારી શકતા નથી. ઊંડે ઊંડે તમને પ્રેરણાને એકલા મળવાનું મન છે.

પ્રેરણા પછીના બુધવારે બપોરે મળવાનું ગોઠવે છે. તમે માથું દુખવાનું બહાનું કાઢીને ઑફિસથી નીકળી જાઓ છો. પ્રેરણાએ આપેલા ઍડ્રેસ પર પહોંચો છો. શહેરના સરસ પાડોશમાં વિક્ટોરિયન ઘર છે. ઘરની આગળ ફૂલક્યારીઓ છે. ટ્રિમ કરેલી લીલીછમ લૉન છે. ઘંટડી દબાવો છો. પ્રેરણા બારણું ખોલે છે. ઘરમાં દાખલ થતાં એક તરફ દીવાનખાનું છે. બાજુમાં રસોડું અને નાનો બાથરૂમ. પ્રેરણા ઉપલે માળે લાઇબ્રેરીમાં લઈ જાય છે. એક તરફ સ્ટીરિયો. ટેઇપ્સ, સીડી વગેરે છે. બીજી તરફ સફેદ શેલ્વ્સ પર પુસ્તકો. સામે કમ્પ્યૂટર ડેસ્ક પર નવુંનક્કોર કમ્પ્યૂટર છે. કમ્પ્યૂટરની બાજુમાં તમારી નજર ખાળી ન શકે તેવો સોફા છે.

તમે કમ્પ્યૂટર ડેસ્ક પાસેની ખુરશી પર બેસો છો. કમ્પ્યૂટર કંઈ મોટું રહસ્ય નથી એમ કહી જાણવા જેટલું બેઝિક બતાવો છો. સમજાવો છો. એને કાગળ ટાઇપ કરવા કહો છો. તમે પાસે ઊભા રહો છો. પિયાનો પર આંગળી ફરે એમ એ ટાઇપ કરે છે. ટાઇપ કરેલો કાગળ પ્રેમપત્ર છે. ‘ટુ હૂમ ઇટ મે કન્સર્ન’ કરીને અન્ડરલાઇન કર્યો છે. તમે થોડા વિવશ થઈ જાઓ છો.

એ તમને એના બેડરૂમમાં ખેંચી જાય છે. ક્ષોભ સાથે તમે પ્રેમ કરો છો. પ્રેમ કર્યા પછી, દૂધ પીને સંતોષી બિલ્લી સૂતી હોય એમ, પ્રેરણા તમારી બાજુમાં સૂતી છે.

તમારી આખી જિંદગીમાં આવા જાગ્રત ન થયા હોય એમ જાગતા તમે પડ્યા છો. તમે કોઈ દિવસ પરસ્ત્રીને પ્રેમ કર્યો નથી. અચાનક ફોનની ઘંટડી વાગે છે. પ્રેરણા તંદ્રામાંથી જાગીને ફોન લે છે. ફોન અરુણનો છે. તમને પેશાબ થઈ જશે એટલો ભય તમારા શરીરમાં વ્યાપી વળે છે. તમે થરથર કાંપો છો. તમારું હૃદય બમણી ઝડપે ધડકે છે. તમને ભયંકર અપરાધભાવ જાગે છે. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. પ્રેરણા તમારો હાથ પંપાળતી પંપાળતી ઠંડે કલેજે વાત કરે છે. ‘ડાર્લિંગ, કેમ છે તું? શું કર્યું આજે? લંચ ખાધો? ટપાલમાં કશું નથી. સાંજે કેટલા વાગ્યે આવીશ? જમવાનું શું બનાવું? દાળઢોકળી? ચો…ક્ક…સ અત્યારે શું કરું છું? તું એટલું વહાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું.’ પ્રેરણાનો હાથ છોડીને તમે ત્વરાથી ઊઠો છો. કપડાં પહેરી લો છો. તમે કહો છો કે તમારે જવું પડશે. પ્રેરણા દરવાજે આવીને હળવું ચુંબન કરીને આવજો કહે છે. તમે ગાડી સ્ટાર્ટ કરો છો. તમને પસીનો છૂટે છે. રૂમાલ કાઢીને લૂછો છો. રૂમાલ લથબથ થઈ જાય છે. તમે ઍરકન્ડિશનર ચલાવો છો. અન્યમનસ્ક થોડે સુધી જાઓ છો. આખું દૃશ્ય તમારી આંખ સામે ખડું થાય છે. તમે આવી કોઈ સ્ત્રીને મળ્યા નહોતા. એનો સંગ તમને માણવો ગમ્યો હતો. સિગ્નલ આવે છે. તમે લાલ લાઇટ પાસે ઊભા રહો છો. ત્રીસ સેકન્ડ પછી લાઇટ લીલી થાય છે. ઝબકારા સાથે થતી લીલી લાઇટ સાથે તમનેય ઝબકારો થાય છે. તમારું થર થર કાંપવું અને પ્રેરણાનું મીઠાશભર્યું અવાજમાં અરુણ સાથે સહજતાથી વાત કરવું — આંખ પલકારવા જેવું સહજ. ધૂળ ઊડે ને આંખ જે રીતે બંધ થઈ જાય એવું સહજ. સવારે ઊઠીને બ્રશ કરવા જેટલું સહજ. તમને થાય છે: આવી સહજતા કેવી રીતે આવતી હશે? પોતાના ઘરમાં અંધારામાંય દાદર મળી જાય એ માટે પગને ટેવાવું પડે છે. સવાલ ટેવનો છે.

તમે ઘેર પહોંચો છો. કેમ અચાનક વહેલા આવ્યા એમ પત્ની તમને પૂછે છે. તમે માથું દુખવાનું બહાનું કાઢો છો. પહેલી વાર તમારા બૉસ અને તમારી પત્ની પાસે ખોટું બોલ્યા છો.

તમને લાગે છે કે પહેલી વાર ખોટું બોલવું કે ખોટું કરવું અઘરું છે. પહેલી વાર એવું કરતા હોઈએ ત્યારે હૃદય એક ધબકારો ચૂકી જતું હોય છે. આપણે સહેજ મરી જતા હોઈએ છીએ. પછી ટેવાઈ જવાય. કોઠે પડી જાય. અને એ બધું સહજ બની જાય. આંખ પલકારવા જેટલું સહજ.

તમે આવતા બુધવારનો વિચાર કરો છો.