ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/સળિયા

From Ekatra Wiki
Revision as of 19:18, 29 July 2023 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
સળિયા

રાધેશ્યામ શર્મા




સળિયા • રાધેશ્યામ શર્મા • ઑડિયો પઠન: મનાલી જોશી


ચારે કોર લાંબી છાયાવાળા ઘટાદાર વડ અને લીલા દેખાવાના પરિશ્રમમાં સૂકાખમ બની બેઠેલા વખડાઓ વચ્ચેનું ગામ.

એક મહોલ્લો ધૂળાળો હોવા છતાં ધૂળ ખાસ ઊડતી નથી, સિવાય કે સપાટો ઘસડતી વૃદ્ધાઓ લગનગાળામાં વરઘોડો જોવા નાકે તાપમાં રઘવાઈ રઘવાઈ દોડતી પસાર થાય. સીમમાં જતાં કે વળતાં સપાટો આની આ જ પણ ધૂળ કોણ જાણે નથી ઊડતી, પવન પણ નથી ઉડાડતો. આજુબાજુનાં સુસ્ત ઘરોની ચોકડીના ખાળો નીતરે, ઝમે કે ચૂએ એટલે પણ ધૂળની પાંખો ભીંજાયેલી રહેતી હોય. આખી આ શેરીમાં છોકરાં – તોફાની છોકરાં જ નહિ હોય? છે ને, છે જ તો. જે ઘરમાં આપણે પગ મૂક્યો છે એ ઘરમાં તો ત્રણ છોકરાં છે. એક દસેક વર્ષનો ટૂંકા પણ વાંકડિયા વાળવાળો પાંચમી ચોપડીમાં ભણતો છોકરો, એની બે બહેનો. એક ઘાઘરીપોલકામાં જોવા વળતી ને એક્સરસાઇઝ બુકમાં દૂધનો હિસાબ માને લખી આપતી તેર વર્ષની અને બીજી ફરાકચડ્ડીમાં રહેતી સતત નાક નસીકતી, વાળુ પહેલાં ઘોંટી જતી અને ઊંઘમાં ઝબકી જતી સાતેક વર્ષની.

આ છોકરાં ફળિયામાં ખાસ નથી જોવા મળતાં. એમની માનો સળિયા પર સુકાવા લટકાવેલો સાલ્લોચણિયો અને છોકરાંનાં વસ્ત્રો એમના કરતાં તો વધારે બહાર નીહવા લેતાં હશે! હવા? અહીંની હવાને ઠંડી લહેર કહી શકાય પણ શ્વાસમાં ખેંચતાં ધીરે ધીરે દેહમાં સીસા જેટલી વજનદાર થઈ જતી હોવાની વાતો છોકરાંની મા પડોસણને ઘણી વાર દીવાની દિવેટો વણતાં સંધ્યાકાળના પારદર્શી અંધકારમાં ઓટલે ઊભી ઊભી કરે છે. આ વાત થાય છે એ ઘરમાં કોઈ માતાજીની પીઠ છે, બાપદાદાના વારાની કોઈ દૈવી શક્તિનો, કે’છે કે હાથો છે ગોખમાં. ઘરનો માલિક જે ભાડૂઆત સાંજરે દીવો કરે, નવરાતમાં અપવાસ નહિ તો નિવેદ ધરે એને જ મકાન ભાડે આપતો. ઘરમાં પહેલાં એક દાક્તર, પછી એક રસોયો અને હવે કુટુંબનિયોજન ખાતા તરફથી આ બાઈ એનાં ત્રણ છોકરાં સાથે નોકરીએ ત્રણેક માસથી આ ગામમાં આવી હતી.

મકાન નીચા ઘાટનું નળિયાંવાળું હતું. ઉપર એક માળ હતો, પણ એ માળ કરતાં કાતરિયું વધુ કહેવાય. નળિયાં પરથી ચોમાસામાં સંચવાવાળો ધારે તો નીચેથી પસાર થતી પનિહારીઓના માથા ઉપરનું ત્રીજું બેડું અચૂક ઉપાડી લઈ શકે. પણ આવો તુક્કો કોઈને સૂઝે એવું છેલ્લાં કેટલાંય વર્ષથી કદાચ નહિ બન્યું હોય. કોઈને સંચવા પણ નળિયે ચડાવ્યો હોય તો આવું બને ને? પણ અચંબો તો જુઓ કે નળિયાં, થોડા વાંદરાઓ કૂદાકૂદ કરી આમતેમજેર કર્યો હોય એટલાં જ, બાકી નળિયાં આમ સલામત હતાં. ઘરધણી અને ડોશીઓ કહેતાં: ‘જુગદંબાનો પ્રતાપ બાપ…’ અને છીંકણીનો ઊંડો સડાકો.

નળિયાં પર કાંટાઓનાં ઝાંખરાં ઢાળેલાં રહેતાં અને ઠંડી લહેર આવતાં કોક સપનામાં એ મૂક થઈ જતાં! કેટલીક વાર ગોળ ચકરાવા લેતી સમડીઓ, ખાસ તો આ ઘરની પ્રદક્ષિણા ફરતી. આવું દૃશ્ય છોકરા મહોલ્લામાં હોય ત્યારે જોતાં.

આજે પણ વાંકડિયા વાળવાળા છોકરાએ એ મુજબ ચકરાવા લેતી સમડીઓ જોઈ. સમડીઓ જાણે એકબીજાની સાથે લડતી હતી. પણ બધી ધીરે ધીરે વેરાઈ જવા લાગી. છોકરાએ આંખ તાણી તાણીને જોયા કર્યું અને કેવળ બે સમડીઓ સિવાયની બીજી સૌ, વિમાનની જેમ અલોપ થઈ ગઈ. બે રહી હતી અને ગમત કરતી હતી. ગેલમાં આવી છોકરાએ બે બહેનોને ‘નીના… વાસલી’ બૂમથી બોલાવી. એક સમડીની ચાંચમાં કશુંક હતું. એને મેળવવા બીજી સમડી ચક્કર લગાવી પાછી તરાપ મારતી હતી, પણ પેલી છોડતી નહોતી. એક વાર તો એ નવીસવી આવેલી વીજળીના વાયર વચ્ચે ભરાઈયે પડત, પણ બચી ગઈ. બીજીનું જોર વધુ હતું. પહેલીએ ચાંચમાંની વસ્તુ પોતાના નળિયા પર નાંખી દીધી અને ભૂરા આકાશમાં કૂંડાળાં કરવા લાગી. છોકરાનું કુતૂહલ વધ્યું. એક ઘરના પાઇપ પર જરા ચડી પોતાના નળિયા પર પડેલી પેલી વસ્તુ જોયા સિવાય એ ના રહી શક્યો. એ તો એક ચૂંથાયેલો ઉંદર હતો. એવામાં તો બીજી સમડી ઉંદરને ઉપાડી ચડપ ઊડી ગઈ. પહેલી ફરતી જ રહી અને છોકરો માની બૂમ છૂટતાં ઘરમાં ગયો. જતાં જાળી ઉઘાડતાં એનો હાથ સળિયામાં અજાણપણે પાછો ભરાઈ ગયો. એણે બહુ ખેંચ્યો, પણ હાથ નીકળે જ નહિ. ‘બેન’ કહીને કરાંજ્યો, ‘પાછો મારો હાથ સળિયામાં ભરાઈ ગયો.’ જરાય ગભરાયા વગર બીજી રૂમમાંથી આવેલી છોકરાની માએ એના કાંડા અને કોણીને એવી યુક્તિથી સળિયામાં ગોઠવી હાથ સેરવી લીધો કે છોકરો અને પાછળ બાવરી-શી ઊભેલી એની બે બહેનો તાકી જ રહી.

ફળિયામાંથી એકદમ ધીમી ગતિએ એક ઊંટ પસાર થયું. ઊંટના ઢેકે કાઠડો તો હોય, પણ જાનની વહેલમાં હોય છે એવો નાનો ખાટલો અને પાછળ એક ઘોડિયું હાલતુંડોલતું લટકાવેલું હતું. ઘોડિયાના ખોયાનું કપડું પોમચાના લાલ રંગનું હતું, જેના પર સફેદ રંગમાં અશ્વ અને ધજાવાળો ભાલો લઈને બેઠેલો સવાર ચિતરાયેલા હતા.

મા બોલી, ‘ચાલો, જમવા હવે.’

અને પોતાને પૂછતી હોય એમ ‘ટપાલી આવ્યો?’ બબડી. પણ જવાબ આપવા ત્યાં કોઈ નહોતું. અંદરના ઓરડામાંથી થાળી પછડાવાના, વાડકી ખખડવાના અવાજ આવતા હતા. એકલી પડી ગઈ એવી લાગણીમાંથી છૂટવા, કાયમ કરતી એમ ઓરડાની વસ્તુઓ બરાબર છે કે નહિ, કશું અસ્તવ્યસ્ત તો નથી ને, એની તપાસ એક નજરે કરી લીધી. બંધ થાય એવી રીતે જાળીનાં બે બારણાંના છેડા પરસ્પરમાં ગોઠવી ખેંચ્યા. ઘચ્ચ કરતીકને જાળી ફિટોફિટ વખાઈ ગઈ. ખુરરર કરતીકને એક ચકલી ઊડીને કોઈ પ્રૌઢ દેખાતા પુરુષના ફોટા પાછળ પેસી ગઈ. હવે જાળીનો હડો વાખવાનું કામ હતું. એ ના વાખે તો વાયરો આવીને જાળી ઘણી વાર ધક્કેથી ઉઘાડી દેતો, જે તો આ સ્ત્રીને કદી ગમતું જ નહોતું. શીંકામાં ગરમું ઉઘાડું રહી જાય અને ઉંદરબિલાડાં તાજા રાંધેલા ખોરાકને ગમે તેમ અભડાવી જાય એ જેમ એને ગફલતથી પણ નહોતું પાલવતું એવું જ આ જાળીબારણાં ભિડાવવાની બાબતનું હતું. નથી ને ઉંદરબિલાડું, ને એની પાછળ કૂતરું — બધાં ભેગું પેસી જાય.

હાથમાં હડો પકડી એને પાસેના નાકામાં પ્રવેશી જાય એ ઢબે જોરથી ધકેલવા લાગી. હડો એક બગડેલા હીંચકામાંથી – ઊંજ્યા વગરના હીંચકાના કડામાંથી — જેવો કિચૂડાટ નીકળે એવો અવાજ કરતો કરતો જંપી ગયો. તંગ થયેલા સળિયાવાળી જાળીના મજાગરાએ જરી શ્વાસ હેઠો મૂક્યો.

હીંચકો તો આ પહેલા ખંડમાંય હતો. મકાનમાલિકની દયાની સ્મૃતિરૂપ આ હીંચકો પ્રત્યેક ભાડવાતને મળતો. આ ઘર માટે ભારે વહેમી માનસ રાખતી મકાનમાલિકની નવી વહુને આ હીંચકો સદેલો નહોતો, હીંચકો થોડોક હલાવતાં જ એને ચક્કર આવતા ને એના પર સૂઈ રહ્યા પછી વળાંટા લેતા અજગરોનાં જ સ્વપ્નો દેખાતાં.

બંધ જાળીના સળિયાની છાયા પ્રકાશ ફેંકતાં સૂર્ય-કિરણોના હિસાબે ફાટો પડેલાં હીંચકાના પાટિયા પર પડતાં એ બીધી. હીંચકો એક તોતિંગ માંચડા જેવો કેમ એને લાગ્યો એ એની સમજમાં ઊતર્યું નહિ. બીજા ઓરડામાં જ્યાં તેર વર્ષની નીના, વાસલી અને સુરેશને ખાવાનું કાઢી આપતી હતી ત્યાં એ તુરત ગઈ. આ ઓરડો ટાઢો હેમ હતો.

‘ઊઠ નીના હું ખાવા આપું છું’ કહી પાટલે બેસી એ પીરસવા લાગી. પીરસતાં એને ખ્યાલ આવ્યો કે પોતાનાં વસ્ત્રો ઢીંચણથી અધ્ધર ચડી ગયાં છે અને પગની આછી રુવાંટી સાથળના દબાવથી જાણે બહાર ધસી આવી હોય એમ દેખાવા લાગતાં એણે સંકોચના માર્યા સાલ્લાની કોર છેક નીચે તાણી લીધી. દરમિયાન નીનાનું ને પોતાનું ભાણું પણ થાળીમાં કાઢવા લાગતાં મનમાં એ બોલી, ‘આ રીતે મારા પગ દેખાઈ જાય એ એમને નહોતું ગમતું.’

અને કોઈએ રંગીન સ્લાઇડ મૂકી હોય એમ ચિત્તમાં એક લાંબાં બૂટિયાં ઝુલાવતી સ્ત્રીનો ચહેરો ઝબકી ગયો. સ્ત્રીની આજુબાજુછાપેલા અક્ષરોની ગાડીઓ જ છૂકછૂક પડઘાવતી સામસામી દિશામાં દોડવા લાગી — ગડગડ્યે જતાં પૈડાંની વચમાંના અવકાશમાંથી ડોકાઈ જતાં તળાવ ને નાળાં જેવી સ્થિર દ્યુતિવાળી એ બની ગઈ ક્ષણાર્ધ.

‘બા, શાક’ છોકરો ધીમેથી બોલ્યો. બાએ સાંભળ્યું નહિ, એટલે એણે ઊંચે જોયું. બા ક્યાં જોતી હતી? ફરી ‘શાક…’ યંત્રવત્ હાથ ઊંચો થયો અને કઢાઈમાંના જૂજ શાકને ઉપરતળે કરી લઈ આવ્યો. શાકના થાળીમાં પડવાના થપ્પ અવાજ સાથે સુરેશે જોયું તો બિયાં બહાર નીકળી પડેલું રીંગણનું શાક અને પેલો મરેલો ઉંદર એક થઈ ગયાં. એ ખાસ ખાઈ ન શક્યો..

વાસલી કોળિયા સાથે રમતરોળિયાં કરતી હતી તે માએ ‘સામું જોઈ ખાઈ લે’ કહી ટપારી. નીના લેસન પૂરું કર્યાના અને રાંધવામાં માને મદદમાં આવ્યાના સંતોષ સાથે જમતી રહી ને એને ભાન પણ ના રહ્યું કે માએ ખાધું ખરું પણ નામોચું કર્યા જેટલું જ. ઝટપટ હાથ ધોઈ સાલ્લાથી લૂછતી એ ને નીના એઠવાડનાં વાસણ એકઠાં કરવા મંડ્યાં.

સુરેશ ને વાસલીએ દફતર ભરવા માંડ્યાં. વાસલીનું એના સફેદ દફતર ઉપર વાદળી દોરાથી ટાંકેલા મોર તરફ ધ્યાન ગયું. એને એ તો સમજાણું નહિ કે આ મોર છે છતાં મોર જેવો કેમ નથી? મોરનાં પીંછાં જ જાણે નહોતાં! એને જરા રુંધી માનતો ચકોર સુરેશ કહે: ‘વાસલી, જલદી કર, નકર મોડું થશે ને માર્ક કપાઈ જશે.’

ચોકડીમાં વાસણ ઊટકતી નીનાએ રખ્યા-વાસણના ઘર્ષણધ્વનિમાં માતાની આગળ પોતાનો પ્રસ્તાવ મૂકી દીધો, ‘બા, મારે કંપાસ જોશે.’

થોડી વાર વાસણ ઘસાતાં જ રહ્યાં. મા બોલી: ‘પહેલી પછી પગાર આવે એટલે લાઈશું.’

‘પણ બેન કહેતા’તાં કે વર્ગ બહાર ઊભી રાખશે. તું ચિઠ્ઠી લખી દેને.’

‘લખી આપીશ. મારેય દવાખાને મોડું થઈ જશે. લે કર જલદી. બીજુંય કામ છે.’

ત્રણેય છોકરાં નિશાળ જવા તૈયાર થતાં ગયાં તેમ તેમજાળીમાંનો તડકો પેલા સળિયાની છાપને હીંચકા પર વધુ ને વધુ ઘૂંટવા લાગ્યો. સુરેશ બારણા પાછળનાં ચંપલ લેવા ગયો ત્યારે પેલા સળિયા એના ટેનિસની વાળેલી બાંય પર ઓકળાયા, પણ ત્યાંથી નીકળીને પેન માગવા અંદરના ઓરડામાં ગયો ત્યારે પાછા હતા ત્યાંના ત્યાં હીંચકાને લટકાવતા સળિયા પણ, આ જાળીના સળિયાના પરિવેશમાં એક થઈ ભળી ગયા.

હડો ખૂલી રહ્યો છે. કડાં જેવો કિચૂડકિચૂડ અવાજ. હીંચકો સ્થિર છે. હડો, હીંચકો છે એની યાદ વારંવાર આપે છે પણ એનો પડઘો ક્યાંય પડતો વરતાતો નથી.

જાળી ઊઘડતાં સળિયા ગાયબ. સળિયાને સ્થાને બારણાની ફ્રેમનું લંબચોરસ ચોકઠું. ચોકઠામાં ગાયના શુકન જોવા ઊભેલાં ત્રણ છોકરાંના પડછાયા. હીંચકા પર ત્રણે બાળકોનાં માથાંને ઊંચાં-નીચાં શિખર માની એક ચડી બીજી તરફ ઊતરતો મંકોડો દડમજલ કરી રહ્યો…

‘અલ્યા, જાળી બંધ કરતાં જજો મારે ઊઠવું પડશે.’ અંદરથી માનો અવાજ અને પાછી જાળી બંધ. સુરેશનો ઘાંટો…

‘આ સૂર્યાએ જ એક વાર એના ભૈને રિક્ષામાં જતા રહેતા રોકી રાખ્યા’તા. એ વળગી ના પડ્યો હોત તો એ વખતે જ જતા રહ્યા હોત પણ તોય…’

…પ્રસૂતિગૃહના દાક્તરસાહેબ કહે છે આમેય એમને જેલ તો થવાની જ. તમે ફરિયાદ ના કરો એટલે એ કાંઈ છૂટી નહિ શકે.

પણ આજ તો મારે વહેલા ભાગવાનું છે. નવું દર્દી છે બહુ ગભરાટિયું અને ક્યાંક ‘કેસ’ બગડી જાય તો… આવા આ ચણિયાનું નાડું ક્યારનું બદલવું છે પણ ટાઇમ જ મળતો નથી… ટપાલેય ના આવી. પેલા ભૈ તો કે’તાતા કે પેપરમાં છપાવીને તુરત મોકલીશ…

ત્યાં તો સળિયા બહારથી આગંતુકનો ખાખી અવાજ—

બેન, તમારી ટપાલ.’

ટપાલમાં એક દૈનિક પેપર હતું. ઝટઝટ રૅપર તોડી પેપરનાં પાનાં ઉથલાવતાં જ્યાં સિનેમા-નાટકની જાહેરખબરો હોય છે એ છઠ્ઠા પાને આજુબાજુ કરકરી રૂલ મૂકેલી એક જાહેરખબર છપાઈ હતી. એમાં બે ચોટલામાંથી એકને ઉન્નત ઉરપ્રદેશ પર ઝૂલતો રાખી બેઠેલી એક નખરાળ જણાતી યુવતી અને બીજી તરફ ઊંચા ઓળેલા વાળવાળી અને આછી મૂછોવાળી એક ઠરેલ વ્યક્તિનો ફોટો હતો. યુવતીના ફોટા નીચેનું લખાણ:

—બાઈ ચંદ્રિકા, જે ચંદુલાલ પરમાનંદ દવેની ઓરત મુ. થલતેજા, ઉંમર વરસ ૩૦, બાજુના ફોટાવાળા ઇસમ જે, આર.એમ.પી. દાક્તરને નસાડી ગઈ

પુરુષના ફોટા નીચેની વિગત:

— મધુકાન્ત ઉર્ફે માધવલાલ પ્રહ્‌લાદજી વ્યાસ, ઉંમર વરસ ૪૦, મૂળ ગામ રૂપાપરના, મજકૂર ઓરત સાથે ત્રણ માસથી ભાગી ગયેલ છે.

પછીના ફકરામાં:

— કોઈ નાના ગામમાં ડૉક્ટરનો ધંધો કરવા અને ધણીધણિયાણી તરીકે રહી જવા સંભવ છે. બાઈ ચંદ્રિકા પોતાના જજમાનવૃત્તિ કરતા ધણીના ઘરમાંથી પચીસેક તોલા દાગીના ને પોતાના નવેક વર્ષના વિનોદ નામે છોકરાનેય જોડે લેતી ગઈ છે. છોકરાના આગલા બેત્રણ દાંત પડી ગયા છે અને કદી મોંમાંથી જીભ બહાર રાખવાની એને ટેવ છે. બાઈના જમણા હાથે ‘રામનામ સત્ય છે’ એવું છૂંદણું ત્રોફેલું છે. જે કોઈ પત્તો આપશે એને યોગ્ય સિરપાવ આપીશું.

અને તા. ક. માં:

— વ્યાસસાહેબ, તમારા વર્તનથી અમને કોઈ જાતનો બાધ નથી. પાછા આવશો તો કોઈ ઠપકો આપશે નહિ. બા-બાપુજી બીમાર છે. વાસલી કલ્પાંત કરે છે. લિ. જશોદા માધવલાલ.

થોડી વાર પુરુષના ફોટા સામું જોઈ શ્વાસ ખાતી પેલા હીંચકે છપાયલ તપેલા તળિયા પર બેસતાં બોલી ‘તમે જનોઈથી, આવી આને ખાતર ગળેફાંસો ખાવાનું લખો છો પાછા? એ એના ચોટલાથી ફાંસો કેમ નથી ખાતી?’

પણ પાછું એને સાંભરી આવ્યું કે પેલીએ કોઈ અજાણ્યા સ્ટેશનથી લખેલું કે દાક્તરે મને નહિ પણ હું દાક્તરને ભગાડી ગઈ છું, ત્યારે એ અન્યમનસ્ક થઈ ગઈ. પોતે તો પેપરમાંય છપાવી માર્યું અને પોતાની ફરિયાદ પણ દાખલ કરાવવા ઇચ્છતી હતી જ્યારે પેલીએ તો… હીંચકો હાલવા માંડ્યો. જાળીના સળિયા ઘડીમાં હીંચકાના પાટિયે તો ઘડીકમાં નીચે છો પર છપાવા માંડ્યા… એ જાળી બહાર સળિયા પર જોવા લાગી. પ્લાસ્ટર ઊખડી જતાં વિરૂપ બનેલી ઇમારતની – કાળની થપાટોથી ટોચાયેલી ઈંટો આજે જાણે કે એણે પહેલી જ વાર ધારી જોઈ. એની દૃષ્ટિમાંથી અત્યારે એક અવાજ ઊપસતો હતો – કિચૂડ કિચૂડ કિચૂડ…

જાળી આગળ કોઈ આવીને અચાનક ઊભું ને એની છાયામાં જાગે ત્યાં તો પ્રસૂતિગૃહના પટાવાળે કહ્યું: ‘બૂન, ઝટ, નવા કેસની કસુવાવડ થઈ ગઈ. સા’બ તમને અબી હાલ હેંડો બોલાવે.’

થોડી વારમાં જ હીંચકા પરના સળિયા પર તાળા-બંધ કમાડ દેવાઈ ગયાં. માતાના ગોખમાં એકલો દીવો ઝળહળતો હતો.