ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સાગર શાહ/સુજીની સમાજસેવા

From Ekatra Wiki
Revision as of 11:31, 28 September 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
સુજીની સમાજસેવા

સાગર શાહ

ક્યાં રહી ગઈ આશના?

અત્યાર સુધી તો આવી જવી જોઈતી’તી.

આ સીટીમાં જઈએ એટલે આવું જ થતું હોય છે.

ક્યાં ફસાઈ જવાય ખબર જ ના પડે. એનુંય એવું જ થયું હશે. પણ એક રીપ્લાય… કંઈ નહીં. જ્યારે આવશે ત્યારે આવશે. ને કરશે રીપ્લાય – નવરી પડશે ત્યારે. એમેય અત્યારે મારું મગજ ચાલતું નથી. પેલી ગૂંચ, ના-ના વાદળિયું, ના-ના વંટોળ, હા, વંટોળ, ઊભરાયો છે મારી અંદર. નાનો સરખો.

જેણે મને જકડી રાખ્યો છે. થીજવી દીધો છે. જુઓ ને – ફિલ્મ પછીના ડિસ્કશનમાં કે પાછળથી ભઈબંધો જોડે કીટલી પર બેઠો’તો ત્યારેય – હું ક્યાં કશું બોલી શક્યો?

આઈ ડોન્ટ નો મને શું થઈ ગયું’તું. મને ખુદને નવાઈ લાગે છે. કેમકે મારા માટે ફિલ્મમાં કશું નવું હોતું. આ–દલિતોની સ્થિતિ, સમાજનો અન્યાય, સરકારનું વલણ – બધું હું જાણતો જ તો. પણ ખબર નહીં કેમ, કોઈ ચમત્કાર થઈ ગયો કે પછી ડિરેકટરનો કમાલ કે હું…

ખેર. જે થયું એ. એમેય અત્યારે હું થોડો થાકેલો છું. આ લાંબી ડોક્યુમેન્ટ્રી ને આવવા જવાનું એટલે, એટલે મને થાય છે થોડી ગ્રીન ટી પી લઉં. ને જોડે બિસ્કીટેય લઈને જ બેસું. ભૂખ પણ લાગી છે તો…

હાશ. હવે સારું ફિલ થાય છે. હવે હું બરાબર વિચારી શકીશ. મારી અંદર શું ચાલે છે એ સમજી શકીશ.

પણ, મને લાગે છે કે બધો વાંક ફિલ્મનો જ હતો. આઇ મીન એવી ગજબની ફિલ્મ બનાવેલી કે…

સાલા. શું સીન લીધા’તા એક એક. કચરાના ઢગલામાં ખૂંપેલા કામદારો. પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા લોકો. રેપનો ભોગ બનેલી યુવતીઓ. પુરાવા છુપાવતી પોલીસ ને પાછું બધું સાવ એવું મેટર ઑફ ફેકટ બતાવેલું ડાયરેક્ટરે. ને એડીટીંગ ને પ્લેસિંગ તો એટલા ટાઇટ કે…

કે હું સાવ જ સલવાઈ ગયો. ગોટે ચઢી ગયો.

એવું થવા માંડ્યું કે સાલું ત્યાનત છે આ સુખી જિંદગી પર. આટલા બધા લોકો, વસ્તીનો આટલો મોટો હિસ્સો, આવી હાલતમાં જીવતો હોય ને હું જલસા કર્યા કરું? હોટલોમાં ને થિયેટરોમાં ફર્યા કરું? – કૈક કરવું ન જોઈએ મારે–? આ બધા કરોડો દુઃખિયાઓ, શોષિતો પ્રત્યે મારી કોઈ ફરજ નથી? – સાથે સાથે જોકે એવુંય થતું’તું કે હું કરવાનોય શું હતો? દીનદુ:ખિયાની સેવા? ચળવળ? એવું કશું હું કરી શકું ખરો? હું આળસુ, એદી – શહેરની સુખી જિંદગીનો બંધાણી.

આવા તો કૈક ઊભરા આવ્યા ને શમી ગયા. આય એવો ઊભરો ન હોય એની શી ખાતરી? ને પાછી મારી જવાબદારીઓ? આશના? એનું શું? એને મૂકીને હું ગમે ત્યાં જઈ શકું? એ જોડે ના આવે તો હું એકલો રહી શકું? એટલે આવા બધા વિચારો, મૂંઝવણો ને ગૂંચવાડા…

મને લાગે છે આ બધાના ગૂંચવાડાને લીધે જ હું બૌખલાઈ ગયો. ને પછી તો સાવ. ઓહ. બેલ વાગ્યો. આવી ગઈ લાગે છે. એ જ છે. બિચારી. બહુ જ થાકેલી લાગે છે. ડાર્ક બ્લ્યુ ટોપમાં ઝંખવાયેલી. ચહેરા પર તો ધૂળના થર થર જામ્યા

હાય. એ બોલે છે
હાય. હું સ્માઇલ કરું છું.
તારા મિસ્ડ કોલ્સ જોયા. પણ એટલો બધો ટ્રાફિક હતો કે કંઈ સંભળાય એવું જ ન્હોતું
પણ મેસેજીસનો તો રીપ્લાય…
ઓહ તે મૅસેજ પણ મોકલેલા?
મારું ધ્યાન જ ના ગયું. એ ફોનમાં જોવા લાગે છે.
ઇટ્સ ઓકે. હું સ્માઇલ કરી સમજાવું છું.
નાહીને આવું પછી ડીનર કરીએ.
હા હા. કોઈ વાંધો નહીં.

એ મારી તરફ એક હળવું સ્મિત કરીને જાય છે. હું ડાઇનિંગ ટેબલ પર જઈ બેસું છું. ભલે મોડું થયું પણ એ આવી તો ખરી. સારું થયું. હવે હું એની જોડે મારી વાત શેર કરી શકીશ. જોકે, આ વાતમાં એને રસ પડશે કે કેમ – એ એક સવાલ છે. કેમકે આવી બધી – સામાજિક રાજકીય વાતોમાં એને ઓછો રસ પડે છે.

પહેલેથી. કંઈ નહીં હું કહીશ તો ખરો જ. આ વંટોળમાં એવો ભેરવાયો છું કે…

અ… આશના… આજે હું એક ડોક્યુમેન્ટ્રી જોવા ગયેલો.
અહંઃ પટવર્ધનની ડોક્યુમેન્ટ્રી હતી. જય ભીમ કોમરેડ.

એ અચાનક ખાતી અટકી જાય છે. આંખના ડોળા જમણી બાજુ ઉપરના ખૂણે ફંટાય છે.

આઈ થીંક મેં જોયેલી છે.
દલિત ઈશ્ય પર છે. સફાઈ કામદારોની. દલિત કલાકારો પણ છે…

હવે ડોળા ડાબી તરફ. પણ એ કશું બોલતી નથી. બુચકારો કરે છે. ને ખાવા લાગે છે.

એક-એક કોળિયો કાળજીપૂર્વક મોંમાં મૂકી ચાવી રહી છે એ. લયબદ્ધ. વ્યવસ્થિત રીતે. મારે પણ… પણ આ તો ઊભી થઈ ગઈ.

પતી ગયું?

આંખના ઇશારે હા પાડી એ અંદર ચાલી ગઈ. ને આવીને પાછી બેઠી ટેબલ પર. મુખવાસ ફોક્તી… મને લાગે છે મારેય પતાવી દેવું જોઈએ. વિચાર વિચારમાં બહુ ખવાઈ ના જાય.

ચલો મારુંય પતી ગયું.

શાક થોડું તીખું હતું નહીં
બહુ જ. ઘણી વાર બેન બહુ મરચું નાખી દે છે, ને ઘણી વાર એટલું મોળું બનાવે છે કે… હમમમ… સુજી, હું રૂમમાં જાઉં છું.
ઓકે
કેંક જોવું છે સાથે લેપટોપ પર?
શું?
હાઉસ ઑફ કાર્ડ કે પછી ટુ ડિટેકટીવ? કે પછી કંઈ પણ.
ના, ના. આજે મારે નથી જોવું. આજે ફેંક લખીશ. અથવા તો વાંચીશ.: ઓકે… ગઈ. ખબર નહીં હું શું બોલી ગયો. મારે ક્યાં કશું લખવું છે. વાંચવાનોય મૂડ નથી. ટી.વી. શોના એપિસોડ જોવાત એક-બે. કંઈ વાંધો નહોતો. વચ્ચે વચ્ચે મારી વાત કરી લેત. પણ એને તો ફિલ્મ યાદ નથી. ને મૂડ પણ જોને. હાઉસ ઑફ કાર્ડ ને ટુ ડિટેક્ટીવની મા પય્ણ્યા કરે છે…

કંઈ નહીં. જે થયું ઠીક થયું. બેસું અહીં. મૅગેઝિન વાંચું. એક કામ કરું. લેપટોપ ચાલુ કરી આર્ટીકલ્સ જોઉં – ફિલ્મ વિશેના. હા, એ સારો વિચાર છે.

ઓહ. ખાસ્સા સર્ચ રિઝટ્સ આવે છે ફિલ્મ વિશે. બહુ જાણીતી ફિલ્મ છે આ તો. અમુક બ્લોઝ તો એને વિશેના જ છે. જય ભીમ, જય ભીમ. અલગ અલગ રંગના બ્લોગ્ઝ. કોક સાદા, કોક ફેન્સી…

ને લે. ફેસબુક પર પોસ્ટ કરી દીધી નિમેશભાઈએ તો. ફોટા સાથે. હેડ અ વન્ડરફૂલ સ્ક્રીનીંગ. અલોંગ વિથ ધ ડિસ્કશન. જય ભીમ. કેટલા – ૧૨ લાઇકસ પણ આઈ ગયા. ને સાત કમેન્ટ. મિસ્ટ ઇટ. ગ્રેટ એફર્ટ ને એવી બધી. સાલું આવવું છે નહીં ને ગ્રેટ ને વાઓ કર્યે જવું છે…

કંઈ નહીં બહુ ઊંઘ આવે છે મને તો. આ બધું મૂકું ને સૂઈ જઉં. આંખ બંધબંધ થયા કરે છે. લેપટોપે છો પડ્યું એમ ને એમ. પણ આ આશના – એ તો હજી લેપટોપ સામે હેડફોન ભરાવીને બેઠી છે.

સૂઈ જા હવે. હું બેડમાં પડતું નાખતાં કહું છું.
હે? એ હેડફોન બહાર કાઢી પૂછે છે.
સૂઈ જા હવે.
હા બસ આ એપિસોડ પતે એટલી વાર.

હું એની સામું ઘડીભર જોઈ રહું છું. લેપટોપની લાઇટમાં એનો ચહેરો ઝળહળે છે. એની આંખો સ્ક્રીન પર મંડાયેલી છે. અચાનક એ મારી તરફ મોં ફેરવે છે ને ભમરો પ્રશ્નાર્થમાં તાણે છે. હું સહેજ સ્માઇલ કરું છું. ને એનો હાથ પકડું છું. એ મારી હથેળી દબાવે છે.

ને હું આંખો મીંચી દઉં છું. આંખોમાંથી શરૂ થઈ ઊંધ ફેલાઈ રહી છે મારા આખા શરીરમાં. ને મને દેખાય છે ગામડાનું તળાવ ને તળાવને કાંઠે લાકડીનો ભારો ઊંચકીને જતી ગામડાની સ્ત્રી ને વડલા નીચે કરિયાણાની નાની દુકાન ને

ચાલો ઘણું કામ પતાવી દીધું સવાર સવારમાં. બે ચાર જગાએ કો-ઓર્ડીનેટ કરવાનું હતું. માલનું, મશીનરીનું – કરી નાખ્યું. મૅનેજર પાસેથી મન્થલી રિપોર્ટ મેળવીને ચેક કરી લીધો. પપ્પા જોડે પણ વાત કરી દીધી. ફેમિલી બીઝનેસ ખરો એટલે…

હાશ. હવે થોડી શાંતિ પડી. હવે નિરાંતે બેસીશ. છાપું વાંચીશ. ટી.વી. પર ન્યૂઝ જોઈશ. ને હા, જય ભીમ કોમરેડના વિચારો કરીશ. કેમકે આ વખતે ઊભરો શમવો ન જોઈએ. કાયમ જેવું ના થવું જોઈએ. જોકે આ વખતે લાગે છે કે એવું નહીં થાય. એક તો ફિલ્મ જ એવી હતી ને આ ફેરી મને જેન્યુઈન ફીલ થયું છે. અત્યારે ફિલ્મનાં દૃશ્યો યાદ કરું છું ને પેલો વંટોળ ઊભરાવા લાગે છે.

તો શું કરું?

ફરીથી કરું ગૂગલ? ગઈકાલે અમુક ઇન્ટરેસ્ટીંગ બ્લૉગ બાકી રહી ગયેલા. હા એમ કરી શકાય. પણ એ. યાદ આવ્યું. સ્ક્રીનીંગમાં તો કહેલું કે ફિલ્મ યુટ્યુબ પર મૂકેલી છે. જેને જોવું હોય એ જોઈ શકે. ખાલી સ્ક્રીનીંગ માટે મંજૂરી લેવી પડે. હા યાર. આ તો ભુલાઈ જ ગયેલું. કાલે આશનાને ફિલ્મ યાદ હોતી આવતી ત્યારે દેખાડતને.

કંઈ નહીં. આજકાલમાં બતાવી દઈશ. પણ સાલું, સાવ જ ભુલાઈ ગયેલું. વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર. હવે આ બ્લોગ લોગ બંધ કરું ને ફિલ્મ જ જોવા મંડું. કદાચ કૈંક જોવા મળે, નવો એન્ગલ મળે.

નથી જોવાતું મારાથી યાર – આ બધું.

આ પેલી સ્ત્રી જેનો દીકરો રમાબાઈ કોલોનીમાં થયેલા ગોળીબારમાં મરી ગયો – એની આંખો – સાવ સ્થિર, ભાવહીન.

ને આ વિલાસ ઘોઘરેના મિત્રનો સ્મશાનમાં ઇન્ટરવ્યુ. અંધારામાં પાળી પર બેઠા બેઠા વિલાસે આત્મહત્યા કેમ કરી હશે એની ચર્ચા. ને ઊંચા વર્ણના દલિતોએ પોતાની દીકરીનો રેપ કર્યાનું બયાન આપતી એક મા. સાલું દલિતોમાંય પાછું ઊંચા દલિત ને નીચા દલિત. નથી જોવાતું મારાથી. નથી જોવાતું આ બધું.

ખરેખર. બંધ જ કરી દઉં છું.

એમેય જોઈને શું કરી લેવાનો હતો. કદાચ થોડો દુઃખી થઉં. થોડી ચિંતા કરું. બે-ચાર મિત્રો જોડે ચર્ચા કરું. પછી? પછી પૂરું. ફિનિશ. ફરી એ જ જિંદગી. એ જ ફેક્ટરી, એ જ મોલ. એ જ થિયેટરો.

ફિલ ને વિચાર. ફિલ ને વિચાર. સાલું ક્યારેક તો કૈંક તો એક્શન હોવું જોઈએ ને?

પણ… આ એકશન એટલે શું? કૈક એટલે કરવાનું શું? મારું ગજું કેટલું? ને મારી જવાબદારીઓ, મારો સ્વભાવ? મુંઝવણોનાં તો એવાં મોજાં પર મોજાં આવે છે કે..

વાર્તા લખું? આ વિષય પર? પણ વાર્તા લખાશે મારાથી? આ વિષય પર વાર્તા લખાય?

ને વાર્તા લખું તો એ પાછું વાંચે કોણ? પરિસ્થિતિમાં કશો ફેર પડે?

ના-ના વાર્તા નથી લખવી. આ વખતે તો ડાયરેક્ટ ચેન્જ થાય એવું કૈક કરવું છે. કેંક એક્શન.

તો પછી, એક વસ્તુ કરી શકાય – નિમેષભાઈને વાત કરાય. હા એ મદદ કરી શકે. એ તો પાછા ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એટલે એમને ખબર હશે. શું કરવું, ક્યાં જવું?

ને એમેય કંઈ ના વળે તોય ટ્રાય કરવામાં આપણને શું વાંધો છે?

હલો નિમેશભાઈ કેમ છો?
કેમ છો સુજીતભાઈ? દેખાયા નહીં સ્ક્રિનિંગ પછી.
એ તો મારે ઘેર જવું પડે એવું હતું.
હા ભઈ હવે તમે પરણેલા માણસ એટલે.
બોલો કંઈ કામથી યાદ કર્યો?
એ તો એવું છે ને કે, તમે બીઝી તો નથી નેઃ ના ના બોલો ને બોલો નેઃ આ તમારા એન જી.ઓમાં કોઈ વોલન્ટિયરની જરૂર છે?
કેમ?
ના આ તો તમારે કોઈ કેમ્પ કે રેલી – કેંકનું કૈંક ચાલતું જ રહે છે નેઃ હા એવું તોય છે પણ હમણાં કંઈ છે નહીં.
અચ્છા એવું છે?ઃ: મ… એક મેડીકલ કેમ્પ છે પણ..
એમ? ક્યારે છે?
એ તો નેક્સ્ટ વિક છે. બુધવારથી રવિવાર સુધી.
હું આવી શકું એમાં?ઃ તમે?
કેમ? અમારાથી ના અવાય?
અરે તમે તો મોસ્ટ વેલ્કમ પણઃ શું તમેય પણ ને બણ કરો છો નિમેશભાઈ?
એમ નહીં પણ તમે કરશો શું? તમારો બીજી રીતે લાભ લઈએ ને અમેઃ બીજી રીતે લાભ પછી લેજો પણ આમાં મને આવવા દો. પ્લીઝ. રીક્વેસ્ટ કરું છું.
અરે કવિરાજ… તમેય ક્યાં પ્લીઝ બ્લીઝ કરવા બેઠા? સંસ્થા તમારી જ છે ને. આવો ને ગમે ત્યારે.
તમે હશો ને કેમ્પમાં?
હું તો હોઉં જ નેઃ ઓકે. તો તો વાંધો નઈ. ખાલી એક વાર પપ્પા જોડે વાત કરી લઉં.
હા હા એ બધું કરી લો. તે પછી ફાઇનલ હોય એમ કહો.
ઓકે. શ્યોર.
ચલો બાય.
મળીએ.

ખબર નહીં અઠવાડિયું જવા મળશે કે કેમ. ફેક્ટરીનું કામ તો દવેભાઈ સંભાળી લે એમ છે. ને પપ્પાનેય કહીશ એટલે જોઈ લેશે. પણ આશના? એનું શું? એ માનશે કે નહીં? ના માનવાનો કોઈ ચાન્સ નથી, કેમકે એક વીક – આમ તો પાંચ દિવસનો જ સવાલ છે. પણ મને જ પેટમાં ને આખા શરીરમાં એવું ગુડબુડ ગુડ-બુડ થાય છે કે… હું શું કરીશ, કેવી રીતે મૅનેજ કરીશ. એક બાજુ રોમાંચ પણ થાય છે ને બીજી તરફ ચિંતાય. ચિંતા ને રોમાંચનો ઘટ્ટ લોંદો એવો તે ઘૂમરાયા કરે છે પેટમાં કે.

ચલો નીકળી પડ્યો છું હું તો. બસમાં, એકલો. નિમેશભાઈ તો બે દિવસ પહેલાં પહોંચી ગયા.. કઈ નહીં આપણે એકલા. આપણી રીતે. આય એક અનુભવ તો ખરો જ ને! હાસ્તો!

જોકે કંઈ ખાસ તકલીફ પડી નહીં. હું તો ખોટું ખોટું ડરતો’તો.

પપ્પા તો મારી વાત સાંભળી ખુશ થઈ ગયા.

મને કહેઃ તું આટલું સારું કામ કરવા માટે જાય છે. જા બેટા બેફીકર. ફૅક્ટરીનું કામ હું જોઈ લઈશ ને માણસો તો છે જ ને. તું તારે રહેવું હોય એટલા દિવસ રહેજે.

હું તો એકદમ આશ્ચર્યમાં ગરકાવ. શોક્ક. સપનેય વિચાર્યું નહોતું કે પપ્પા તરફથી આવો પૉઝિટિવ રિસ્પોન્સ મળશે.

પણ આમ આશના પાસેથી એવી આશા હતી કે એ કૈક કહેશે. જવાની ના પાડશે અથવા તો કારણ જાણવા પ્રયત્ન કરશે કે પછી અચાનક ઉપડેલી આ ઘેલછા માટે આશ્ચર્ય વ્યક્ત કરશે. કંઈ નહીં તો કટાક્ષ કે છણકો કરશે. પણ એવું કશું ના થયું. મેં એને મારો વિચાર જણાવ્યો ત્યારે કશું બોલી નહીં. કંઈ કરતાં કંઈ નહીં. બસ સહેજ વાંકી નજરે તાકી રહેલી મને – બે-ચાર સેકંડ. કરડાઈથી. ને પછી કરડાઈ સાવ ઝીણા સ્મિતમાં ફેરવાઈ ગઈ. મેં ધ્યાનથી જોયું તો મને લાગ્યું કે એનું સ્મિત જાણે મારો ઉપહાસ કરે છે… જાણે મારા વિચાર, મારા નિર્ણય બનાવટી છે ને એ બાબત એ સમજી ગઈ છે એવું એ સ્મિત હતું… બહુ ભયંકર. રીયલી. મને તો બહુ ખરાબ લાગેલું. એવું થયું એવું થયું કે મરી જઉં. ક્યાંક ઊંચેથી કૂદી પડું. પણ ગમ ખાઈ ગયેલો. શું કરું?

જોકે હવે મને લાગે છે એના મનમાં એવો કશો ભાવ નહીં હોય. બધો મારા મનનો વહેમ જ હશે. કેમકે ગઈકાલે પેકીંગમાં તો એણે ખાસ્સી મદદ કરેલી. એ પણ હસતા ચહેરે. ઓઢવાનું, દવાઓ, મોજાં, ટુવાલ, નાસ્તો બધું યાદ કરી મુકાવેલું.

એની વે, જે હોય એ. કશો ભાવ હોય કે ના હોય. હું તો બસ આ સફરનો આનંદ ઉઠાવવા માગું છું. આ વૃક્ષો, ખેતરો ને તડકો. કેટલા સરસ છે બધા. ને આગળ કૅમ્પ પણ આવો જ સરસ રહેશે. મને તો અત્યારથી જ એટલું એક્સાઇટમેન્ટ થઈ રહ્યું છે કે

ચાલો આજે ઉઠી ગયો ને તૈયાર થઈ ગયો છું. ગઈ કાલે મોડી સાંજે આવેલો ત્યારે તૈયારીઓ ચાલતી’તી. નિમેશભાઈએ એકાદ-બે લોકો સાથે ઓળખાણ કરાવેલી. એક તો સુરેશભાઈ ને બીજા કોણ. નામ ભૂલી ગયો છું. પણ નિમેશભાઈએ મારી થાકેલી આંખો ને મારો ધૂળિયો વેશ જોઈને કહેલું કે જમીને સૂઈ જાઓ. કાલે મળશું. તે હું એમના કહ્યા મુજબ જમી-પરવારીને સૂઈ ગયેલો.

ને અત્યારે હું રાહ જોઈને બેઠો છું. અહીં સ્કૂલના પગથિયા પર. થોડો વહેલો આવી ગયો છું. બહુ નહીં દસેક મિનિટ. સારું ને. એમનેય લાગશે કે છોકરો સિન્સિયર છે. કમિટેડ છે.

પણ આજે મને સારું ફિલ થઈ રહ્યું છે. ખરેખર.

સરસ તડકારંગી સવાર છે. સામે લીમડાના ઝાડ પર સુડાની કિલકારીઓ સંભળાય છે. કાબર પણ કલબલાટ કરી રહી છે.

ખબર નહીં મારે શું કામ કરવાનું આવશે આ કૅમ્પમાં, નિમેશભાઈ કહેશે એમ હું તો….

ઓહો આજે તો વહેલી સવારમાં આવી ગયા ને કંઈઃ ઓહ આવી ગયા નિમેશભાઈ?
હું તો આવ્યો પણ તમે તો મારીયે પહેલાં આવી ગયા.
હા આ કચરો વાળવાવાળા બેનનીય પહેલાં આવી ગયેલો.
શું વાત છે? નાસ્તો કરવો છે?
ચલો

હવે એવું નક્કી થયું છે કે મારે ડૉક્ટરની બાજુમાં બેસવાનું. ને એ જે તપાસ કરે એની નોંધ કરવાની. લીસ્ટ ડાઉન કરવાનું બધું.

મેં તો જેવી સુરેશભાઈએ વાત કરી કે સંપૂર્ણ ઉત્સાહથી કામ સ્વીકારી લીધું. તરત જ. કામ થોડું ક્લેરીકલ છે. પણ તો શું?પાંચ દિવસનો જ સવાલ છે ને.’ નિમેશભાઈને એવું લાગે છે કે આ કામ માટે લાયક નથી. એમના મતે હું સુંવાળો બુદ્ધિજીવી ફેક્ટરીમાલિક ટાઇપ છું. પણ એવું નથી.

મારે કંઈ એવો ઇગો-વિગો નથી. બતાવી દઈશ મોકો આવ્ય – નિમેશભાઈને.

ગામડાઓમાં ફૂલોરોસીસ ને દાંતના પ્રોબ્લેમ બહુ છે. આંખના નંબર પણ હોય છે. ઘણા લોકોને જાણ વગર. ને વધતા ચાલે. એ સિવાય બાળકોમાં કુપોષણ, ઘરડાઓમાં હાડકાનું ઘસાવું બધું તો ખરું જ. ને પાણીના કારણે ચામડીમાં વધુ પડતો ખાર જેવી તકલીફોય ખરી.

જોકે તકલીફો છતાં મોટા ભાગના હસતા મોઢે આવે છે. ગંભીર ચહેરા હોય પણ ઓછા. મારી સામે જોઈને મોટા ભાગના સ્માઇલ કરતા હોય છે.

આજે સાંજે તળાવે ગયેલો – સુરેશભાઈ જોડે. બહુ ઇચ્છા હતી મને ગામડાનું તળાવ જોવાની. ચોપડીમાં વાંચેલું. ફિલ્મોમાં જોયેલું. પણ આજે નરી આંખે જોયું તો સાવ…

સાવ સાધારણ લાગ્યું. એટલું ખરાબ નહોતું. પણ એકદમ સીધું સાદું. ચારે તરફથી ઊંચી ભેખડોથી ઘેરાયેલું. પાણી પણ સહેજ લીલાશ પડતું. સાંજનો ટાઇમ એટલે માણસોય નહોતા.

જોકે સાંજના આકાશમાં ગેરુઆ રંગો ઉતરી આવ્યા ત્યારે આખું દૃશ્ય સારું લાગેલું પણ…

કૅમ્પમાં જાતભાતના લોકો આવે. કોક શાંત કોક મળતાવડા, કો’ક ને કૈક પૂછીએ તોય એક બે શબ્દોમાં જવાબ આપે. ને કોકની સાથે જરી સ્મિતની આપલે થાય કે વાત કરવા માંડે. પણ એક સવાલ કોમન. તમે કેવા? કઈ નાતના? ને એમાં હું જે જવાબ આપું એના રીસ્પોન્સ પાછા જુદા. ગઈ કાલે એક ડોશી કહે. ઓહો. ઓહો. તમે વાણિયા થઈ ને અમારી વચ્ચે આવ્યા. ધન્ય સે સાહેબ ધન્ય… આજે એક ભાઈ મળ્યા એ થોડા મોંફાટ હતા. મને કહે..તમે આવ્યા તો સો.પણ વાણિયાના પેટમાં ઝેર હોય ખબર સે. જીભ પર ગોળ ને પેટમાં ઝેર. કહીને એને એના સાથી હસવા માંડયા. પછી એનો સાથી કહે.ઃ જો જો સાહેબ હો તમારા માટે નથી. હાચું ના માની જતા. અમે તો મઝાક કરીએ સીએ. એટલે પેલો મજાક ચાલુ કરવાવાળો ગંભીરતાથી કહે. હા સાહેબ હો. ને તમે ક્યાં બીજા વાણિયા જેવા સો હે? એનું ગરીબડુ મો જોઈને મનેય મનમાં હસવું આવી ગયેલું.

મને ગામડામાં કોઈ વસ્તુ સહુથી વધારે ગમી હોય તો અહીંનું અંધારું. અહીનું અંધારું ખરેખર અંધારું લાગે. પવન પણ છાકટો. રાતે પેશાબ કરવા જતાય બીક લાગે. ગઈ કાલે મારે એવું જ થયું. મેઈન બિલ્ડિંગથી ટોઇલેટ આધે. ને પાણી વધારે પીવાઈ ગયેલું. એટલે… અડધી રાતે કૉલ આયો. કૂતરા ભસતા’તા. પવન વાતો’તો. ચીબરી બોલતી’તી.

જે રીતે હું પહોંચ્યો છું. ને જે સ્પીડથી મેં કામ પતાવ્યું છે.

ખબર નહીં કેમ પણ આજે મને આશનાની યાદ આવે છે. એની ગેરહાજરી ખેંચે છે. એની સાથે રહેવાની ટેવ જ એવી પડી ગઈ છે કે… સવારે હું બાલકનીમાં બેઠો હોઉં. ને એ આવી ચઢે કોઈ ફૂલ ખીલે એમ. સુગંધ આવે પાછી. શેમ્પ કે સાબુની ભીનાશ પડતી. રાતે પણ એ સૂતી હોય ને મારી ઊંઘ ઊડી જાય તો એના નિતંબો, એની કમરને જોતો રહું. ગમે – એની હાજરીને આંખોથી પીધા કરવી.

અત્યારે એની એ હાજરી છે નહીં એટલે આ બધું વધારે યાદ આવે છે. એવું થાય છે કે કૈક લખું એના માટે. પણ આઈ થીંક બહુ ટાયલું લાગશે. એમે એને શબ્દો બહુ ગમતા નથી, ને મનેય આવી લાગણીઓ વ્યક્ત કરવાનાં એવા કંઈ ધખારા…

ગઈ કાલે સાલું મને ઊંઘ જ ન આવી. ખબર નહીં કેમ. ધાબળામાં ધૂળ હતી કે પછી બારીમાંથી લાઇટ આવતી’તી એટલે કે… પણ વિચારો જ ચાલ્યા કર્યા. ફેકટરીના વિચારો. ઘરના વિચારો.તળાવ પર કપડાં ધોતી સ્ત્રીના વિચાર. બીજી કૅમ્પમાં જોયેલી છોકરીઓના વિચાર. અલગ અલગ જ્ઞાતિઓના વિચાર. પણ ઊંઘ ના આવી તે ના જ આવી. સવારે માંડ એક ઝોકું આવ્યું હશે. અત્યારે થાય છે કે થોડો ટાઇમ લાંબા થવા મળે તો કેટલું સારું! ઘરનો સોફો યાદ આવે છે. એય લંબાવીને ને મૅગેઝિન વાંચતા વાંચતો સૂઈ જઉં ને…

સાંજ પડવા આવી છે પણ કામનો કોઈ આરો નથી. આંખો વારે ઘડીએ બંધ થઈ જાય છે. માથુંય જરી જરી દુખ્યા કરે છે. ગઈ કાલે રાતે ઊંઘ તો આવી ગયેલી. પણ ત્રણ-ચાર વાર ટોઇલેટ જવું પડેલું. અત્યારે પણ પેટમાં સહેજ દુખે છે. ખાસ કરીને નીચેના ભાગમાં. આઈ થીંક રોટલા વધારે ખવાઈ ગયા મારાથી. એમેય બાજરી મને બહુ સદતી નથી…

કાલ સાંજનું મેં કંઈ જ ખાધું નથી. અત્યારે પણ મેં થોડા ખાખરા ખાધા ને લીંબુ પાણી પીધું. હવે સારું લાગે છે. પેટમાં ઓવરઓલ સારું ફીલ થાય છે. સાચું કહું તો આજે છેલ્લો દિવસ છે એ વિચારેય સારું લાગે છે. ખાસ કરીને આશના બહુ યાદ આવે છે. એની આંખો, એનું હસવું, એનો સ્પર્શ. ને ઘરનો પલંગ, સોફો, ટીવી..

બસમાં બેઠો છું. અત્યારે તો બધા સાથે જ છીએ અમે. હું, નિમેશભાઈ, સુરેશભાઈ ને મેહુલ.

એ ત્રણેય વાતો કરી રહ્યા છે. હમણાં જ ઉનાના દલિતો પર અત્યાચાર થયા એ વિશે. એ લોકો ઉના જવાના છે. મને પૂછ્યું. મેં તો ના પાડી દીધી. વીડિયો ભયંકર હતો. ફફડી જવાય એવો પણ આ પીડિતોના પરિવારને મળવું ભીડ વચ્ચે ને ચળવળ ને સભાઓ. આ બધું મને નથી ગમતું. ને એમે અત્યારે તો મારે ઘેર જ…

હા હવે ઘર સિવાય કંઈ નહીં. મારું ઘર. મારો બેડરૂમ. મારી રજાઈ. મારી ચોપડીઓ. આશના. હાશ.

બેલ વગાડ્યો મેં. આશના જ ખોલશે લગભગ. મોડી રાત છે એટલે. આ એણે જ ખોલ્યું. દેખાય છે આખી. કેસરી ટોપ ને ઢીંગલીઓવાળા ટ્રેકમાં. આવી ગયો તું અત્યારે? એ પૂછે છે. હું મંદમંદ હસી રહ્યો છું. એ આંખો ચોળે છે. હું એને ભેટી પડું છું. એય મને ભેટે છે. અર્ધ પર્યું. હથેળી કમર સુધી માંડ લઈ જતી. ઊંઘમાં જ લાગે છે.

બેગ લઈ લે અંદર. એ બોલે છે. હું બીજી બેગ અંદર લઈ લઉં છું. ઊંઘમાંય સાલું બેગ ખરી યાદ આવે છે એને. એની વે. ચાલો ઘરે તો આવ્યા. કપડાં વપડાં બદલી લઈએ. ને લંબાવી દઈએ. પછી તો…

અત્યારે પથારીમાં પડ્યો છું ને મને યાદ આવ્યા કરે છે આશના. એનું વાક્ય. બેગ લઈ લે અંદર. ને એ બોલતી વખતની એની નજર. ઠંડી, કંટાળાભરી. ને મને એવો સવાલ થાય છે જે કે પહેલી વાર મેં એને કૅમ્પમાં જવાની વાત કરી ત્યારે એણે ખરેખર મારો મનોમન ઉપહાસ કર્યો હશે? ને હું આવ્યો આટલા દિવસ પછી તો મને જોઈને એને જરા જેટલોય આનંદ થયો હશે? લાગતું તો નથી.