અન્વેષણા/૩૪. ડિંડી

From Ekatra Wiki
Revision as of 02:06, 12 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ડિંડી



પાચમા સૈકા આસપાસ રચાયેલા સંઘદાસગણિના પ્રાકૃત કથાગ્રન્થ‘ ‘વસુદેવ–હિંડી’નું ભાષાન્તર ઈ. સ. ૧૯૪૪માં હું કરતો હતો ત્યારે એમાં ‘દૃઢ શીલ વિશે ધનશ્રીના દૃષ્ટાન્ત’માં (મૂળ, પૃ. ૫૧-પર; અનુવાદ, પૃ. ૬૨) डिंडी શબ્દ આવ્યો. એ એક જ કથામાં આ શબ્દ ઓછામાં ઓછું આઠ વાર પ્રયોજાયેલો છે. ધનશ્રી નામે એક સુશીલ સ્ત્રી ઉપર એક डिंडी કુદૃષ્ટિ કરે છે, પણ ધનશ્રી પોતાનું શીલ કેવી રીતે બચાવે છે એની એ વાર્તા છે. અનુવાદ કરતી વખતે કોઈ પણ સંસ્કૃત-પ્રાકૃત શબ્દકોશમાં અથવા એ સમયે જોયેલા સાહિત્યમાં આ શબ્દ જોવામાં આવ્યો નહોતો, એટલે એ રીતે એનો અર્થનિર્ણય મુશ્કેલ હતો. डिंडीનું સંસ્કૃત दण्डिन् કલ્પીને એનો ‘દંડધારી ન્યાયાધીશ' એવો અર્થ અનુમાનથી કર્યો હતો. જોકે આખો સન્દર્ભ જોતાં એ અર્થ પણ સંતોષકારક લાગતો ન હતો. ત્યાર પછી શ્યામિલકના સંસ્કૃત ‘પાદતાડિક ભાણ’માં डिंडीનો અનેક વાર પ્રયોગ થયેલો જોયો. ‘વસુદેવ–હિંડી’ અને – ‘પાદતાડિતક ભાણ’ના પ્રયોગોની તુલના કરતાં અર્થની ઠીક સ્પષ્ટતા થવા પામે છે. ‘પાદતાડિતક ભાણ’માં એ શબ્દના પ્રયોગો નીચે પ્રમાણે છે— (१)...प्रतिवादिभिर्लाटडिंडीभि: सूचित: सेनापते: से नकस्यापत्यरत्नं भट्टिमधवर्मा भविष्यति । (પૃ. ૧૫.) (२) लाटडिण्डिनो नामैते नातिभिन्नाः पिशाचेभ्यः । (પૃ. ૧૬) (३) भो एतत्खलु डिण्डित्वं नाम । सर्वथापि साधु भोः प्रीतोऽस्मि भवतोऽनेन डिण्डित्वेन । सर्वथा विटेष्वधिराज्यमर्हसि । (પૃ. ૧૭) (४) अये को नुखल्वेषः शौर्पकारिकायाः शमदास्या भवनान्निष्पत्य डिण्डिगणपरिवृतो वेशमाविष्करोति । (પૃ. ૨૦) (५) एतड्डिंण्डित्वं नाम भोः । डिण्डिनो हि नामैते नातिविप्रकृष्टा वानरेभ्यः । भो किञ्च तावदस्य डिण्डिकेषु प्रियत्वम् । डिण्डिनो हि नाम

आलेख्यमात्मलिखिभिर्गमयन्ति नाशं
सौधेषु कूर्चकमषीमलमर्पयन्ति ।
आदाय तीक्ष्णतरधारमयोविकारं
प्रासादभूमिषु घुणक्रियया चरन्ति ।। (પૃ. ૨૧-૨૨)

આ અવતરણો ઉપરથી સ્પષ્ટ છે કે डिंडीનો પ્રયોગ ‘છેલબટાઉ’, ‘વિટ’ જેવા અર્થમાં થયેલો છે. અવતરણ (૩)માં એક डिंडीને ‘વિટોના અધિરાજ્યને યોગ્ય' વર્ણવ્યો છે તે આ દૃષ્ટિએ સૂચક છે. અંગ્રેજીમાં Dandy નો છે તેવો જ લગભગ અર્થ એને મળતા ધ્વનિવાળા આ શબ્દનો છે. એ શબ્દનો ગુજરાતી શબ્દ ‘દાંડ’ સાથે સબંધ હશે ખરો? ‘પાદતાડિતક ભાણ' ગુપ્તકાળમાં રચાયો હોવાનું મનાય છે, ‘વસુદેવ–હિંડી’ નિશ્ચિતપણે એ જ કાળનો ગ્રન્થ છે. ‘વસુદેવહિંડી'ની ભાષા પ્રાકૃત છે, તો ‘પાદતાડિતક ભાણ’ની ભાષા સંસ્કૃત હોવા છતાં એનો વિષય લૌકિક છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં અન્યત્ર જવલ્લે જ જોવામાં આવતો डिंडी શબ્દ એ બન્નેમાં મળે છે. એ નોંધપાત્ર છે. બન્ને રચનાઓ લગભગ એક સમયમાં થઈ હોવાના અનુમાનને એ સબળ બનાવે છે. [1]*જોકે डिंडी શબ્દના અર્થવિકાસના અભ્યાસ માટે હજી વિવિધ રચનાઓમાંથી આ પ્રકારના વધુ પ્રયોગોની અપેક્ષા રહે છે.

અનુલેખ

આ પ્રગટ થઈ ગયા પછી શ્રી. જીવનલાલ ત્રિ. પરીખે ‘બુદ્ધિપ્રકાશ’માં એક નોંધ લખીને ધ્યાન દોર્યું છે કે ભાસ કવિના ‘પ્રતિજ્ઞાયોગંધરાયણ’ નાટકના ત્રીજા અંકના આરંભમાં ततः प्रविशति डिण्डिकवेषो विदूषक: એ રીતે डिण्डिक શબ્દ પ્રયેાજાયો છે. પૂર્વાપર સન્દર્ભ ઉપરથી, એ શબ્દ ‘બ્રહ્મચારી બટુક'ના અર્થમાં છે અને ભાસના સમયમાં એ અર્થ પ્રચલિત હશે એમ તેમણે દર્શાવ્યું છે. ત્યાર પછી ગુપ્તયુગ સુધીમાં, એ શબ્દ અર્થાન્તર પામતાં પામતાં ‘છેલબટાઉ', ‘વિટ' જેવા અર્થ સુધી આવી પહોંચ્યો એમ ‘વસુદેવ-હિંડી’ અને ‘પાદતાડિતક ભાણ’ના પ્રયોગોને આધારે માનવું પ્રાપ્ત થાય છે.

[બુદ્ધિપ્રકાશ ’, જાન્યુઆરી ૧૯૫૩]


  1. * મૂળ જૈન સૂત્રો તથા તે ઉપરની ટીકાચૂર્ણિઓમાં છૂટથી પ્રયોજાયેલો तलवर (કોટવાળ, સર. જૂની ગુજ, ‘તલાર’) શબ્દ પણ ‘પાદતાડિતક ભાણ’માં છે. एष हि विदर्भवासी तलवरो हरिशुद्र: । (પૃ. ૨૩) પ્રશિષ્ટ સંસ્કૃતમાં तलवरનો આ પ્રકારે પ્રયોગ વિરલ છે.