સાર્ત્રનો અસ્તિત્વવાદ/૫. સાર્ત્રનું મનોવિજ્ઞાન

From Ekatra Wiki
Revision as of 02:04, 13 September 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big><big>'''૫. સાર્ત્રનું મનોવિજ્ઞાન'''</big></big></big></center> {{Poem2Open}} સાર્ત્રનાં પુસ્તકોમાં તત્ત્વજ્ઞાનના વિષયોની ચર્ચા મુખ્યત્વે થયેલી જણાય છે. પરંપરાગત મનોવૈજ્ઞાનિકની હરોળમાં સાર્ત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. સાર્ત્રનું મનોવિજ્ઞાન


સાર્ત્રનાં પુસ્તકોમાં તત્ત્વજ્ઞાનના વિષયોની ચર્ચા મુખ્યત્વે થયેલી જણાય છે. પરંપરાગત મનોવૈજ્ઞાનિકની હરોળમાં સાર્ત્રને મૂકી શકાય કે નહીં તે બાબત શંકા ઉદ્ભવે તે સ્વાભાવિક છે; કારણ કે સાર્ત્રનાં મનોવૈજ્ઞાનિક વિધાનોનું કોઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓથી અથવા તો પ્રાયોગિક સંશોધનથી સમર્થન થયું હોય તેવી માહિતી ઉપલબ્ધ થઈ નથી. માનસચિકિત્સાના ક્ષેત્રમાં અસ્તિત્વવાદી મનોવિશ્લેષણનો સંપ્રદાય સ્થપાયો છે અને તે ઉપરાંત સાર્ત્રના મનોવિજ્ઞાનમાં સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચાનું મુખ્ય સ્થાન હોવાથી સૈદ્ધાંતિક મનોવિજ્ઞાનમાં સાર્ત્રની વિચારણાનો સમાવેશ કરી શકાય. વ્યક્તિત્વના મનોવૈજ્ઞાનિક અભ્યાસ માટે પ્રખ્યાત થએલા પ્રો. ગૉર્ડન આલપોર્ટના મત પ્રમાણે, અસ્તિત્વવાદની અસર તત્ત્વવિજ્ઞાન સાહિત્ય અને ધર્મશાસ્ત્રમાં જેટલી સ્પષ્ટ જણાઈ આવે છે તેટલી હજી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જણાતી નથી પરંતુ મનોવિજ્ઞાન અત્યારે જે જે ક્ષેત્રોમાં નબળું છે ત્યાં અસ્તિત્વવાદનાં દૃષ્ટિબિંદુથી ઘણો ફાયદો થશે તેમ આલપોર્ટ માને છે. વ્યક્તિત્વ, અહમ્, ચેતના વગેરે પ્રશ્નોના ઉકેલમાં સાર્ત્રની વિચારધારા અમુક અંશે ઉપયોગી છે. સાર્ત્રનું મનોવિજ્ઞાન નીચેના વિષયોના અનુસંધાનમાં સમજવું જરૂરી છે. (૧) અહમ્(Ego), (૨) આવેગ(Emotion), (૩) કલ્પના, (૪) માનવસ્વાતંત્ર્ય, (૫) આત્મપ્રપંચ(Bad Faith), (૬) પૂર્વગ્રહ (Prejudice) અને (૭) અસ્તિત્વલક્ષી મનોવિશ્લેષણ (Existential Psycho-analysis).

(૧) અહમ્-(Ego)

મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની સીમા ઉપર કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. તેમાં ‘અહમ્’નો પ્રશ્ન મૂળભૂત છે. ‘હું’નું ભાન કયા પ્રકારનું છે અને તે કેવી રીતે વિકસે છે તે પ્રશ્નને ઘણા સંદર્ભમાં વિચારી શકાય. વર્તનના માત્ર શારીરિક પાસાંનો અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો સિવાય, બધા મનોવૈજ્ઞાનિકોને આ પ્રશ્નનો કોઈક સ્વરૂપમાં સામનો કરવો પડે છે. ચેતનસપાટીએ ‘અહમ્’નું કાર્ય વાસ્તવિક જગતનું આકલન કરી તેની સાથે વ્યવહાર કરવાનું છે તેવો સિદ્ધાંત ફ્રૉઈડે રજૂ કર્યા પછી ઘણા સમાજલક્ષી અને ચિકિત્સાલક્ષી મનોવૈજ્ઞાનિકોએ આ પ્રશ્નની ચર્ચામાં રસ દર્શાવ્યો છે. સાર્ત્રનો અહમનો સિદ્ધાંત સમજવા માટે, વીસમી સદીની શરૂઆતમાં જર્મન તત્ત્વચિંતન ઉપર જેનો ઘણો પ્રભાવ હતો તેવા ફિલસૂફ ઍડમન્ડ હસર્લ (૧૮૫૯–૧૯૩૮)ની વિચારધારાનાં થોડાંક પાસાંનો પરિચય કરવો જરૂરી છે. હસર્લે તત્ત્વજ્ઞાનમાં ‘શુદ્ધ અનુભવમીમાંસા’ (Phenomenology)નું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું. હાઈડેગર અને સાર્ત્રના અસ્તિત્વવાદ ઉપર હસર્લના આ સિદ્ધાંતની ઘણી અસર થઈ છે. જોકે સાર્ત્ર હસર્લના સિદ્ધાંતમાંથી કેટલીક બાબતોનો અસ્વીકાર કરે છે. હસર્લના સિદ્ધાંતનાં કેટલાંક મુખ્ય પાસાંઓ વિશે વિચારીએ.... (૧) ફ્રેંચ ફિલૉસૉફર ડેકાર્ટે શંકાપદ્ધતિ અપનાવી હતી અને અંતે શંકામુક્ત સત્ય શોધ્યું હતું. શંકા કરનારનું અસ્તિત્વ શંકાથી પર છે. ‘I think, therefore I exit.’ ‘હું’ (Self)નું અસ્તિત્વ સાબિત કર્યા પછી તેના સ્વરૂપ વિશે ડેકાર્ટ જણાવે છે કે ‘સ્વ’ એક પદાર્થ છે અને બધી માનસિક ક્રિયાઓનું અધિષ્ઠાન છે. ‘હું’ એટલે વિચાર કરતો પદાર્થ એવું ડેકાર્ટ સ્વીકારે છે. હવે જગતના અસ્તિત્વનો પ્રશ્ન સિદ્ધ કરવા માટે ડેકાર્ટ ઇશ્વરનો ખ્યાલ રજૂ કરે છે અને ઈશ્વર છેતરનાર ન હોવાથી આપણને જેવું જગત દેખાય છે તેવું છે તેમ ડેકાર્ટ દલીલ કરે છે, પરંતુ હસર્લને અહીં ડેકાર્ટની ભૂલ જણાય છે. અનુભવ ઉપરથી અનુભવ કરનારનું અસ્તિત્વ જેમ ફલિત થાય છે તેમ અનુભવાતી વસ્તુઓનું પણ કોઈક પ્રકારનું અસ્તિત્વ ફલિત થાય છે. (૨) હસર્લ બે પ્રકારનાં દૃષ્ટિબિંદુનો ભેદ પાડે છે. કુદરતી અથવા સ્વાભાવિક દૃષ્ટિબિંદુથી આપણે વિચારીએ તો આપણને આ જગતની વસ્તુઓ આપણી બહાર છે, ચોક્કસ સ્થાનમાં અને સમયમાં છે અને આપણાથી સ્વતંત્ર વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે તેવી પ્રતીતિ થાય છે પરંતુ આ દૃષ્ટિબિંદુ છોડી દઇને એક નવું અનુભવલક્ષી દૃષ્ટિબિંદુ અપનાવી શકાય. (Phenomenological stand point) અહીં આપણા અનુભવમાં આવતા વાસ્તવિક પદાર્થોના અસ્તિત્વનો પ્રશ્ન છોડી દઈને માત્ર એટલો જ પ્રશ્ન પૂછવો જોઈએ કે મારી ચેતનામાં આ વસ્તુઓ કયા રૂપમાં ઉદ્ભવે છે? દા. ત. ટેબલનું પ્રત્યક્ષજ્ઞાન કયા પ્રકારનું છે? અનુભવ જે સ્વરૂપમાં થાય છે તે સ્વરૂપનું અવલોકન કરવાથી આ પ્રશ્નનો જવાબ મળી જાય છે. હસર્લ આમ શુદ્ધ અનુભવમીમાંસાના હિમાયતી છે. (૩) હસર્લનો મુખ્ય સિદ્ધાંત એ છે કે તમામ ચેતના વસ્તુનિર્દેશક છે. ચેતનાને હંમેશાં કોઈ વિષય હોવો જોઈએ. ફૂલની ચેતના હોય કે ભૂમિતિની આકૃતિની ચેતના હોય, ચેતનાનો વિષય ભૌતિક હોય કે માનસિક હોય, ચેતનાનું સ્વરૂપ જ પરલક્ષી છે. કલ્પિત પદાર્થ હોય કે વાસ્તવિક, ચેતના હમેશાં તેનો કોઈક પ્રકારનો નિર્દેશ કરે છે. હસર્લ ચેતનાના આ લક્ષણને ‘Intentionality’ એ શબ્દથી ઓળખાવે છે. ચેતનાની પ્રક્રિયાથી તેનો વિષય જુદો છે. સરવાળો કરવાની ક્રિયા માનસિક છે, પરંતુ તેના પરિણામરૂપે જે રકમ આવી તે ચેતનાનો સ્વતંત્ર વિષય છે. (૪) દરેક ચેતના તેના વિષયનો નિર્દેશ કરતી હોવાથી આ વિષયોનો સ્વતંત્ર અભ્યાસ કરવા એ જ્ઞાનમીમાંસાનું અગત્યનું પાસું છે. આમ વસ્તુઓના વાસ્તવિક અસ્તિત્વનો પ્રશ્ન દૂર કરીને ચેતનાએ નિર્દેશેલા વિષયોનો અભ્યાસ કરવો જોઈએ. (૫) હસર્લ સાક્ષીરૂપ અહમ્ (Transcendental Ego)ને સ્વીકાર કરે છે. તે ચેતનાના મૂળમાં છે. સાર્ત્ર હસર્લના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. ચેતના હમેશાં વિષયનિર્દેશક છે અને શુદ્ધ અનુભવશાસ્ત્રમાં આ નિર્દેશેલા પદાર્થોનો અભ્યાસ થવો જોઈએ તેમ સાર્ત્ર માને છે. પરંતુ હસર્લે ‘સાક્ષીરૂપ અહમ્’નો સ્વીકાર કર્યો છે તેની સાર્ત્ર ટીકા કરે છે. ચેતનાને આધાર આપતો આવો કોઈ સાક્ષીરૂપ અહમ્ છે જ નહીં તેવું સાર્ત્ર માને છે. ચેતના નિરપેક્ષ અને નિર્વૈયક્તિક છે. તે માત્ર એક સક્રિયતા જ છે. ચેતનાનો પ્રવાહ સ્વયંભૂ છે. પાણીનો પ્રવાહ અમુક સ્થળે બરફ બની સઘન બને તેવી રીતે ચેતનાનો પ્રવાહ ‘હું’ના ભાનરૂપે કેટલીક વાર સઘન બની જાય છે. પરંતુ ચેતના માત્ર ‘હું’ના ભાનમાં પુરાઈ જતી નથી. ચેતનાની મુક્તિ (Vertigo of Consciousness)નો માણસને ડર લાગે છે તેની સામે રક્ષણરૂપે ‘હું’નું ભાન સ્થિર રાખવાની વ્યક્તિ કોશિશ કરે છે. સાર્ત્રની દલીલ એવી છે કે ‘હું’નું ભાન આપણા અનુભવોમાં હોતું જ નથી. એક અનુભવ ઉપર આપણે વિચાર કરીએ ત્યારે જ ‘હું’નું ભાન ઉદ્ભવે છે. હું ગીત સાંભળી રહ્યો હોઉં, ચિત્ર જોઈ રહ્યો હોઉં કે વાંચતો હોઉં ત્યારે ‘હું’ આ બધી પ્રવૃત્તિ કરી રહ્યો છું તેવું ભાન હોતું નથી. ટૂંકમાં અસ્મિતા (Ego) ચેતનાની મનનાત્મક ક્રિયા (Reflection)નું પરિણામ છે. અનુભવ થઈ રહ્યો હોય ત્યારે અનુભવના વિષયનું જ ભાન હોય છે. ‘હું પ્રેક્ષક છું,’ ‘હું વિચારું છું’ એવી સભાન અસ્મિતા ચેતનાના મનનાત્મક વ્યાપારમાંથી જ ફલિત થાય છે. એ સાક્ષીરૂપ અને સ્થાયી અહમ્ હોતો નથી. ‘The Transcendence of Ego’ (૧૯૩૭) નામના સાર્ત્રના પુસ્તકમાં ‘અહમ્’ના સ્વરૂપની બહુ સૂક્ષ્મ ચર્ચા થઈ છે. સાર્ત્રની મૂળ કૃતિના અનુવાદકો વિલિયમ્સ અને કિલપેટ્રીક પુસ્તકના આમુખમાં હસર્લ અને સાર્ત્રની તુલના કરતાં જણાવે છે કે સાક્ષીરૂપ અહમનો ખ્યાલ ન સ્વીકારીને સાર્ત્ર ‘શુદ્ધ અનુભવમીમાંસા’ના દૃષ્ટિબિંદુને વધુ વફાદાર રહ્યા છે કારણ કે ચેતનાનું સ્વરૂપ પરલક્ષી હોય તો પછી બીજી બાબતો જેમ ચેતનાના વિષયરૂપ જ છે તેમ ‘અહમ્’ પણ ચેતનાનો વિષય જ હોઈ શકે. ચેતનામાં ‘અહમ્’ નથી પણ ચેતના માટે ‘અહમ્’ છે. ચેતનાને સ્વયં કોઈ સામગ્રી નથી. ચેતના તદ્દન પારદર્શક છે. પરિણામે હસર્લે કુદરતી અને અનુભવલક્ષી દૃષ્ટિબિંદુનો તફાવત દર્શાવ્યો છે તે પણ સાર્ત્ર માટે સ્વીકાર્ય નથી. અસ્તિત્વ ધરાવતા જગતથી ચેતના કદાપિ વેગળી હોઈ જ શકે નહીં. વસ્તુના શુદ્ધ સ્વરૂપને અનુભવમાં સમજવું અને તેના વાસ્તવિક અસ્તિત્વનો અનાદર કરવો તે સાર્ત્ર માટે અશક્ય છે. ચેતના હમેશાં અસ્તિત્વ સાથે જ સંકળાયેલી છે. જગતના અસ્તિત્વથી તેને વિખૂટી પાડીને અભ્યાસ કરવો અશક્ય છે કારણ કે ચેતનાને પોતાની કોઈ સામગ્રી જ નથી. સાર્ત્ર આ સિદ્ધાંતને ‘Being and Nothingness’માં વધુ વિકસાવે છે.

(૨) આવેગ

૧૯૩૯માં, ‘Emotion-Outline of a Theory’ એ સાર્ત્રનું પુસ્તક પ્રગટ થયું. સાર્ત્ર આવેગનો અર્થ ઘટાવતાં નવીન દૃષ્ટિબિંદુ પ્રયોજે છે. વસ્તુની સ્વાભાવિક ચેતના જ્યારે અપૂરતી થઈ પડે છે અથવા તેને લીધે કોઈ ઘર્ષણ કે સંઘર્ષ ઉદ્ભવે છે ત્યારે આવેગમય ચેતના ઉદ્ભવે છે અને તેની અસરને લીધે વસ્તુ નવા સ્વરૂપમાં દેખાય છે. દ્રાક્ષને મેળવી ન શકનાર વ્યક્તિ ‘દ્રાક્ષ ખાટી છે’ તેવું માને ત્યારે તેના દૃષ્ટિબિંદુમાં આવેગરૂપી પરિવર્તન આવ્યું છે. વસ્તુમાં આવેગની દશામાં નવા ગુણોનું આરોપણ કરવામાં આવે છે આ હકીકત સાર્ત્ર સ્વીકારે છે. આવેગમાં જે ચેષ્ટા, શબ્દો અને ક્રિયાઓ થાય છે તેના દ્વારા વસ્તુઓને જાણે કે ‘જાદૂઇ’ અસ્તિત્વ આપવામાં આવે છે. આવેગનું કાર્ય વાસ્તવિક નિષ્ફળતા સામે પ્રત્યાઘાતરૂપ છે. દ્રાક્ષ ખાટી છે એમ રોષથી કે ઘૃણાથી કહેનાર માણસે પોતાની ચેતનામાં દ્રાક્ષ ન પહોંચી શકવાને લીધે ઉત્પન્ન થયેલી ઘટનામાંથી બચવાનો માર્ગ શોધ્યો છે. સાર્ત્રના આવેગના સિદ્ધાંતમાં નીચેની બાબતો સ્પષ્ટ થાય છે : (૧) આવેગ પ્રક્ષેપણરૂપ છે, (૨) આવેગ દ્વારા હતાશા કે તાણ ઓછી કરવાની છે, (૩) આવેગરૂપ વર્તન વાસ્તવિક વર્તનની અવેજીરૂપ છે, (૪) આવેગની અસર હેઠળ વસ્તુઓને નવા રૂપમાં જોવામાં આવે છે, (૫) સાર્ત્રની વિચારણા મુજબ આવેગની દશામાં વ્યક્તિ મજબૂર અને પરવશ બની જતી નથી. જગત પ્રત્યેની એક વિશિષ્ટ ઉન્મુખતા (orientation) આવેગરૂપ અનુભવમાં હોય છે. માણસના સ્વાતંત્ર્યને આવેગ બાધક નથી. વ્યક્તિ મુક્ત રીતે આવેગમય પ્રતિક્રિયા પસંદ કરે છે, (૬) ભય, ક્રોધ વગેરે આવેગો કદાય આ સિદ્ધાંત પ્રમાણે વધુ સારી રીતે સમજાવી શકાય. પરંતુ આનંદ કે પ્રેમની સમજૂતી આ સિદ્ધાંત મુજબ બહુ સંતોષકારક રીતે ન આપી શકાય.

(૩) કલ્પના

સાર્ત્રની કલ્પનાવ્યાપારની ચર્ચા તેમના પુસ્તક ‘The Psychology of Imagination’ (૧૯૪૦)માં તેમની લાક્ષણિક શૈલીમાં રજૂ કરવામાં આવી છે. સાર્ત્ર, પહેલાં સિદ્ધાંતની મદદ લઈને પછી કલ્પનાની પ્રક્રિયા સમજાવતા નથી. તેમના પુસ્તકની શરૂઆતમાં જ તેઓ સૂચવે છે કે પ્રતિમા (Image)નો અભ્યાસ કરવો હોય તો તે બાબતનો વ્યક્તિને તાત્કાલિક અનુભવ શું થાય છે તે જાણવો જોઈએ. દા. ત. હું જ્યારે ‘પીટર’ નામના માનસની માનસપ્રતિમા રચું ત્યારે પહેલે તબક્કે મને આ પ્રતિમાથી સૂચિત વ્યક્તિનું જ ભાન હોય છે. આ પ્રતિમા સ્વયં કેવી છે તે બાબત તો હું જ્યારે ફરી વાર વિચાર કરું ત્યારે જ જાણી શકું છું “મને ‘પીટર’ની પ્રતિમાનો અનુભવ થાય છે.” આવું જ્ઞાન બીજા તબક્કે ઉદ્ભવે છે. આ ભાન મનનાત્મક ક્રિયા (reflective act)ને લીધે ઉદ્ભવે છે. કોઈ પણ વસ્તુ ચેતના સમક્ષ ત્રણ રીતે ઉપસ્થિત થઈ શકે : પ્રત્યક્ષ જ્ઞાનથી, કલ્પનાથી અને વિચારણાથી. જ્ઞાનેન્દ્રિયોના સંપર્કમાં આવેલી વસ્તુનું પ્રત્યક્ષજ્ઞાન થાય ત્યારે પણ વસ્તુના સમગ્રરૂપનું ભાન થતું નથી. દા. ત., ખુરશીનું પ્રત્યક્ષજ્ઞાન કોઈ એક નિરીક્ષક કરતો હોય ત્યારે તે અમુક સ્થળેથી અને અંતરેથી ખુરશી જોતો હોય છે. આવાં ઘણાં વાસ્તવિક સ્થાનથી ઘણી જુદી જુદી પરિસ્થિતિમાં ખુરશીનું પ્રત્યક્ષજ્ઞાન થઇ શકે. આમ કોઈ પણ વસ્તુનાં ઘણાં દૃશ્યરૂપો છે. તે બધાં એક સાથે આપણે પ્રત્યક્ષજ્ઞાનમાં અનુભવતા નથી. આપણે ટેવ, પૂર્વઅનુભવ, અનુમાન વગેરે દ્વારા આ દૃશ્યરૂપો (appearances)નું સંયોજન કરીને ‘વસ્તુ’ તરીકે તેનું જ્ઞાન મેળવીએ છીએ. પરંતુ કોઇ પણ બાબતનો વિચાર કરીએ ત્યારે તે બાબત સમગ્રરૂપે એકદમ આપણી સમક્ષ આવે છે દા. ત., હું ષટકોણ આકૃતિ વિશે વિચાર કરું ત્યારે બધી બાજુઓ અને ખૂણાઓ મારા વિચારમાં પ્રગટ થાય છે. એટલે પ્રત્યક્ષજ્ઞાન અને વિચારણાનો મૂળ તફાવત એ છે કે પ્રત્યક્ષજ્ઞાનમાં ‘વસ્તુ’નું સંયોજન ટેવથી અનુભવથી શીખવાનું હોય છે ત્યારે વિચારક્રિયામાં વસ્તુ સમગ્રરૂપમાં તાત્કાલિક રીતે જાણી શકાય છે. વિચારમાં વસ્તુનું સત્ત્વ અથવા આવશ્યક ગુનો જાણી શકાય છે. કલ્પનાની પ્રક્રિયા થોડીક પ્રત્યક્ષજ્ઞાનને મળતી આવે છે અને થોડીક વિચારક્રિયાને મળતી આવે છે. કલ્પનામાં જે માનસપ્રતિમા ઉદ્ભવે છે તે સમગ્રરૂપે આવે છે. તેનાં જુદાં જુદાં પાસાંઓ બાકી રહેતાં નથી. અહીંયાં કલ્પના વિચારણા સાથે સામ્ય ધરાવે છે. તેવી જ રીતે કલ્પના પ્રત્યક્ષજ્ઞાનથી એટલા માટે જુદી પડે છે કે કોઈ પણ વસ્તુનું પ્રત્યક્ષજ્ઞાન થતું હોય ત્યારે તેમાં નવાનવા દૃષ્ટિકોણ અને સ્થિતિઓ ઉમેરતા જઇએ તો એ જ વસ્તુની વધુ વિગતો આપણને મળતી જાય છે. દા. ત. એક કાગળના ટુકડા હું જોઈ રહ્યો હોઉં તેમાં વધુ ધ્યાન આપું તો એ કોરો છે, તેનો છેડો ફાટેલો છે, ચોળાયેલો છે વગેરે નવી વિગતો હું વધુ જાણી શકું. પરંતુ કલ્પનાથી ઉપજાવેલી માણસપ્રતિમામાં હું ગમે તેટલું વધુ સ્પષ્ટ ધ્યાન આપું તો પણ નવી વિગતો ઉમેરી શકાશે નહીં કારણ કે માનસપ્રતિમામાં મેં જે મૂક્યું હશે તે જ મને દેખાયા કરશે. નવી વિગતો પણ હું ઉમેરીશ તો આવશે તે ઉપરાંત જે વસ્તુનો હું પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો છું તે વસ્તુ બીજી અસંખ્ય વસ્તુઓ સાથે અનેક રીતે સંકળાયેલી છે. તેની સમગ્ર પાર્શ્વભૂમિકા રહેલી છે. પરિણામે પ્રત્યક્ષજ્ઞાન જે રીતે સમૃદ્ધ છે તે રીતે કલ્પિત માનસપ્રતિમા સમૃદ્ધ નથી. પ્રતિમામાં જે વસ્તુ ઉપસ્થિત તે પૂરેપૂરી ઉપસ્થિત થાય છે. તે સ્થિર થઈ જાય છે. બીજી બાબતો સાથે સંકળાયેલી નથી. પ્રત્યક્ષજ્ઞાનમાં અને કલ્પનાનો બીજો મહત્ત્વનો તફાવત એ છે કે પ્રત્યક્ષજ્ઞાનમાં ભ્રમ થઈ શકે પણ માનસપ્રતિમામાં ભ્રમ થઈ શકે નહીં. ધારો કે ‘મારી અત્યારની કલ્પિત પ્રતિમા ત્રિકોણની આકૃતિ છે’ એવું વિધાન કોઈ રજૂ કરે તો તે સંપૂર્ણ રીતે સાચું જ છે. તેમાં ભૂલ થવાને અવકાશ નથી. મારી માનસપ્રતિમા વિશે મારો પોતાનો અનુભવ સચોટ છે. આમ, પ્રત્યક્ષીકરણમાં વસ્તુના વિવિધરૂપોનું સંયોજન છે; તે શીખેલો અનુભવ છે; તે હમેશાં અધૂરો જ છે અને છતાં વાસ્તવિક અને સમૃદ્ધ છે. તેની સરખામણીમાં કલ્પનામાં વસ્તુ પૂરી જ ઉપસ્થિત થાય છે. એક સાથે આવે છે; તેમાં ભૂલ થવાની શક્યતા નથી અને છતાં પ્રત્યક્ષ જ્ઞાનની સરખામણીમાં, કલ્પનામાં વિગતોની દરિદ્રતા છે. પ્રતિમાની સામગ્રી, વસ્તુઓના જગતમાંથી આવે (જેમ કે ફોટોગ્રાફ, કોતરણી, પેન્ટિંગ વગેરે). અથવા માનસિક જગતમાંથી આવે (જેમ કે લાગણી, હાવભાવ વગેરે) પરંતુ તેનો હેતુ હંમેશાં સરખો હોય છે અર્થાત્ ગેરહાજર કે અદૃશ્ય વસ્તુઓને કલ્પિત રીતે ઉપસ્થિત કરવાનો હેતુ પ્રતિમાનિર્માણમાં અભિપ્રેત છે. ધારો કે મારા મિત્રને હું યાદ કરવા માગું છું. તેના ચહેરાની હું કલ્પના કરું છું. પરંતુ તેની માનસપ્રતિમા મને સજીવ ન લાગે-ઝાંખી લાગે. તેના ચહેરાના ભાવનું સંક્રમણ ન થાય. હું બીજો વિકલ્પ પસંદ કરું. તેનો ફોટો જોઉં અને માનસપ્રતિમા કરતાં વધારે વિગતો તેમાં જોઈ શકું પરંતુ મને તેમાં કશુંક ખૂટતું લાગે. પછી હું તેનું વ્યંગચિત્ર-કાર્ટૂન જોઉં તેમાં જાણી જોઈને તેના ચહેરાને વિચિત્ર બનાવવામાં આવ્યો હોય અને છતાં તેની લાક્ષણિકતા પ્રગટ થઈ શકી હોય. આમ માનસપ્રતિમા, ફોટો કે કાર્ટૂન એ ત્રણેનું ધ્યેય વાસ્તવિકતા પ્રતિબિંબિત કરવાનું છે. ત્રણેનો વિષય એક જ છે. ત્રણેયનું સ્વરૂપ સરખું હોવા છતાં તેની સામગ્રી ભિન્ન છે. ફોટોગ્રાફ અને કાર્ટૂનચિત્રની સામગ્રી માનસપ્રતિમાં કરતાં જુદી છે. આ દૃષ્ટિએ કલ્પિત પદાર્થોનું એક જુદું જગત નથી, કલ્પનામાં આ જ જગતની વસ્તુઓને જુદા રૂપમાં સંગઠિત કરવામાં આવે છે. પ્રતિમા અનુપસ્થિત વસ્તુનો સંકેત છે. પ્રત્યક્ષ અને કલ્પનાવ્યાપારનું કેટલીક વાર એક જ અનુભવમાં સંયોજન થાય છે. એટલે કે જેનો પ્રત્યક્ષ થઇ રહ્યો છે તે પદાર્થ ‘अ’ એક બીજા પદાર્થ ‘ब’નો નિર્દેશ કરે છે. ‘अ’ સંકેત છે અને તે ‘ब’ની પ્રતિમા ઉપજાવે છે. ધારો કે એક કલાકાર બીજા કલાકારની નકલ કરતો હોય અને નકલની મદદથી પ્રેક્ષકોનું મનોરંજન કરતો હોય. સાર્ત્ર આ દૃષ્ટાંત લઈને પ્રત્યક્ષીકરણ, અનુકરણ અને કલ્પનાની પ્રક્રિયા એકબીજા સાથે કેવી રીતે જોડાઈ જાય છે તેની સમજૂતી આપે છે. ‘अ’ના વર્તનને જોઈને આપણને ‘अ’ કોની નકલ કરે છે તેનું ભાન થાય છે. એટલે ‘ब’ કે જે ગેરહાજર છે તેની કલ્પના આપણા મન સમક્ષ અસ્પષ્ટ હતી તે ‘अ’ની ચેષ્ટાઓનો અર્થ ઘટાવવાથી ઉદ્ભવે છે. આ કલ્પનાવ્યાપાર આંતરપ્રેરણા (Intuition) અને અનુભૂતિ (Feeling) બન્ને સમાયેલાં છે. અનુકરણને લીધે જ માત્ર માનસપ્રતિમા ઉત્પન્ન થતી નથી. પરંતુ અનુકરણનું નિરીક્ષણ થતું હોય તે દરમ્યાન નવા સ્વરૂપે કલ્પનાનું સંયોજન થતું જાય છે એટલા માટે પ્રેક્ષકો નિર્ણય કરી શકે છે કે અનુકરણ ખરેખર સારું હતું કે નબળું હતું. માનસપ્રતિમા (Image)માં વ્યક્ત થતું પાત્ર અસત્ (unreal) હોય છે. તેની સાથે વાસ્તવિક વ્યવહાર કરી શકાતો નથી. તેની સાથે વ્યવહાર કરવા માટે આપણે પણ કાલ્પનિક પરિસ્થિતિ ઉત્પન્ન કરવી પડે. કલ્પિત પાત્રો સદૈવ નિષ્ક્રિય છે. આપણે તેમાંથી મન હઠાવી લઈએ તો તે શૂન્યતામાં સરી જાય છે. આવી કલ્પિત ઉપસ્થિતિને સદા જીવંત રાખવાના કૃત્રિમ પ્રયત્નો કરવા પડે છે. તે આપણી ઇચ્છાઓને છંછેડે છે; તીવ્ર બનાવીને અસંતુષ્ટ રાખે છે. કલ્પના દ્વારા કોઇના માનસચિત્રને મારા મન સમક્ષ હું ઉપસ્થિત કરું એટલે પછી તેને વિશે મારા મનમાં અનેક અપેક્ષાઓ જાગૃત થાય છે અને આ અપેક્ષાઓ આ કલ્પિત પદાર્થ પૂરી કરી શકે નહીં; મારી સાચી લાગણીઓ અને ઇચ્છાઓ કલ્પિત પાત્ર સાથે ભળી જવા માગે છે; દરિયાનું પાણી તરસ્યા માણસને જે રીતે છંછેડે તે રીતે એક ચિત્ર કે ફોટો કે માનસપ્રતિમા, જોનાર કે કલ્પના કરનારને છંછેડે છે. માનસવિકૃતિઓના કેટલાક પ્રકારોમાં જ્યારે કલ્પનાનો અતિરેક થાય છે ત્યારે વ્યક્તિ પોતાની બધી લાગણીઓ અને ઇચ્છાઓ કોઈ કલ્પિત પાત્ર કે સ્થિતિની આસપાસ કેન્દ્રિત કરે છે અને વાસ્તવિક પરિસ્થિતિમાં અનુકૂલન સ્થપાતું નથી. સાર્ત્રની દૃષ્ટિએ કલ્પના ચેતનાનું એક નવીન પ્રકારનું પરિવર્તન છે. ચેતનાનું કાર્ય નિષેધ કરવાનું છે માટે કલ્પનારૂપી ચેતનામાં પણ જે વિષયની માનસપ્રતિમા ઉદ્ભવી હોય તેની ગેરહાજરીનો નિર્દેશ થાય છે. એક ચિત્રકાર સાચા રંગો પૂરીને તેના ચિત્રદ્વારા અવાસ્તવિક વસ્તુની કલ્પના નિર્માણ કરે છે. ખરું સૌન્દર્ય ચિત્રના રંગનું નથી પરંતુ તેનાથી ઉદ્ભવતી કલ્પિત વસ્તુની પ્રતિમાનું છે. રંગો સાચા છે પણ ચીતરેલા દૃશ્યનું સૂચન કરવા પૂરતું જ તેમનું સાદૃશ્ય મૂલ્ય છે, તેવી જ રીતે હૅમ્લેટનું પાત્ર ભજવતા કલાકાર એક રીતે મિથ્યા ભૂમિકા ભજવે છે કારણ કે હૅમ્લેટ તે સાચો નથી, પરંતુ તેના હાવભાવ, વાણી વગેરે તે સમય પૂરતા ખરેખર એ પાત્રને મળતાં આવે છે, કરુણ પાત્ર ભજવનારનાં સાચાં આંસુ પણ કલ્પિત પાત્રની કરુણતા નિર્દેશે છે એટલે તેમાં સાચી કલા દેખાય છે : ‘It is not the character who becomes real in the actor, it is the actor who becomes unreal in the character." કલા અને વાસ્તવિક્તા એકબીજાથી વેગળાં છે અને કલ્પના જ કલાનું હાર્દ છે. કલાકાર વાસ્તવિકતાનો ઉપયોગ કરે ત્યારે પણ તે કોઈ અનુપસ્થિત કલ્પિત વસ્તુનો નિર્દેશ કરવા માટે કરે છે એટલે જ સૌન્દર્ય કદાપિ વાસ્તવિકતામાં હોતું નથી. માનસપ્રતિમાનું અસ્તિત્વ કલ્પનામાં અનિવાર્ય છે. અસ્તિત્વ ન ધરાવનાર તરીકે અથવા ગેરહાજર બાબત તરીકે અથવા બીજે અસ્તિત્વમાં હોય તે વસ્તુ તરીકે કલ્પનાની બાબતો નિર્દેશક હોય છે.

(૪) માનવસ્વાતંત્ર્ય

માણસના અસ્તિત્વનું મૂળભૂત સત્ય એ એ છે કે માણસ કાર્ય કરે છે અને સ્વયંપ્રેરિત કાર્યો કરે છે. આવાં કાર્યો ધ્યેયલક્ષી છે. ધ્યેયોની પસંદગી અમુક જીવનરીતિ અથવા તો જીવન પરત્વેનું દૃષ્ટિબિંદુ વ્યકત કરે છે. ધ્યેયના સંદર્ભમાં વસ્તુઓ મૂલ્યવાન બને છે. જગતની વસ્તુઓ ધ્યેયને ઉપકારક, અવરોધક અથવા તેનાથી અલિપ્ત હોય છે. ધ્યેય ચેતના સમક્ષ એક પ્રાપ્ત કરવા લાયક બાબત તરીકે ઉપસ્થિત થાય છે. વસ્તુરૂપ સત્(Being-in-itself)થી ચેતનરૂપ સત્ ભિન્ન છે તે જાતનું આંતરિક ભાન મુક્તિના પાયામાં છે. તાત્ત્વિક રીતે, માણસે મુક્તિ મેળવવાની નથી. માનવી મુક્ત જ છે. વસ્તુતઃ તેની મુક્તિનું તેને આંતરિક ભાન હોતું નથી. પસંદગી કરવાની પળોમાં આ મુક્તિ પ્રગટ થાય છે. નિર્ણય કરવાની જરૂરિયાતમાંથી બચી શકાતું નથી. પોતાની બાબતોમાં બીજા નિર્ણય કરે એમ કહેવામાં પણ એક નિર્ણય સમાયેલો છે. તાત્ત્વિક દૃષ્ટિએ ‘ચેતના’ અને ‘પસંદગી’ (Choice) શબ્દો પર્યાયરૂપ છે. ગમે તે પળે માણસ એવા નિર્ણયો લઈ શકે છે કે તેનું આખું જીવન છિન્નભિન્ન થઈ જાય અથવા તો નવું રૂપ ધારણ કરે છે. પ્રતિપળે, પસંદગી દ્વારા માનવી નવું જીવન સર્જે છે. ભૂતકાળના વજન નીચે પણ મુક્ત ચેતના દબાઈ જતી નથી. સ્વાતંત્ર્યની વ્યાખ્યા આપી શકાય નહીં. માનવસ્વાતંત્ર્યનું અસ્તિત્વ તેના સત્ત્વની પહેલાં આવે છે. ચેતનાની પારગામિતા (transcendence) સ્વાતંત્ર્યનું ચિહ્ન છે. અમુક પરિસ્થિતિ અસહ્ય છે તેવું ભાન ત્યારે જ થાય કે તેના કરતાં સારી સ્થિતિનું અસ્તિત્વ મુક્ત રીતે કલ્પી શકાતું હોય (Ideal Nothingness). સારાંશ કે ચેતના, પસંદગી, સ્વાતંત્ર્ય વગેરે શબ્દો સમાનાર્થી છે. જેની ઈચ્છા થાય તે તરત જ મળી જાય–આવો ‘સ્વાતંત્ર્ય’નો અર્થ સાર્ત્રના તત્ત્વજ્ઞાનમાં નથી. ‘પસંદગી’નું સ્વાતંત્ર્ય માનવીનું ‘તાત્ત્વિક’ સ્વાતંત્ર્ય છે. પર્વત ઉપર ચઢતાં, રસ્તામાં આવેલો ખડક આપણા મનોબળથી અદૃશ્ય થઈ જાય એવું બાલિશ કે કલ્પિત સ્વાતંત્ર્ય માણસને નથી, પરંતુ પર્વત ચઢવાનું ધ્યેય માણસ સ્વતંત્ર રીતે પસંદ કરી શકે છે અને ‘ખડક’ કે બરફવર્ષા’ આ ધ્યેયની પસંદગીને લીધે ‘વિઘ્ન’ બને છે. ‘વિઘ્ન’ કે ‘અવરોધ’નું અસ્તિત્વ સ્વાતંત્ર્યને લીધે છે. પર્વતના દૃશ્યનો આનંદ માણનારને તેમાં આવેલા મોટા ખડકો વિઘ્નરૂપ લાગતા નથી કારણ કે તેનું ધ્યેય પર્વતારોહકો કરતાં જુદું છે. સ્વાતંત્ર્ય અમુક પરિસ્થિતિઓથી ઘેરાયેલું છે પરંતુ સાર્ત્રની દલીલ મુજબ આવી પરિસ્થિતિઓ ન હોય તો સ્વાતંત્ર્યનો કોઈ અર્થ નથી. માણસનાં અબાધિત સ્વાતંત્ર્યને સ્વીકારનાર સાર્ત્રનો સિદ્ધાંત તત્ત્વચિંતનનાં છેલ્લાં બે હજાર વર્ષોમાં સહુથી વધુ આત્યંતિક છે તેવો સેલ્વનનો મત છે. સ્થાન, ભૂતકાળ, વાતાવરણ, અન્ય વ્યક્તિનું અસ્તિત્વ, અને મૃત્યુ આ પાંચ બાબતો માનવસ્વાતંત્ર્યના અવરોધો તરીકે સાર્ત્ર સ્વીકારે છે. વ્યક્તિ અમુક સ્થાનમાં છે પરંતુ ‘સ્થાન’ તેને માટે ઉપકારક પણ હોઈ શકે અને અવરોધક પણ હોઈ શકે. એક ગરીબ કારીગરને પોતાના વર્તમાન વસવાટનું સ્થાન હતાશ કરે છે કારણ કે તેની મુક્ત કલ્પના દ્વારા તે નવું સારું સ્થાન ધ્યેય તરીકે સ્વીકારી શકે છે. કોઈ પણ વસ્તુને અવરોધ ગણવો કે નહીં તે સ્વતંત્ર પસંદગીનું પરિણામ છે તે જ રીતે પોતાના ભૂતકાળનો વ્યક્તિ સ્વતંત્ર રીતે અર્થ ઘટાવી શકે છે. ભૂતકાળમાં કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો તે હમેશાં ગુનેગાર રહે તેવું બનતું નથી. ભૂતકાળ વસ્તુરૂપ અસ્તિત્વ બની જાય છે પણ ભૂતકાળને કેટલે અંશે વર્તમાન અને ભાવિને અસર કરવા દેવો તે વિશે વ્યક્તિને સ્વાતંત્ર્ય છે. જો કે પોતાનો અંગત ભૂતકાળ અત્યારે વ્યક્તિ ફેરવી શકે નહીં. અસ્તિત્વવાદી ઉકેલ દર્શાવતાં સાર્ત્ર દલીલ કરે છે કે માણસને પોતાનો ભૂતકાળ ન જીરવી શકાતો હોય તો આપઘાત કરવાનું સ્વાતંત્ર્ય તો છે જ. તેવી જ રીતે વાતાવરણનાં પરિબળો સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવાની સામગ્રી પૂરી પાડે છે. ‘To be free means to be free in order to act.’ ‘પર’નું અસ્તિત્વ ‘સ્વ’ના અસ્તિત્વ માટે નિર્માણ થયેલી પરિસ્થિતિ છે. માણસ અમુક કુટુંબ, જ્ઞાતિ, સંસ્થા અને દેશનો સભ્ય છે, નાગરિક છે. અને બીજી વ્યક્તિઓનું અસ્તિત્વ અનિવાર્ય હકીકત છે. પરંતુ માનવીઓની વાસ્તવિક આંતરક્રિયા સ્વાતંત્ર્ય વગર અશક્ય છે તેમ સાર્ત્ર માને છે. ભાષા આવી આંતરક્રિયાનું મહત્ત્વનું સાધન છે. બીજાએ સંગઠિત કરેલા જગતમાં માણસ પ્રવેશે છે પરંતુ માણસ પોતે પોતાની રીતે આંતરવ્યવહારનાં સાધનોનો ઉપયોગ કરી શકે છે. વ્યક્તિઓ એકબીજાના સ્વાતંત્ર્યને મર્યાદિત કરે છે પરંતુ સ્વાતંત્ર્યના ઉપયોગથી જ તેમ બની શકે છે.

મૃત્યુ

સાર્ત્રના સ્વાતંત્ર્યના સિદ્ધાંતના સંદર્ભમાં ‘મૃત્યુ’ વિશે સાર્ત્રની વિચારણા ઘણી રસપ્રદ છે. શું મૃત્યુ માનવસ્વાતંત્ર્યને બાધક ન ગણી શકાય ? સાર્ત્રનો મૃત્યુનો ખ્યાલ હાઇડેગરના ખ્યાલથી ભિન્ન છે. હાઇડેગરના મત મુજબ મૃત્યુ માનવીની ચેતનાને તીવ્ર બનાવે છે. મૃત્યુ આપણા પરિમિત અસ્તિત્વનું હાર્દ છે. આપણી જાતને સમગ્ર સ્વરૂપમાં નિહાળવી હોય તો આપણે મૃત્યુને કેન્દ્રમાં રાખવું જોઈએ. મૃત્યુ વ્યક્તિના જીવનને અર્થ આપે છે. સત્ તત્ત્વ પ્રત્યે અભિમુખ કરે છે. મૃત્યુને પોતાની અંગત શક્યતા તરીકે સ્વીકારીને મૃત્યુને આત્મસાત્ કરવાનું હાઇડેગરનું સૂચન છે (Humanization of death). મારું ‘મૃત્યુ’ બીજા કોઈનું ‘મૃત્યુ’ નથી હાઇડેગરના મત મુજખ ‘મૃત્યુ’ અંગત શક્યતા છે અને મૃત્યુ અનિવાર્ય હોવાથી માનવસ્વાતંત્ર્યને બાધક છે. આ મૃત્યુનો ભય દરેક વ્યક્તિને હોય છે, જીવનને જ બધું મૂલ્ય આપનાર મૃત્યુથી ડરે છે. પરંતુ હાઇડેગરની દૃષ્ટિએ મૃત્યુની શક્યતાનું ભાન માણસને પોતાના અસ્તિત્વ વિશે જાગૃત કરે છે; પોતાની એકલતા અને શૂન્યતા પ્રતીતિ કરાવે છે. સાર્ત્ર હાઇડેગરનું મંતવ્ય સ્વીકારતા નથી. સાર્ત્રના મત મુજબ મૃત્યુ અર્થહીન છે. પોતાનું મૃત્યુ નિશ્ચિત સમયમાં થવાનું છે તેમ જાણનાર માણસને જીવન પણ અર્થહીન જણાય છે. ઉપરાંત મૃત્યુ માણસના સ્વાતંત્ર્યને બાધક નથી કારણ કે મૃત્યુ એવો અનુભવ નથી કે જેને પાર કરીને ફરી પાછો માણસ પોતાની જિંદગી શરૂ કરી શકે. વ્યક્તિ પોતાના મૃત્યુને એક સાક્ષીની તટસ્થતાથી કલ્પી શકે નહીં. મૃત્યુ ખુદ એક શક્યતા નથી પણ તે બધી શક્યતાઓનો નિશ્ચિત અંત છે. મૃત્યુને નાટકના છેલ્લા અંક સાથે સરખાવી શકાય નહિ. મૃત્યુથી જીવન પરિપૂર્ણ થાય છે તેમ સાર્ત્ર સ્વીકારતા નથી. વસ્તુતઃ સાર્ત્ર જીવનને પણ અર્થહીન ગણે છે: ‘It is absurd that we are born, it is absurd that we die.’ મૃત્યુ પામેલો માણસ બીજી વ્યક્તિની ચેતનાનો વિષય બને છે. તે માત્ર ભૂતકાલીન બની જાય છે. મૃત્યુ, સ્વાતંત્ર્યની બાહ્ય સીમા છે; અવરોધ નથી. પોતાનું ધ્યેય ન મેળવી શકવામાં જેમ ખરાબ હવામાન માણસને નડે તેમ મૃત્યુ નડતું નથી, કારણ કે ખરાબ હવામાન હોવા છતાં ધ્યેયનું અસ્તિત્વ તો રહી શકે છે ત્યારે મૃત્યુ થાય એટલે ધ્યેય કે પસંદગીનું તત્ત્વ પાછળથી ટકી રહેતું નથી. ધ્યેય મેળવવાની ઇચ્છા ટકી હોય તો જ તેમાં વિઘ્નરૂપ વસ્તુ સ્વાતંત્ર્યને બાધક ગણી શકાય પરંતુ મૃત્યુ થાય ત્યારે તે પ્રકારની કોઈ પરિસ્થિતિ હોતી નથી. સાર્ત્ર એવી કલ્પના રજૂ કરે છે કે કેદીઓને મોતની સજા ફરમાવવામાં આવી હોય અને રોજ તેને માટે બહાદુરીથી કેદીઓ તૈયાર થતા હોય અને તે દરમ્યાન જ કોઈ ચેપી રોગથી તેમનું મૃત્યુ થાય તેવી દશા બધાં માણસોની છે. મૃત્યુની આગાહી થઈ શકતી નથી. મૃત્યુની વ્યાખ્યા આપતાં સાર્ત્ર લખે છે: ‘Death is the possible nihilation of my possibles’. એપિક્યૂરસની જેમ સાર્ત્ર પણ માને છે કે મૃત્યુ એક જ એવી ક્ષણ છે કે માણસે પોતે જીવવાની હોતી નથી.

(૫) આત્મપ્રપંચ (Bad Faith)

આત્મવંચના (self-deception)નું પૃથક્કરણ કરતાં સાર્ત્ર એક ફરક સ્પષ્ટ કરે છે. જુઠ્ઠાણું એટલે બીજી વ્યક્તિથી સત્ય છુપાવવાનો પ્રયાસ; આત્મપ્રપંચમાં વ્યક્તિ પોતાથી સત્ય છુપાવે છે. સાર્ત્ર ‘અચેતન’ મનના સિદ્ધાંત દ્વારા ‘આત્મપ્રપંચ’ની સમજૂતી આપતા નથી. અસ્તિત્વની બે કક્ષાઓ છેઃ (૧) હકીકતરૂપ અસ્તિત્વ (Facticity), અને (૨) પારગામિતા (transcendence). વર્તમાનમાં જેવું છે તેવું વસ્તુનું સ્વરૂપ સ્વીકારી લેવું તે હકીકતરૂપ અસ્તિત્વનું ભાન છે. દા. ત. ટેબલ છે, વૃક્ષ છે, પર્વત છે વગેરે આખી પરિસ્થિતિ જેવી છે તેવી જ સ્વીકારવામાં માત્ર હકીકતરૂપ અસ્તિત્વ છે. તેથી વિરુદ્ધ ચેતનાની મુક્ત પસંદગી દ્વારા વસ્તુઓના વર્તમાન અસ્તિત્વને પાર કરી તેને ધ્યેયપ્રાપ્તિના સંદર્ભમાં વિચારવામાં પારગામિતાનું લક્ષણ રહેલું છે. દા.ત. તોફાની બાળક સમક્ષ ‘તેં બહુ સારું કર્યું ‘ એવું વિધાન અમુક હાવભાવ સાથે કરવામાં આવે તો આ શબ્દોનું કટાક્ષયુક્ત પ્રયોજન સ્પષ્ટ થઈ જાય છે. આ વાક્યના હકીકતરૂપ અર્થ પણ છે અને તેના દ્વારા સૂચવાતો કટાક્ષરૂપ અર્થ પણ છે. તેવી જ રીતે માણસના વર્તનનો અથવા તો ચેષ્ટાઓનો સીધો સરળ અર્થ પણ છે અને તેની કોઈ ગૂઢ ઇચ્છા વ્યકત કરતો અર્થ પણ હોઈ શકે છે. આત્મપ્રપંચમાં, આ એ કક્ષાઓ વચ્ચેનો ફરક અવગણવામાં આવે છે અથવા તો એક જ પરિસ્થિતિમાં વારંવાર આ બન્ને કક્ષાએ જીવવામાં આવે છે. ચેતનાની સંદિગ્ધતા આવી પ્રક્રિયા માટે જવાબદાર છે. ચેતના જે ‘છે’ તે ‘નથી’, અને જે ‘નથી’ તે ‘છે’. સાર્ત્રના સિદ્ધાંત મુજબ ચેતના પ્રવાહીરૂપ છે, પરિણામે સતત પરિવર્તનશીલ અને મુક્ત છે એટલે વસ્તુઓની જેમ તેને માત્ર હકીકતરૂપ અસ્તિત્વ નથી. અસ્તિત્વની આ સંદિગ્ધતાનું સાર્ત્ર એક બહુ રસપ્રદ દૃષ્ટાંત આપે છે. સાર્ત્રની સાહિત્યકાર તરીકેની પ્રતિભા અને ફિલસૂફ તરીકેનું સામર્થ્ય આ દૃષ્ટાંતમાં જોવા મળે છે. એક પુરુષ એક સ્ત્રીને હૉટેલમાં મળે છે. પુરુષની બધી ચેષ્ટાઓ તેના પ્રેમને પ્રગટ કરનારી હોય છે. પુરુષ પ્રેમમાં આગળ વધવા માગે છે અને છતાં સ્પષ્ટ રીતે પોતાનો ઇરાદો જાહેર કરતો નથી, અસ્તિત્વની આ પારગામિતાની સપાટી છે, પરંતુ તે સ્ત્રી, પુરુષના શબ્દો અને ચેષ્ટાઓનો સીધો અને સરળ અર્થ કરે છે. જાણે કશું જ બન્યુ નથી તેવું માનીને બે સાવ અપરિચિત વ્યક્તિઓની જેમ તેઓ વર્તે છે. અહીં માત્ર હકીકતરૂપ અસ્તિત્વની સપાટી છે. સ્ત્રીને પોતાની નિર્ણય લેવાની ક્ષણો લંબાવવી છે અને છતાં તદ્દન ગુમાવી દેવી નથી. તેના પુરુષમિત્રનું વર્તન તદ્દન અલિપ્ત થઈ જાય તેવું તે ઇચ્છતી નથી અને છતાં પ્રેમ કબૂલવા માટે તેટલા સમય પૂરતી તેની તૈયારી નથી. તે સ્ત્રી જાણે છે કે આ પુરુષની વાણી અને વર્તન માત્ર તેના રૂઢ અર્થમાં જેવાં સમજી શકાય તેવાં જ નથી અને છતાં તે તેની ચેષ્ટાઓના સુક્ષ્મ સંકેતોને તે સ્વીકારવા માગતી નથી. માત્ર વર્તમાન સપાટીએ તે આ અનુભવ ચાલુ રહે તેમ ઇચ્છે છે. સ્ત્રી પોતાના શરીરને પણ વસ્તુરૂપ અસ્તિત્વ આપી દે છે. પુરુષના હાથમાં તે સ્ત્રીનો હાથ હોય છે ત્યારે પણ જાણે તેમાં કોઇ ઉષ્મા રહેતી નથી. અસ્તિત્વની પારગામિતા અવગણીને માત્ર હકીકતરૂપ અસ્તિત્વ સ્વીકારવામાં આત્મપ્રપંચ છે, તેમાં સત્યને પોતાની જાતથી છુપાવવાની ચેષ્ટા છે. આ પરિસ્થિતિ શક્ય બને છે તેનું કારણ એ છે માણસ અસ્તિત્વની બે કક્ષાએ જીવે છે. બીજું દૃષ્ટાંત લઈએ. એક ચોર જ્યારે એમ દલીલ કરે કે તે મજબૂર હતો, તે પરિસ્થિતિનો ગુલામ હતો અને તે હમેશાં ચોર તરીકે ઓળખાવો ન જોઈએ ત્યારે તે એમ કહેવા માગે છે કે પોતાના સ્વાતંત્ર્યથી તે પોતાનો ભૂતકાળ ભૂંસી નાખીને નવું જીવન શરૂ કરી શકે છે. અહીંયાં માત્ર પારગામી અસ્તિત્વનો જ સ્વીકાર જણાય છે. આવી દલીલ કરનાર વ્યક્તિ પોતાનું હકીકતરૂપ અસ્તિત્વ અવગણે છે અને તેથી આત્મવંચનાનો ભોગ બને છે. તે જ રીતે નૈતિક ઉપદેશકો જ્યારે ગુનેગારની ટીકા કરતા હોય ત્યારે તેઓ જો આ લોકોને સુધરવાની કોઈ શક્યતા નથી તેમ માને તો તેમાં પણ આત્મપ્રપંચ રહેલો છે કારણ કે પારગામિતા(transcendence)નો નકાર કરવામાં આવ્યો છે. એક ‘પથ્થર’ જે અર્થમાં ‘પથ્થર’ છે તે અર્થમાં એક ‘ચોર’ ચોર રહેનો નથી કારણ કે તેનું ભવિષ્ય બદલી નાખવા તે મુક્ત છે અને સમર્થ છે. માનવીનું અસ્તિત્વ વૃક્ષો અને પથ્થરોના અસ્તિત્વ જેવું નથી. ટૂંકમાં ‘ચોર’ જો એમ જ માને કે તે ખરેખર ચોર નથી તો આત્મપ્રપંચ છે કારણ કે ભૂતકાળમાં તે ખરેખર ચોર હતો તે બાબત અવગણી શકાય નહીં. તે જ પ્રમાણે જો કોઈ એમ માને કે એક વખત જે ચોર હતો તે હમેશાં હશે તે પણ આત્મપ્રપંચ છે કારણ કે માનવસ્વાતંત્ર્યની શક્યતાનો અનાદર કરવામાં આવ્યો છે. વેઇટર તરીકે કામ કરતો માણસ તદ્દન વેઇટર જ નથી. તે પોતાની ભૂમિકાની આરપાર જોઈ શકે છે. દરેક વ્યક્તિ જીવનમાં ઘણા ભાગ ભજવે છે. તેમાંથી કોઈ એક જ ભૂમિકા તેના આખા વ્યક્તિત્વને સમાવી લે છે તેવું ખાતરીપૂર્વક સ્વીકારી શકાતું નથી. હૉટેલનો ‘વેઇટર’ જાણે છે કે ઘણા લોકોની દૃષ્ટિએ તે માત્ર ‘વેઇટર’ છે છતાં તે પોતે ‘વેઇટર’ હોવા ઉપરાંત ઘણું સમૃદ્ધ વ્યક્તિત્વ ધરાવે છે. વ્યક્તિની પ્રવાહી ચેતના સદૈવ મુક્ત હોવાથી તેને કોઈ સ્થિર અને સઘન વ્યક્તિત્વમાં બાંધી લેવાનું શક્ય નથી. આપણું મૂલ્યાંકન નિરપેક્ષ નથી. ગુનેગાર પોતાનું હકીકતરૂપ અસ્તિત્વ (Facticity) અવગણે અને સમાજ તેનું પારગામી અસ્તિત્વ (Transcendence) અવગણે તો બન્ને આત્મપ્રપંચનો ભોગ બને છે. સાર્ત્રની દૃષ્ટિએ માણસને પોતાની નિરાધારતાનું ભાન કષ્ટદાયક જણાય છે. ચેતનાની સ્વાયત્ત મૂલ્યનિર્માણની ક્રિયાથી માનવી ચિંતિત થાય છે. આવા સંતાપમાંથી બચવા માટે માણસ એમ માનવા પ્રેરાય છે કે આ જગતનો કોઈ સર્જક છે, બધી વસ્તુઓના નિશ્ચિંત ગુણો છે, બધા બનાવોના નિશ્ચિત નિયમો છે, મૂલ્યો દૈવી આદેશ મુજબ ઘડાયેલાં છે અને માણસે માત્ર વિરાટ વિશ્વયોજનાના એક અંશ તરીકે પોતાનું કાર્ય કરવાનું છે. આવી વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંકલનામાં માનવાથી વ્યક્તિગત જવાબદારી, સંઘર્ષ અને મૂલ્યોની સમસ્યાની તીવ્રતા ઘટી જાય છે. ‘વ્યવસ્થિત જગત’(Serious world)માં માનવાથી તે પોતાની નિરાધારતા અને આંતરિક એકલતા ઓછી કરવાનો મિથ્યા પ્રયત્ન કરે છે. પરંતુ વસ્તુતઃ માનવીએ જીવન પ્રત્યે એક કલાકાર કે ખેલાડીની દૃષ્ટિ રાખવી જોઈએ. કલાકાર કે ખેલાડીને પણ કલા કે રમતના નિયમોને આધીન રહેવું પડે છે પરંતુ મનમાં તે સમજતો હોય છે કે આ નિયમો માણસે જ બનાવેલા છે અને ધારે તો અમુક રમત રમવી કે ન રમવી અને અમુક કલાકૃતિનું નિર્માણ કરવું કે ન કરવું એ બાબત પોતે સ્વતંત્ર નિર્ણય કરી શકે છે. વફાદારી કે સચ્ચાઈ (Sincerity) વિશે પણ આ જ પરિસ્થિતિ છે. ‘તમારે પોતાની જાતને વફાદાર રહેવું’ એવો આદેશ એક રીતે મિથ્યા છે કારણ કે માણસનું વ્યક્તિત્વ ક્યારેય પૂરું બંધાઈ ગયું હોતું નથી. માણસ પોતે ભૂતકાળ પરત્વે સચ્ચાઈ દર્શાવી શકે છે અર્થાત્ પોતે જેવો ભૂતકાળમાં હતો તેવો પોતાનો સ્વીકાર કરવો જ જોઈએ. તે જ પ્રમાણે વર્તમાનકાળમાં તેનાં ધ્યેયો શું છે તે પ્રમાણિકતાથી સ્પષ્ટ કરવાં જોઈએ પરંતુ વ્યક્તિનું કે માનવજાતનું કોઈ નિશ્ચિત સ્વરૂપ કે ‘સત્ત્વ’ ન હોવાથી માણસનું મૂળભૂત એવું કોઈ સ્વરૂપ નથી કે જેને જાળવી રાખવું પડે. માનવીનું ‘સ્વરૂપ’ નિશ્ચિત છે તેમ માનવામાં આત્મપ્રપંચ છે.

(૬) પૂર્વગ્રહ પૂર્વગ્રહયુક્ત માનસનું પૃથક્કરણ સાર્ત્રના પુસ્તક ‘Anti-Semite and Jew’માં બહુ વિસ્તારથી કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં યહૂદીવિરોધી પૂર્વગ્રહની ચર્ચા કરવામાં આવી છે. સીડની હૂકે આ પુસ્તકને એક બહુ જ સમૃદ્ધ મનોવૈજ્ઞાનિક અભ્યાસ તરીકે વર્ણવ્યું છે. પૂર્વગ્રહ અને મંતવ્યનો તફાવત દર્શાવતાં સાર્ત્ર સૂચવે છે કે મંતવ્યો અનુભવથી ઘડાય છે અને તેની વિરુદ્ધ જતી કોઈ હકીકત જાણવા મળે ત્યારે મંતવ્યો બદલી નાખવામાં આવે છે. મંતવ્યના પક્ષે અને વિરુદ્ધમાં દલીલો કરી શકાય છે. તેને સાબિત કરી શકાય, દૃઢ કરી શકાય અથવા ખોટું પુરવાર કરી શકાય. મંતવ્યો બૌદ્ધિક ક્ષેત્રોમાં હોય છે. તેથી વિરુદ્ધ, પૂર્વગ્રહ અનુભવથી ઘડાતો નથી પણ અનુભવને ઘડે છે. દા.ત. એક સ્ત્રીને એક યહૂદી વેપારી છેતરી જાય તો તે સ્ત્રી એવી દલીલ કરશે કે તે ‘યહૂદી’ છેતરી ગયો અને અહીં ‘વેપારી’ તરીકે તેને ધિક્કારવાને બદલે યહૂદી તરીકે તેને ધિક્કારવામાં આવે છે. આ હકીકત દર્શાવે છે કે પહેલાં પસંદ કરેલા પૂર્વગ્રહના અનુસંધાનમાં અનુભવનો અર્થ ઘટાવવામાં આવે છે. પહેલાં યહૂદીઓ વિશે અમુક પૂર્વગ્રહ સ્વીકાર્યા પછી યહૂદીના વર્તનને તેવા જ રૂપમાં જોવું એ યહૂદી-વિરોધી માનસનું પરિણામ છે. પૂર્વગ્રહમાં આ હકીકતોની અવગણના થાય છે, ત્યાં તર્કની પ્રતિષ્ઠા નથી. પૂર્વગ્રહ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ ઉપર છવાઈ જાય છે. તેનાથી વ્યક્તિની જીવનરીતિ નક્કી થાય છે. પૂર્વગ્રહ આવેગરૂપ (Emotional) જીવનરીતિ છે. સાર્ત્રના આવેગના સિદ્ધાંત મુજબ વ્યક્તિ આવેગમાં જગતને પોતાની નવી રીતે જુએ છે. તે પ્રમાણે તિરસ્કારને લીધે અમુક વ્યક્તિઓને ‘યહૂદી’ તરીકે ગણવામાં આવે છે યહૂદી-વિરોધી માનસનું પૃથક્કરણ કરતાં સાર્ત્ર જણાવે છે કે ‘If the jew did not exit, the anti-Semite would invent him.’ યહૂદીઓ ન હોત તો એન્ટી-સેમાઈટ તેનું સર્જન કરશે. આ વિધાન દ્વારા સાર્ત્ર એવું સૂચવે છે કે પૂર્વગ્રહ કે દ્વેષબુદ્ધિ રાખનાર વ્યક્તિ પોતે આવી પરિસ્થિતિ માટે જવાબદાર છે. યહૂદીઓનો વિરોધ કરનારાઓએ ‘યહૂદીપણા’નું ભાન યહૂદીઓમાં પ્રગટાવ્યું છે. પોતાના વ્યક્તિત્વને સલામતી આપવા, પોતાનાં કાર્યોનું સમર્થન કરવા અને પોતાની મર્યાદાઓ છુપાવવા કે ઢાંકવા માટે વ્યક્તિ પૂર્વગ્રહ અને દ્વેષબુદ્ધિથી વર્તન કરે છે. બીજી વ્યક્તિ કે આખો વંશ બદનામ કરીને તેનું અવમૂલ્યન કરીને એક પ્રપંચ રચવામાં આવે છે અને તેના મૂળમાં માણસના પોતાના અસ્તિત્વની માવજત કરવાનો સ્વાર્થ છુપાયેલો છે. પોતાની નિષ્ફળતાની જવાબદારી બીજા ઉપર આરોપિત કરવાથી વ્યક્તિનો અહંકાર સંતોષાય છે. યહૂદીઓનો જૂથ-સમાવેશ (group involvement) શક્ય ન બનાવવા માટે ફ્રેંચ અને જર્મન લોકોએ બીજા વિશ્વયુદ્ધમાં પ્રયત્નો કર્યા હતા. યહૂદી ગમે તેવો બહાદુર હોય, ચઢિયાતો હોય તો પણ આખરે તે ‘યહૂદી’ છે તેવું સ્વીકારીને ‘એન્ટી-સેમાઇટ’ તેનો વિરોધ કરે છે. ‘એન્ટી-સેમાઈટ’ સાર્ત્રની દૃષ્ટિએ કાયર છે; અપ્રમાણિક છે કારણ કે તે યહૂદી વિશેના પૂર્વગ્રહથી બંધાઈ ગયો છે. પોતાની કાયરતા અથવા અસલામતી છુપાવવા માટે બીજા વંશ કે ધર્મ કે જાતિના લોકો પ્રત્યે આક્રમકતા રાખવામાં આવે છે. યહૂદી-વિરોધી વ્યક્તિ પોતે યહૂદી નથી એ જ બાબતને એ એક મહાન સિદ્ધિ ગણે છે. યહૂદીઓની બધી સિદ્ધિઓ તેઓ માત્ર યહૂદી હોવાથી અવગણવામાં આવે છે. તે જ રીતે એન્ટી-સેમાઈટની બધી નિષ્ફળતાઓ તેઓ યહૂદી નથી માટે અવગણી શકાય છે. દા. ત., પૈસાનો કાળજીભર્યો ઉપયોગ જો યહૂદી કરે તો એ ‘લોભી’ ગણાય અને બિનયહૂદી તેવું કરે તો એ ‘વિવેકબુદ્ધિવાળો’ ગણાય. બિનયહૂદીઓમાં જે ‘સ્વમાન’ ગણાય એ યહૂદીઓમાં ઉદ્ધતાઇ કહેવાય. પૂર્વગ્રહને લીધે સાચું મૂલ્યાંકન સંભવી શકતું નથી. પોતાની સામે પૂર્વગ્રહનું અસ્તિત્વ જાણનાર યહૂદીઓનું વર્તન પણ પ્રમાણિક અથવા અપ્રમાણિક બને છે. અપ્રમાણિક યહૂદી પોતાની પરિસ્થિતિનો બૌદ્ધિક સ્વીકાર કરવાને બદલે તેમાંથી છટકી જવાનો પ્રયત્ન કરે છે. યહૂદીઓમાંથી કેટલાક પોતે ‘યહૂદી’ છે તેવું ભાન દૂર કરવા માગે છે. તેઓ પોતાનું ‘યહૂદીપણું’ ગુમાવીને એન્ટી-સેમાઈટના સમાજમાં અનામી અસ્તિત્વ ઇચ્છે છે : આ સ્થિતિ વિશે સાર્ત્ર કટાક્ષ કરે છે ‘There is no one more anti-Semetic than the jew’ યહૂદી-વિરોધી પૂર્વગ્રહનું પૃથક્કરણ સાર્ત્રની દૃષ્ટિએ તમામ પ્રકારના પૂર્વગ્રહને માટે સાચું છે. લઘુમતી કોમને કે અન્ય ધર્મની પ્રજાને કચડી નાખી પોતાનું વર્ચસ્વ જાળવવાની વૃત્તિને લીધે આ આત્મપ્રપંચ સર્જાય છે.

(૭) અસ્તિત્વલક્ષી મનોવિશ્લેષણ Existential Psycho-analysis ફ્રૉઇડના મનોવિશ્લેષણની જેમ સાત્રે પણ મનોવિશ્લેષણનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. જો કે સાર્ત્રે આ સંદર્ભમાં કોઈ સ્વતંત્ર પુસ્તક લખ્યું નથી પરંતુ તેમના ‘Being and Nothingness’ પુસ્તકમાં તેનો ખાસ નિર્દેશ કરવામાં આવ્યો છે. સાર્ત્ર ચેતનાના સ્વરૂપ ઉપરથી એવો નિર્ણય તારવે છે કે ચેતનરૂપ અસ્તિત્વ (For itself) વસ્તુરૂપ (In itself) બની જવા માગે છે અર્થાત્ ચેતના નિષેધક છે—સામગ્રી વગરની છે–વસ્તુઓ સમક્ષ ઉપસ્થિત થાય છે; પરિણામે ચેતના પોતાની શૂન્યતાને સમૃદ્ધ કરવા માગે છે. વસ્તુઓથી ભરી દેવા માગે છે. તમામ માનવપ્રવૃત્તિઓના હેતુ વસ્તુઓને પોતાની કરી લેવાનો (Appropriation) છે. વ્યક્તિ વસ્તુઓ પોતાની કરીને તેની સાથે તાદાત્મ્ય કેળવવા માગે છે અને આમ વસ્તુમય થઈ જવાની તીવ્ર ઝંખના મનુષ્યવર્તનનું એક પ્રેરકબળ છે પરંતુ અંતે વ્યક્તિને અસંતોષ જ રહે છે કારણ કે ચેતના અને વસ્તુઓ વચ્ચે હમેશાં અંતર જ રહે છે. સાર્ત્ર આમ સંગ્રહ અને માલિકીની વૃત્તિને મૂળભૂત પ્રેરણા માને છે. કલાકાર પ્રતિમા બનાવે ત્યારે એને બેવડો આનંદ થાય છે; એક તો આ સર્જનમાં પોતાનો ફાળો છે અને સર્જનના પરિણામરૂપ જે કલાકૃતિ ઉદ્ભવી તેની માલિકીનો સંતોષ છે. જ્ઞાન, ખાવુંપીવું, જાતીય ક્રિયા, કલા વગેરે બધી પ્રવૃત્તિઓમાં મૂળ હેતુ તેના વિષયને પામવાનો, ઉપભોગ કરવાનો, તેમાંથી આનંદ મેળવવાનો અને વસ્તુઓની માલિકી મેળવી લેવાનો છે. ચેતના સ્વયં વસ્તુરૂપ નથી માટે વસ્તુઓ પામીને તે પોતાનું સત્ જાળવી રાખવા માગે છે. વસ્તુ મેળવ્યા પછી તેના માલિક અને તે વસ્તુ વચ્ચે એકતાનો સંબંધ સ્થપાય છે. અધૂરી ઇચ્છા વસ્તુઓને પામીને પૂર્ણ થાય છે. તેમ છતાં અસંતોષ રહ્યા જ કરે છે કારણ કે સાર્ત્રની વિચારણા મુજબ તાત્ત્વિક દૃષ્ટિએ ચેતનાનું લક્ષ્ય સંપૂર્ણ રીતે વસ્તુમય જગતને પામી લેવાનું છે. આ આદર્શ અંતે મિથ્યા (For-itself-in-itself) છે સાર્ત્રે અસ્તિત્વવાદી મનોવિશ્લેષણની માત્ર રૂપરેખા જ આપી છે. તેમણે ચિકિત્સાલક્ષી સંશોધનો કર્યાં નથી. ફ્રૉઇડ અને સાર્ત્રના સિદ્ધાંતોનાં સામ્ય અને ભિન્નતાનો રસપ્રદ અભ્યાસ હેઝલ બાર્ન્સે કર્યો છે તેની કેટલીક લાક્ષણિકતાઓ રજૂ કરીએ : - (૧) ફ્રૉઇડ અને સાર્ત્ર વર્તનવાદીઓથી વિરુદ્ધ છે. કોઈ પણ વર્તનને માત્ર અમુક ઉદ્દીપકો સામે અમુક યાંત્રિક પ્રતિક્રિયારૂપે ગણી શકાય નહીં. માણસના વર્તનનો સમગ્રતા(totality)ના દૃષ્ટિકોણથી અભ્યાસ થવો જોઈએ. (૨) બન્ને સિદ્ધાંતમાં માત્ર વારસાગત અને શરીરબંધારણના ઘટકો કરતાં વ્યક્તિની આંતરિક પ્રેરણાના તત્ત્વને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. (૩) બન્ને સિદ્ધાંતમાં દરેક વ્યક્તિની ‘ઐતિહાસિક પરિસ્થિતિ’ને મહત્ત્વની ગણવામાં આવે છે. વ્યક્તિને ચોક્કસ સામાજિક અને ભૌતિક પરિસ્થિતિમાં જીવવાનું છે અને દરેક વ્યક્તિ જુદી જુદી રીતે આ પરિસ્થિતિ સાથેના અનુકૂલનની રીતો ઉપયોગમાં લે છે, પરિણામે વ્યક્તિનું માનસપૃથક્કરણ તેની સમગ્ર પરિસ્થિતિના સંદર્ભમાં જ થઈ શકે. (૪) વ્યક્તિ પોતાને જે રીતે સમજી શકે તેના કરતાં બીજી વ્યક્તિ (માનસચિકિત્સક) તેને વધારે તટસ્થતાથી સમજી શકે તેવું સાર્ત્ર ફ્રૉઇડની જેમ માને છે. (૫) ફૉઇડની જેમ સાર્ત્ર માને છે કે વ્યક્તિનું બાહ્ય વર્તન તેના આંતરિક માનસિક જીવનને જુદે જુદે રૂપે અભિવ્યક્ત કરે છે. ફૅાઇડ અને સાર્ત્રના સિદ્ધાંતોની તુલના કરતાં તેમની ભિન્નતાની ઘણી રસપ્રદ બાબતો મળી આવે છે. ફ્રૉઇડે નિયતિવાદ સ્વીકાર્યો. વ્યક્તિને ભૂતકાળમાં થયેલા અનુભવો તેના વર્તમાન અને ભાવિના વ્યક્તિત્વના ઘડતરના પાયામાં છે તેવું ફ્રૉઇડે જણાવ્યું. ઉપરાંત ફ્રૉઇડે બાલ્યાવસ્થાના અનુભવોમાં જાતીયતા(Sexuality)ને વધારે મહત્ત્વનું તત્ત્વ ગણ્યું. જાતીય આનંદને શરીરના સ્પર્શસુખના સંદર્ભમાં સમજાવતાં ફ્રૉઇડે બાળકોને પોતાના શરીરના સ્પર્શથી થતાં સુખ અર્થાત્ આત્મરતિથી માંડીને જાતીય વિકાસના જુદા જુદા તબક્કાઓ વર્ણવ્યા અને મૂળભૂત કામના (Libido) જુદે જુદે રૂપે કેવી રીતે કાર્યરત થાય છે તે સ્પષ્ટ કર્યું છે. સાર્ત્રે જાતીય પ્રેરણાને આટલું બધું મહત્ત્વ આપતા નથી. તેમના મતે માણસની મૂળ પ્રેરણા માલિકીની છે. પોતાની વસ્તુ કરી લેવાની છે. આ સંદર્ભમાં વ્યક્તિ પોતાની કોઈ મૂળભૂત જીવનરીતિ (Project of Being) પસંદ કરી લે છે અને તેને પરિણામે તેની વાસ્તવિક પસંદગીઓ ઘડાય છે. સાર્ત્ર બાલ્યાવસ્થાની જાતીયતાને આધારે વ્યક્તિત્વના તમામ વિકાસ સમજાવવાની શક્યતા નકારે છે. માણસે જે કંઈ થવાનું છે તે બધું બાલ્યાવસ્થામાં નક્કી થઈ જાય છે અને બાકીનો વિકાસ માત્ર અપ્રગટ શક્યતાને પ્રગટ કરવા પૂરતો જ છે તેવું નિયતિવાદી દૃષ્ટિબિંદુ એ સ્વીકારતા નથી કારણ કે અસ્તિત્વવાદના સિદ્ધાંત પ્રમાણે માણસનું કોઈ મૂળભૂત સ્વરૂપ કયારેય ઘડાતું નથી એટલે માણસની મુક્તિને કોઈ પણ ભૌતિક કે સામાજિક પરિબળોનું નિયંત્રણ રોકી શકતું નથી. સાર્ત્ર અને ફ્રૉઇડના મનોવિજ્ઞાનમાં સહુથી મહત્ત્વનો ફરક ‘અચેતન મનના ખ્યાલ’ વિશેનો છે. આ ખ્યાલ ફૉઇડના મનોવિજ્ઞાનના કેન્દ્રમાં છે. સાર્ત્ર ‘અચેતન’નું અસ્તિત્વ જ સ્વીકારતા નથી. સાર્ત્ર આત્મપ્રપંચનો ખ્યાલ સ્વીકારે છે પરંતુ ચેતન સપાટીએ જ માણસ બે જાતની ઇચ્છાઓનું દમન કરે છે તેવું સાર્ત્ર માને છે. દમન થએલી વસ્તુનું ભાન ન હોય તો પછી દમન કરનાર તેનાથી કઈ રીતે પીડાય તે સમજાતું નથી. તે ઉપરાંત ફ્રૉઇડે જે નિર્ણાયક(Censor)નો ખ્યાલ રજૂ કર્યો તેમાં મુશ્કેલી એ છે કે અચેતનમાંથી ઉત્પન્ન થતી ઇચ્છાઓને આ સેન્સર રોકી રાખે છે અને ચેતનસપાટીએ લાવતો નથી તો પછી સેન્સર પોતે ચેતનરૂપ હોવો જોઈએ તેવું ફલિત થાય છે. ફ્રૉઇડના સિદ્ધાંત મુજબ અચેતનમાં ઉત્પન્ન થતી ઇચ્છાઓ વેશાંતર કરીને અથવા પ્રતીકાત્મક રૂપ ધારણ કરીને વર્તનમાં પ્રગટતી જાય છે, પરંતુ સાર્ત્ર આ બાબતની ટીકા કરતાં સૂચવે છે કે મનના આવા બિલકુલ જુદા બે સ્તરોનાં સંયોજન અને સમન્વય કઈ રીતે થઈ શકે? સાર્ત્ર આ સંદર્ભમાં ચેતના અને જ્ઞાનનો ફરક પાડે છે, વ્યક્તિને અમુક બાબતનું ભાન (awareness) હોય પરંતુ તે તેના ચિત્તની સપાટીએ સ્પષ્ટ રૂપમાં ઉપસ્થિત ન હોય તેવું શક્ય છે. એટલે માનસચિકિત્સકનું કાર્ય વ્યક્તિને પોતાને વિશેનું જે ભાન છે તેને જ્ઞાનમાં ફેરવી નાખવાનું છે. સંક્ષિપ્તમાં (૧) ફ્રૉઈડ મૂળભૂત કામના(Libido)ને પ્રેરણાશક્તિ ગણે છે ત્યારે સાર્ત્રના મત પ્રમાણે વ્યક્તિ જીવન સમક્ષ વ્યવહાર કરવાની જે અમુક રીત પસંદ કરે છે તેના પરિણામ રૂપે તેનું વર્તન સમજી શકાય. (૨) ફ્રૉઈડ નિયતિવાદ સ્વીકારે છે, સાર્ત્ર સ્વાતંત્ર્યનો સિદ્ધાંત સ્વીકારે છે. (૩) ફ્રૉઇડ અચેતન અને ચેતનનો વિરોધ તેના સિદ્ધાંતમાં મૂળભૂત ગણે છે પરંતુ સાર્ત્ર ચેતનસપાટીએ જ માત્ર ભાન અને જ્ઞાનનો ફરક પાડે છે. અસ્તિત્વલક્ષી માનસપૃથક્કરણનો મૂળ સિદ્ધાંત એ છે કે માણસનું વર્તન સમગ્ર પરિસ્થિતિના સંદર્ભમાં સમજવાનું જરૂરી છે. તેનો હેતુ વ્યક્તિના જુદા જુદા પ્રકારના વર્તનનું નિરીક્ષણ કરીને તેને અર્થ ઘટાવવાનો છે. માણસની ચેતનામાં પ્રગટતી ઇચ્છાઓ ત્રણ સ્વરૂપની હોય છે : કશુંક કરવાની (doing), કશુંક મેળવવાની (having) અને કશુંક થવાની (being) ઘણી વખત મૃત્યુ પામેલી વ્યક્તિની વસ્તુઓ તેની સાથે દફનાવવામાં આવતી. માણસની માલિકીની મૂળ ઇચ્છા આ ઘટનાનું કારણ છે તેમ સાર્ત્ર માને છે. વસ્તુઓ મેળવીને ‘સ્વ’(self)નો વિસ્તાર કરવામાં આવે છે. સાર્ત્ર ‘વસ્તુઓની માનસપૃથક્કરણ (Psycho-analysis of things)નો સિદ્ધાંત રજૂ કરે છે. વસ્તુઓમાં જે ગુણો છે તેનું પણ વ્યક્તિઓ માટે અમુક રહસ્ય છે, વસ્તુઓનો વ્યક્તિઓ માટે અમુક પ્રતીકાત્મક અર્થ છે. દા. ત., ‘ચીકણું કે સુંવાળું, ઘન અને પ્રવાહીના મિશ્રણ જેવું (Slimy-viscous) એ ગુણનું વર્ણન કરતાં કહે છે કે આવી વસ્તુને પકડવા જતાં અથવા હાથમાં લેવા જતાં એક જાતનો વિચિત્ર અનુભવ થાય છે. માણસ વસ્તુને પચાવી પાડવા માગે છે એ સાર્ત્રની મુખ્ય સ્વીકૃતિ છે. પરંતુ આ વર્ણનમાં સાર્ત્ર એમ કહેવા માગે છે કે આ ચીકણી સુંવાળી વસ્તુઓ જાણે કે વ્યક્તિને પરવશ બનાવી દે છે. ‘The viscous possesses me’ આવા ગુણ ધરાવતી વ્યક્તિઓ પ્રત્યે ઘણીવાર ઘૃણા ઊપજે છે. આ દૃષ્ટાંત ઉપરથી સાર્ત્ર એમ સૂચવે છે કે વ્યક્તિનું અમુક વસ્તુઓ પ્રત્યેનું વલણ પણ તેના માનસપૃથક્કરણ માટે અગત્યનું છે. વ્યક્તિને શું ગમે છે, તેને વસ્તુનો કયો રંગ ગમે છે, વસ્તુનો કયો ગુણ કેટલા પ્રમાણમાં ગમે છે વગેરેનું જ્ઞાન મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અગત્યનું છે. અસ્તિત્વવાદની મનોવિજ્ઞાન ઉપર જે અસર થઈ રહી છે તેનું મૂલ્યાંકન કરવું અત્રે આવશ્યક નથી, પરંતુ ફ્રૉઇડ ઉપરાંત સાર્ત્રનાં મંતવ્યો આ સદીના ઘણા અગત્યના મનોવૈજ્ઞાનિકો જેવા કે ફ્રોમ, હોર્ની, એડલર વગેરે સાથે સામ્ય અને ફરક ધરાવે છે. હર્શલની અનુભવમીમાંસાની અસર હેઠળ ‘Phenomenological Psychiatry’માં સંશોધનો શરૂ થયાં છે જેમાં મીન્કોવસ્કી, ગેબસાટલ અને ઈરવીન સ્ટ્રાઉસનો સમાવેશ થાય છે. બીજા કેટલાક ‘Existential Analysts’ છે જેમાં બીનસ્વાંગર, મેડાર્ડ બોસ અને રોનાલ્ડ કુહનનો સમાવેશ થાય છે. સાર્ત્રના મનોવિજ્ઞાન વિશે હેઝલ બાર્ન્સનું મહત્ત્વનું વિધાન મનનીય છે: “In any study of human being as such, it is difficult to say where philosophy ends and psychology begins. This is particulary true of existentialism.’’