ગુજરાતી કવિતાનો આસ્વાદ/ચાલતાં ચાલતાં

From Ekatra Wiki
Revision as of 09:54, 29 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાલતાં ચાલતાં| સુરેશ જોષી}} <poem> શ્હેરનો રાત્રિનો માર્ગ વિચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચાલતાં ચાલતાં

સુરેશ જોષી

શ્હેરનો રાત્રિનો માર્ગ વિચારોથી ભર્યો ભર્યો,
તેજીલા વીજદીવાની વચ્ચેથી હું વહ્યો જતો.
ઓચિંતા નીરખું મારી છાયા શી સરકી જતી
વેગીલી આવતાં કાર દોડતી તીક્ષ્ણ દૃષ્ટિએ,
ચાંપેલી ચરણે મારી છાયા શી સરકી જતી;
સામેથી આવતાં અન્ય વળી ત્યાં કોઈ વાહન
ઘૂમતી શીઘ્ર તો એવી મકાને કો ચડી જતી,
પથના દીપના તેજે ઢોળાયાં જલના સમી;
ઘડીક ઠીંગણું રૂપ લાવતી તો પ્રમાણમાં,
ઓચિંતી વધતી કિંતુ લાંબા કો સળિયા સમી;
એક્કી સાથે ધરે રૂપ ત્રણ કે ચારથી વધુ,
મુખ્યત્વે આકૃતિ માત્ર, ઇન્દ્રિયોનું કશું નહીં;
પૂલપે ચાલતો તો યે નદીના પટમાં વહે,
તીરનાં વૃક્ષનાં પર્ણે ચોંટીને ઉપરે ચડે;
ઓચિંતી વ્યોમથી વર્ષા, પાણી તો પગથી લગી,
જલનાં બિંદુ બિંદુએ આવી તો ગેલમાં જતી,
થંભું હું ક્યાંક તો કેવી જાવાને તડપી રહે
વ્હેતા એ વ્હેણની સાથે મૂકીને મુજને પૂંઠે!
દૃષ્ટિયે મેળવી જેની સાથે ના ક્ષણ એક તે
અજાણી નારીના આછા સાળુમાં જઈને રમે,
આખાયે પથને રોકે એટલી પુષ્ટ થાય એ;
ક્ષણનું સઘળું રૂપ, ક્ષણમાં લુપ્ત થાય, ત્યાં
વિરૂપ રૂપનો પ્રશ્ન? અન્ય સાથે ભળી જવું,
આધીન સર્વ સંજોગે વાંકાચૂંકા વળી જવું;
ભરાતી સર્વ આંટામાં ગાડીના મંદ ચક્રમાં.
ચાલતા ર્હેંટનું દૃશ્ય દૃષ્ટિ સામે થતું ખડું;
લક્ષ્યને પ્હોંચતાં પ્હેલાં મારી એ મોર પ્હોંચતી,
અંધારા કોક ખૂણામાં દેખાતી ગેબ એ થતી.
જૂજવાં-જૂજવાં રૂપ પેખ્યાથી ક્લાંત હું હવે
લોચનો મીંચીને થંભું સર્વ ત્યાં એકઠાં થતાં
અજાણ્યા ધૂંધળા આછા ઘેરા અંધાર રૂપમાં;
ફરીને લોચનો ખોલું, નીરખું હું નહીં નવું,
અનન્ત જૂજવાં રૂપે એ જ હું એ જ હું લહું.
છાયાના રૂપમાં આ તો મારાં સૌ ચિત્ર ચાલતાં,
ચાલતાં ચાલતાં જોયું મારું મેં ચલચિત્ર આ.
– પ્રિયકાન્ત મણિયાર (અશબ્દ રાત્રિ)