કાવ્યમંગલા/પથ્થરે પલ્લવ
પળે પળે પ્રાણ નવા પ્રફુલ્લતી,
નવી નવી નૂતનશ્રી વિકાસતી,
વર્ષા જહીં જીવનવૃષ્ટિ સીંચતી,
રેલંત નીર અહીં તો ય સુકાઉં હું કાં?
આ આભ ખાલી ઉરને ભરીને
લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું,
તે સીંચતું વત્સલ ઊર્મિધારા,
દૂઝે શું સ્નિગ્ધ જગજીવનકામઘેનું.
વસુન્ધરા આ અભિષિક્તદેહા,
મહા કુલોની જનની ઋતંભરા.
પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી,
ધારે વિશાળ હૃદયે ઉગતી વિસૃષ્ટિ.
ધરાતણાં શષ્પ અનેક શસ્યો,
પ્રફુલ્લ દેવોતણી ભેટ આ જે,
ચરી ચરી ગૌ-પશુ-દૂઝતાં વધે,
ધાન્યો લણી મનુજ જીવનપંથ ખેડે.
સમુદ્રથી અભ્ર, તહીંથી વર્ષા,
વર્ષાથકી ગંજ અખૂટ ધાન્યના,
ગૌદૂધથી, ધાન્યની વાનીઓથી,
પુષ્ટિ ગ્રહી પ્રગટ માનવ ત્યાં થઉં હું.
હું માનવી સર્જન અદ્રિકેરી
ઉત્તુંગ ટોચે અણજોડ ઊભું,
નિષ્પ્રાણ નિષ્પલ્લવ શો રહી શું,
જાઉં રૂંધાઇ ધવલા હિમથી વિઘાતી?
ઝરંત ધારે નવલક્ષ વર્ષા,
ભીંજાય પૃથ્વી, પલળું ય હું ત્યાં,
ખીલે બધાં ને કરમાઉં હું કાં?
મૂંઝાવતા હૃદય પ્રશ્ન ઉઠે તડૂકી.
શું ટોચ તો માત્ર નિહાળવાની?
કે વીજળીઘા સહી તૂટવાની?
શું પથ્થરે પલ્લવ બેસશે ના?
શું ફૂટશે અવર કૈં નહિ માનવીથી?
(૨૫ જુલાઈ, ૧૯૩૨)