ભાષા, સમાજ અને સાહિત્ય/કમળાશંકર પ્રા. ત્રિવેદી

Revision as of 02:25, 29 November 2023 by Meghdhanu (talk | contribs)


૧૬

કમળાશંકર પ્રા. ત્રિવેદી


જીવન :

હાઈસ્કૂલના શિક્ષક તદીકે કારકિર્દી શરૂ કરી, ભાવનગરની સામળદાસ કૉલેજ, મુંબઈની એલફિન્સ્ટન કૉલેજ અને પુનાની ડેક્કન કૉલેજમાં અધ્યાપક-પદે રહી, અમદાવાદની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય–પદે પહેાંચી ગુજરાતના શિક્ષણજગતની આજીવન સેવા બજાવનાર સ્વ. કમળાશંકરભાઈએ એમના દીર્ઘ આયુષ્ય દરમ્યાન સતત લેખનનું કામ કરીને પણ સરસ્વતીદેવીની સતત પૂજા કર્યાં કરી હતી. ‘શાળાપત્ર'ના તંત્રી તરીકે તેમણે માનસશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રના અનેક નિબંધો લખ્યા હતા જેમાં તેમની વિદ્વત્તા અછતી રહેતી નથી.

સંસ્કૃતના પંડિતઃ

ઉપર જણાવી તે કૉલેજમાં તેમને લાંબો સમય સુધી અધ્યાપકપદે રહેવાની તક મળી નહીં તેથી અને ટ્રેનિંગ કૉલેજના આચાર્યને સ્વાભાવિક રીતે શાળાકક્ષાના વિદ્યાર્થીઓને-શિક્ષકોને ઉપયોગી થાય તેવા વિષયોની વિચારણા આવશ્યકપણે કરવી પડે તેથી સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં તેમણે જે કામ કર્યું હતું તે બહુ ઓછું આગળ વધ્યું. જોકે આમ છતાં સંસ્કૃત કૃતિઓનાં તેમણે કરેલાં સંપાદનો, લખેલાં ટિપ્પણો અને ઉપોદ્ઘાતમાં આપેલ વિદ્વતાપૂર્ણ લેખો તેમની સંસ્કૃતના મોટા પંડિત તરીકેની છાપ ઊભી કરે છે. સંસ્કૃત કૃતિઓમાં મોટે ભાગે વ્યાકરણ ગ્રંથો, અલંકારના ગ્રંથો અને એક ગણિતશાસ્ત્રનો તથા એક તત્ત્વજ્ઞાનનો ગ્રંથ તેમણે સંપાદિત કર્યા હતા. વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ પ્રમાણભૂત ગણી શકાય તેવા ‘ભટ્ટીકાવ્ય’ અથવા ‘રાવણવધ' નામના બાવીસ સર્ગના મહાકાવ્યનું તેમણે કાળજીપૂર્વક કરેલું સંપાદન તથા ભટ્ટોજી દીક્ષિતના ભત્રીજા કોંડભટ્ટના વ્યાકરણનું તત્ત્વજ્ઞાન નિરૂપતા ગ્રંથ ‘વૈયાકરણભૂષણ’નું સંપાદન સંસ્કૃત વ્યાકરણ પ્રણાલીના એમના ઊંડા અભ્યાસનાં સૂચક છે. સંસ્કૃત વ્યાકરણ ઉપરાંત પ્રાકૃત વ્યાકરણના પ્રમાણભૂત ગણી શકાય તેવા લક્ષ્મીધરકૃત ‘ષડ્ભાષા ચંદ્રિકા'નું તેમનું સંપાદન પણ વ્યાકરણશાસ્ત્ર પરત્વેની તેમની પ્રીતિનું દ્યોતક છે. તેમણે વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’નું ભાષાન્તર ‘શાળાપત્ર’માં છપાવેલું, પરંતુ ‘પ્રાકૃતપ્રકાશ’માં તો માત્ર ચાર પ્રાકૃતોનું જ નિરૂપણ છે. જ્યારે ‘ષડ્ભાષા ચંદ્રિકા’માં લક્ષ્મીધરે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશનું પણ નિરૂપણ કર્યું છે. એક મત પ્રમાણે હેમચંદ્ર કરતાં લક્ષ્મીધરનું અપભ્રંશનું નિરૂપણ જરાય ઉતરતી કક્ષાનું ગણી શકાય એમ નથી. આ ગ્રંથના પરિશિષ્ટમાં પ્રાકૃત શબ્દકોશ તથા વ્યુત્પત્તિદીપિકા નામની ટીકા આપવામાં આવી છે તેના તરફ અભ્યાસીઓનું ધ્યાન દોરવું જોઇએ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ની ધાટી પર વિદ્યાધરે રચેલા ‘એકાવલિ' ગ્રંથનું, વિદ્યાનાથના ‘પ્રતાપરુદ્ર- યશોભૂષણ' ગ્રંથનું અને એ ગ્રંથના પરિશિષ્ટમાં ભામહના ‘કાવ્યાલંકાર’નંપ તેમણે કરેલું સંપાદન નોંધપાત્ર ગણાય. ભામહ ઉપર તેમણે લખેલો લેખ અભ્યાસીઓને ઉપયોગી થઈ શકે એવો છે. આ ઉપરાંત રામચંદ્રકૃત 'પ્રક્રિયાકૌમુદી', જગન્નાથકૃત ‘રેખાગણિત' અને ‘શાંકરભાષ્ય'નું તેમનું સંપાદન નોંધપાત્ર છે. ‘શાંકરભાષ્ય'નો અનુવાદ તેમણે બે ભાગમાં પ્રકાશિત કર્યો હતો. ઈ.સ. ૧૯૧૫માં પાઠ્યપુસ્તકરૂપે તેમણે સંસ્કૃત ગદ્યપદ્યસંગ્રહ ‘સાહિત્યમંજરી’ નામે આપ્યો હતો. તેમનું અંગ્રેજીમાં રચાયેલું અને મરાઠી, હિંદી અને બંગાળી અનુવાદરૂપે ભારતના ઘણા પ્રાંતોમાં પાઠ્યપુસ્તકરૂપે વપરાયેલું ‘સંસ્કૃત ટીચર' તેમના યશમાં ઉમેરો કરે છે. એમણે કરેલી સંસ્કૃતની આ સેવાને કારણે કેટલાક તેમને ગુજરાતના ભાંડારકર કહેવા પણ લલચાય છે.

વૈયાકરણી :

સ્વ. કમળાશંકરભાઈને ગુજરાત ઓળખતું હોય તો તેમના ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ'થી. તેમણે જીવનભર કરેલા પરિશ્રમની આ ફલશ્રુતિ છે. દશકાઓ સુધી, લગભગ અડધી સદી સુધી ગુજરાતી વ્યાકરણના ક્ષેત્રમાં તેમનું સ્થાન બેજોડ રહ્યું છે. અત્યારે પણ ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષાની લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી સામગ્રીને ઐતિહાસિક દૃષ્ટિએ તેમ જ વર્ણનાત્મક દૃષ્ટિએ તપાસવાનું કામ બાકી છે ત્યારે આ વ્યાકરણ, નવા અભિગમથી ભાષાને તપાસવાનો પ્રયત્ન કરનારાઓ માટે પણ, તેમના પ્રયત્નના આરંભ માટે અભ્યાસ યોગ્ય કાર્ય રહ્યું છે. ઓછામાં ઓછું ગુજરાતી ભાષાની તૈયાર સામગ્રી માટે, ઉદાહરણો અને દૃષ્ટાંતો માટે અને એ સામગ્રીને આ અભ્યાસીએ કેવી રીતે તપાસી છે તે જોઈ જવા માટે પણ આ કાર્ય અગત્યનું ગણી શકાય એમ છે. ઈ.સ. ૧૯૧૯માં પ્રગટ થયેલા આ કાર્યના પરિચય ૧૯૭૩માં પ્રચલિત એવા વ્યાકરણના વિભાવથી આપવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે એ દેખીતું છે. આજે તો વ્યાકરણનો આખો વિભાવ જ બદલાઈ ગયો છે. આમ તો વિજ્ઞાનનાં બધાં ક્ષેત્રોમાં દરેક પાંચ-દસ વરસના ગાળા પછી પાંચ-દસ વર્ષ પહેલાં થઈ ગયેલું કામ કાલાતીત (out of date) બની ગયું હોય છે; પણ અભ્યાસીઓ માટે એ આરંભબિંદુ તરીકે (starting point અથવા jump board તરીકે) અગત્યનું હોય છે. ‘બૃહદ્ વ્યાકરણ’ની સામગ્રી આજના અભ્યાસીને કઈ કઈ રીતે ઉપયોગી થઇ શકે એવી છે એનાં થોડાં સૂચનો દ્વારા એમના કાર્યનો ટૂંકો પરિચય કરાવવાનો અહીં પ્રયત્ન કર્યો છે. ચાલીસ પ્રકરણોમાં વિસ્તૃત રીતે પથરાયેલા એ અભ્યાસને રાજમાર્ગ ગણીને જ મોટે ભાગે આજ સુધીનાં ગુજરાતી વ્યાકરણો લખાયાં છે. એ જાણીતું છે કે લેખકે ગ્રંથની શરૂઆતમાં જ “આ પુસ્તક રચવા સારુ જે પુસ્તકો જોયાં છે તેની યાદી” આપી છે. તે ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ શકે તેમ છે કે ગુજરાતી ભાષાના અભ્યાસ માટેનાં માપદંડો તરીકે મોટે ભાગે સંસ્કૃત વ્યાકરણોનો અને ક્યારેક અંગ્રેજી વ્યાકરણોના માપદંડોનો ઉપયોગ થયો છે. દેખીતી રીતે તે માપદંડો ગુજરાતી ભાષાને તપાસવામાં બિનકાર્યક્ષમ પુરવાર થાય અને અહીં એવું બન્યું પણ છે. કેટલેક તો એ માપદંડને યોગ્ય ઠેરવવા જે ઉદાહરણો અપાયાં છે તે પણ ગુજરાતી ભાષાનાં જ છે કે કેમ એવો પ્રશ્ન થાય એવી સ્થિતિ થઈ છે. પૃ. ૩૪ ઉપર હેમચંદ્રના અપભ્રંશના નમૂના ઉપરથી શબ્દોનાં રૂપોની ચર્ચા કરી છે તેમાં વયણું (વચન) કે વલ્લહઉ (વલ્લભ) એમ મૂળ સંસ્કૃત શબ્દો તે ઠાણુ (થાણું) કે વિહાણુ (વહાણુ) એવા ગુજરાતી શબ્દો છે તે આવી વિસંગતિ છે. વિસંગતિઓની ઢગલાબંધ નોંધો તૈયાર થઈ શકે. આ બધી મર્યાદાએાની નોંધ અભ્યાસીઓએ લેવી જોઇએ. પહેલાં બે પ્રકરણો સામાન્ય ભાષાશાસ્ત્રનો વિષય આવરે છે. તો છત્રીસમું તથા છેલ્લાં બે પ્રકરણો અલંકારનો અથવા સાહિત્ય- મીમાંસાનો વિષય છે. પ્રકરણ પાંચમું તે સમયનો વ્યાકરણનો વિભાવ સ્પષ્ટ કરે છે જે આજે કાલાતીત છે એ અગાઉ જ આપણે જોયું. પ્રકરણ છ, સાત, આઠ અને નવમાં પણ મોટે ભાગે સાહિત્યમીમાંસાના ક્ષેત્રમાં જેને આવરી શકાય એ પ્રકારની ચર્ચા મળે છે. પ્રકરણ ચાર, ઓગણત્રીસ અને ત્રીસ ગુજરાતી ભાષાનો ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરનારને કેટલેક અંશે ઉપયોગી થાય એવાં છે, તો બાકીનાં પ્રકરણો ગુજરાતી ભાષાના વ્યાકરણનો અભ્યાસ કરનારને કેટલેક અંશે ઉપયોગી થાય એવાં છે. ગુજરાતી ભાષાનો ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરનારે પ્રકરણ ચાર, ઓગણત્રીસ અને ત્રીસમાંથી કેટલીક સામગ્રી જોઈ જવા જેવી છે. પ્રકરણ ચારમાં એમણે જુદા જુદા સમયની કૃતિઓમાંથી ઘણાં અવતરણો આપ્યાં છે. મોટે ભાગે સમયાનુક્રમ નજર સામે રાખીને હેમચંદ્રના પ્રાકૃતવ્યાકરણથી માંડીને ઇ.સ. ૧૬૫૦ સુધીની કૃતિએાનાં અવતરણ એમણે આપ્યાં છે. એમાંથી તેમણે સમય જતાં ભાષાના વ્યાકરણમાં કેવી રીતે ફેરફાર થયા—શબ્દરૂપમાં, શબ્દરચનામાં, કાળમાં, પ્રયોગમાં એ બતાવવાનો છૂટક છૂટક પ્રયત્ન કર્યો છે. પ્રકરણને અંતે અપભ્રંશ, જૂની ગુજરાતી અને હાલની ગુજરાતીનાં કેટલાંક સરખાં શબ્દરૂપોની યાદી આપી છે. ઓગણત્રીસમા પ્રકરણમાં એમણે આર્યો ભારતમાં આવ્યા ત્યારથી માંડી ભાષામાં કેવાં કેવાં પરિવર્તનો થયાં અને એને કેવાં કેવાં નામ આપવામાં આવ્યાં તેની ઉપરછલ્લી વિગતો આપી છે. ત્રીસમા પ્રકરણમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણે પ્રકરણોમાંની કેટલીક વિગતો અભ્યાસીને કાચી સામગ્રી તરીકે ઉપયોગી થઈ શકે. ખાસ કરીને પ્રકરણ ચારમાં આપવામાં આવેલાં જૂના સમયની કૃતિઓમાંનાં અવતરણો અભ્યાસીને ભાષાનો ઇતિહાસ તપાસવા માટે પ્રાથમિક દિશાસૂચન કરી શકે. ગ્રંથમાંનાં બાકીનાં પ્રકરણોમાં પદ, વાક્યાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભક્તિ, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના પ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, સમાસ, સંધિ, તદ્ધિત-કૃત પ્રત્યયો, દ્વિરુક્ત શબ્દ, પદ વિન્યાસ, વાક્યાર્થ અને વાક્ય પૃથક્કરણ વગેરેનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના મુદ્દાઓની ચર્ચા વિશે ખાસ કંઈ કહેવાનું નથી. પરંતુ એ ચર્ચામાં આપવામાં આવેલાં ઉદાહરણોમાંથી કેટલાંક ગુજરાતીભાષાને આજે તપાસનારને પણ ઉપયોગી થાય એવાં છે. એમાંના કેટલાક મુદ્દાઓની ચર્ચામાંથી દિશાસૂચનો જરૂર મળી શકે. ઉદાહરણ તરીકે વાક્યાર્થ અને વાક્ય પૃથક્કરણની ચર્ચા અથવા મિશ્ર વાક્ય અને સંયુક્ત વાક્યની ચર્ચા આજના અભ્યાસીને તેના અભ્યાસના આરંભબિંદુ તરીકે અથવા એ દિશામાં વિચારણા કરવા માટેના પ્રારંભ તરીકે ઉપયોગી થઈ શકે એમ છે. એ ચર્ચામાં શું ખૂટે છે, અથવા એમાં કઈ વિસંગતિ છે એનો વિચાર કરતાં કરતાં એ પોતાની વિચારણાનો તંતુ આગળ લંબાવી શકે એટલો ઉપયોગ પણ આ ચર્ચાનો કરવા જેવો. આપણે ત્યાં પાછળથી વિભક્તિના પ્રત્યયો વિશે, દ્વિરુક્ત શબ્દો વિશે, કૃત-તદ્ધિતના પ્રત્યયો વિશે, અને ગુજરાતી ભાષાના સમગ્ર રૂપતંત્ર વિશે જે જે વિચારણાઓ થઈ છે તે વિચારણા કરનારાઓએ આ ચર્ચાઓનો ઉપયોગ કર્યો છે, એ દરેકે સ્વીકારેલી હકીક્ત છે. ટૂંકમાં એમ કહી શકાય કે, આપણે ત્યાં વ્યાકગુની દિશામાં જે વિચારણા આગળ ચાલી એમાં સ્વ. કમળાશંકરભાઇના ‘બૃહદ્વ્યાકરણ’નું સ્થાન Pilot જેવું છે. દેખીતી રીતે એ વિચારણા આજના વૈજ્ઞાનિક અભિગમની સામે નભી ન શકે, છતાં એનું મહત્ત્વ છે જ એ સ્વીકારવું પડવાનું.

કાવ્યમર્મજ્ઞ

સંસ્કૃતના વિદ્વાન હોવાથી અને સંસ્કૃત અલંકારશાસ્ત્રનાં પુસ્તકોનો અભ્યાસ હોવાથી ભારતીય કાવ્યમીમાંસાના તેઓ ઊંડા અભ્યાસી હતા. તેમણે કાવ્ય અને સાહિત્યને લગતા જે છુટક લેખો લખ્યા હતા તે તેમના અવસાન પછી ‘કાવ્ય-સાહિત્ય મીમાંસા’ (૧૯૩૦)માં સંગ્રહિત કરવામાં આવ્યા. આ પુસ્તકના પાંચ વિભાગોમાં મેકોલે, શેક્સપીઅર અને કૂપરની વિચારણાનાં થોડાંક અવતરણોને (પૃ. ૩૨થી ૩૪) બાદ કરતાં બાકીનાં પૃષ્ઠોમાં ભારતીય આલંકારિકોને નજર સામે રાખીને કાવ્ય એટલે શું? થી માંડીને કાવ્યના પ્રકાર, કવિના આવશ્યક ગુણો, રૂપકના પ્રકારોના ભેદ, શ્રાવ્યકાવ્ય, મહાકાવ્ય, નાટય; ચમ્પૂ, કાવ્યનો આત્મા, કાવ્યનાં ફળો, કાવ્યનું મહત્ત્વ, કાવ્યનાં લક્ષણો, અલંકારના પ્રકાર, રીતિ, વૃત્તિ, રસની નિષ્પત્તિ વિશેના મીમાંસકો, નૈયાયિકો, સાંખ્યવાદીઓ અને આલંકારિકોના મતભેદ, રસના પ્રકાર, રસનો આસ્વાદ, કાવ્યનો આનંદ વગેરે અનેક વિષયો ઉપર સંસ્કૃત આલંકારિકોનાં અવતરણો સાથેની કાવ્ય-સાહિત્ય મીમાંસા જોવા મળે છે. કાવ્યસાહિત્ય મીમાંસા ઉપરાંત આ ગ્રંથ અભ્યાસીને એનાં બેય પરિશિષ્ટોને કારણે ઉપયોગી છે. પહેલા પરિશિષ્ટમાં સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદને પ્રમુખસ્થાનેથી તેમણે જે ભાષણ કર્યું તેમાં ગુજરાતી સાહિત્યના પ્રાચીન સમયથી અત્યાર સુધીના કવિઓ, સાહિત્યકારો, સાહિત્યપ્રકારો વગેરે ઉપરની છુટક વિચારણા મળે છે. બીજા પરિશિષ્ટમાં ‘શાળાપત્ર'ની જયુબિલી પ્રસંગે ‘શાળાપત્ર'નાં પચાસ વર્ષનો સંક્ષિપ્ત ઇતિહાસ આપવામાં આવ્યો છે. કેવા કેવા લેખકોએ, કેવા કેવા વિષય ઉપર કેવા કેવા લેખો લખ્યા છે તેની વિગતપૂર્ણ માહિતી અભ્યાસીને જરૂર ઉપયોગી થવાની.

ઉપસંહાર

ગણીએ તો ‘બૃહદ્વ્યાકરણ', ‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વો' અને ‘કાવ્ય–સાહિત્યમીમાંસા' એમના મૌલિક ગ્રંથો ગણાય. છતાં, જે વ્યાપકરૂપમાં, વિવિધ દિશામાં તેમણે તેમની વિદ્વત્તાને અજમાવી તેની નોંધ લેવાવી જોઈએ. ગુજરાત ભલે તેમને માત્ર મહાન વૈયાકરણી તરીકે જ ઓળખતું હોય, પરંતુ સંસ્કૃત અને કાવ્યના અભ્યાસમાં પણ એમનું પ્રદાન જરાય ઓછું નથી. અભ્યાસીઓ માટે તેમણે કરેલા સંસ્કૃત ભાષા-સાહિત્યના અધ્યયનનું ઝીણવટભર્યું અને વિગતસભર મૂલ્યાંકન જરાય ઓછું મહત્ત્વનું પુરવાર નહીં થાય.